સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મિલેનનો નવો ચહેરો

મિલેનનો નવો ચહેરો

મિનનો નવો ચહેરો

મિલેનની મમ્મીના જણાવ્યા પ્રમાણે

અગિયાર વની મારી વહાલી દીકરી, મિલેનને કેમ નવા ચહેરાની જરૂર છે? હું તમને જણાવું.

મિલેન મારી બીજી દીકરી છે જેનો જન્મ ઑગસ્ટ ૫, ૧૯૯૨માં હોલગેઈન, ક્યૂબામાં થયો. તેના જન્મથી મારા પતિ, મારી મોટી દીકરી અને મારી ખુશીનો પાર ન હતો. અમારી ખુશી લાંબું ટકી નહિ! તે જન્મી એના થોડા જ દિવસો પછી મને અછબડા થયા. એક મહિનામાં તો મિલેનને પણ એનો ચેપ લાગ્યો.

પહેલા પહેલા તો લાગતું કે તે જલદી જ સારી થઈ જશે. પણ તે તો વધારે ને વધારે બીમાર થતી ગઈ. તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. મિલેનને સારામાં સારી સારવાર આપવામાં આવી હતી. પણ તેનું શરીર રોગ સામે લડી શકતું ન હતું. એક વાર મેં જોયું કે તેના નાકની એક બાજુ લાલ લાલ થઈ ગઈ હતી. ડૉક્ટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે વધારે પડતા બૅક્ટેરિયાને કારણે એમ થયું છે.

મિલેનને તરત જ એન્ટિબાયોટીક કે દવાઓ આપવામાં આવી. થોડા દિવસોમાં તો બૅક્ટેરિયા તેનો ચહેરો કોરી ખાવા લાગ્યા. ડૉક્ટરો ચેપને કાબૂમાં લાવવાની કોશિશ કરે ત્યાં સુધી તો, મિલેનનું નાક, હોઠ અને તેના અવાળાનો તથા દાઢીનો અમુક ભાગ ખવાઈ ગયા હતા. તેની એક આંખની બાજુમાં પણ નાના નાના કાણાં પડી ગયા હતા.

મેં અને મારા પતિએ તેને જોઈ ત્યારે અમે રડી પડ્યા. અમારી આ ફૂલ જેવી દીકરીને જ કેમ આવું થયું? મિલેન થોડા દિવસ ઈન્ટેન્સીવ કેરમાં હતી. ડૉક્ટરોને લાગતું કે તે વધારે જીવશે નહિ. મારા પતિ મને કહેતા કે “મિલેન વધારે જીવશે નહિ, તું મનને મક્કમ કરજે.” સારવાર માટે ઇન્ક્યુબેટરમાં રાખેલી મિલેનનો હાથ મેં મારા હાથમાં લીધો. તેણે જોરથી મારો હાથ પકડી રાખ્યો. મને ખાતરી થઈ ગઈ કે મારું ફૂલ કરમાઈ નહિ જાય. મેં મારા પતિને કહ્યું: “આપણી દીકરી જીવશે. પણ તેનું જીવન કેવું હશે?” રોજ સવારે અમે ઊઠતા, અમને થતું કે આ હાલત એક ખરાબ સપનું જ હોય તો કેવું સારું!

અમે હૉસ્પિટલમાં હતા ત્યારે, અમારી મોટી દીકરી મિડેલ્સ ફક્ત છ વર્ષની હતી. તે મારા મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. તે નાની બહેન ક્યારે ઘરે આવશે, એની કાગને ડોળે રાહ જોતી હતી. તેણે મિલેનને છેલ્લી વાર જોઈ ત્યારે, તે ભૂરી ભૂરી આંખોવાળી સુંદર “ઢીંગલી” હતી. હવે મિડેલ્સે પોતાની બહેનને જોઈ ત્યારે, તે એને ઓળખી જ ન શકી.

‘શા માટે મારી દીકરીએ સહન કરવાનું?’

મિલેન દોઢ મહિના સુધી હૉસ્પિટલમાં રહી. પછી તેને રજા આપવામાં આવી. મિલેનને કોઈ જોઈ ન જાય, એટલે અમે શહેરમાં અમારા ઘરે ગયા નહિ. મારા મમ્મી-પપ્પાના ફાર્મની બાજુમાં એક નાના ઘરમાં અમે રહેવા લાગ્યા.

શરૂઆતમાં મિલેન ધાવી શકતી ન હતી. તોપણ તેનું થોડું મોઢું ખુલ્લું હતું ત્યાંથી હું તેને થોડું થોડું દૂધ પીવડાવતી. તેના જખમો રુઝાયા ત્યારે, તેનું મોઢું લગભગ બંધ થઈ ગયું. હું તેને બોટલ દ્વારા પ્રવાહી ખોરાક આપવા લાગી. તે એક વર્ષની થઈ ત્યારે અમે હોલગેઈન પાછા ગયા. તેનું મોઢું વધારે ખોલી શકે એ માટે ત્યાં ડૉક્ટરોએ ચાર ઑપરેશન કર્યા.

હું હેરાન-પરેશાન હતી કે, ‘શા માટે મારી ફૂલ જેવી દીકરીએ આટલું બધું સહન કરવાનું?’ જવાબની શોધમાં હું જાદુમંત્રમાં માનવા લાગી, મૂર્તિઓને પ્રાર્થના કરી. મને કંઈ દિલાસો મળ્યો નહિ! મારા મિત્રો અને સગાંઓએ જે કહ્યું, એનાથી હું વધારે ગૂંચવાઈ ગઈ હતી. કેટલાકે કહ્યું કે, “એ તો ઉપરવાળો જાણે કે કેમ આવું થયું.” બીજાઓએ કહ્યું કે, “બહેન, ભગવાન કોઈને છોડતો નથી.” મને ચિંતા એ હતી કે મિલેન મોટી થઈને પૂછશે તો હું શું જવાબ આપીશ. મિલેન બહુ નાની હતી ત્યારે, તેણે તેના પપ્પાને પૂછ્યું: ‘પપ્પા, પપ્પા, મારું નાક કેમ બીજાઓના જેવું નથી?’ તેના પપ્પા કંઈ બોલી ન શક્યા. તેમનું દિલ ભરાઈ આવ્યું. તે બહાર જઈને રડવા લાગ્યા. મેં મિલેનને સમજાવવાની કોશિશ કરી. મેં કહ્યું કે એક જીવડું આવીને તેનું મોં અને નાક ખાઈ ગયું છે. એ તેને હજુ પણ યાદ છે.

આશાનું કિરણ

મને ખબર હતી કે મારા પડોશી યહોવાહના સાક્ષી છે. એક વાર હું બહુ જ નિરાશ થઈ ગઈ હતી. મેં મારી પડોશીને બાઇબલમાંથી એ બતાવવા કહ્યું કે કેમ પરમેશ્વર મારી ફૂલ જેવી દીકરી પર આટલા બધા દુઃખ લાવે છે. મેં એ પણ પૂછ્યું કે, “મારા કોઈ ગુનાને કારણે પરમેશ્વર આ બીમારી લાવ્યા હોય તો, ભલે મને સજા થાય, દુઃખો આવે. મિલેનને કેમ, એનો શું વાંક?”

તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો * પુસ્તકમાંથી મારી પડોશી મને શીખવવા લાગી. ધીરે ધીરે મને સમજાયું કે મિલેનની બીમારીમાં ઈશ્વરનો કોઈ દોષ નથી. ઈશ્વર તો માબાપની જેમ આપણી કાળજી રાખે છે. (યાકૂબ ૧:૧૩; ૧ પીતર ૫:૭) મારા દિલને એટલી ટાઢક વળી કે ઈશ્વરના રાજ્યમાં ઈસુ ખ્રિસ્ત બધી જ બીમારીઓનો અંત આવશે. (માત્થી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૩, ૪) હું યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવા બહુ ઉત્સાહી હતી. જે રીતે હું ઈશ્વરનું જ્ઞાન લેવા લાગી, એ મારા પતિને ગમતું ન હતું. તોપણ, મને સહન કરવા મદદ મળતી હોવાથી, તેમણે મને ક્યારેય રોકી નહિ.

પરદેશથી મદદ

મૅક્સિકોમાં પ્લાસ્ટિક સર્જરી કરનાર એક પ્રખ્યાત ડૉક્ટરે મિલેન વિષે સાંભળ્યું હતું. મિલેન બે વર્ષની હતી ત્યારે, તેમણે એક રૂપિયો પણ લીધા વિના મિલેનની સારવાર કરવાની ઑફર કરી. સૌથી પહેલું ઑપરેશન ૧૯૯૪માં કરવામાં આવ્યું. હું અને મિલેન મૅક્સિકોમાં લગભગ એક વર્ષ રહ્યા. શરૂઆતમાં અમે યહોવાહના સાક્ષીઓને મળી શક્યા નહિ. તેથી અમે સભાઓમાં પણ જઈ શક્યા નહિ. એ કારણે હું યહોવાહની સેવામાં ઠંડી પડી ગઈ. પછી એક સાક્ષીએ અમને શોધી કાઢ્યા. અમે ફરીથી ભાઈ-બહેનો સાથે મળવા લાગ્યા. ક્યૂબા જઈને હું ફરીથી બાઇબલ વિષે શીખવા લાગી અને ઈશ્વરનું જ્ઞાન લઈને તાજગી અનુભવવા લાગી.

મારા પતિને બાઇબલમાં બિલકુલ રસ ન હતો. મને થતું કે તેમને મદદ કરવા હું શું કરું? હું તેમને કહેતી: ‘તમે બાઇબલ વિષેના પુસ્તકમાંથી મને થોડું વાંચી આપો ને. જેથી હું એ સારી રીતે સમજી શકું.’ આખરે તે પણ બાઇબલમાંથી શીખવા લાગ્યા. તેમને એક ચિંતા કોરી ખાતી હતી કે વારંવાર મૅક્સિકોની લાંબી ટ્રીપથી અમારામાં અંતર તો નહિ પડે ને? પણ તેમને લાગ્યું કે અમે બંને ઈશ્વરનું જ્ઞાન લઈશું તો, અમે જુદા રહેવા છતાં એક હોઈશું. એનાથી અમને ઘણી મદદ મળી. મારા પતિ, મોટી દીકરી અને મેં ૧૯૯૭માં બાપ્તિસ્મા લીધું.

શરૂઆતમાં અમે મૅક્સિકો રહેતા ત્યારે, મિલેન કહેતી કે જીવડું મારું મોં ખાઈ ન ગયું હોત તો, આપણે પપ્પા અને બહેનથી આમ જુદા ન રહેવું પડત. લાંબો સમય પરિવારથી અલગ રહેવું, બહુ અઘરું હતું. મૅક્સિકોમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસ, જે બેથેલથી ઓળખાય છે ત્યાં અમે ગયા. એ મને હજુ પણ યાદ છે. એનાથી અમને બહુ ઉત્તેજન મળ્યું હતું. અમે પાંચમી વાર મૅક્સિકો ગયા ત્યારે, મિલેને કહ્યું કે તેને હવે એક પણ ઑપરેશન કરાવવું નથી. એમાંથી સાજા થતા તેને બહુ પીડા થતી હતી. બેથેલમાં કામ કરતા ભાઈ-બહેનોએ તેને કહ્યું કે, તે હિંમત રાખીને ડૉક્ટરોને ઑપરેશન કરવા દેશે તો, હૉસ્પિટલમાંથી રજા મળતા જ તેઓ પાર્ટી રાખશે. મિલેન ઑપરેશન કરાવવા રાજી થઈ ગઈ.

એ વિષે મિલેન શું કહે છે? “હું બેથેલમાં પાર્ટી રાખવાના વિચારથી બહુ ખુશ થઈ ગઈ. ઑપરેશન વખતે મેં બહુ હિંમત રાખી. પછી પાર્ટીમાં ઘણા બધા ભાઈબહેનોને જોઈને મને બહુ જ ખુશી થઈ. તેઓએ મને ઢગલો કાર્ડ્‌સ આપ્યા, જે હજુ સુધી મારી પાસે છે. મને જે ઉત્તેજન મળ્યું એના લીધે હું બીજું ઑપરેશન કરાવવા માટે પણ તૈયાર હતી.”

સહન કરવા મળેલી મદદ

મિલેન હવે અગિયાર વર્ષની છે. તેના ચહેરા માટે વીસ જેટલા ઑપરેશન થઈ ચૂક્યા છે. ઑપરેશનોથી તેને ઘણી મદદ મળી છે. તે હજુ પોતાનું મોં બરાબર ખોલી શકતી નથી. પણ તે બહુ હિંમતવાળી છે. ઈશ્વરનું જ્ઞાન શીખવાને લીધે તે બહુ ખુશ છે. મિલેન છ વર્ષની હતી ત્યારથી તેણે સેવા શાળામાં નામ નોંધાવ્યું હતું. એપ્રિલ ૨૭, ૨૦૦૩માં તેણે બાપ્તિસ્મા લીધું. તે ત્રણ બાઇબલ અભ્યાસ ચલાવે છે. મૅક્સિકોમાં એક વખતે, તેણે એક માણસ સાથે વાત કરી અને તે તેની પાસેથી બાઇબલ શીખવા તૈયાર થઈ ગયો. મિલેને તેને ઈસુ ખ્રિસ્તના મેમોરિયલમાં અને મંડળની સભાઓમાં આવવાનું આમંત્રણ આપ્યું. તે માણસ આવ્યો અને તેને બહુ ગમ્યું.

મિલેનને પ્રચારમાં અમુક લોકો પૂછે છે કે તે દાઝી ગઈ હતી કે કેમ. મિલેન તરત બાઇબલમાં આપેલી આશા વિષે તેઓને જણાવે છે. તે કહે છે કે યહોવાહ આ પૃથ્વીને સુંદર બનાવીને સુખ-શાંતિ લાવશે ત્યારે તેને નવો ચહેરો આપશે.—લુક ૨૩:૪૩.

મિલેન પર ઘણાં ઑપરેશન થયા હોવાથી તેણે ઘણી પીડા સહેવી પડી છે. એનાથી વધારે દુઃખ તેને બાળકો તેની મજાક ઉડાવે છે ત્યારે થાય છે. તે કઈ રીતે આ બધું સહન કરી શકે છે? મિલેન કહે છે: “યહોવાહે મારો હાથ પકડ્યો છે. તેમણે જ મને તાકાત અને હિંમત આપી છે. હવે હું એક પણ ઑપરેશન કરાવવાની નથી, કેમ કે ડૉક્ટરો હજુ વધારે કંઈ કરી શકવાના નથી. હું જન્મી ત્યારે જેવી હતી તેવી હમણાં બનવાની નથી. પણ નવી દુનિયામાં યહોવાહ મને નવો ચહેરો આપશે, હું ફરીથી સુંદર ઢીંગલી જેવી દેખાઈશ!” (g04 5/22)

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૧૮ પર બ્લર્બ]

“યહોવાહ મને નવી દુનિયામાં નવો ચહેરો આપશે”

[પાન ૧૯ પર બ્લર્બ]

ધીરે ધીરે મને સમજાયું કે પરમેશ્વરનો દોષ નથી