સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમાટે—મૅક્સિકોનું પપાયરસ

અમાટે—મૅક્સિકોનું પપાયરસ

અમાટે—મૅક્સિકોનું પપાયરસ

મૅક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી

મૅક્સિકોના લોકોનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને રસપ્રદ છે. તેઓના સાંસ્કૃતિક વારસામાં પ્રાચીન સમયની બચાવી લેવાયેલી વસ્તુઓમાં “ટેસ્ટિમની” એટલે કે પિક્ટોગ્રાફી હસ્તપ્રતો પણ છે. આ હસ્તપ્રતો પર ચિત્રો ચીતરેલા છે. એના પરથી ઇતિહાસ, વિજ્ઞાન, ધર્મ અને કાળક્રમ જેવા ક્ષેત્રોમાં તેઓના જ્ઞાન વિષેની માહિતી મળે છે. વળી, વિકસિત મેસોમેરિકા (મૅક્સિકો અને સેન્ટ્રલ અમેરિકા) તેમ જ ઍઝટેક અને મય જેવી સંસ્કૃતિના રોજિંદા જીવન વિષે પણ જાણવા મળે છે. ટ્‌લાક્વીલોસ કે લહિયાઓ પાસે આ એક અદ્‍ભુત કળા હતી જેનાથી તેઓ ઇતિહાસ વિષે અલગ અલગ વસ્તુઓ પર લખી શકતા હતા.

જોકે, અમુક હસ્તપ્રતો કપડાંની પટ્ટીઓ, હરણની ચામડી કે મગે નામના છોડની છાલમાંથી બનેલા કાગળ પર લખવામાં આવતી. તોપણ, લોકો ખાસ કરીને અમાટેનો વધારે ઉપયોગ કરતા હતા. અમાટે નામ નાહઆટલ ભાષાના અમાટલમાંથી લેવામાં આવ્યું છે, કે જેનો અર્થ કાગળ થાય છે. અમાટે અંજીરના ઝાડની છાલમાંથી બનાવવામાં આવતો. આ ઝાડ મોરાસે જાતિમાંથી આવે છે. એન્સીક્લીપીડિયા ડે મૅક્સિકો અનુસાર, “અંજીરના ઝાડ ઘણા પ્રકારના હોય છે, આથી એના થડ, પાંદડાં, ફૂલો અને ફળની ઝીણવટભરી તપાસ પછી જ ઓળખી શકાય છે.” આમ અંજીર સફેદ અમાટે, જંગલના સફેદ અમાટે અથવા કથ્થાઈ અમાટે હોય શકે.

અમાટે—કઈ રીતે બનાવવામાં આવે છે?

સોળમી સદીમાં સ્પેનિશોએ મૅક્સિકો જીતી લીધું. ત્યાર પછી, તેઓએ અમાટે બનાવવાની કળાને બંધ કરવાનો પ્રયત્ન કર્યો. શા માટે? તેઓને એવું લાગતું હતું કે આદિવાસીઓ પોતાના રીતિ-રિવાજો માટે એનો ઉપયોગ કરે છે, કે જેનાથી કૅથલિક ચર્ચને સખત નફરત હતી. ડેગો દુરાન નામના એક સંતે પોતાના પુસ્તક ઇસ્તોનીયા ડે લાસ ઇન્યિયાસ ડે ન્યૂવા એસ્તાનીયા એ ઇસલાસ ડે લા ટીએસા ફર્મે (ન્યૂ સ્પેન ઇન્ડિઝ અને તીરા ફીરમા આયર્લેન્ડનો ઇતિહાસ)માં બતાવ્યું કે મૅક્સિકોના રહેવાસીઓ “પોતાના બાપદાદાઓના સમયમાં બનેલી મહત્ત્વની ઘટનાઓનો રેકોર્ડ રાખતા હતા. જો લોકોએ જાણે-અજાણે આવેશમાં આવીને આ રેકોર્ડનો નાશ ન કર્યો હોત તો, આજે આપણી પાસે જાણકારીઓનો ખજાનો હોત. કેમ કે એ લોકો એવું વિચારતા હતા કે એ હસ્તપ્રતો જૂઠા ધર્મની છે, આથી તેઓએ એને બાળી નાખી. હકીકતમાં, તેઓએ અણમોલ ઇતિહાસનું નામનિશાન મિટાવી દીધું.”

તેમ છતાં, પરંપરાગત રીતે બનાવવામાં આવતા અમાટે કાગળનું ઉત્પાદન અટકાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા. કેમ કે એ આજે પણ મળી આવે છે. ઉત્તર સિયેરા પહાડોના પ્યુએબ્લા રાજ્યના સૅન પબ્લીટો શહેરમાં અમાટે બનાવવામાં આવે છે. આ શહેર પાવાત્લાની નગરપાલિકામાં છે. રાજા ફિલીપ બીજોનો શાહી વૈધ ફાન્થીસ્કો અર્નાડેથની માહિતીનો ઉલ્લેખ કરતા આરકેઓલોકીઆ મેહીકે (મૅક્સિકન પુરાતત્વ) મૅગેઝિન બતાવે છે કે “કાગળ બનાવનારાઓ ઝાડની જાડી ડાળીઓ જ કાપતા અને થડને રહેવા દેતા. ત્યાર પછી, તેઓ ડાળીઓ નરમ બને એ માટે નજીકમાં આવેલા નદી-ઝરણાંમાં આખી રાત રહેવા દેતા. બીજા દિવસે, તેઓ ડાળીની છાલ ખેંચી કાઢતા અને છાલના બહારના પડને અંદરના પડથી અલગ કરતા. પછી તેઓ છાલનું અંદરનું પડ ઉપયોગમાં લેતા.” છાલને સાફ કર્યા પછી, એના રેસાને કોઈ સપાટ જગ્યા પર પાથરીને પથ્થરની હથોડીથી ટીપવામાં આવતા હતા.

આજકાલ રેસાઓને નરમ બનાવવા અને અમુક તત્ત્વો કાઢી નાખવા માટે એમાં રાખ અને ચૂનો પણ ઉમેરીને મોટાં તપેલાંઓમાં ઉકાળવામાં આવે છે. લગભગ છ કલાક એને ઉકાળવામાં આવે છે. પછી રેસાને સાફ કરીને પાણીમાં રાખી મૂકવામાં આવે છે. ખાટલામાં કાથી ભરવામાં આવે છે એવી રીતે, કારીગર લાકડાંના એક સપાટ ભાગ પર રેસાને એક પછી એક કરીને ગૂંથે છે. ત્યાર બાદ, પથ્થરની હથોડીથી, રેસાને કાગળ ન બને ત્યાં સુધી સતત ટીપવામાં આવે છે. છેવટે, કાગળની કિનારીઓને અંદરની તરફ વાળીને તાપમાં સૂકવવામાં આવે છે.

અમાટેના ઘણા અલગ અલગ રંગો હોય છે. મોટા ભાગે એ બદામી રંગનું હોય છે. એ ઉપરાંત, સફેદ કે આછો બદામી રંગ, સફેદ અને બદામી રંગના ટપકાંવાળાં અને પીળા, વાદળી, ગુલાબી તથા લીલા રંગમાં પણ હોય છે.

અમાટે—આજે ઉપયોગ

અમાટેમાંથી હસ્તકલાની સુંદર વસ્તુઓ બનાવવામાં આવે છે. જોકે, આ કાગળ પર પેઈન્ટ કરેલા અમુક ચિત્રો ધાર્મિક છે છતાં, બીજા એવા ઘણાં ચિત્રો છે જે અલગ અલગ પ્રાણીઓ, તહેવારો અને મૅક્સિકન લોકોનું સુખી જીવન બતાવે છે. રંગબેરંગી ચિત્રો ઉપરાંત, ગ્રિટિંગ્સ કાર્ડ્‌સ, બુકમાર્ક્સ અને હસ્તકલાની બીજી અનેક વસ્તુઓ પણ જોવા મળે છે. આ પ્રકારની કલાકારીથી મૅક્સિકોના લોકો તેમ જ પરદેશીઓ પણ મોંમાં આંગળા નાખી જાય છે. તેઓ આ વસ્તુઓને સજાવટ માટે ખરીદે છે. આ કારીગરી ફક્ત મૅક્સિકો પૂરતી જ નહિ પણ દુનિયાના ઘણા ભાગોમાં ફેલાઈ છે. પ્રાચીન હસ્તપ્રતોની પણ આબેહૂબ નકલ કરવામાં આવી છે. સ્પેનિશ લોકોને આ કળા પહેલી વાર જોવી કેટલી રસપ્રદ લાગી હશે! અગાઉ ઉલ્લેખ કરેલા ડોમીનેકાનાં સાધુ ડેગો દુરાને જણાવ્યું કે મૅક્સિકોના રહેવાસીઓએ “કોઈ બનાવ બન્યો હોય એનાં વર્ષો, મહિનાઓ અને દિવસોની ગણતરીની ઝીણામાં ઝીણી માહિતીને પુસ્તકો અને કાગળના લાંબા ટુકડા પર લખી લીધી અને એને ચિત્રોમાં પણ આલેખી. તેઓના હુકમ અને વટહુકમો, વસ્તી ગણતરી વગેરેનો આ ચિત્રોમાં વિગતવાર ઉલ્લેખ કરેલો છે.”

મૅક્સિકોના અદ્‍ભુત વારસા સાથે અમાટે બનાવવાની પરંપરા આજ સુધી ટકી રહી છે. એ કેટલું અદ્‍ભુત કહેવાય! પ્રાચીન સમયના ટ્‌લાક્વીલોસ એટલે કે લહિયાઓની જેમ આજના હસ્તકલાના કારીગરો પણ અમાટેની અજાયબીનો આનંદ માણે છે. આથી, એને મૅક્સિકોનું પપાયરસ કહે છે. (g04 3/8)

[પાન ૨૪ પર ચિત્ર]

રેસાને ટીપવામાં આવે છે