સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટાયર પરની તમારી મુસાફરી!

ટાયર પરની તમારી મુસાફરી!

ટાયર

પરની તમારી મુસાફરી!

કલ્પના કરો કે તમે કારમાં બેઠા છો. આગળ એંજિન છે. એક બાજુ ટાંકી છે. ટાંકીમાં પેટ્રોલ છે. એ ટાંકીનું તળિયું જમીનથી વેંત જેટલું ઊંચું છે. એંજિન ચાલુ કરીને નીચે એક પેડલ દબાવો એટલે તમારી કાર પવનની વેગે ભાગે છે. તમારી કારની જેમ બીજી કારો પણ એક જ દિશામાં દોડે છે. એ જ સમયે વિરુદ્ધ દિશામાંથી કારો સુસવાટા કરતી જાય છે.

કદાચ તમે કારમાં બેસીને ઘણા હાઈવે પર મુસાફરી કરી હશે. સવાલ થાય છે કે કાર કંટ્રોલમાં રાખવા શું મદદ કરે છે? ખરું કહીએ તો, કારનાં ટાયર બહુ જ મદદરૂપ થાય છે.

ટાયરનું કામ શું?

ટાયર અનેક મહત્ત્વના કામ કરે છે. ટાયર કારનું વજન ઉપાડે છે. કાર ખાડા-ટેકરામાંથી પસાર થાય ત્યારે, ટાયર એનો ઘસારો સહે છે. ટાયરના ટ્રેડથી કાર આગળ-પાછળ સહેલાઈથી દોડી શકે છે. ટાયરને કારણે કારને સ્ટિયરિંગ, કંટ્રોલિંગ અને બ્રેકિંગ સહેલું બને છે. પછી ભલેને રસ્તો ગમે એવો હોય પણ કાર ફાસ્ટ ચલાવવામાં વાંધો આવતો નથી. તમે જોયું હશે કે આખા ગોળ પૈડાંમાંથી ફક્ત પોસ્ટકાર્ડ જેટલું જ ટાયર જમીનને અડતું હોય છે.

ટાયર આટલું મહત્ત્વનું કામ કરે છે એ જાણ્યા પછી સવાલ થાય છે કે ‘શું કરવાથી તમે ટાયરની સારી દેખભાળ રાખી શકો? નવું ટાયર લેવું પડે ત્યારે કેવી રીતે યોગ્ય પસંદગી કરવી?’ ચાલો પહેલાં આપણે જોઈએ કે ટાયરની શરૂઆત કેવી રીતે થઈ!

રબરની શરૂઆત

પૈડું સદીઓ પુરાણું છે. પણ લોખંડની રિમ ઉપર ટાયર બેસાડવાની કળા એટલી પુરાણી નથી. વર્ષ ૧૮૫૦ પહેલા લાકડાના કે લોખંડના પૈડાં ઉપર અસલ રબર ચડાવવામાં આવતું હતું. એ રબર ઝડપથી ઘસાઈ જતું. એ સમયે કોઈએ સપનામાં પણ ધાર્યું ન હતું કે આવતી કાલે એવું ટાયર બનશે જે કપડાંની જેમ બદલી શકાશે. અમેરિકામાં ચાર્લ્સ ગુડઈયર નામનો માણસ હતો. તે એવું ટાયર બનાવવાના પ્રયત્ન કરવા લાગ્યો. ગુડઈયરે ૧૮૩૯માં શોધી કાઢ્યું કે રબરને ઉકાળીને એમાં ગંધક નાખવાથી રબરને વાળવું હોય એમ વાળી શકાય છે. એ લાંબું ટકે પણ છે. પછી ટ્યૂબ વગરનાં ટાયર બનવા લાગ્યાં. પણ એવા ટાયરથી કાર ખાડા ટેકરાવાળા રસ્તા પર વધારે ઊછળતી. એનાથી કાર ચલાવવી અઘરું બનતું હતું.

ઇંગ્લૅંડના ઉત્તર ભાગમાં આવેલા સ્કૉટલૅન્ડમાં એક ઇજનેર હતો. તેનું નામ રોબર્ટ ડબલ્યુ થોમસન હતું. હવા ભરી શકાય એવું ટાયર બનાવવાની ડિઝાઇન તેને ૧૮૪૫માં મળી. પણ તે એવું ટાયર બનાવી ન શક્યો. તેની જેમ જૉન બાઈડ પણ સ્કૉટલૅન્ડમાં રહેતો હતો. તેના દીકરાની એક સાઇકલ હતી. એ સાઇકલનું આખું ટાયર રબરનું હતું. જૉન બાઈડે એમાં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો, જેથી એમાં હવા ભરી શકાય. આ રીતે તેણે શોધી કાઢ્યું કે ટાયર-ટ્યૂબ કેવી રીતે બનાવી શકાય. જૉન બાઈડે ૧૮૮૮માં એવાં ટાયર બનાવવાની ફેક્ટરી નાખી. પછી એવા ટાયરની માંગ ખૂબ વધી. તે પ્રખ્યાત થઈ ગયો. પણ આ ટાયરની ડિઝાઇનમાં હજી ઘણો સુધારો કરવાનો હતો.

ફ્રાંસમાં સાઇકલનો એક પ્રેમી હતો. તેની સાઇકલમાં ૧૮૯૧માં પંચર પડ્યું. તેણે પંચર રીપેર કરવા ખૂબ પ્રયત્ન કર્યો. પણ ફાવ્યો નહિ, કારણ કે ટાયર જ સાઇકલના પૈડાં સાથે એવી રીતે ચોંટી ગયા હતા કે ઊખડવાનું નામ લેતા ન હતા. તેનો એક મિત્ર ફ્રાંસમાં જ રહેતો હતો. તેનું નામ ઍડવર્ડ મિચેલ હતું. તે રબર બનાવવાના કામ માટે જાણીતો હતો. મિચેલને તેના મિત્રની સાઇકલના ટાયરનું પંચર કાઢતા નવ કલાક લાગ્યા. આ અનુભવથી તેને થયું કે, જો પોતે પૈડાં પરથી ટાયર ઉતારી, રીપેર કરીને, પાછું ચડાવીને એમાં હવા ભરી શકે તો કેવી મજા આવે!

મિચેલ એવું ટાયર બનાવવામાં સફળ થયો. એના બીજા જ વર્ષે ૧૦,૦૦૦ સાઇકલ સવારો મિચેલ ટાયર વાપરવા લાગ્યા. થોડા સમય પછી પૅરિસમાં ઘોડાગાડી ચલાવનારાઓ પણ મિચેલનાં ટાયરો વાપરવા લાગ્યા. એ ટાયરમાં તો હવા ભરી શકાતી. ઘોડાગાડીમાં આરામથી મુસાફરી થતી. પછી કારમાં પણ એવાં ટાયર વપરાવાં લાગ્યાં. ઍડવર્ડ અને તેનો ભાઈ ઓન્ડ્રે ૧૮૯૫માં એ ટાયર પોતાની કારમાં ચડાવીને રેસમાં ઊતર્યા. તેઓ એમાં હારી ગયા. પણ લોકોને એ ટાયર જોઈને ખૂબ નવાઈ લાગી. અરે, તેઓ ટાયર કાપીને જોવા લાગ્યા કે મિચેલ ભાઈઓએ એમાં શું ભર્યું છે!

વર્ષ ૧૯૩૦ પહેલાં ટાયરો બનાવવામાં રબરની સાથે રૂ અને એના જેવી અનેક વસ્તુઓ વાપરવામાં આવતી. એનું રબર બહુ જ કડક રહેતું. પછી ૧૯૩૦-૧૯૪૦ના દાયકામાં નવી નવી શોધ થતી ગઈ. એમાં નાયલૉન, કૉટન અને પોલીસ્ટર જેવી વસ્તુઓ વપરાવા લાગી. બીજા વિશ્વયુદ્ધ પહેલાં ટ્યૂબવાળાં ટાયર બનતાં, કેમ કે ટ્યૂબ વગરનાં ટાયર અને રીમ વચ્ચે બરાબર સીલ થતું ન હોવાથી એમાંથી હવા નીકળી જતી. પણ બીજા વિશ્વયુદ્ધ પછી ટ્યૂબ વગરનાં ટાયર બનવા લાગ્યાં જેમાં હવા ભરી શકાતી. એમાં પણ દિવસે દિવસે સુધારો થતો ગયો.

શું તમે જાણો છો કે આજે ટાયર બનાવવામાં કેટલી વસ્તુઓ વપરાય છે? બસોથી પણ વધારે! આજે નવી નવી વસ્તુઓથી ટાયર બનતાં હોવાથી એ લાંબો સમય ટકે છે. ઘણાં તો ૧,૩૦,૦૦૦ કિલોમીટર (૮૦,૦૦૦ માઇલ) મુસાફરી કરે ત્યાં સુધી ટકે છે. એવી જ રીતે રેસીંગ કાર વીજળી ઝડપે દોડતી હોવાથી એના ટાયર ઘણા કલાકો સુધી ટકે છે. સાથે સાથે આજે ટાયરો બહુ જ સસ્તા થઈ ગયાં છે.

ટાયરની પસંદગી

આપણે જાણીએ છીએ કે ટાયર કાયમ ચાલતાં નથી. આપણે કેવી રીતે કહી શકીએ કે ટાયર ઘસાઈ ગયું છે કે નહિ? પોતે સમયથી સમય ટાયર તપાસવા જોઈએ. ટાયરમાં ક્યાં કાપા પડ્યા છે? ક્યાં નુકસાન થયું છે? * આજે ટાયરની કંપનીઓ જુદા જુદા રંગવાળો માલ વાપરીને ટાયર બનાવે છે. એટલે ટાયર ઘસાઈ જાય ત્યારે, જુદા જુદા રંગવાળા પડ દેખાવા લાગે છે. ટ્રેડ ટાયર સાથે બરાબર ચોંટેલું છે કે કેમ એ તપાસવું જોઈએ. એમાંથી જો સ્ટીલના તાર દેખાવા લાગે, ડચકું નીકળી ગયું હોય કે પછી સાઇડમાંથી ફૂગ્ગાની જેમ ફૂલી જતું દેખાય તો સમજી લેવું કે ટાયર બદલવાની જરૂર છે. એવા ટાયરવાળી કાર ચલાવવી ન જોઈએ. નવાં ટાયર લેવાનાં થાય તો, જેમની પાસેથી તમે પહેલાં લીધાં હતાં, ત્યાં જૂનાં ટાયર લઈ જવાથી કદાચ તમને ફાયદો થઈ શકે. કેવી રીતે? કદાચ જૂનાં ટાયરની હજી વોરંટી હોય શકે. તેથી નવું ટાયર કદાચ સસ્તામાં મળી શકે.

જો કારનું એક ટાયર બદલાવવાની જરૂર હોય તો, ફક્ત એક જ બદલાવવું ન જોઈએ. પણ જોડીમાં બદલાવવાં જોઈએ. જેમ કે આગળનું કોઈ એક બાજુનું ટાયર ગયું હોય તો આગળના બંન્‍ને ટાયર સાથે બદલાવવાં જોઈએ. એ જ રીતે પાછળ પણ એક ટાયર નહિ પણ બંન્‍ને બદલાવવા જોઈએ. એમ કરવાથી કારને કંટ્રોલમાં રાખવા અને બ્રેક મારવાનું સહેલું બનશે.

તમારી કાર માટે કયું ટાયર યોગ્ય છે એ કેવી રીતે કહી શકાય? આજે તો અનેક પ્રકારનાં અને સાઇઝનાં ટાયર આવે છે. ઘણી વાર બધાં ટાયર જોઈને જ મૂંઝવાઈ જવાય. એવું ન થાય એ માટે તમારે શું કરવું જોઈએ? કારની કંપનીએ તમારી કાર સાથે એક ચોપડી આપી હશે. એમાં લખ્યું હોય છે કે પૈડાંની સાઇઝ કઈ છે. ક્યારે, કેવાં પ્રકારનાં ટાયર વાપરવાં જોઈએ. એમાં કેટલી હવા ભરવી જોઈએ. કાર કેટલું વજન ઉપાડી શકશે. ઘણી વાર આવી માહિતી કારના દરવાજાની અંદરની સાઇડમાં લખેલી હોય છે. આજે તો નવી કારમાં અપ-ટુ-ડેટ સાધનો હોય છે જે જૂનીમાં હોતાં નથી. જેમ કે વરસાદ કે બરફમાં બ્રેક મારતી વખતે કાર લપસી ન જાય એ માટે એમાં ઑટોમેટિક કંટ્રોલર હોય છે.

તેમ છતાં, ટાયર લેતા પહેલાં અમુક બાબતો વિષે તમારે વિચારવું જોઈએ. જેમ કે મોટા ભાગે તમે કેવા વિસ્તારમાં કાર ચલાવશો? ઉજ્જડ મેદાનમાં, સડક પર કે પછી ખાડા-ટેકરાવાળા રસ્તા પર? કે પછી આખું વર્ષ બધા વાતાવરણમાં એક જ પ્રકારના ટાયર વાપરશો?

ભૂલશો નહિ કે ટાયરના જુદા જુદા ગ્રેડ હોય છે. એ ગ્રેડ પરથી ખબર પડશે કે ટાયર કેટલો સમય ચાલશે. એમ કહેવામાં આવે છે કે ટ્રેડનું રબર પોચું હોય તો રોડ સાથે ટાયરની વધારે પકડ રહેશે, અને એ ઝડપથી ખલાસ થઈ જશે. એ જ રીતે ટ્રેડનું રબર કઠણ હશે તો રોડ પર ઓછી પકડ રહેશે, અને લાંબો સમય ટકશે. ટાયર કયા ગ્રેડનું છે એને લગતી માહિતી મોટે ભાગે ટાયરની દુકાનમાંથી મળી આવશે. ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક ટાયર કંપનીના ગ્રેડીંગ જુદા જુદા હોય છે.

આ બધી માહિતી જાણ્યા પછી તમને પોસાય એવા ટાયર લઈ શકશો. સસ્તા ટાયર લેવામાં છેતરાવું ન જોઈએ. ઘણી વાર જાણીતી કંપનીઓ ટાયરની વોરંટી આપે છે.

ટાયરની સંભાળ

ટાયરની સંભાળ રાખવાની ત્રણ રીતો છે: બધા જ ટાયરમાં હિસાબ પ્રમાણે હવા ભરવી જોઈએ. થોડા થોડા સમયે ટાયરની અદલા-બદલી કરવી જોઈએ. જેમ કે આગળની જોડ પાછળ અને પાછળની જોડ આગળ. સમયથી સમય પૈડાં બેલેન્સીંગ કરાવવાં જોઈએ. આગળ-પાછળનાં પૈડાં એક લાઇનમાં છે કે નહિ એ તપાસ કરાવી લેવી જોઈએ. જો ટાયરમાં વધુ પડતી હવા હશે તો ટાયરનો વચ્ચેનો ભાગ જલદી ઘસાઈ જશે. હવા ઓછી હશે તો ટાયરની બંન્‍ને સાઇડો જલદી ઘસાઈ જશે. ટાયર રસ્તા પર સારી પકડ આપશે નહિ. એ કારણથી કાર જેટલું પેટ્રોલ-ડીઝલ પીવે છે એના કરતાં વધારે પીશે.

એવું વિચારશો નહિ કે કારનું ટાયર જોવાથી ખ્યાલ આવી જાય છે કે હવા ઓછી છે. ટાયર કંપનીઓનું કહેવું છે કે ટાયરમાં હવા ઓછી હશે તોપણ જોવાથી આપણને ખબર નહિ પડે. એ કારણથી મહિનામાં એક વાર મશીનથી હવા ચેક કરવી જોઈએ. ઘણા કારના માલિકો હવા માપવાનું મીટર કારમાં આગળના ખાનામાં રાખે છે. જેથી એ જોવાથી જ હવા ચેક કરવાનું યાદ આવી જાય. જ્યારે તમે એંજિનનું ઓઇલ બદલો ત્યારે હવા ચેક કરી લેવી જોઈએ. કાર લાંબો સમય ચલાવી હોય તો, ઊભી રાખી એના ત્રણ કલાક પછી ટાયરમાં હવા ચેક કરવી જોઈએ. ટાયરમાં કેટલી હવા ભરવી જોઈએ? એ માહિતી તમને કારના દરવાજાની અંદરની સાઇડમાં અથવા એની ચોપડીમાંથી મળી આવશે. પણ હદ ઉપરાંત હવા ટાયરમાં ભરવાથી કાર વધારે ઊછળ્યા કરશે. એનો માર ટાયરની સાઇડો પર આવશે.

જો આગળ અને પાછળનાં ટાયર જોડમાં અવારનવાર બદલાવતા રહેશો તો બધા જ એક સરખા ઘસાશે અને લાંબો સમય ચાલશે. સિવાય કે કારની કંપની એમ કરવાની મનાઈ કરતી હોય. કહેવા પ્રમાણે ૧૦,૦૦૦-૧૩,૦૦૦ કિલોમીટર (૬,૦૦૦-૮,૦૦૦ માઇલ) કાર ચલાવ્યા પછી ટાયર બદલી નાખવાં જોઈએ. કેવી રીતે બદલાવવાં એ માહિતી કારની ચોપડીમાં આપી હશે.

દર વર્ષે પૈડાં ચેક કરાવવાં જોઈએ કે તે સીધાં છે કે કેમ. જો કાર ચાલતી વખતે ધ્રૂજતી હોય તો, જરૂર ચેક કરાવવાં જોઈએ. કાર ચાલતી હોય ત્યારે ખાડા ખાબોચિયાંને કારણે આંચકા ન આવે અને પૈડાં સીધાં રહે એ માટે જુદી જુદી જાતની સ્પ્રિંગો (શૉક એબ્સૉર્બર્સ) હોય છે. કાર વપરાતી હોવાથી પૈડાંના મજાગરા અને ટાયર ઘસાય છે. તેથી પૈડાં થોડા થોડા સમયે સીધાં કરાવવાં જોઈએ. અનુભવી મિકૅનિક પાસે કાર લઈ જવાથી તે શૉક એબ્સૉર્બર્સ અને પૈડાં સારી રીતે ચેક કરી આપશે. પછી તમે આરામથી કાર ચલાવી શકશો અને ટાયર લાંબો સમય ટકશે.

“હોશિયાર” ટાયર

આજે ઘણી કારોમાં કૉમ્પ્યુટર હોય છે. ટાયરમાં હવા ઓછી થઈ જાય તો એ ડ્રાઇવરને કહેશે. અમુક ટાયર એવાં આવે છે કે ટાયરમાં હવા ન હોય તોપણ થોડા અંતર સુધી કાર ચલાવી શકાય. બીજાં એવાં ટાયર આવે છે કે પંચર પડે તો જાતે જ રીપેર થઈ જાય. એન્જિનિયરો એવાં ટાયર બનાવવાનો પ્રયત્ન કરે છે જે બધા વાતાવરણમાં ટકી શકે.

આજે કારની વસ્તુઓમાં, ટ્રેડની ડિઝાઇનમાં, શૉક એબ્સૉર્બર્સમાં, બ્રેકિંગમાં અને સ્ટિયરિંગમાં ખૂબ જ પ્રગતિ થઈ છે. તેથી નવી કારોનાં ટાયર વધારે સારાં હોય છે. (g04 6/8)

[ફુટનોટ]

^ ટાયર કેવી રીતે તપાસવું એ માટે પાન ૨૯ પરનો ચાર્ટ જુઓ.

[ચાર્ટ/પાન ૨૮ પર ચિત્ર]

ટાયર કેવી રીતે તપાસી શકાય?

જુઓ કે

❑ શું સાઇડમાંથી ફૂલી ગયું છે?

❑ શું એમાંથી સ્ટીલના તાર દેખાય છે?

❑ ઘસાઈ જવાની નિશાનીઓ દેખાય છે?

આ પણ વિચારો

❑ ટાયરમાં હવા બરાબર છે?

❑ ટાયર બદલાવવાનો સમય થયો છે? (ક્યારે અને કેવી રીતે ટાયર બદલાવવા એ કારની ચોપડી પ્રમાણે બદલાવશો.)

❑ શું મોસમ પ્રમાણે ટાયર બદલાવવા જોઈએ?

[ચિત્ર]

ઘસારાની નિશાની

[પાન ૨૮ પર ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ટાયરના ભાગ

ટ્રેડ રસ્તા પર પકડ આપે છે

પટા ટાયર અને ટ્રેડને મજબૂતી આપે છે

સાઇડો રસ્તા પર પથ્થરોથી બાજુઓને રક્ષણ આપે છે

વચ્ચેના થર ટાયરને મજબૂતી આપે છે

ટાયરની અંદર ટ્યૂબ વગર હવા ભરવાનો ભાગ

બીડ રિમ સાથે ચપટ ચોંટી જાય છે

[પાન ૨૭ પર ચિત્ર]

શરૂઆતની ટાયર-ટ્યૂબવાળી સાઇકલ અને કાર; શરૂઆતની ટાયર બનાવવાની ફેક્ટરી

[ક્રેડીટ લાઈન]

The Goodyear Tire & Rubber Company