સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફરજ નિભાવવાના ડૉક્ટરોના સોગંદ

ફરજ નિભાવવાના ડૉક્ટરોના સોગંદ

ફરજ નિભાવવાના ડૉક્ટરોના સોગંદ

શું તમે જાણો છો કે આજકાલ અનેક મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓએ સોગંદ લેવા પડે છે? એ સોગંદ ખાધા પછી તેઓ ડૉક્ટર બને છે અને તેઓને જવાબદારી પૂરી રીતે નિભાવવી પડે છે. અમુક લોકો કહે છે કે એ સોગંદ લગભગ ૨,૪૦૦ વર્ષ પહેલાં હિપોક્રેટિસ નામના એક ગ્રીક વૈદથી શરૂ થયા હતા. તેથી, એ સોગંદને હિપોક્રેટિસના સોગંદ કહેવામાં આવે છે.

હકીકત બતાવે છે કે કદાચ હિપોક્રેટિસે એ સોગંદ લખ્યા ન હતા. આજના ડૉક્ટરો એ જૂના સોગંદને પૂરી રીતે પાળતા નથી.

શું તમે જાણો છો કે એ સોગંદ કોણે લખ્યા હતા? એ સોગંદ આપણને કઈ રીતે અસર કરે છે?

એ સોગંદ કોણે લખ્યા?

એ સોગંદ અનેક દેવી-દેવતાના નામથી શરૂ થાય છે. એ જમાનામાં લોકો માનતા હતા કે દેવી-દેવતાઓ તેઓને બીમાર કરી શકતા હતા. પણ હિપોક્રેટિસ પહેલા હતા જેમણે સાબિત કર્યું કે બીમારીનું મૂળ દેવોથી નહિ, પણ માણસોના જિન્સમાં છે અને એ કુદરતી કારણોસર થાય છે. એટલે હિપોક્રેટિસે એ સોગંદ લખ્યા હોય, એવું લાગતું નથી.

એ સોગંદમાં લખેલું હતું કે ડૉક્ટરોએ કોઈને પણ ગર્ભપાત કે આપઘાત કરવા મદદ કરવી જોઈએ નહિ. હિપોક્રેટિસે એ નિયમો સામે વાંધો ઉઠાવ્યો નહિ. એ સોગંદમાં ઑપરેશન કરવાની પણ મનાઈ હતી. (પાન ૨૩ પરનું બૉક્સ જુઓ.) પણ હિપોક્રેટિસે પોતે તેમના વિદ્યાર્થીઓને ઑપરેશન કરવાની કળા શીખવી. તેમણે ઑપરેશન વિષે અનેક પુસ્તકો પણ લખ્યાં. એ કારણથી હિપોક્રેટિસે એ સોગંદ લખ્યા હોય એવું લાગતું નથી.

તો પછી, કોણે આ સોગંદ લખ્યા હતા? અનેક લોકો એના વિષે વાદ-વિવાદ કરે છે. પણ એવું લાગે છે કે ઈસવી સન પૂર્વે ૩૦૦માં પાઇથેગરસ નામના ગ્રીક વિદ્વાનોએ એ સોગંદ લખ્યા હતા. તેઓ માનતા હતા કે ડૉક્ટરોએ કોઈને ગર્ભપાત કરવા મદદ કરવી જોઈએ નહિ. કોઈને આપઘાત કરવામાં મદદ કરવું જોઈએ નહિ અને ઑપરેશન પણ ન કરવું જોઈએ.

શું એ સોગંદના શબ્દો આપણને લાગુ પડે છે?

ભલે આપણને ખબર નથી કે એ સોગંદ ખરેખર કોણે લખ્યા હતા, પણ કોઈ શંકા વિના આપણે કહી શકીએ કે એ સોગંદે આજના ડૉક્ટરોને ખૂબ અસર કરી છે. આ સોગંદ જાણે એક ‘ચુસ્ત નિયમ છે.’ એણે ‘ડૉક્ટર અને દરદી વચ્ચે સારો સંબંધ બાંધ્યો છે.’ વળી એ સોગંદમાંથી ‘ડૉક્ટરોના સારા સંસ્કાર આવ્યા છે.’ કૅનેડાના એક ડૉક્ટરે ૧૯૧૩માં કહ્યું: ‘એ જાણવાની જરૂર નથી કે હિપોક્રેટિસે એ સોગંદ લખ્યા હતા કે કેમ. પણ મહત્ત્વની બાબત એ છે કે છેલ્લાં ૨,૫૦૦ વર્ષથી ડૉક્ટરોના સિદ્ધાંતો એ સોગંદ પર આધારિત રહ્યા છે.’

વીસિમી સદીની શરૂઆતમાં ઘણા ડૉક્ટરોને લાગ્યું કે એ સોગંદ આજ-કાલના જમાનાને લાગુ પડતા નથી. પણ તાજેતરમાં લોકોના વિચારો બદલાયા છે. ઘણા ડૉક્ટરો હવે માને છે કે એ સોગંદ ખાવા બહુ જ જરૂરી છે.

વર્ષ ૧૯૨૮માં અમેરિકા અને કૅનેડાની ફક્ત ૨૪ ટકા કોલેજો એ સોગંદ ખાતી હતી. પણ ૧૯૯૩માં લગભગ દરેક મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓને એ સોગંદ લેવડાવતી હતી. હવે બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં પણ આશરે ૫૦ ટકા કોલેજો તેઓના મેડિકલ વિદ્યાર્થીઓને એ સોગંદ લેવડાવે છે.

સોગંદમાં ફેરફારો

સદીઓથી હિપોક્રેટિસના સોગંદમાં ફેરફારો થયા છે. એ સોગંદ ચર્ચની માન્યતાને લીધે બદલાયા છે. આજ-કાલ એ લોકોના વિચારો કે રીતિ-રિવાજો પ્રમાણે બદલાયા છે.

આજે લોકો માને છે કે એ સોગંદના અમુક ભાગો જૂના જમાનાના લોકો માટે હતા. એ ભાગો તેઓએ સોગંદમાંથી કાઢી નાખ્યા છે. આજના જમાના માટે બીજા ભાગો લખવામાં આવ્યા છે. દાખલા તરીકે, લોકો હવે માને છે કે દરદીને પૂરો હક્ક છે કે તે કેવો ઇલાજ પસંદ કરશે.

નવા સોગંદોમાં બીજા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે, ડૉક્ટરે ઇલાજ આપતા પહેલાં દરદીને બધું સમજાવવું પડે છે. કોઈ પણ ઇલાજ કરતા પહેલાં દરદીની પરવાનગી મેળવવી પડે છે. આ નવા ફેરફારોને લીધે બહુ ઓછી મેડિકલ કોલેજો હિપોક્રેટિસના મૂળ સોગંદ લે છે.

આજના હિપોક્રેટિસના સોગંદમાં બીજા મોટા ફેરફારો થયા છે. દાખલા તરીકે, મોટા ભાગના સોગંદોમાં હવે દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. નવા સોગંદ જણાવતા નથી કે એ સોગંદ તોડવાથી ડૉક્ટરને શું થશે. ઘણા સોગંદોમાં એ પણ લખવામાં આવ્યું નથી કે ડૉક્ટરોએ કોઈને આપઘાત કરવામાં મદદ કરવું જોઈએ નહિ, કે કોઈને ગર્ભપાત કરવા મદદ કરવી જોઈએ નહિ. વળી, આજના સોગંદો એ પણ જણાવતા નથી કે ડૉક્ટરે દરદી સાથે જાતીય સંબંધ બાંધવો ન જોઈએ.

સોગંદનું મહત્ત્વ

ભલે હિપોક્રેટિસના સોગંદ ઘણી બાબતોમાં બદલાયા છે, એ હજુ પણ બહુ જ મહત્ત્વના છે. વર્ષ ૧૯૯૩થી માંડીને મોટા ભાગના સોગંદો દરદીનું પૂરી રીતે ધ્યાન રાખવા પર ભાર મૂકે છે. એ સોગંદ કે સંસ્કાર પર આજના ડૉક્ટરોનું કામ ચાલે છે.

એક મેડિકલ મૅગેઝિનમાં પ્રોફેસર એડમંડ પેલેગ્રીનોએ કહ્યું: ‘આજે મોટા ભાગના લોકો હિપોક્રેટિસના મૂળ સોગંદ ભૂલી ગયા છે. તોપણ, એ સોગંદનું મૂળ આપણી સાથે રહ્યું છે. જો એ ન હોત તો, ડૉક્ટરોનું કામ બસ એક ધંધો બની ગયું હોત.’

વિદ્વાનો વાદ-વિવાદ કરતા રહેશે કે હિપોક્રેટિસના મૂળ સોગંદ સારા છે કે પછી આજના સોગંદ. પણ, આપણે કેટલા આભારી હોવું જોઈએ કે આજના ડૉક્ટરો તેમના સોગંદ મુજબ આપણું બધી રીતે ધ્યાન રાખશે. (g04 4/22)

[પાન ૨૩ પર ચિત્ર]

હિપોક્રેટિસના સોગંદ

લુડવીગ એડલસ્ટાઈનના અનુવાદ પ્રમાણે

હું અપોલો, એસ્ક્લેપીઅસ, હાઈજાઈયા, પાનાકીઆ અને સર્વ દેવી-દેવતા સામે સોગંદ ખાઉં છું કે દરદીનો ઇલાજ કરતી વખતે હું મારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવીશ.

હું સોગંદ ખાઉં છું કે હું મારા ગુરુને, મારા માબાપ જેવું માન આપીશ. જો મારા ગુરુને પૈસાની જરૂર હોય તો હું એ પૂરા પાડીશ. વળી, મારા ગુરુનાં બાળકોને હું મારાં બાળકો બરાબર ગણીશ. હું પૈસા વિના તેઓને આ કળા શીખવીશ. હું મારાં બાળકોને પણ આ કળા શીખવીશ. જો કોઈને તેઓની મરજીથી આ શિક્ષણ મેળવવું હોય, તો હું તેઓને પણ શીખવીશ. પણ હું ફક્ત એવા લોકોને જ શીખવીશ જેઓએ પોતે આ સોગંદ ખાધા હોય.

હું મારી પૂરી આવડતથી દરદીનો ઇલાજ કરીશ. હું તેઓને નુકસાન કરીશ નહિ.

હું કદીયે ઝેરી દવા આપીશ નહિ અને કોઈને આપઘાત કરવામાં મદદ કરીશ નહિ. હું કદીયે ગર્ભપાત કરવા મદદ કરીશ નહિ. હું જીવનને એક અનમોલ વરદાન ગણું છું.

હું કદીયે બીજા પર ઑપરેશન કરીશ નહિ. પણ એ કામ હું ઑપરેશન કરનારા પર છોડી દઈશ.

ભલે હું કોઈ પણ વ્યક્તિને ઘરે જાઉં, હું ફક્ત બીમાર લોકોનો ઇલાજ કરવા જ જઈશ. હું કોઈ પણ રીતે તેઓને બેઇન્સાફ નહિ કરું, કદીયે કોઈ સાથે સંભોગ નહિ કરું, પછી ભલેને તે સ્ત્રી કે પુરુષ હોય, આઝાદ હોય કે ગુલામ.

ઇલાજ કરતી વખતે જે ખાનગી વાતો હું સાંભળીશ, એ હું બીજા કોઈને જણાવીશ નહિ.

જો હું આ સોગંદ પૂરી નિષ્ઠાથી નિભાવીશ તો મારા મનને શાંતિ મળશે અને મને ખૂબ વખાણ મળશે. અને બીજાઓમાં મારી ખૂબ પ્રશંસા થશે. પણ જો હું એને પૂરી રીતે નહિ નિભાવું તો, મારા પર ખરાબ બદલો આવશે.

[પાન ૨૨ પર ચિત્ર]

હિપોક્રેટિસનાં લખાણોનું એક પાનું

[પાન ૨૨ પર ચિત્ર]

હિપોક્રેટિસ અને પાનું: Courtesy of the National Library of Medicine