રોગો પર જીત અને હાર
રોગો પર જીત અને હાર
ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ એક ડૉક્ટર હતા. ઑગસ્ટ ૫, ૧૯૪૨ના રોજ તેમનો બાવન વર્ષનો જિગરી દોસ્ત ચેક-અપ માટે ગયો. ફ્લેમિંગને ખબર પડી કે તેમનો મિત્ર લાંબું જીવશે નહિ. તેને કરોડરજ્જુમાં મૅનિન્જાઇટિસનો ચેપ લાગ્યો હતો. ફ્લેમિંગે મિત્રને જીવાડવા બધું જ કર્યું. તેમનો દોસ્ત કોમામાં જતો રહ્યો.
આ બનાવના પંદર વર્ષ પહેલાં, ફ્લેમિંગને અમુક પ્રકારની ફૂગ મળી હતી. તેમણે એનું નામ પેનિસિલિન આપ્યું હતું. તેમને જાણવા મળ્યું કે એનાથી બૅક્ટેરિયાનો નાશ થઈ શકે. ફ્લેમિંગે એ ફૂગમાંથી ચોખ્ખું પેનિસિલિન અલગ પાડવા પ્રયાસ કર્યો. પણ તે નિષ્ફળ ગયા. વૈજ્ઞાનિક હાર્વડ ફ્લોરી અને તેમના સાથીદારો ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ૧૯૩૮માં એ ફૂગમાંથી પેનિસિલિન અલગ પાડવા લાગ્યા. તેઓ સફળ થયા! તેઓએ પેનિસિલિનની દવા બનાવી, જેથી એ દરદીને આપીને એના પરિણામ જોઈ શકાય. ફ્લેમિંગે, ફ્લોરીને ફોન કરીને બધી જ પેનિસિલિન મંગાવી લીધી. ફ્લેમિંગ પાસે તેમના મિત્રને બચાવવાનો એ છેલ્લો મોકો હતો.
ફ્લેમિંગે તેના મિત્રને પેનિસિલિનનું ઇન્જેક્શન આપ્યું. એ પેનિસિલિનથી ઝેરી જીવાણુઓનો નાશ થયો! એકાદ અઠવાડિયામાં તો તેનો મિત્ર સાવ સાજો થઈ ગયો. આ રીતે એન્ટીબાયોટિક્સનો જન્મ થયો. આ સંશોધનથી ઇન્સાન હવે રોગોને હરાવવા લાગ્યો.
એન્ટીબાયોટિક્સનો જમાનો
પહેલાં તો અમુક બૅક્ટેરિયા કે જીવાણુઓનો નાશ થતો જ નહિ. પણ એન્ટીબાયોટિક્સની શોધથી એવું લાગતું હતું, કે હવે બધી જ બીમારીઓ નાસી છૂટશે. એનાથી મૅનિન્જાઇટિસ, ન્યૂમોનિયા અને રાતો તાવ જેવી બીમારીઓમાં ઘટાડો જોવા મળતો. એ પહેલાં તો લોકો સારવાર માટે હૉસ્પિટલમાં જતા અને ત્યાંથી બીમારી લાવતા. આમ તેઓ મોતને હવાલે થતા. હવે તેઓ એન્ટીબાયોટિક્સથી થોડા જ દિવસોમાં એકદમ સાજા થવા લાગ્યા.
ફ્લેમિંગના જમાનાથી આજ સુધી ડૉક્ટરોએ જાતજાતની એન્ટીબાયોટિક્સ શોધી કાઢી છે. એટલું જ નહિ, પણ હજી એની શોધ ચાલુ જ છે. ગયા ૬૦ વર્ષથી એન્ટીબાયોટિક્સે અનેક રોગોને હરાવ્યા છે. આપણે આગળ જોયું તેમ, અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનને ૧૭૯૯માં ગળામાં કોઈક ચેપ લાગ્યો હતો. તેમનું ગળું દુખતું હતું. તે મરણ પામ્યા. તે આજે હોત તો, ડૉક્ટરોએ તેમને એન્ટીબાયોટિક્સ આપી હોત. એનાથી તે એકાદ અઠવાડિયામાં ઊભા થઈ જાત! જોકે, એન્ટીબાયોટિક્સથી પણ અમુક આડ અસરો થાય છે.
એઇડ્ઝ કે ઇન્ફલુએન્ઝા જેવા વાઇરસ સામે એન્ટીબાયોટિક્સને ઝૂકી જવું પડે છે. અમુક લોકોને એનાથી રિઍક્શન આવી જાય છે. ઝેરી જીવાણુનો નાશ કરવા એન્ટીબાયોટિક્સ લેવાથી સારા જીવાણુઓ પણ નાશ પામે છે. કોઈ વાર લોકો એ વધારે પડતી લેતા હોય કે ઓછી લેતા હોય, એનાથી મુશ્કેલીઓ વધે છે. કઈ રીતે? ચાલો જોઈએ.
એક બાજુ ડૉક્ટરો દરદીઓને એન્ટીબાયોટિક્સનો કોર્સ પૂરો કરવાનું કહે. પણ દરદીઓ એમ કરતા નથી, કારણ કે દરદીઓને લાંબો સમય દવા લેવાનું પસંદ નથી. અથવા તેઓને થોડા સમય પછી સારું લાગે, એટલે તેઓ દવા લેવાનું બંધ કરી દે છે. આ રીતે ઝેરી બૅક્ટેરિયા પૂરેપૂરા મરતા નથી, પણ વધીને સારાનો નાશ કરે છે. ટીબીના દરદીઓના કિસ્સામાં આવું ઘણી વાર બને છે.
બીજી બાજુ ડૉક્ટરો અને ખેડૂતો નવી નવી દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. એના વિષે ઇન્સાન અને જીવાણુ વચ્ચેની લડાઈ (અંગ્રેજી) પુસ્તક આમ કહે છે: ‘આજે અમેરિકા અને બીજા દેશોમાં એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય તોપણ દરદીઓને, ડૉક્ટરો દવા લખી આપે છે. બીજી બાજુ ખેડૂતો પ્રાણીઓને સાજા કરવા જ નહિ, પણ તેઓને રાતો-રાત તગડાં કરવા વધારે પડતી એન્ટીબાયોટિક્સ આપતા હોય છે. એનાથી પ્રાણીઓમાંના ઝેરી જીવાણુઓ એન્ટીબાયોટિક્સથી ટેવાઈ જાય છે. પછી પ્રાણીઓ માંદાં પડે ત્યારે, એન્ટીબાયોટિક્સની તેઓ પર કોઈ અસર થતી નથી. દરરોજ નવી નવી એન્ટીબાયોટિક્સ શોધવી કંઈ રમત વાત નથી.’
તેમ છતાં ડૉક્ટરો બીમારીઓને ૧૯૫૦ પછી હરાવવા લાગ્યા. આજે ડૉક્ટરો મોટા ભાગે બધી જ
બીમારીઓ નાથી શક્યા છે. એટલું જ નહિ, પણ વેક્સીન કે રસી લેવાથી રોગ નાસી છૂટે છે.બીમારીઓ પર જીત
‘જ્યારથી રસીની શોધ થઈ છે ત્યારથી અનેક લોકોને મોતના મોંમાંથી બચાવી લેવામાં આવ્યા છે,’ ૧૯૯૯, ધ વર્લ્ડ હેલ્થ રિપોર્ટ નામનું મૅગેઝિન કહે છે. આખી દુનિયા જ્યારથી રોગો અટકાવવા રસીનો ઉપયોગ કરવા લાગી, ત્યારથી કરોડોનું જીવન બચી ગયું છે. વીસમી સદીના બધા યુદ્ધોમાં જેટલા લોકો મરણ પામ્યા, એનાથી પણ વધારે લોકોને શીતળાનો રોગ વર્ષોથી ભરખી જતો હતો. આજે આખી દુનિયાએ શીતળા સામે રસી વાપરીને એને જડમૂળથી કાઢી નાખ્યો છે. આજે આખી દુનિયાએ રસી વાપરીને પોલિયોને પણ લગભગ મિટાવી દીધો છે. (“શીતળા અને પોલિયો પર જીત,” બૉક્સ જુઓ.) આજે જીવલેણ રોગોથી બાળકોને બચાવવા રસીઓ આપવામાં આવે છે.
બીજા અનેક રોગોને પણ આજે સહેલાઈથી નાથવામાં આવી રહ્યા છે. જ્યાં શુદ્ધ પાણી અને ટોઇલેટ હોય, ત્યાં કૉલેરા જલદી દેખાતો નથી. આજે ઘણા દેશોમાં ડૉક્ટરો અને હૉસ્પિટલ ઘરની નજીક હોવાથી, તેઓ મોટે ભાગે નવા રોગોને જલદીથી કબજે કરી લે છે. આજે ઘરની સારી સાફ-સફાઈ કરવાથી, સારો ખોરાક ખાવાથી, યોગ્ય રીતે ખોરાક સાચવવાથી બધાનું ભલું થયું છે.
વૈજ્ઞાનિકોને જ્યારે પણ ખબર પડે કે અમુક રોગ પાંગરી રહ્યો છે ત્યારે સરકારી આરોગ્ય સંસ્થાઓ યોગ્ય પગલાં લઈને એને અટકાવવાના પ્રયત્નો કરે છે. કૅલિફૉર્નિયા, અમેરિકાના સૅન ફ્રેન્સિસ્કો શહેરમાં ૧૯૦૭માં ઉંદરથી બૂબોનિક પ્લેગ ફેલાવા લાગ્યો. ત્યારે પ્લેગ ફેલાવતા ઉંદરોનો નાશ કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં. તેથી ફક્ત થોડાક જ લોકો મરણ પામ્યા હતા. હવે વિચારો કે એ પ્લેગ કેવી રીતે ફેલાય છે, એની ખબર જ ન હોય તો શું થાય? એવું જ ભારતમાં ૧૮૯૬થી ૧૯૦૮ થયું હતું. એ પ્લેગે ભારતમાં બાર વર્ષ રાજ કર્યું ને એક કરોડ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
રોગની જીત
એ ખરું છે કે આજે ઘણા રોગોને હરાવવામાં આવ્યા છે. મોટે ભાગે અમીર દેશોમાં રોગને જલદીથી નાથવામાં આવે છે. પણ ગરીબ દેશોમાં સામાન્ય રોગને મિટાવવા સરકારો પાસે પૈસા નથી. તેથી, લાખોને લાખો લોકો બેમોત મરે છે. ગરીબ દેશોમાં બધાને ચોખ્ખું પાણી મળતું નથી. ટોઇલેટ કે હૉસ્પિટલની પૂરતી વ્યવસ્થા હોતી નથી. ઘણા ગરીબ દેશોમાં લોકો ગામ છોડીને શહેરોમાં કીડીઓની જેમ ઊભરાય છે. પણ શહેરોમાં એટલી જ ઝડપે ટોઇલેટ કે હૉસ્પિટલો બાંધી શકાતી નથી. એવા સંજોગોમાં ગરીબોનો મરો થાય છે. એના વિષે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું: “ગરીબ દેશોએ અમીર દેશો કરતાં વધારે બીમારી ભોગવવી પડે છે.”
ઘણા દેશો રાતોરાત અમીર બનવા માટે ન કરવાનું કરતા હોય છે. એ કારણથી ત્યાં ઘણી વાર જીવ જોખમમાં મૂકતા રોગ ફેલાય છે. એ વિષે ઇન્સાન અને જીવાણુ વચ્ચેની લડાઈ (અંગ્રેજી) પુસ્તક કહે છે: ‘ઘણી વાર એવું લાગે કે દુનિયાના ભયંકર રોગો કદી પોતાના દેશમાં આવશે જ નહિ. એ તો ફક્ત ગરમ અને ભેજવાળા કે ગરીબ દેશોમાં જ ફેલાય છે.’ આજે ગરીબ દેશોને મદદ કરવાથી અમીર દેશો અને તેઓની દવાની કંપનીઓને સીધેસીધો ફાયદો થતો નથી. તેથી, તેઓ ગંભીર બીમારીઓને નાથવા જલદી પૈસા આપતા નથી.
લોકોની બેદરકારીને કારણે પણ રોગો ફેલાય છે. એઇડ્ઝનો જ વિચાર કરો. એઇડ્ઝવાળી વ્યક્તિનું લોહી લેવાથી, લાળથી, ધાવણનું દૂધ અને વીર્ય દ્વારા બીજાના શરીરમાં એનો ચેપ ફેલાય છે. એઇડ્ઝનો જન્મ થયો ત્યારથી જ આખું જગત એનાથી ફફડે છે. (“એઇડ્ઝ, મોતનો ડંખ”, બૉક્સ જુઓ.) આ રોગ વિષે સંશોધન કરતા ડૉ. જૉ મૅકકૉર્મિકે કહ્યું: ‘મનુષ્યો હાથે કરીને આ રોગ લાવ્યા છે.’
સવાલ એ થાય છે કે એઇડ્ઝનો ચેપ લોકોને લાગ્યો કેવી રીતે? એઇડ્ઝ કેવી રીતે ફેલાય છે એ વિષે, પ્લેગ આવી રહ્યો છે (અંગ્રેજી) પુસ્તક અમુક વિગતો જણાવે છે: આજે ઘણા એકથી વધારે વ્યક્તિઓ સાથે સેક્સ માણે છે. જો એકને એઇડ્ઝ હોય, તો એ બધાને ચેપ લાગે છે. એઇડ્ઝના દરદીને ઇન્જેક્શન આપ્યા પછી, એ જ સીરિંજ કે સોય પાછી વપરાય તો ચેપ લાગી શકે. ગરીબ દેશોમાં એકની એક સીરિંજ વારંવાર વપરાય છે. ડ્રગ્સને રવાડે ચડી ગયેલા લોકો ગંદી સીરિંજ વારાફરતી વાપરે છે. લોકો પોતાનું લોહી બ્લડબેંકોમાં વેચે છે કે દાન
કરે છે. આખી દુનિયામાં અબજો ને અબજો ડૉલર બનાવતી બ્લડબેંકો પણ એઇડ્ઝના દરદીનું લોહી લઈને બીજા અનેક લોકોને વેચે છે. આમ એઇડ્ઝ ઝડપથી ફેલાય છે.આપણે આગળ જોયું તેમ, વધુ પડતી એન્ટીબાયોટિક્સ લેવાથી જીવાણુઓ એનાથી ટેવાઈ જાય છે. આ સમસ્યા દિવસે દિવસે ખૂબ જ વધી રહી છે. આપણને કોઈક ઇજા થઈ હોય ત્યારે, અમુક બૅક્ટેરિયાથી ચેપ લાગે છે. પહેલાં પેનિસિલિનમાંથી બનેલી અનેક દવાઓ સહેલાઈથી એ બૅક્ટેરિયાનો નાશ કરી શકતી. આજે એ દવાઓ જરાય કામ કરતી નથી. ડૉક્ટરો નવી નવી એન્ટીબાયોટિક્સ વાપરે છે જે મોંઘી હોય છે. ગરીબ દેશોની હૉસ્પિટલો પાસે એવી દવા માટે પૈસા હોતા નથી. તેઓ પાસે હોય તોપણ નવી એન્ટીબાયોટિક્સ હર વખત બધા જ ઝેરી જીવાણુનો નાશ કરતી નથી. આ રીતે હૉસ્પિટલમાં જવાથી સહેલાઈથી બીજી બીમારી લાગી શકે છે, જે મૂળ બીમારી કરતાં ખતરનાક હોય શકે. ડૉક્ટર રીચર્ડ ક્રૌસે કહે છે: ‘નવી નવી દવાઓથી પણ આજના જીવાણુઓ મરતા નથી.’
‘શું આજે ઓછી બીમારીઓ છે?’
આજે આપણે ૨૧મી સદીમાં છીએ, તોપણ રોગો ફેલાઈ રહ્યા છે. એઇડ્ઝ જલસા કરી રહ્યો છે. નવી નવી દવાથી પણ જીવાણુઓ મરતા નથી. સદીઓ પુરાણા દુશ્મનો ટીબી અને મલેરિયા જેવા રોગો આજે પણ હજી મર્યા નથી.
નોબલ પ્રાઈઝ વિજેતા જોશૂઆ લેડરબેગે સવાલ પૂછ્યો હતો: “એક સદી પહેલાં જેટલી બીમારીઓ હતી એના કરતાં આજે શું ઓછી છે?” પછી તેમણે કહ્યું: “પહેલાં કરતાં ઘણી રીતે આજની હાલત ખરાબ છે. આપણી બેદરકારીથી ઝેરી જીવાણુઓ વેર વાળી રહ્યા છે.” સવાલ થાય છે કે ‘શું આખી દુનિયાના ડૉક્ટરો બધા જ રોગો નાબૂદ કરી શકશે?’ શીતળાની જેમ ‘શું તેઓ બધા રોગોને દફનાવી શકશે, જેથી ક્યાંય કોઈ જાતના રોગો જ ન હોય?’ હવે પછીના લેખમાં એની ચર્ચા કરવામાં આવશે. (g04 5/22)
[પાન ૮ પર બોક્સ/ચિત્ર]
શીતળા અને પોલિયો પર જીત
વિશ્વ આરોગ્ય સંસ્થાને (હુ) ઑક્ટોબર, ૧૯૭૭ને અંતે શીતળાનો એક કેસ મળ્યો. સોમાલિયાની હૉસ્પિટલના રસોઈયા અલી માઓ માલીનને શીતળાનો ચેપ લાગ્યો હતો. પણ એ એટલો ગંભીર ન હતો. થોડાં જ અઠવાડિયાંમાં તેને સાવ સારું થઈ ગયું. તેની સાથે કામ કરતા બધા જ લોકોને પણ શીતળાની રસી આપવામાં આવી.
પછી ડૉક્ટરો બે વર્ષ સુધી રાહ જોઈને બેઠા હતા કે કોને શીતળા થાય છે. પછી ડૉક્ટરોએ જાહેર કર્યું કે શીતળાના પુરાવા સાથે કેસ લાવનારને ૫૦,૦૦૦ રૂપિયા ઇનામ મળશે. કોઈ એ ઇનામ લેવા આવ્યું નહિ. મે ૮, ૧૯૮૦ના રોજ હુ સંસ્થાએ જાહેર કર્યું કે “આખી દુનિયાએ શીતળાને હરાવ્યો છે. હવે આપણે આઝાદ છીએ.” જોકે એ જાહેરાતના દસ વર્ષ પહેલાં, શીતળાનો રોગ આખી દુનિયામાં દર વર્ષે લગભગ ૨૦ લાખને મારી નાખતો હતો. ઇતિહાસમાં પહેલી વાર આ ખતરનાક રોગનો અંત લાવવામાં આવ્યો હતો. *
બાળકોમાં થતા ભયંકર રોગ પોલિયોને આજે સહેલાઈથી નાથી શકાય છે. અમેરિકાના એક વૈજ્ઞાનિક, જોન સોક્સે ૧૯૫૫માં, પોલિયો વિરોધી રસીની શોધ કરી હતી. પછી અમેરિકા અને બીજા દેશોમાં પોલિયો વિરોધી રસી આપવાની ઝુંબેશ શરૂ થઈ. આજે એ દવાનાં ટીપાં મોંમાં નાખવામાં આવે છે. હુ સંસ્થાએ ૧૯૮૮માં આખી દુનિયામાંથી પોલિયો મિટાવવા પગલાં લીધાં.
ડૉક્ટર ગ્રો હાર્લમ બ્રુન્ડટૅલૅન્ડ પોતે ૧૯૮૮માં હુ સંસ્થાની ડાયરેક્ટર જનરલ હતી. તે કહે છે: “અમે ૧૯૮૮માં પોલિયો મિટાવવા નીકળ્યા ત્યારે, એ દરરોજ ૧૦૦૦થી વધારે લોકોને અપંગ કરતો હતો. પણ ૨૦૦૧માં, આખા વર્ષમાં ૧૦૦૦થી પણ ઓછો લોકોને પોલિયો થતો હતો.” આજે દસ જેટલા દેશોમાં જ લોકોને પોલિયો થાય છે. પૂરતા પૈસા મળી રહેશે ત્યારે એ દેશોમાંથી પણ પોલિયો મિટાવી દેવામાં આવશે.
[ફુટનોટ]
^ શીતળા ફક્ત માણસોથી ફેલાય છે. એના જીવાણુઓ માણસમાં જ રહે છે. એની સામે રસી કે દવા લઈને આખી દુનિયા એને દફનાવી શકે છે. જ્યારે કે ઉંદર અને જીવજંતુઓથી ફેલાતા રોગોને નાથતા નાકે દમ આવી જાય છે.
[ચિત્ર]
ઇથિયોપિયાના છોકરાને અપાતા પોલિયોની રસીનાં ટીપાં
[ક્રેડીટ લાઈન]
© WHO/P. Virot
[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]
એઇડ્ઝ, મોતનો ડંખ
દુનિયામાં મહારોગ એઇડ્ઝે જન્મ લીધો છે. આજથી લગભગ વીસ વર્ષ પહેલાં એની ઓળખાણ થઈ હતી. એણે આજ સુધીમાં ૬૦ કરોડથી પણ વધારે લોકોને ઝેરી ડંખ માર્યો છે. આરોગ્ય સંસ્થાઓનું કહેવું છે કે એઇડ્ઝ તો હજી “ઘોડિયામાં રમે છે.” એનો ચેપ “દિવસે નહિ એટલો રાતે વધે છે. એ ધાર્યા કરતાં ખતરનાક રાક્ષસ નીવડ્યો છે.” જે વિસ્તારમાં ઘણા લોકોને એનો ચેપ લાગ્યો છે, ત્યાંની હાલત બહુ ખરાબ છે.
યુનાઈટેડ નેશન્સનું કહેવું છે: “જેઓને એચ.આઈ.વી.નો ચેપ લાગ્યો છે તેઓમાં મોટા ભાગનાને તો હજી મૂછનો દોરો પણ ફૂટ્યો નથી.” એવું માનવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકાના અમુક દેશો ૨૦૦૫ સુધીમાં ૧૦-૨૦ ટકા યુવાનો ગુમાવી બેસશે. એ રિપોર્ટે એમ પણ કહ્યું: “આજે દક્ષિણ આફ્રિકામાં જેઓને એઇડ્ઝ થયો નથી, તેઓ આશરે ૬૨ વર્ષ જીવે છે. પણ એઇડ્ઝ થયા પછી લોકો માંડ ૪૭ વર્ષ જીવે છે.”
આજની તારીખે પણ એઇડ્ઝ માટે કોઈ દવા નથી. ગરીબ દેશોમાં લગભગ ૬૦ લાખ લોકો એઇડ્ઝથી પીડાય છે. એમાંથી ફક્ત ચાર ટકા લોકોને સારવાર મળી રહી છે. આજે એઇડ્ઝ માટે કોઈ ઇલાજ નથી. ડૉક્ટરોનું માનવું છે કે જેઓને એઇડ્ઝનો ચેપ લાગ્યો છે તેઓમાંથી મોટા ભાગના લોકો રિબાઈ રિબાઈને મોતના મોંમાં સરી જશે.
[ચિત્ર]
ટી લિમ્ફસાઇટ કોષોમાં એચ.આઈ.વી. વાઇરસ લાગ્યો છે
[ક્રેડીટ લાઈન]
Godo-Foto
[પાન ૭ પર ચિત્ર]
બોરેટરીમાં વાઇરસનો અભ્યાસ થાય છે
[પાન ૭ પર ચિત્ર]
CDC/Anthony Sanchez