સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લગ્‍ન બંધન શા માટે પવિત્ર હોવું જોઈએ?

લગ્‍ન બંધન શા માટે પવિત્ર હોવું જોઈએ?

બાઇબલ શું કહે છે

લગ્‍ન બંધન શા માટે પવિત્ર હોવું જોઈએ?

આજે મોટા ભાગના લોકો માને છે કે લગ્‍ન પવિત્ર બંધન છે. તો શા માટે છૂટાછેડા કૂદકેને ભૂસકે વધતા જાય છે? કેટલાક માટે તો લગ્‍ન એક રોમેન્ટિક પ્રેમ કરવાના લાયસન્સ અને કાનૂની કરાર સિવાય કંઈ નથી. લગ્‍નમાં આપવામાં આવતા વચનોની તેઓને કંઈ જ પડી હોતી નથી. આવા લોકો લગ્‍ન-જીવનમાં મુશ્કેલી આવતા જ છૂટા પડી જવા ઉતાવળા હોય છે.

લગ્‍ન-જીવન વિષે પરમેશ્વરના કેવા વિચારો છે? ચાલો આપણે બાઇબલમાંથી હેબ્રી ૧૩:૪ જોઈએ: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય.” “માનયોગ્ય” માટેના ગ્રીક શબ્દનો અર્થ અમૂલ્ય અને આદરણીય થાય છે. આપણા માટે કોઈ વસ્તુ અમૂલ્ય હોય ત્યારે, આપણે એ ભૂલથી પણ ખોવાઈ ન જાય એવી કાળજી રાખીએ છીએ. લગ્‍ન બંધન પણ એવું જ હોવું જોઈએ. ખ્રિસ્તીઓએ એને અમૂલ્ય ગણીને કોઈ પણ કિંમતે તૂટવા દેવું ન જોઈએ.

યહોવાહે પતિ-પત્ની વચ્ચે લગ્‍નની પવિત્ર ગોઠવણ કરી છે. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે પણ લગ્‍નને એ જ રીતે જોઈએ છીએ?

પ્રેમ અને માન

લગ્‍ન ગોઠવણમાં લગ્‍નસાથી એકબીજાને માન આપે એ બહુ જરૂરી છે. (રૂમી ૧૨:૧૦) પ્રેષિત પાઊલે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને લખ્યું: “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે; અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.

અમુક સમયે લગ્‍નસાથી એવી રીતે વર્તે કે માન આપવું કે પ્રેમ રાખવો અઘરું બની શકે. તોપણ, ખ્રિસ્તીઓએ પ્રેમ અને માન બતાવતા રહેવું જોઈએ. બાઇબલ જણાવે છે: “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.”—કોલોસી ૩:૧૩.

એકબીજાને સમય આપો

લગ્‍ન-બંધનને પવિત્ર ગણતા પતિ-પત્ની એકબીજાની દરેક રીતે કાળજી રાખવા સમય કાઢે છે. સેક્સની બાબતમાં પણ આ ખરું છે. બાઇબલ કહે છે: “પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી; અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવી.”—૧ કોરીંથી ૭:૩.

તેમ છતાં, એવું બન્યું છે કે વધારે પૈસા કમાવા પતિ થોડો સમય પત્નીથી દૂર ચાલ્યો જાય છે. પણ કોઈ વાર આ થોડો સમય લાંબો થઈ જાય છે. લગ્‍ન-જીવનમાં એટલી બધી તાણ આવી જાય છે કે પછી એ વ્યભિચાર કે છૂટાછેડા તરફ દોરી જાય છે. (૧ કોરીંથી ૭:૨,) ઘણા ખ્રિસ્તી યુગલોએ લગ્‍ન-જીવન જોખમમાં મૂકવાને બદલે પૈસા જતા કર્યા છે.

મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે

મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે યહોવાહના ભક્તો અલગ પડવાનો કે છૂટાછેડા લેવાનો નિર્ણય નહિ લે. (માલાખી ૨:૧૬; ૧ કોરીંથી ૭:૧૦, ૧૧) ઈસુએ બતાવ્યું: “વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે મૂકી દીધેલીની જોડે લગ્‍ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.” (માત્થી ૫:૩૨) શાસ્ત્રીય કારણ વગર છૂટાછેડા કે અલગ થવાનું વિચારનાર યુગલો પોતાના લગ્‍ન બંધનને પવિત્ર ગણતા નથી.

કોઈને લગ્‍ન જીવનમાં મુશ્કેલીઓ હોય ત્યારે, આપણે તેઓને કેવી સલાહ આપીએ છીએ એના પરથી પણ જોવા મળે છે કે લગ્‍ન પ્રત્યે આપણું વલણ કેવું છે. શું આપણે તરત જ તેઓને અલગ થવાની કે છૂટાછેડાની સલાહ આપીએ છીએ? બની શકે કે અમુક સંજોગમાં અલગ થવું પડે. જેમ કે, લગ્‍નસાથી પર સખત અત્યાચાર કરવામાં આવે કે પછી વ્યક્તિ કુટુંબનું ભરણ-પોષણ કરવાથી હાથ ઊંચા કરી દે. * વળી, ઉપર બતાવ્યું તેમ, બાઇબલ વ્યભિચારના આધારે જ છૂટાછેડાની પરવાનગી આપે છે. તોપણ, ખ્રિસ્તીઓએ કોઈના માટે નિર્ણય લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. આખરે તો સલાહ આપનારે નહિ, પણ જેને મુશ્કેલીઓ છે તેણે નિર્ણયનું પરિણામ ભોગવવાનું છે.—ગલાતી ૬:૫,.

લગ્‍ન પ્રત્યે લાપરવા ન બનો

અમુક લોકો જાણે સોદો કરવા લગ્‍ન કરે છે. જેમ કે, અમુક લોકો બીજા દેશના કાનૂની નાગરિક બનવા નામ પૂરતા લગ્‍ન કરે છે. તેઓ પૈસા આપીને તે દેશના રહેવાસી સાથે કરારથી લગ્‍ન કરે છે. લગ્‍ન પછી આ યુગલો અલગ રહે છે. અરે, તેઓ વચ્ચે એક મિત્ર જેવો પણ સંબંધ હોતો નથી. બીજા દેશની નાગરિકતા મળતાની સાથે જ તેઓ છૂટાછેડા લઈ લે છે. આમ, તેઓ લગ્‍નને ફક્ત એક વેપારી કરાર તરીકે જ જુએ છે.

બાઇબલ આવા લગ્‍નને જરાય ચલાવી લેતું નથી. ભલે તેઓનો ઇરાદો ગમે તે હોય પણ તેઓ એક પવિત્ર બંધનમાં આવે છે, કે જેને પરમેશ્વર હંમેશ માટેના બંધન તરીકે જુએ છે. આવા કરાર કરનારી બંને વ્યક્તિઓએ લગ્‍ન પછી તો પતિ-પત્ની તરીકે જ રહેવું જોઈએ અને તેઓ શાસ્ત્રીય કારણ વગર છૂટાછેડા લઈને ફરી લગ્‍ન કરી શકતા નથી.—માત્થી ૧૯:૫, ૬,.

લગ્‍ન જીવનને સુખી બનાવવા માટે પ્રયત્નો કરવા પડે છે. લગ્‍નની પવિત્રતાને નહિ સમજનારા સહેલાઈથી લગ્‍ન સંબંધનો છેડો ફાડી નાખે છે. અથવા તેઓ જેમ તેમ કરીને લગ્‍ન-જીવનનું ગાડું ગબડાવ્યે રાખે છે. બીજી તરફ, લગ્‍નની પવિત્રતા સમજનારાઓ જાણે છે કે તેઓ સાથે જ રહે એવું પરમેશ્વર ઇચ્છે છે. (ઉત્પત્તિ ૨:૨૪) તેઓ એ પણ જાણે છે કે પોતાના લગ્‍નની ગોઠવણના સુમેળમાં જીવન જીવીને, તેઓ લગ્‍નના રચનાર પરમેશ્વરને માન આપે છે. (૧ કોરીંથી ૧૦:૩૧) આવું વલણ રાખવાથી તેઓને લગ્‍ન જીવન સુખી બનાવવાનું ઉત્તેજન મળે છે. (g04 5/8)

[ફુટનોટ]

^ નવેમ્બર ૧, ૧૯૮૮ના વૉચટાવરના પાન ૨૨-૩ પર જુઓ.