સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સદીઓથી તંદુરસ્ત રહેવાની લડત

સદીઓથી તંદુરસ્ત રહેવાની લડત

સદીઓથી તંદુરસ્ત રહેવાની લડત

જોઆન ન્યૂ યૉર્કમાં રહેતી હતી. તેને ટીબી થયો હતો. પણ આ કંઈ જેવો-તેવો ટીબી ન હતો, કેમ કે એને કોઈ દવા જલદી અસર કરતી ન હતી. મોટા ભાગે જેઓને ચેપ લાગે, એમાંથી માંડ ૫૦ ટકા બચે છે. તોપણ જોઆન નિયમિત સારવાર લેતી ન હતી. એટલે તેનો ચેપ બીજાને પણ લાગ્યો. જોઆનને ડૉક્ટરે અકળાઈને કહ્યું: ‘તેને તો ક્યાંક પૂરી દેવી જોઈએ.’

સદીઓથી ટીબીએ કરોડો લોકોને રિબાવી રિબાવીને મારી નાખ્યા છે. ઇજિપ્ત અને પેરુ દેશમાંથી મળી આવતા માનવ શબ એનો પુરાવો આપે છે. ટીબી આજે ફરીથી પાંગરી રહ્યો છે. એ દર વર્ષે લગભગ વીસ લાખ લોકોને ભરખી જાય છે.

આફ્રિકામાં એક ઝૂંપડામાં નજર કરો. નાનકડો કારલીટૉસ ખાટલા પર તાવથી શેકાઈ રહ્યો છે. તેને મલેરિયા થયો છે. તેના કપાળ પરથી પસીનાના રેલા ઊતરે છે. બહુ અશક્તિ આવી ગઈ છે. અરે, રડી પણ નથી શકતો. તેનાં માબાપ પાસે દવાના પૈસા નથી. બાજુમાં કોઈ દવાખાનું કે ડૉક્ટર પણ નથી. તેને સારવાર પણ કેવી રીતે આપી શકે? તાવને તેના પર જરાય રહેમ નથી. કારલીટૉસ બિચારો ૪૮ કલાકમાં ગુજરી ગયો!

મલેરિયા દર વર્ષે લગભગ દસ લાખ બાળકોના જીવ હરી લે છે. પૂર્વ આફ્રિકાના ગામોમાં, મલેરિયા ફેલાવતા મચ્છરો દર મહિને બાળકને ૫૦-૮૦ વાર કરડતા હોય છે. આવા ખતરનાક મચ્છરો નવી નવી જગ્યાએ ફેલાઈ રહ્યા છે. આજે મલેરિયાની દવા પણ એટલી કામ કરતી નથી. દર વર્ષે લગભગ ૩૦ કરોડ લોકો મલેરિયાથી રિબાઈને મરણ પામે છે.

ત્રીસ વર્ષનો કેનથ, સૅન ફ્રેન્સિસ્કો શહેરમાં રહેતો હતો. તે ૧૯૮૦માં પહેલી વાર ડૉક્ટર પાસે ગયો. તેણે ડૉક્ટરને કહ્યું કે ‘મને મરડો થઈ ગયો છે ને બહુ જ થાક-થાક લાગે છે.’ તેને સૌથી સારા ડૉક્ટરો સારવાર આપવા લાગ્યા. પણ દિવસે દિવસે તેનું શરીર કમજોર થતું ગયું. એકાદ વર્ષ પછી કેનેથને ન્યૂમોનિયા થયો. તે મરણ પામ્યો.

એના બેએક વર્ષ પછી એવો જ બીજો બનાવ ઉત્તર ટાન્ઝાનિયામાં બન્યો. એક સ્ત્રીએ કાપડની દુકાનમાંથી કાપડ લીધું. કાપડ વેચનાર પુરુષને ખતરનાક બીમારી હતી. તેના શ્વાસથી કાપડ લેવા આવનાર ઘરાકોને પણ એ બીમારીનો ચેપ લાગ્યો. થોડાં અઠવાડિયાં પછી પેલી સ્ત્રીથી ચલાતું પણ નહિ. થોડા જ સમયમાં તે મરણ પામી. એ સ્ત્રીના ગામના લોકોએ બીમારીનું નામ જૂલીયાના પાડ્યું. કારણ કે તે સ્ત્રીનાં કપડાં પર જૂલીયાના નામની મહોર લાગી હતી.

કેનથ અને ટાન્ઝાનિયાની સ્ત્રીને એઇડ્‌ઝ હતો. એવું લાગતું હતું કે ૧૯૮૦ના વર્ષોમાં મેડિકલ સાયન્સે મોટા ભાગના ઝેરી જીવાણુને કબજે કરી લીધા છે. પણ એઇડ્‌ઝ જન્મ્યો ત્યારથી બધાની ઊંઘ હરામ થઈ ગઈ છે. ચૌદમી સદીમાં યુરોપમાં પણ એવો જ ખતરનાક પ્લેગ ફેલાયો હતો. તે પણ ઘણા લોકોને ભરખી ગયો હતો. એની અસર યુરોપના લોકો ભૂલી શક્યા નથી. પણ છેલ્લા વીસ વરસમાં તો એઇડ્‌ઝ યુરોપના પ્લેગથીયે આગળ નીકળી ગયો છે.

બ્લેક ડેથ

બ્લેક ડેથ પ્લેગની યુરોપમાં શરૂઆત કેવી રીતે થઈ? ક્રિમીયાથી સિસિલી ટાપુ પર વહાણો કાયમ માલ લઈને આવ-જાવ કરતાં. પણ ૧૩૪૭માં સિસિલી દેશના મસીના બંદર પર વહાણ આવ્યું ને, માલની સાથે બ્લેક ડેથનો પ્લેગ પણ લાવ્યું હતું. * પછી એ પ્લેગ આગની જેમ આખા ઇટાલીમાં ફેલાઈ ગયો.

ઇટાલીના સીઍના ગામમાં આન્યોલો દી ટૂરા રહેતો હતો. તેણે ૧૩૪૮માં પોતાના ગામની કરુણ કહાની લખી: ‘મે મહિનાથી સીઍના પર મોતના કાળા વાદળ ઘેરાયા હતા. આ પ્લેગ બહુ જ ખતરનાક હતો. જેને ચેપ લાગતો, તે તરત જ મરતો. રાત-દિવસ લોકો ટપોટપ મરતા હતા. મેં પોતે મારા હાથે મારાં પાંચ બાળકોને દાટ્યાં. બધા જ પોતપોતાના મૂએલાને દાટતા. કોઈની આંખોમાંથી એક પણ આંસુ ટપકતું નહિ. ભલેને એ ગમે એ હોય, બધા પર મોતના ડંકા વાગી રહ્યા. લોકોને ટપોટપ મરતા જોઈને બધા જ માનતા હતા કે, જગતનો અંત આવ્યો છે.’

ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ઇટાલીમાં પ્લેગ ફાટી નીકળ્યો, એના ચાર વર્ષ પછી આખા યુરોપમાં એ ફેલાઈ ગયો હતો. એ પ્લેગે યુરોપના બે-ત્રણ કરોડ લોકોનો ભોગ લીધો. અરે, એ રાક્ષસે તો યુરોપથી હાથ લંબાવીને આઇસલૅન્ડના મોટા ભાગના લોકોને મોતના મોંમાં ધકેલી દીધા હતા. એનાથી હજુ ધરાયો નહિ હોય તેમ, તે ચીન સુધી પહોંચી ગયો. તેરમી સદીમાં ચીનની વસ્તી લગભગ ૧૨.૩ કરોડ હતી. પછી ત્યાં પ્લેગ અને દુકાળ ફાટી નીકળ્યા. એને કારણે ૧૪મી સદીમાં ચીનની વસ્તી ૬.૫ કરોડની થઈ ગઈ!

એ પહેલાં કદી ક્યાંય એવો દુકાળ, પ્લેગ કે લડાઈ થઈ ન હતી. જેના કારણે અગણિત લોકોને દુઃખની ચક્કીમાં પિસાવું પડ્યું. એના વિષે ઇન્સાન અને જીવાણુ વચ્ચેની લડાઈ (અંગ્રેજી) પુસ્તક આમ કહે છે: “એના જેવો બનાવ ઇતિહાસમાં કદી થયો જ નથી. એ પ્લેગ યુરોપ, ઉત્તર આફ્રિકા અને એશિયાના ઘણા દેશો સુધી પહોંચ્યો હતો. તેથી એ દેશોમાં ૨૫-૫૦ ટકા લોકો મરણ પામ્યા.”

અમેરિકા દુનિયાને બીજે છેડે છે, એટલે એ બ્લેક ડેથના પંજામાંથી છટકી ગયું. પણ થોડા સમય પૂરતું જ. પ્લેગ ફેલાયેલા દેશોમાંથી વહાણો માલ લઈને અમેરિકા જતાં. એના સાથે પ્લેગ પણ ફેલાયો. આજથી લગભગ ૫૦૪ વર્ષ પહેલાં ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં બીજો એક રોગ ફાંટી નીકળ્યો એ બ્લેક ડેથ કરતાં પણ ખતરનાક હતો.

અમેરિકા પર શીતળાનો વિજય

વર્ષ ૧૪૯૨માં કોલંબસ વેસ્ટ ઇંડિઝ આવી પહોંચ્યો. તેણે ત્યાંના આદિવાસીઓ વિષે કહ્યું: ‘તેઓ બહુ જ દેખાવડા, મધ્યમ ઊંચાઈના અને પહેલવાન છે.’ જોકે તેઓ તંદુરસ્ત દેખાતા હોવાનો એવો અર્થ ન હતો કે તેઓને યુરોપની બીમારીઓની કોઈ અસર થશે નહિ.

આજથી ૫૧૨ વર્ષ પહેલાં હિશપૅનયૉલ ટાપુ પર શીતળાનો રોગ ફાટી નીકળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે અમેરિકાના આદિવાસીઓને એ પહેલાં કદી શીતળા થયા ન હતા. પરંતુ આ વખતે શીતળાએ તેઓના ટાપુને ઘેરી લીધો હતો. સ્પેનના એક માણસે પોતાની નજરે જોયું હતું કે, ટાપુ પરના મોટા ભાગના લોકો મરી ગયા હતા. શીતળાની બીમારીમાંથી માંડ માંડ એક હજાર લોકો બચ્યા હતા. એ જ રીતે શીતળાએ ઝડપથી મેક્સિકો અને પેરુ દેશ પર પણ વિનાશ વેર્યો હતો.

કોલંબસના લગભગ ૧૦૦ વર્ષ પછી ઇંગ્લૅંડથી લોકો ઉત્તર અમેરિકાના મૅસચ્યૂસિટ્‌સ નામના વિસ્તારમાં રહેવા ગયા. ત્યારે તેઓને ખબર પડી કે શીતળા ત્યાંના લોકોને પણ ભરખી ગયો છે. એના વિષે એ ગ્રૂપના આગેવાન જૉન વીનથ્રોપે આમ લખ્યું: “શીતળાએ મોટા ભાગના લોકોને પતાવી દીધા છે.”

શીતળા પછી ત્યાં બીજા અનેક રોગો આવવા લાગ્યા. એક પુસ્તક કહે છે કે, કોલંબસ ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં આવ્યો, એના ૧૦૦ વર્ષ પછી એવી બીમારીઓ આવી, જેનાથી ૯૦ ટકા વસ્તી મરણ પામી. મેક્સિકોમાં શીતળાનો રોગ આવ્યો એના પહેલાં, ત્યાં લગભગ ૩૦ કરોડની વસ્તી હતી. પછી ફક્ત ૩૦ લાખની થઈ ગઈ. એ જ રીતે પેરુમાં શીતળાનો રોગ આવ્યો એના પહેલાં, ત્યાં ૮૦ લાખની વસ્તી હતી. પછી ફક્ત ૧૦ લાખની થઈ ગઈ. એ દેશોમાં બહારના રોગોથી ૯૦ ટકા વસ્તી સાફ થઈ ગઈ હતી. જોકે ફક્ત અમેરિકાના આદિવાસીઓ જ શીતળાનો ભોગ બન્યા નથી. શીતળા વિષેનું એક પુસ્તક કહે છે: ‘ઇતિહાસ બતાવે છે કે શીતળાએ કરોડો ને કરોડો લોકોનું જીવન લઈ લીધું છે. બ્લેક ડેથ અને ૨૦મી સદીના યુદ્ધોએ જેટલા લોકોને મારી નાખ્યા છે એના કરતાં પણ વધારે લોકોને શીતળાએ માર્યા છે.’

બીમારીઓ સામેની લડત હજી ચાલુ જ છે

આજે કદાચ એમ લાગે કે પ્લેગ અને શીતળાની વાતો તો પુરાણો ઇતિહાસ થઈ ગઈ. દૂરથી એવું લાગી શકે કે ૨૦મી સદીમાં અમીર દેશોએ એવી બીમારીઓ પર જીત મેળવી છે. ડૉક્ટરોએ શોધી કાઢ્યું છે કે મોટા ભાગની બીમારીઓ કેવી રીતે થાય છે અને એની શું દવા છે. (છઠ્ઠા પાના પરનું બૉક્સ જુઓ.) આજે નવી નવી અનેક રસીઓ અને એન્ટી-બાયોટિક્સ દવાઓ નીકળી છે. એટલે એવું લાગે કે હવે કંઈ ગભરાવા જેવું નથી!

પરંતુ હકીકત કંઈ જુદી જ છે. ડૉક્ટર રીચર્ડ કારુસી અમેરિકામાં ઍલર્જી અને ચેપી રોગોનું સંશોધન કરતા હતા. તે કહે છે: ‘કોઈ મોતના મોંમાંથી બચી શકતું નથી, તેમ પ્લેગથી પણ બચી શકતું નથી.’ આજે પણ ટીબી અને મલેરિયા પાંગરી રહ્યા છે. જેટલા લોકોને ૧૯૯૮માં ટીબી થયો, એટલાને અગાઉ કોઈ એક વર્ષમાં ટીબી થયો નથી. એઇડ્‌ઝ પણ આજે માથું ઊંચું કરીને ફરી રહ્યો છે. એ બતાવે છે કે રોગો હજુ પણ દુનિયામાં રાજ કરે છે. ઇન્સાન અને જીવાણુ વચ્ચેની લડાઈ (અંગ્રેજી) પુસ્તક કહે છે: “ચેપી રોગોને કારણે દુનિયામાં સૌથી વધારે લોકો મરે છે. એ રોગો લાંબા સમય સુધી જીવ લીધા જ કરશે.”

ખરું કે ડૉક્ટરો થોડા સમયથી ઘણી બીમારીઓ પર જીત મેળવી રહ્યા છે. પણ અમુક ડૉક્ટરો માને છે કે એ જીત થોડા સમય પૂરતી જ છે. રોબર્ટ શૉપ રોગો પર સંશોધન કરે છે. તે કહે છે: “ચેપી રોગોનો ભય મટવાને બદલે દિવસે દિવસે વધી રહ્યો છે.” આગળ વાંચો. (g04 5/22)

[ફુટનોટ]

^ એ પ્લેગના નિશાની અનેક પ્રકારની હતી. ગાંઠિયો તાવ, બૂબોનિક પ્લેગ અને ન્યૂમોનિક પ્લેગ. ઉંદરોથી બૂબોનિક પ્લેગ ફેલાયો હતો. ન્યૂમોનિક પ્લેગ રોગીઓના શ્વાસથી ફેલાયો હતો.

[પાન ૫ પર બ્લર્બ]

ચૌદમી સદીના પ્લેગથી યુરોપમાં જેટલા મર્યા, એનાથી પણ વધારે લોકોનો શિકાર એઇડ્‌ઝે વીસ વર્ષમાં કર્યો

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

જ્ઞાનની સામે અંધશ્રદ્ધા

ચૌદમી સદીમાં બ્લેક ડેથ પ્લેગ ફેલાયો ત્યારે પોપનું ઘર ફ્રાંસના આવીન્યોન શહેરમાં હતું. ત્યાંના લોકો ખેતી વાડી કરતા હતા. પોપના ડૉક્ટરે જણાવ્યું કે ત્રણ ગ્રહ નડે છે. એટલે શનિ, ગુરુ અને મંગળ. તેથી પ્લેગ આવ્યો છે.

યૂનાઇટેડ સ્ટેટ્‌સમાં ૧૭૯૯માં જ્યોર્જ વોશિંગ્ટનનું ગળું દુખતું હતું. તેમને કોઈ ચેપ લાગ્યો હતો. તેથી તે સૂઈ ગયા. તેમને સારવાર આપવા ત્રણ પ્રખ્યાત ડૉક્ટરો આવ્યા. તેઓએ સારવાર આપવા તેમની નસ કાપીને બે લિટર લોહી કાઢી લીધું. થોડા જ કલાકોમાં જ્યોર્જ વોશિંગ્ટન મરણ પામ્યા. હિપોક્રેટિસના સમયથી લગભગ ૧૮૫૦ સુધી આ રીતે જ ઘણી સારવાર આપવામાં આવતી.

ખરું કે રિવાજો અને અંધશ્રદ્ધાને કારણે મેડિકલ ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ ન થઈ. તેમ છતાં ઘણા ડૉક્ટરોએ ચેપી રોગો થવાના કારણો જાણવા અને એને કાબૂમાં લાવવા ઘણા પ્રયત્નો કર્યા. મહત્ત્વના ઇલાજોની શોધ વિષે નીચે અમુક નોંધ આપી છે:

શીતળા. ઍડવર્ડ જેનરે ૧૭૯૮માં શીતળાના ઇલાજ માટે રસી મૂકવાની પદ્ધતિ શોધી કાઢી હતી. વીસમી સદીમાં પણ રસી મૂકવાથી ઘણા રોગો દૂર કરી શકાયા છે. જેમ કે પોલિયો, કમળો, ઓરી અને અછબડા.

ટીબી. રોબર્ટ કોકે ૧૮૮૨માં ટીબીના જીવાણુઓ વિષે અને એ પારખવાની રીતો શોધી કાઢી હતી. એના ૬૦ વર્ષ પછી, સ્ટ્રેપ્ટોમાઈસીન નામની અસરકારક એન્ટીબાયોટિક દવાની શોધ થઈ. એ દવા ગાંઠિયો તાવ કે બૂબોનિક પ્લેગ માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ છે.

મલેરિયા. સત્તરમી સદી પછી સિંકોના વૃક્ષની છાલમાંથી ક્વિનાઇન બનવા લાગી. એનાથી આજે કરોડો લોકોનું જીવન બચે છે. રૉનાલ્ડ રૉસે ૧૮૯૭માં મલેરિયાનો ચેપ ફેલાવતા એનોફિલિસ માદા મચ્છરોને ઓળખી લીધા. એ પછી ગરમ દેશોમાં મચ્છરો અને મલેરિયા નાબૂદ કરવા પગલાં લેવામાં આવ્યાં.

[ચિત્ર]

રાશિ નકશો (ઉપર) લોહી કાઢે છે

[ક્રેડીટ લાઈન]

બંને ચિત્રો: Biblioteca Histórica “Marqués de Valdecilla”

[પાન ૩ પર ચિત્ર]

ટીબી દર વર્ષે લગભગ વીસ લાખ લોકોને મારી નાખે છે

[ક્રેડીટ લાઈન્સ]

એક્ષ-રે: New Jersey Medical School–National Tuberculosis Center; માણસ: Photo: WHO/Thierry Falise

[પાન ૪ પર ચિત્ર]

જર્મન લખાણવાળું ઈસવી સન ૧૫૦૦નું ચિત્ર, ડૉક્ટરે બ્લેક ડેથથી બચવા માસ્ક પહેર્યો છે. માસ્કની ચાંચમાં અત્તર છે

[ક્રેડીટ લાઈન]

Godo-Foto

[પાન ૪ પર ચિત્ર]

બૂબોનિક પ્લેગ ફેલાવતા જીવાણુ

[ક્રેડીટ લાઈન]

© Gary Gaugler/Visuals Unlimited