સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રોગ વગરની દુનિયા!

રોગ વગરની દુનિયા!

રોગ વગરની દુનિયા!

“દરેક જણ તંદુરસ્ત રહી શકે, એ માટે બધા દેશોએ સંપીને કામ કરવું જોઈએ. કોઈ પણ દેશમાં આવો સુધારો થાય તો એનાથી બીજા દેશોને તરત જ ફાયદો થશે.”— અલ્મા-આતા ઠરાવ, સપ્ટેમ્બર ૧૨, ૧૯૭૮.

આજથી પચીસ વર્ષ પહેલાં રશિયા નજીક આવેલા કઝાખસ્તાનમાં સારી સારવાર વિષે મોટી સભા ભરાઈ હતી. એમાં બધા જ દેશોની જવાબદાર વ્યક્તિઓ આવી હતી. તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે કામ કરતા હતા. એ સભાથી લાગતું હતું કે, હવે બધાને સારી સારવાર મળી શકશે. એમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. એ મુજબ, ભયંકર રોગોથી રક્ષણ માટે દુનિયાના બધા લોકોને, ૨૦૦૦ની સાલ પહેલાં દવા કે રસી આપી દેવાની હતી. એ સભામાં આવેલા બધાની આશા હતી કે, ૨૦૦૦ની સાલ પહેલાં જો બધે જ ચોખ્ખું પાણી અને ટોઇલેટની વ્યવસ્થા થાય તો કેટલું સારું!

તેઓની તમન્‍ના તો બહુ જ સરસ હતી. પણ દુઃખની વાત છે કે એમ થયું નહિ. આજે દુનિયામાં બધાને સારી સારવાર મળતી નથી. ભયંકર રોગોથી આજે પણ કરોડો લોકો મરે છે. જીવલેણ રોગો મોટે ભાગે નાનાં બાળકોને અને ૧૮-૩૫ વર્ષના સ્ત્રી-પુરુષોને થાય છે.

આજે ઘણા દેશોમાં એઇડ્‌ઝ, ટીબી અને મલેરિયા પાંગરી રહ્યો છે. તોપણ બધા જ એ રોગોને મિટાવવા સાથ આપતા નથી. એઇડ્‌ઝ, ટીબી અને મલેરિયાનો અંત લાવવા ગ્લોબલ ફંડ નામે સંસ્થા ઊભી કરવામાં આવી છે. ગ્લોબલ ફંડનો વહીવટ કરનારાઓએ એ રોગોનો અંત લાવવા સરકારો પાસેથી ૬૧,૦૦૦ કરોડ રૂપિયાની (૧૩ બિલીયન ડૉલરની) માંગ કરી. એના બદલે તેઓને ૨૦૦૨ના ઉનાળા સુધીમાં ફક્ત ૯૪ અબજ રૂપિયા (૨ બિલીયન ડૉલર) આપવામાં આવ્યા. એ જ સમયે ૨૦૦૨માં, સરકારોએ લશ્કરો પાછળ ૩૨,૯૦,૦૦૦ કરોડ રૂપિયા (૭૦૦ બિલીયન ડૉલર) પાણીની માફક વાપરી નાખ્યા! ખરું કહીએ તો આજે દુનિયામાં ક્યાંય સંપ નથી. તેથી શું કદી પણ રોગોનો અંત આવશે?

આરોગ્ય સંસ્થાઓની ભાવનાઓ સારી છે. તોપણ તેઓ ખતરનાક બીમારીઓ સામે લાચાર થઈ જાય છે. રોગો વિષે સંશોધન કરવા સરકારો તેઓને પૂરતા પૈસા આપતી નથી. બીજું કે આજે ઘણા જીવાણુઓ સારી દવાઓથી પણ મરતા નથી. ઘણા લોકો સામે ચાલીને એઇડ્‌ઝનાં મોંમાં માથું નાખે છે. એટલું જ નહિ પણ, ઘણા દેશોમાં ગરીબી, યુદ્ધો અને ભૂખમરો છે. એનાથી પણ ગંભીર રોગો જન્મે છે જે કરોડો લોકોને ઝેરી ડંખ મારે છે.

ઈશ્વર આપણું ભલું ચાહે છે!

તો પછી ‘કોણ આ રોગોને નાથી શકશે?’ યહોવાહ ઈશ્વરને ઇન્સાન અતિ પ્રિય છે. તેમણે આપણને જે રીતે બનાવ્યા છે, એ એનો પુરાવો છે. ઝેરી રોગોથી રક્ષણ મળે એ માટે, યહોવાહે આજથી લગભગ છ હજાર વર્ષ પહેલાં ઈસ્રાએલીઓને મુસા દ્વારા અનેક નિયમો આપ્યા હતા. *

ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ બધી જ રીતે તેમના પિતા એટલે ઈશ્વર યહોવાહ જેવો છે. ઈસુને તેમના પિતાની જેમ માંદા લોકો પર ખૂબ જ દયા આવતી. ધર્મશાસ્ત્ર જણાવે છે કે ઈસુ એક કોઢિયાને મળ્યા. કોઢિયાએ ઈસુને કહ્યું: “તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો તેમ છો.” તેનું દુઃખ જોઈને ઈસુનું હૈયું ભરાઈ આવ્યું. ઈસુએ કહ્યું: “હા, હું ઇચ્છું છું. તું શુદ્ધ થા!”—માર્ક ૧:૪૦, ૪૧, પ્રેમસંદેશ.

ઈસુએ આ રીતે ચમત્કારો કરીને ફક્ત એક કે બે જણને જ સાજા કર્યા ન હતા. ધર્મશાસ્ત્ર કહે છે: ‘ઈસુ ઉપદેશ કરતો, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો, ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો, આખા ગાલીલમાં ફર્યો.’ (માત્થી ૪:૨૩) યહુદાહ અને ગાલીલના લોકોને સાજા કરીને ઈસુ બતાવતા હતા કે પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે આવી કોઈ બીમારીઓ હશે જ નહિ. તેમ જ એ રાજ્યને કોઈ અટકાવી શકશે નહિ.

રોગ વગરની દુનિયા એ સપનું નથી!

બાઇબલ કહે છે કે એવો સમય આવશે જ્યારે કોઈ કદી માંદા થશે નહિ. આજથી લગભગ ઓગણીસો વર્ષ પહેલાં, ઈશ્વરે પોતાના ભક્ત યોહાનને સંદર્શન આપ્યું. એ સંદર્શનમાં યોહાને જોયું કે ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર આવશે ત્યારે, સર્વ માણસો પર તેમનો આશીર્વાદ રહેશે. ઈશ્વર સર્વના આંસુ લૂછી નાખશે. કોઈ ઘરડું થશે નહિ કે બીમાર પડશે નહિ. અરે, કોઈ મરણ પામશે નહિ! ત્યારે દુઃખ જેવું કંઈ હશે જ નહિ. આ શું તમને સપના જેવું લાગે છે? ઈશ્વરની ગેરંટી સાંભળો: “આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”—પ્રકટીકરણ ૨૧:૩-૫.

સર્વ રોગોનો અંત આવે એ પહેલાં, બીજા ફેરફારોની જરૂર છે. જેમ કે, ગરીબી, ભૂખમરો અને યુદ્ધોને મિટાવવા જ જોઈએ જેનાથી અનેક ચેપી રોગો ફેલાય છે. યહોવાહ પોતાની સરકારથી એ બધાં જ દુઃખો દૂર કરશે. યહોવાહે તેમના દીકરા ઈસુને એ સરકારના રાજા બનાવ્યા છે. ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. આજે લાખો લોકો ઈશ્વરની એ સરકાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઈશ્વર પૃથ્વી પર રાજ કરશે ત્યારે બધું જ તેમની મરજી પ્રમાણે થશે!—માત્થી ૬: ૯, ૧૦.

એથી સવાલ થાય છે કે ‘ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?’ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ઈશ્વરનું રાજ આવે એ પહેલાં, એક પછી એક અનેક બનાવો બનશે. એમાંનો એક છે: “મરકીઓ ચાલશે.” (લુક ૨૧:૧૦, ૧૧; માત્થી ૨૪:૩,) બાઇબલના સમયમાં “મરકીઓ” માટે જે શબ્દ વપરાતો, એમાં બધા જ “રોગો આવી જતા.” આજે આ ખરું છે, કેમ કે ૨૦મી સદીમાં મેડિકલ સાયન્સમાં ખૂબ જ પ્રગતિ થઈ. તોપણ અનેક ઝેરી રોગો જેમ-તેમ ફેલાયા છે.—“૧૯૧૪થી રોગનો ભોગ બનેલા,” બૉક્સ જુઓ.

ઈસુએ ઉપર જણાવ્યું એવા જ શબ્દો બાઇબલના પ્રકટીકરણના પુસ્તકમાં મળે છે. એમાં ઈસુ સ્વર્ગમાં યહોવાહના રાજ્યના રાજા બન્યા, એ સમયને લગતી એક ભવિષ્યવાણી છે. એમાં અનેક ઘોડેસવારો આકાશમાં સવારી કરતા દેખાય છે. એમાંનો ચોથો ઘોડેસવાર ‘ફીક્કા રંગના ઘોડા’ પર સવારી કરીને “રોગચાળો” ફેલાવતો હતો. (પ્રકટીકરણ ૬:૨, ૪, ૫,, પ્રેમસંદેશ) હવે વિચાર કરો કે ૧૯૧૪ પછી એ ઘોડેસવારે દુનિયામાં કયા જીવલેણ રોગો ફેલાવ્યા છે? આંકડાઓ બતાવે છે કે એણે કેટલાના જીવ હરી લીધા છે. એનાથી એ પણ સાબિતી મળે છે કે હવે ઈશ્વરનું રાજ્ય બહુ જ નજીક છે! *માર્ક ૧૩:૨૯.

ખરું છે કે મેડિકલ સાયન્સે ખૂબ જ પ્રગતિ કરી છે. અમુક વર્ષોથી એવું લાગે છે કે જીવલેણ બીમારીઓનો ઘટાડો થઈ રહ્યો છે. તોપણ નવા નવા રોગો જગત સામે ફૂંફાડા મારી રહ્યા છે. એ બતાવે છે કે ઈશ્વર સિવાય બીજું કોઈ જ રોગોનું નામનિશાન મિટાવી શકે એમ નથી. આપણા સરજનહારે એમ જ કરવાનું વરદાન આપ્યું છે. ઈશ્વરભક્ત યશાયાહ આપણને ગેરંટી આપે છે કે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે ‘કોઈ પણ એવું કહેશે નહિ કે હું માંદો છું.’ એટલું જ નહિ પણ, ‘ઈશ્વર સદાને માટે મરણનો અંત લાવશે. યહોવાહ સર્વનાં આંસુઓ લૂછી નાખશે.’ (યશાયાહ ૨૫:૮; ૩૩:૨૨, ૨૪) હા, ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે, રોગોને હંમેશ માટે મિટાવી દેવામાં આવશે! (g04 5/22)

[ફુટનોટ્‌સ]

^ મુસાના નિયમમાં જણાવવામાં આવ્યું કે, ચોખ્ખાઈ રાખવા, કચરા-મળનો નિકાલ કરવા અને કોઈને ગંભીર ચેપ લાગે તો શું કરવું જોઈએ. ડૉ. એચ. ઑ. ફિલિપ્સે કહ્યું: ‘બીમારી કેવી રીતે પારખવી અને દૂર કરવી એના વિષે હિપોક્રેટિસે ઘણું લખ્યું છે. પણ બાઇબલમાં તો એના વિષે સૌથી સારી સમજણ આપવામાં આવી છે.’

^ ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? એના વિષે વધુ માહિતી તમને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તકના ૧૧મા અધ્યાયમાંથી મળશે. એ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૨ પર બોક્સ]

૧૯૧૪થી રોગનો ભોગ બનેલા

આ આંકડાઓ કરુણ હકીકત દર્શાવે છે. એનાથી આપણને ખ્યાલ આવે છે કે ૧૯૧૪ પછી ફેલાયેલા રોગોથી કેટલા બધા લોકો મરણ પામ્યા છે.

શીતળા (૩૦-૫૦ કરોડ) પહેલાં શીતળા માટે કોઈ ઇલાજ ન હતો. એની દવાની શોધ થયા પછી આખી દુનિયામાં બધાને રસી આપવામાં આવી. આમ ૧૯૮૦ સુધીમાં શીતળાનો રોગ જડમૂળથી કાઢી નાખવામાં આવ્યો.

ટીબી (૧૦-૧૫ કરોડ) દર વર્ષે ટીબીને કારણે આશરે ૨૦ લાખ લોકો મરે છે. આજે દુનિયાની વસ્તીમાંથી આશરે ત્રણમાંથી એકને ટીબી હોય છે.

મલેરિયા (૮-૧૨ કરોડ) વર્ષ ૧૯૫૦ પહેલાં દર વર્ષે મલેરિયાથી આશરે ૨૦ લાખ લોકો મરણ પામતા. આજે આફ્રિકાના ઘણા દેશોમાં લોકોને મલેરિયા થાય છે. દર વર્ષે આશરે ૧૦ લાખ લોકો મલેરિયાથી મરે છે.

સ્પેનિશ ઇન્ફલુએન્ઝા (૨-૩ કરોડ) અમુક ઇતિહાસકારોનું કહેવું છે કે આ રોગથી ઘણા લોકો મર્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી તરત આ જીવલેણ ફ્લુ આખી દુનિયામાં ફેલાઈ ગયો. ઇન્સાન અને જીવાણુ વચ્ચેની લડાઈ (અંગ્રેજી) પુસ્તક કહે છે કે બૂબોનિક પ્લેગે પણ ટૂંકા સમયમાં આટલા બધા લોકોને માર્યા ન હતા.

ટાઈફસ (આશરે ૨ કરોડ) ટાઈફસ નામનો ઝેરી તાવ મોટે ભાગે યુદ્ધો, ગરીબી અને ગંદકીને કારણે ફેલાય છે. એ પૂર્વ યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફેલાયો હતો.

એઇડ્‌ઝ (૨ કરોડથી પણ વધારે) આજે એઇડ્‌ઝથી દર વર્ષે આશરે ૩૦ લાખ લોકો મરે છે. એઇડ્‌ઝને ભગાડવા માટે યુનાઈટેડ નેશન્સે એક સંસ્થા રચી છે. તેઓનું કહેવું છે: “જેટલી ઝડપથી આ રોગ વધે છે એટલી ઝડપથી એનો ઇલાજ મળતો નથી. સારવાર પણ અપાતી નથી. તેથી ૨૦૦૦થી ૨૦૨૦ સુધીમાં આશરે ૬.૮ કરોડ લોકો એઇડ્‌ઝથી માર્યા જશે.”

[પાન ૧૧ પર ચિત્ર]

ઈશ્વરના રાજ્યમ કદીયે આવી બીમારીઓ જીવ લેશે નહિ

એઇડ્‌ઝ

મલેરિયા

ટીબી

[ક્રેડીટ લાઈન]

એઇડ્‌ઝ: CDC; મલેરિયા: CDC/Dr. Melvin; TB: © 2003 Dennis Kunkel Microscopy, Inc.

[પાન ૧૩ પર ચિત્ર]

ઈસુએ બધા દરદીઓને સાજા કર્યા