સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નામ કમાવાને બદલે ઈશ્વરનો સાથ લીધો

નામ કમાવાને બદલે ઈશ્વરનો સાથ લીધો

નામ કમાવાને બદલે ઈશ્વરનો સાથ લીધો

ચાર્લ્સ સિનેટ્‌કોના જણાવ્યા પ્રમાણે

અમેરિકાના લાસ વેગસ શહેરમાંથી ૧૯૫૭માં, મને ઑફર આવી કે ‘તું ૧૩ અઠવાડિયા સુધી દરરોજ અમારી માટે ક્લબમાં ગીતો ગા. દર અઠવાડિયે અમે તને એક હજાર ડૉલર આપીશું. જો બધાને તું ગમી જઈશ તો બીજા ૫૦ અઠવાડિયાં સુધી ગીતો ગાજે. એ માટે અમે તને બીજા પચાસ હજાર ડૉલર આપીશું!’ એ જમાનામાં, એ બહુ જ પૈસા કહેવાતા. ચાલો હું તમને જણાવું કે લોકો મને કેમ એવી ઑફર કરતા હતા. તેમ જ એવી ઑફર સ્વીકારવી કે નહિ એ નિર્ણય લેવો મારા માટે કેમ અઘરું હતું.

મારા પપ્પા મૂળ યુક્રેનીઅન હતા. તેમનો જન્મ યુરોપમાં, ૧૯૧૦માં થયો હતો. મારા દાદા અમેરિકામાં રહેતા હતા. મારી દાદી ૧૯૧૩માં પપ્પાને લઈને અમેરિકા રહેવા ગયા. પપ્પાએ ૧૯૩૫માં લગ્‍ન કર્યા. મારો જન્મ ૧૯૩૬માં, પેન્સીલ્વેનિયાના આમબ્રીજ ગામમાં થયો હતો. લગભગ એ સમયે મારા બે કાકા યહોવાહના સાક્ષીઓ બન્યા હતા.

હું અને મારા ત્રણ ભાઈઓ નાના હતા ત્યારે અમારું કુટુંબ પેન્સીલ્વેનિયાના ન્યૂ કાસલ શહેરમાં રહેતું હતું. મારી મમ્મી યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખતી હતી. જોકે મમ્મી-પપ્પા એ સમયે યહોવાહના સાક્ષીઓ બન્યા ન હતા. પિતાજી કહેતા કે ‘કાકાઓને જે ધર્મમાં માનવું હોય એમાં તેઓ માની શકે. એ પસંદ કરવું તેઓનો હક્ક છે.’ પપ્પા દેશભક્ત હતા. એ જ રીતે તેમણે અમને મોટા કર્યા હતા. તોપણ તે કહેતા કે ‘શું માનવું કે ન માનવું એ સૌ સૌની મરજી છે.’

ગાયક કલાકાર બન્યો

મમ્મી-પપ્પા જોઈ શક્યા કે મારો કંઠ કોયલ જેવો મીઠો છે. હું ગાયક બની શકું એ માટે તેઓ બનતું બધું જ કરતા. હું છ કે સાત વર્ષનો હતો ત્યારે પપ્પા મને ક્લબમાં લઈ જતા. હું ગાતો અને તે ગિટાર વગાડતા. મેં ‘મમ્મીના ગુણો’ વિષે ગીત લખ્યું અને ગાયું હતું. એ ગીતની છેલ્લી કડીમાં હું ગાતો કે ‘મા મળી તો દુનિયા મળી.’ ક્લબમાં જે પુરુષો આવતા તેઓ બહુ જ પીતા. તેઓ ગીત સાંભળતા અને રડતા જઈને પપ્પાની ટોપીમાં પૈસા નાખતા.

પેન્સિલ્વેનિયાના ન્યૂ કાસલમાં રેડિયો પ્રોગ્રામમાં મેં પહેલી વાર ૧૯૪૫માં, જૂનાં ગીતો ગાયાં હતાં. સમય જતાં દર અઠવાડિયે હું ફક્ત લોકપ્રિય ગીતો જ રેડિયો પ્રોગ્રામમાં ગાતો. પછી પ્રખ્યાત સંગીત કલાકાર, પૉલ વ્હાઈટ-મેનના ટીવી પ્રોગ્રામમાં મેં ૧૯૫૦માં પહેલી વાર દર્શન દીધા. તેમની ગોઠવણ પ્રમાણે જૉજ ગરસ્વીન્સનું “રેપસોડી ઇન બ્લુ” ગીત ગાવામાં આવ્યું હતું. તે આજે પણ પ્રખ્યાત છે. થોડા સમય પછી મારા પપ્પાએ પેન્સિલ્વેનિયામાં અમારું ઘર વેચી દીધું અને અમે બધાય કેલિફોર્નિયાના લૉસ ઍંજિલીઝ શહેરમાં રહેવા ગયા. તેમનું માનવું હતું કે ત્યાં હું આગળ વધી શકીશ.

આગળ વધવા કાયમ મારા પપ્પા મહેનત કરતા. તેમની મહેનતથી મને કેલિફોર્નિયાના પૅસાડીના શહેરના રેડિયો પ્રોગ્રામમાં દર અઠવાડિયે ગાવાનો ચાન્સ મળ્યો. દર અઠવાડિયે અડધો કલાક હોલીવુડના ટીવી પર પ્રોગ્રામ આપતો. પછી મેં કાપીટ્‌લ રેકર્ડ કંપનીમાં ટૅડ ડૅઇલના એક સો સંગીત કલાકારો સાથે ગીતો રેકૉર્ડિંગ કર્યાં. તેમ જ હું કોલમ્બિયાના રેડિયો પર પણ ગાતો. પછી હું ૧૯૫૫માં કેલિફોર્નિયાના લૅક ટાહૉ ગામમાં પ્રોગ્રામ રાખવા લાગ્યો. એ વખતે એવું કંઈક બન્યું જેનાથી મારું જીવન બદલાઈ ગયું.

નવી સફર

લગભગ એ સમયમાં મારા મોટા કાકા જૉન, પેન્સિલ્વેનિયાથી કેલિફોર્નિયામાં રહેવા આવ્યા હતા. તેમણે મને “લેટ ગોડ બી ટ્રુ” પુસ્તક વાંચવા આપ્યું. * * હું એ પુસ્તક લૅક ટાહૉમાં વાંચવા લઈ ગયો. મધરાતે અમારો છેલ્લો શો પૂરો થયો ત્યારે સૂઈ જવાને બદલે હું નિરાંતે બેસીને એ વાંચવા લાગ્યો. ઘણા સમયથી મારા મનમાં જે સવાલો ગુંજતા હતા એના જવાબો મને બાઇબલમાંથી મળ્યા. હું રાજીનો રેડ થઈ ગયો.

હું જે કંઈ વાંચતો એ વિષે ક્લબમાં કામ કરતા મિત્રો સાથે બેસીને સવાર સુધી વાતો કરતો. અમે એવી વાતો પર ચર્ચા કરતા કે, ‘મરણ પછી શું થાય? ઈશ્વર આપણા પર કેમ દુઃખો આવવા દે છે? પૃથ્વીનો નાશ થઈ રહ્યો હોવાથી શું મનુષ્યનો પણ અંત આવશે કે કેમ?’ થોડા મહિના પછી ૧૯૫૫માં, યહોવાહના સાક્ષીઓએ લૉસ ઍંજિલીઝ શહેરના નારિગલી ફિલ્ડ સ્ટેડિયમમાં મોટું સંમેલન ભર્યું હતું. ત્યારે મેં પણ જુલાઈ ૯નાં પાણીમાં બાપ્તિસ્મા લીધું અને યહોવાહનો સેવક બન્યો.

છ મહિના પછી ડિસેમ્બર ૨૫, ૧૯૫૫માં હૅનરી રસેલભાઈએ મને કહ્યું કે, ચાલ આપણે જૅક મૅકૉઈને મળવા જઈએ. તે મનોરંજનનો કલાકાર હતો. હૅનરી પોતે પણ ઍન.બી.સી.માં સંગીતના ડાયરેક્ટર હતા. અમે જૅકના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ નાતાલની ભેટો ખોલી રહ્યા હતા. જૅક, તેમના ત્રણ બાળકો અને પત્ની સાથે બેસીને અમે ઘણી જ વાતો કરી. પછી જૅકનું આખું કુટુંબ યહોવાહના સાક્ષીઓ બન્યા.

વર્ષ ૧૯૫૬ની શરૂઆતમાં હું મમ્મીને બાઇબલમાંથી શીખવતો હતો. મમ્મી પોતે યહોવાહનું સત્ય જોઈ શકી. સમય જતાં મમ્મી પણ યહોવાહની એક સેવિકા બની. પછી તે દરે મહિને ૧૦૦ કલાક પ્રચાર કરવા લાગી. અમુક સમય પછી મારા ત્રણ ભાઈઓ પણ પાણીમાં બાપ્તિસ્મા લઈને યહોવાહના સેવકો બન્યા. થોડા સમય સુધી તેઓ પણ મહિને ૧૦૦ કલાક પ્રચાર કરતા હતા. હું ૧૯૫૬માં ૨૦ વર્ષનો થયો. ત્યારે મેં પણ ૧૦૦ કલાક પ્રચાર કરવાનું શરૂ કર્યું.

નોકરીના નિર્ણયો

જ્યોર્જ મર્ફી મારા દલાલના જિગરી દોસ્ત હતા. તેમણે ૧૯૩૦ અને ૪૦ના દાયકામાં ઘણી ફિલ્મો બનાવી હતી. તેથી તે બહુ જ જાણીતા હતા. તે ચાહતા હતા કે હું પણ તેમની જેમ આગળ વધુ. તેમની ઓળખાણથી મેં ડિસેમ્બર, ૧૯૫૬માં જેકી ગ્લેસન પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. ન્યૂ યૉર્કમાં લગભગ બે કરોડ લોકોએ ટીવી પર એ પ્રોગ્રામ જોયો હતો. એનાથી મારી બહુ જ વાહ-વાહ થઈ. એ શો માટે હું ન્યૂ યૉર્કમાં ગયો હતો. ત્યાં બ્રુકલિન વિસ્તારમાં આખી દુનિયાના યહોવાહના સાક્ષીઓની હૅડ ઑફિસ હતી. એ હું પહેલી વાર જોવા ગયો હતો.

જેકી ગ્લેસનના પ્રોગ્રામમાં ભાગ લીધા પછી મેં એમ.જી.એમ. સ્ટુડિયો સાથે ફિલ્મોમાં કામ કરવા સાત વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેઓ મને કાઉબૉયની ફિલ્મોમાં ઘણા રોલ આપવાના હતા. જેમ કે જુગાર રમવાનું, બંદૂકથી ખૂન કરવાનું, પ્રેમમાં પડવાનું, વ્યભિચાર અને એવાં ગંદા કામો કરવાનો રોલ મને મળ્યો હતો. મેં એ કામ છોડી દીધું. મનોરંજન કાર્યક્રમો બનાવતા કલાકારોને થયું કે મારી ડાગળી ખસકી ગઈ છે!

શરૂઆતમાં મેં તમને જેમ જણાવ્યું કે લાસ વેગસમાં મને પૈસા બનાવવાની સુંદર ઑફર મળી હતી. પણ મેં સ્વીકારી નહિ. હું જે અઠવાડિયે આ નોકરી શરૂ કરવાનો હતો એ જ અઠવાડિયાથી સરકીટ ઓવરસીયર અમારા મંડળની મુલાકાત લેવા આવવાના હતા. તેમનું નામ રૉય ડૉવૅલ હતું. નોકરી જવા દઉં તો મારા પપ્પા શું વિચારશે? તેમને મન તો હું આ નોકરીથી બહુ જ પૈસા બનાવવાનો હતો. મને થતું કે ‘આગળ વધવા પપ્પાએ મને આટલી મદદ કરી છે, તો હવે મારે કમાઈને તેમને પૈસા આપવા જ જોઈએ!’ હું જો એ નોકરી હાથમાંથી જવા દઉં તો, આવો મોકો મને ફરી મળશે નહિ. આમ હું મુંઝવણમાં હતો.

હું ભાઈ કાર્લ પાર્ક પાસે સલાહ લેવા ગયો. તે ઘણાં વર્ષોથી યહોવાહની સેવા કરતા. મંડળમાં એક જવાબદાર વ્યક્તિ હતા. તે પોતે સંગીતકાર પણ હતા અને વાયોલિન સારું વગાડી જાણતા. ન્યૂ યૉર્કમાં ૧૯૨૦ના દાયકામાં યહોવાહના સાક્ષીઓનું રેડિયો સ્ટેશન હતું ત્યારે કાર્લભાઈ ત્યાં વાયોલિન વગાડતા હતા. મેં તેમને કહ્યું: ‘જો હું આ કોન્ટ્રાક્ટ કરું તો, જીવું ત્યાં સુધી બધો સમય યહોવાહની સેવામાં આપી શકીશ. મને પૈસાની ચિંતા જ નહિ રહે.’ કાર્લભાઈએ કહ્યું: ‘હું તને કહી ન શકું કે તારે શું કરવું કે ન કરવું જોઈએ. છતાં ખરો નિર્ણય લેવા તને મદદ કરીશ. જો પ્રેષિત પાઊલ આપણા મંડળમાં આ અઠવાડિયે આવે તોપણ શું તું કામે ચાલ્યો જઈશ? તારે શું કરવું જોઈએ એ વિષે ઈસુ ખ્રિસ્ત તને શું કહેશે?’

હું કાર્લભાઈના કહેવા પરથી સમજી ગયો કે મારે શું કરવું જોઈએ. ઘરે આવીને મેં પપ્પાને કહ્યું કે ‘હું લાસ વેગસમાં કામ કરવા નથી જવાનો.’ તેમણે કહ્યું, ‘તું જીવન બરબાદ કરી રહ્યો છે.’ એ રાત્રે પપ્પાએ બહુ જ દારૂ પીધો હતો. તે પિસ્તોલ લઈને મને મારી નાખવા બેઠા હતા. પણ બેઠા બેઠા તે ઊંઘી ગયા. પછી પોતે ગૅરૅજમાં કાર ચાલુ કરીને ગાડીના ધુમાડાથી ગૂંગળાઈને આપઘાત કરવા બેસી ગયા. મને એ ખબર પડી ગઈ હોવાથી મેં ઍમ્બ્યુલન્સ બોલાવી. સારવારથી પપ્પા બચી ગયા.

મંડળમાં બધાને ખબર હતી કે પપ્પાનો મગજ બહુ જ ગરમ છે. તેમનાથી બધા જ ડરતા. તોપણ રૉય ડૉવૅલ પપ્પાથી જરાય ન ડરતા. તે અમારા મંડળની મુલાકાત લેવા આવ્યા હતા. રૉયભાઈએ પપ્પા વિષે સાંભળ્યું હોવાથી તે પપ્પાને મળવા ગયા. પપ્પાએ તેમને કહ્યું: ‘ચાર્લ્સ જન્મ્યો ત્યારે તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. મેં ઈશ્વરની આગળ સમ ખાધા હતા કે ચાર્લ્સ બચી જશે તો હું તેને તમારી સેવામાં આપી દઈશ.’ રૉયભાઈએ પપ્પાને કહ્યું: ‘તમને નથી લાગતું કે ઈશ્વરને આપેલું વરદાન પાળવાનું તે તમને યાદ કરાવતા હોય?’ એ સાંભળીને તે વિચારતા જ રહી ગયા. પછી રૉયભાઈએ તેમને પૂછ્યું, ‘ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા હતા, છતાં ઈશ્વરની સેવા કરવામાં તેને કંઈ વાંધો ન હતો. તો ચાર્લ્સ ઈશ્વરની સેવા કરે એમાં તમને શું વાંધો છે?’ એ ચર્ચા પછી પપ્પા મને કદી કંઈ કહેતા નહિ.

જાન્યુઆરી, ૧૯૫૭માં કૅનેડાથી શર્લી લાજ અને તેની બહેનપણી તેઓના મિત્રોને મળવા અમારા મંડળમાં આવી હતી. એ બહેનો પણ પાયોનિયરીંગ કરતી હતી. એ બહેનો સાથે પ્રચારમાં જવાથી શર્લી સાથે મારી દોસ્તી થઈ ગઈ. થોડા સમય પછી, હૉલીવુડના એક થિયેટરમાં પ્રોગ્રામ આપવા મારે જવાનું થયું. ત્યારે શર્લી પણ મારી સાથે આવી હતી. એ પ્રોગ્રામમાં મેં પ્રખ્યાત કલાકાર, પર્લ બૅલી સાથે ગીત ગાયાં હતાં.

મારા નિર્ણય પ્રમાણે કર્યું

વર્ષ ૧૯૫૭માં સંસ્થાએ મને અમેરિકાના આયોવા શહેરમાં સ્પેશિયલ પાયોનિયર તરીકે જવાનું કહ્યું, જેથી હું ત્યાં મહિનાના ૧૫૦ કલાક યહોવાહ પરમેશ્વર વિષે પ્રચાર કરી શકું. મેં પપ્પાને જણાવ્યું કે હું ત્યાં જવા રાજી છું. એ સાંભળીને તે ડૂસકાં ભરીને રડવા લાગ્યા. તે સમજી ન શક્યા કે હવે મારા માટે શું મહત્ત્વનું છે અને શું નથી. હું હોલીવુડમાં જેવો પૈસા બનાવવા દોડી ગયો તેવો જ બહાર ભાગી આવ્યો. એમ.જી.એમ. સ્ટુડિયોમાં સંગીતકાર અને ઑરકૅસ્ટ્રાના લોકપ્રિય કલાકાર ફ્રૅડ વૉરીંગ કામ કરતા હતા. તેમના હાથ નીચે મારે કામ કરવાનું હતું. તેમણે મને કહ્યું: ‘જો તું કોન્ટ્રાક્ટ માન્ય નહિ કરે તો તને કદી ગાયક તરીકે કામ નહિ મળે.’ મેં તેમને સમજાવ્યું કે ‘મારે ગાયક નથી બનવું. પણ ઈશ્વરની સેવામાં જીવન ગુજારવું છે.’

મેં શ્રીમાન વૉરીંગ સાથે એના વિષે ઘણી વાત કરી. તે શાંતિથી સાંભળતા રહ્યા. પછી તેમણે કોમળ અવાજે કહ્યું: “બેટા! મને દુઃખ થાય છે કે તું આટલી સરસ નોકરી છોડીને ચાલ્યો જાય છે. મેં પણ આખી જિંદગી સંગીતની દુનિયામાં કાઢી છે. એમાંથી હું શીખ્યો છું કે જીવનમાં સંગીત જ બધું નથી. તું જે કરવા ચાહે છે એમાં ઈશ્વરનો આશિષ હોય. એ મારી દુઆ છે.” મને આજે પણ યાદ છે કે હું કાર ચલાવીને ઘરે આવતો હતો ત્યારે આંખોમાંથી ખુશીના આંસુ ટપકતા હતા. હું જાણે ઘેલો થઈ ગયો હતો. જીવનભર યહોવાહની સેવા કરવા મને હવે કોઈ રોકી શકે એમ ન હતું.

“તમને ઈશ્વરમાં ભરોસો નથી?”

હું મારા મિત્ર જૉ ટ્રિર્ફ સાથે આયૉવાના સ્ટ્રૉબૅરી પોઈન્ટ ગામમાં સેવા આપવા ગયો. એ ગામમાં આશરે ૧,૨૦૦ લોકો રહેતા હતા. થોડા સમય પછી શર્લી મને મળવા આવી, જેથી અમે લગ્‍ન વિષે ચર્ચા કરી શકીએ. મેં તેને જણાવ્યું કે આપણે બંને કડકા છીએ. મારા જે પૈસા હતા એ બધા જ પપ્પા પાસે છે. મેં તેને કહ્યું કે “મારે તો તારી જ સાથે લગ્‍ન કરવા છે. પણ પૈસા વગર આપણે ઘર કેવી રીતે ચલાવીશું? મારી પાસે ફક્ત ૪૦ ડૉલર છે. જે સ્પેશિયલ પાયોનિયરોને મહિના પૂરતા ખીસા ખરચ મળે છે એ જ.” શર્લીએ મને પ્રેમથી કહ્યું: ‘તમને ઈશ્વરમાં ભરોસો નથી? ઈસુએ તો કહ્યું હતું કે, તમે યહોવાહનું રાજ્ય તમારા જીવનમાં પ્રથમ મૂકશો તો ઈશ્વર તમારી જરૂરિયાત પૂરી પાડશે.’ (માત્થી ૬:૩૩) મારું મન માની ગયું. અમે નવેમ્બર ૧૬, ૧૯૫૭માં લગ્‍ન કરી લીધા.

સ્ટ્રૉબૅરી પોઈન્ટ ગામમાં હું એક ખેડૂતને બાઇબલમાંથી શીખવતો હતો. અમારી પાસે બહુ પૈસા ન હોવાથી, તેણે મને કહ્યું કે તેની વાડીમાં ૧૨ ફૂટ લાંબી ચોરસ લાકડાની ઓરડી છે. એમાં લાઇટ-પાણી કે બાથરૂમ નથી. તમને જોઈતી હોય તો, એમાં મફત રહી શકો. સાદી ઓરડી છે. અમે વિચાર્યું કે ‘અમે તો આખો દિવસ પ્રચારમાં કાઢીએ છીએ. ઘરે તો હોતા નથી. ફક્ત સૂવા માટે જ જોઈએ છે ને? ચાલશે.’

હું બાજુનાં ઝરણામાંથી પાણી ભરી આવતો. ઠંડીના કારણે અમે ઓરડીમાં લાકડા બાળતા. એના અજવાળામાં બેસીને બાઇબલ વાંચતા. શર્લી પ્રાઈમસ પર રસોઈ કરતી. નહાવા માટે જૂનું ટબ વાપરતા. સૂતા સૂતા શિયાળના ભૂંકવાનો અવાજ પણ સંભળાતો. એ વિસ્તારમાં લોકો યહોવાહ પરમેશ્વર વિષે જાણતા ન હતા. તેથી ત્યાં પ્રચાર કરવાની ખૂબ જ જરૂર હતી. અમે પતિ-પત્ની સાથે મળીને યહોવાહ પરમેશ્વર વિષે લોકોને રાજીખુશીથી શીખવતા. બીલભાઈ મૅલન્ફૉન્ટ અને તેમની પત્ની સાન્ડ્રા પણ અમારી જેમ, અમારાથી લગભગ ૧૦૦ કિમી દૂર સ્પેશિયલ પાયોનિયર તરીકે સેવા આપતા હતા. તેઓ કોઈક વાર અમારી સાથે પ્રચારમાં આવતા. ઘણાં વર્ષો પછી સ્ટ્રૉબૅરી પોઈન્ટ ગામમાં એક મંડળ ઊભું થયું. એમાં આશરે ૨૫ ભાઈ-બહેનો હતાં. આજે મૅલન્ફૉન્ટભાઈ અને તેમના પત્ની, બ્રુકલિન, ન્યૂ યૉર્કમાં આવેલી યહોવાહના સાક્ષીઓની હૅડ ઑફિસમાં સેવા આપી રહ્યા છે.

મંડળોની મુલાકાત લેવાની જવાબદારી

મે, ૧૯૬૦માં મને નવી જવાબદારી મળી. સંસ્થાએ મને સરકીટ ઓવરસીયર બનાવ્યો. મારે ઉત્તર કૅરોલાઈના રાજ્યમાં રૉલી, ગ્રીન્ઝબરૉ, ડરહામ અને તેની આજુબાજુના નાના ગામોમાં આવેલા યહોવાહના સાક્ષીઓના મંડળોની થોડા થોડા સમયે મુલાકાત લઈને ઉત્તેજન આપવાનું હતું. અમે મંડળોની મુલાકાત લેતા ત્યારે ભાઈ-બહેનો સાથે રહેતા. તેઓને ત્યાં બધી જ સગવડો મળી રહેતી. જેમ કે ઘરમાં લાઇટ-પાણી અને બાથરૂમ. જોકે અમુક ભાઈ-બહેનોને ઘરે ટૉયલેટ ઘર બહાર હતું. તેઓ અમને ચેતવતા કે ટૉયલેટમાં જતી વખતે કાળજી રાખજો. રસ્તામાં કોઈ વાર ઝેરી સાપ પણ ફરતા હોય છે!

પછી લગભગ૧૯૬૩ની શરૂઆતમાં અમને કૅરોલાઈના રાજ્યથી ફ્લૉરિડા મોકલવામાં આવ્યા. ત્યાં મને હૃદયને લગતો ખતરનાક ચેપ લાગ્યો હતો. હું જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. એ સમયે જો બૉબભાઈ અને તેમની પત્ની જીની મૅકી ત્યાં ન હોત તો, હું બચ્યો ન હોત. * તેઓએ પોતાના ડૉક્ટર પાસે મારી સારવાર કરાવી અને બધો ખરચો પોતે ચૂકવ્યો.

મારી આવડત કામ આવી

વર્ષ ૧૯૬૩ના ઉનાળામાં, ન્યૂ યૉર્ક શહેરમાં યહોવાહના સાક્ષીઓનું મોટું સંમેલન ભરાવાનું હતું. એની તૈયારી માટે મને ત્યાં બોલાવ્યો હતો. એ સમયે માનીતા લેરી કીંગ રેડિયો પર પ્રોગ્રામ આપતા. તેમના પ્રોગ્રામમાં મિલ્ટન હેન્સેલ યહોવાહના સાક્ષીઓના ધર્મ વિષે ચર્ચા કરવાના હતા. તેમની સાથે હું પણ ગયો. એ પ્રોગ્રામ પછી શ્રીમાન કીંગ સાથે હેન્સેલભાઈએ કલાક સુધી ઘણી વાતો કરી. તેમણે ધ્યાનથી સાંભળ્યું અને ઘણા સવાલો કર્યા. આજે પણ ટીવી પર શ્રીમાન કીંગના પ્રોગ્રામો ખૂબ જ વખણાય છે.

એ જ ઉનાળામાં એક મિશનરિ ચીનથી અમેરિકા આવ્યા હતા. તે હેરોલ્ડ કીંગ હતા. ચીન સામ્યવાદી એટલે કૉમ્યુનિસ્ટ દેશ છે. હેરોલ્ડભાઈ બીજા ધર્મ વિષે શીખવતા હોવાથી તેમને ચાર વર્ષથી ઉપર સૌથી ક્રૂર જેલમાં સજા થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી તે અમેરિકામાં યહોવાહના સાક્ષીઓની હૅડ ઑફિસમાં આવ્યા હતા. એક સાંજે તેમણે ૭૦૦ જેટલા ભાઈ-બહેનોને જેલમાં થયેલા પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે પોતાની શ્રદ્ધાનો દીવો હોલવાઈ ન જાય એ માટે તેમણે બાઇબલ શિક્ષણ અને પ્રચાર કાર્યને લગતા ગીતો લખ્યા હતા.

એ સાંજે મેં બહેન ઑડ્રી નોર, ભાઈ કાર્લ ક્લેઈન અને ફ્રેડ ફ્રાન્ઝ સાથે “ઘરે ઘરે” ગીત ગાયું હતું. ફ્રેડભાઈ ઘણાં વર્ષોથી યહોવાહની સેવા કરતા હતા. તેમનો કંઠ એકદમ સરસ હતો. સમય જતાં યહોવાહના સાક્ષીઓની ભજનની ચોપડીમાં એ ગીત ઉમેરવામાં આવ્યું. એ જમાનામાં સાક્ષીઓની સંસ્થામાં નેથન નોર આગેવાની લેતા હતા. તેમણે મને કહ્યું કે ન્યૂયોર્કના યાંકી સ્ટેડિયમમાં “સનાતન સુવાર્તા” સંમેલન ભરાવાનું છે. તેમાં તું ભજન ગાજે. મેં ત્યાં ગાયું.

ભૂલાય નહિ એવા બે અનુભવો

અમે ઇલિનોઈ રાજ્યના, શિકાગો શહેરમાં સેવા આપતા હતા ત્યારે ભૂલાય નહિ એવા બે અનુભવો થયા. પહેલો અનુભવ યહોવાહના સાક્ષીઓના સરકીટ સંમેલનમાં થયો હતો. ત્યાં મારી પત્ની શર્લી, વીરાબહેન સ્ટુઅર્ટને જોઈ ગઈ. વર્ષ ૧૯૪૫-૪૭માં વીરાબહેને કૅનેડામાં શર્લી અને તેની મમ્મીને પ્રચાર કર્યો હતો. શર્લી ત્યારે લગભગ ૧૧ વર્ષની હતી. એ સમયે શર્લી બાઇબલમાંથી યહોવાહ વિષે શીખી હતી કે, એવો સમય આવશે જ્યારે તેમના રાજ્યમાં ન્યાયી લોકો પૃથ્વી પર કાયમ શાંતિથી રહેશે. શર્લીએ વીરાબહેનને પૂછ્યું હતું: “તમને લાગે છે કે હું પણ એ નવી દુનિયામાં રહી શકીશ?” વીરાબહેને કહ્યું: “હા, તું પણ રહી શકીશ!” તેઓ બંનેમાંથી કોઈ એ શબ્દો ભૂલ્યા ન હતા. એ ચર્ચા પરથી શર્લી જાણતી હતી કે તેને યહોવાહની જ સેવા કરવી છે.

એ જ સંમેલનમાં અમને બીજો એક અનુભવ થયો. એક ભાઈએ આવીને મને પૂછ્યું: ‘તમને યાદ છે કે ૧૯૫૮ના શિયાળામાં તમારા ઘરે કોઈ ૨૩ કિલો બટાકાની ગુણ મૂકી ગયું હતું?’ એ દિવસ મારાથી કેમ ભૂલાય? એ દિવસે પુષ્કળ બરફ પડતો હતો અને પવન ફૂંકાતો હતો. ત્યારે અમે માંડ માંડ ઘરે પહોંચ્યા હતા. બધે જ બહુ જ બરફ હોવાથી અમે પાંચ દિવસ સુધી બહાર ગયા ન હતા. ત્યારે અમારા દરવાજા પાસે બટાકાની ગુણ મળી હતી. એ કોણ મૂકી ગયું એની અમને ખબર ન હતી. અમારી પાસે બીજું કંઈ ઘરમાં ખાવાનું ન હતું. અમે જુદી જુદી રીતે બટાકાને બાફીને, તળીને, શેકીને અને સુપ બનાવીને પાંચ દિવસો કાઢ્યા. અમે ક્યાં રહીએ છીએ એ ભાઈને ખબર ન હતી. તેમને એટલી જ ખબર પડી કે બાજુમાં અમુક પાયોનિયરો રહે છે જેઓની હાલત બહુ સારી નથી. એ ભાઈને મનમાં થયું કે પાયોનિયરોને મદદ કરવી જોઈએ. તે ભાઈ બધાને પૂછવા લાગ્યા કે ‘યુગલ ક્યાં રહે છે?’ બધા ખેડૂતો એકબીજાને ઓળખતા હોવાથી તેઓએ એ ભાઈને અમારી ઓરડી બતાવી. આમ તે ભાઈ બરફમાં બટાકાની ગુણ ઊંચકીને અમારા ઘરે મૂકી ગયા હતા.

મારા નિર્ણયોથી હું ખુશ છું

મેં સરકીટ ઓવરસીયર તરીકે ૩૩ વર્ષ એટલે ૧૯૯૩ સુધી સેવા આપી. પછી મને જરાય સારું રહેતું ન હતું. તેથી સરકીટ સેવા આપવાનું બંધ કર્યું. તોપણ સંસ્થાએ અમને સ્પેશિયલ પાયોનિયર બનાવ્યા. હું એમાં મારી શક્તિ પ્રમાણે ભાગ લેતો. હું અને શર્લી આજની તારીખ સુધી પાયોનિયરીંગ કરી રહ્યા છીએ. એટલું જ દુઃખ થાય છે કે અમે પહેલાંની જેમ આજે મંડળોની મુલાકાત લઈ શકતા નથી. તોપણ મેં જે રીતે આજ સુધી યહોવાહની સેવા કરી એનાથી મને દિલમાં સંતોષ થાય છે.

મારા ત્રણેય ભાઈઓ પૈસાના પ્રેમમાં પડી ગયા. તેઓએ યહોવાહની સેવા પડતી મૂકી છે. પણ ખુશીની વાત છે કે ૧૯૫૮માં પપ્પાએ બાપ્તિસ્મા લીધું. મમ્મી-પપ્પાએ ઘણા જ લોકોને બાઇબલમાંથી યહોવાહનું સત્ય શીખવા મદદ કરી હતી. તેઓ પણ બાપ્તિસ્મા લઈને યહોવાહના ભક્તો બન્યા. મમ્મી-પપ્પા ૧૯૯૯માં ગુજરી ગયા. મેં જે રીતે દુનિયામાં નંબર વન બનવાનું છોડી દીધું એનાથી મમ્મી-પપ્પા અને તેઓએ જેમને બાઇબલમાંથી શીખવ્યું તેઓને ખરા જીવનની આશા મળી. મને ઘણી વાર થાય છે કે ‘મેં જે નિર્ણયો લીધા એ ન લીધા હોત તો, શું હું આજે પણ યહોવાહની સેવા કરતો હોત?’

બીમારીને કારણે મેં સરકીટ ઓવરસીયર તરીકે સેવા આપવાનું બંધ કર્યું એના લગભગ પાંચ વર્ષ પછી હું સાજો થઈ ગયો. આજે હું કેલિફોર્નિયા, અમેરિકાના ડૅઝર્ટ હૉટ સ્પ્રિંગ ગામના મંડળમાં પ્રમુખ નિરીક્ષક તરીકે સેવા આપું છું. બીજા સરકીટ ઓવરસીયરો સોંપેલા મંડળોની કોઈક કારણથી મુલાકાત ન લઈ શકે ત્યારે ઘણી વાર મને તેઓની બદલીમાં મોકલવામાં આવે છે. એ જ રીતે કોઈ મંડળમાં અમુક બાબતો થાળે પાડવા ખાસ કમિટી બેસવાની હોય ત્યારે પણ મને બોલાવવામાં આવે છે. પાયોનિયરો માટે રાખવામાં આવતી શાળામાં પણ હું કોઈ વાર શીખવું છું.

આજે પણ મને મારી પત્ની સાથે જેટલું બને છે એવું બીજા કોઈની સાથે બનતું નથી. આટલા વર્ષોમાં અમે યહોવાહ વિષે જે શીખ્યા છીએ, એના વિષે આજે પણ કાયમ આનંદથી વાતો કરતા હોઈએ છીએ. મને આજે પણ યાદ છે કે શર્લીએ ૪૭ વર્ષ પહેલાં મને પ્રેમથી પૂછ્યું હતું: ‘ચાર્લ્સ! તમને ઈશ્વર પર ભરોસો નથી?’ મને ઘણી વાર થાય છે, જો બધાય યુવાન યુગલો પોતાને અમારી જેમ એવું પૂછે તો બધા જ આજે યહોવાહની સેવામાંથી કેટલો આનંદ માણી શકે! (g04 8/22)

[ફુટનોટ્‌સ]

^ જૉન સિનેટ્‌કો યહોવાહની સેવા કરતા કરતા ૧૯૯૬માં, ૯૨ વર્ષની ઉંમરે ગુજરી ગયા.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત. પરંતુ, હવે એ છપાતું નથી.

^ બૉબ મૅકીભાઈને લકવો થયો હતો. તેમનો અનુભવ ફેબ્રુઆરી ૨૨, ૧૯૭૫નું અવૅક!, પાન ૧૨-૧૬માં મળશે.

[પાન ૨૦ પર ચિત્ર]

જૉન કાકાએ ૧૯૩૫માં બાપ્તિસ્મા લીધું

[પાન ૨૨ પર ચિત્ર]

અમારી લાકડાની ઓરડી

[પાન ૨૩ પર ચિત્ર]

મમ્મી-પપ્પા મરણ સુધી યહોવાહની સેવા કરતા રહ્યા, ૧૯૭૫માં તેઓનો ફૉટો

[પાન ૨૩ પર ચિત્ર]

આજે હું અને શર્લી