સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું નેતાઓ જગત પર શાંતિ લાવી શકે છે?

શું નેતાઓ જગત પર શાંતિ લાવી શકે છે?

બાઇબલ શું કહે છે

શું નેતાઓ જગત પર શાંતિ લાવી શકે છે?

શું તમે એવી આશા રાખો છો કે એક દિવસ આખા જગત પર શાંતિ હશે? કોઈ જગ્યાએ યુદ્ધ જ નહિ હોય? ઘણા લોકો માને છે કે જો રાજનેતાઓ એક થઈને કોશિશ કરે તો, તેઓ પોતાના દેશમાં જ નહિ, પણ જગતભરમાં શાંતિ લાવશે. પરંતુ, આ રીતે પણ નેતાઓ શાંતિ લાવી શક્યા નથી. તેથી, ઘણા લોકોને લાગે છે કે શાંતિ કદી આવશે જ નહિ. સદીઓથી નેતાઓ શાંતિ લાવવા માટે કોશિશ કરે છે, શિખર સંમેલનો ભરે છે અને એકબીજા સાથે કરાર કરે છે. એનાથી થોડો ઘણો ફાયદો થયો છે, પણ મૂળ તકલીફો હલ થઈ નથી.

કદાચ આપણે વિચારીએ છીએ કે શા માટે નેતાઓ શાંતિ લાવી શકતા નથી? કે શાંતિ લાવવા માટે શું સાચા ખ્રિસ્તીઓએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ? વળી, કઈ રીતે આખી દુનિયા પર શાંતિ આવશે? આ પ્રશ્નોના જવાબ બાઇબલમાં છે, ચાલો એ જોઈએ.

માણસો શા માટે શાંતિ લાવી શકતા નથી?

બાઇબલમાંથી અમુક કિસ્સાઓ બતાવે છે કે જ્યારે બે વ્યક્તિઓ મળીને વાત કરે છે ત્યારે શાંતિ પરિણમે છે. દાખલા તરીકે, અબીગાઈલ દાઊદને મળી અને તેમની સાથે વાત કરી. એને લીધે દાઊદ અને તેમના સૈનિકોએ અબીગાઈલના પતિ, નાબાલ પર વેર વાળ્યું નહિ. (૧ શમૂએલ ૨૫:૧૮-૩૫) ઈસુએ એક દૃષ્ટાંત આપ્યું જેમાં એક રાજા શાંતિ જાળવી રાખવા માટે રાજદૂત મોકલે છે. (લુક ૧૪:૩૧, ૩૨) હા, બાઇબલ બતાવે છે કે અમુક વાર નેતાઓ શાંતિ લાવી શકે છે. પરંતુ, શા માટે આજના રાજનેતાઓ શાંતિ લાવી શકતા નથી? શા માટે તેઓ સભાઓ ભરે છે છતાં કંઈ ફરક પડતો નથી?

બાઇબલમાં અગાઉથી ભાખવામાં આવ્યું છે કે આપણે આકરા સમયમાં જીવી રહ્યા છીએ. બાઇબલ જણાવે છે કે શેતાનના હાથ નીચે આવી ગયેલા માણસો એક થઈને શાંતિ જાળવી રાખવાને બદલે ક્રૂર સ્વભાવના થશે. તેમ જ તેઓ ‘દયા વગરના, બદલો લેનારા, દગો દેનારા, અભિમાનથી ફૂલાઈ ગયેલા’ થશે. (૨ તીમોથી ૩:૩, ૪, પ્રેમસંદેશ) તેમ જ ઈસુએ કહ્યું હતું કે આ દુનિયાના અંત પહેલાં આપણે ‘લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળીશું.’ (માર્ક ૧૩:૭, ૮) ખરેખર, આ શાસ્ત્રવચનો આજે સાચાં પડે છે. એટલે જગતના નેતાઓ શાંતિ લાવી શકતા નથી.

ભલે નેતાઓ અને પ્રધાનો શાંતિ જાળવી રાખવા માટે અમુક પગલાં લે, પણ તેઓ મોટા ભાગે પોતાના દેશનો જ કક્કો ખરો કરવા માગે છે. સર્વ નેતાઓની નિયત એ જ હોય છે. તો શાંતિ લાવવા માટે શું સાચા ખ્રિસ્તીઓએ રાજકારણમાં માથું મારવું જોઈએ?

શું સાચા ખ્રિસ્તીઓએ નેતાઓમાં ભરોસો મૂકવો જોઈએ?

બાઇબલ કહે છે: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમકે તેની પાસે તારણ નથી.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) આ કલમ કહે છે કે ભલે નેતાઓ ઇચ્છતા હોય, પણ તેઓ કદી દુનિયામાં સુખ-શાંતિ લાવી શકતા નથી.

ઈસુએ પીલાતને કહ્યું: “મારૂં રાજ્ય આ જગતનું નથી; જો મારૂં રાજ્ય આ જગતનું હોત, તો મને યહુદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારૂં રાજ્ય તો અહીંનું નથી.” (યોહાન ૧૮:૩૬) નેતાઓ શાંતિ લાવવાની સભાઓ ભરીને ભાષણ આપે છે, ત્યારે તેઓ સ્વાર્થથી બોલતા હોય છે. તેથી, યહોવાહના ભક્તો આ દુનિયાના રાજકારણમાં કોઈ જાતનો ભાગ લેતા નથી.

તો શું એનો અર્થ એમ થાય છે કે સાક્ષીઓ શાંતિ લાવવાની કોઈ ઇચ્છા રાખતા નથી? અથવા તેઓને લોકોના દુઃખ વિષે કંઈ પડી નથી? ના, એવું નથી. બાઇબલ કહે છે કે યહોવાહના ભક્તો દુનિયાની હાલત જોઈને “નિસાસા નાખતા હોય” છે. (હઝકીએલ ૯:૪) પરંતુ, ખ્રિસ્તીઓ યહોવાહ પરમેશ્વર પર શ્રદ્ધા રાખે છે કે તેમના વચન પ્રમાણે તે નજીકમાં શાંતિ લાવશે. શું તમે તમન્‍ના રાખો છો કે દુનિયાભરમાં શાંતિ ફેલાય? તો યહોવાહનું રાજ્ય તમારી તમન્‍ના પૂરી કરશે જ! (ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯) એ રાજ્ય ખાતરી આપે છે કે આપણે સર્વ સુખ-શાંતિમાં જીવીશું. (મીખાહ ૪:૩, ૪; પ્રકટીકરણ ૨૧:૩, ૪) એવું સાચું સુખ, સાચી શાંતિ લાવવાની તાકાત આ જગતના કોઈ પણ નેતાઓમાં કે સેનામાં નથી! તેઓ તો બસ ઉપરછલ્લી શાંતિ જ લાવી શકે છે.

જેઓ રાજનીતિમાં પર ભરોસો મૂકે છે, તેઓ નિરાશ થઈ જાય છે. શા માટે? કેમ કે બાઇબલ અને ઇતિહાસ પણ બતાવે છે કે માણસો શાંતિ લાવી શકતા નથી. પરંતુ, જેઓ ઈસુ પર નભે છે અને પરમેશ્વર યહોવાહના રાજ્યને સાથ દે છે, તેઓ કાયમ શાંતિમાં જીવશે!—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯. (g04 1/8)

[પાન ૧૩ પર બ્લર્બ]

ભલે નેતાઓ ઇચ્છતા હોય, તેઓ કદી સુખ-શાંતિ લાવી શકતા નથી

[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

નીચે: Photo by Stephen Chernin/Getty Images