સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભેદભાવની આગ બૂઝાશે

ભેદભાવની આગ બૂઝાશે

ભેદભાવની આગ બૂઝાશે

શું તમે થોડો ઘણો પણ નાતજાતનો ભેદભાવ રાખો છો? ઓળખાણ પણ ન કાઢી હોય ને સામેવાળી વ્યક્તિની ચામડીનો રંગ જોઈને કે, સ્વભાવથી તમારા મનમાં ભેદભાવ ઊભરાઈ આવે છે? શું તમે એવું વિચારો છો કે એ દેશના બધા લોકો ખરાબ જ હોય છે? આપણે એ જોવું જોઈએ કે પછી આપણે એ વ્યક્તિમાં સારું શું છે એ જોવું જોઈએ?

ઈસુના જમાનામાં જે લોકો યહુદાહમાં અને ગાલીલમાં રહેતા હતા, તેઓ ‘સમરૂનીઓ સાથે’ કંઈ લેવાદેવા રાખતા ન હતા. (યોહાન ૪:૯) યહુદીઓના એક ધર્મ પુસ્તકમાં લખ્યું હતું કે ‘કોઈ દિવસ સમરૂનીઓ સાથે ન બોલવું.’

ઈસુના શિષ્યો પણ સમરૂનીઓની થોડીઘણી તો નફરત કરતા હતા. તેઓ સમરૂનીઓના ગામમાં પ્રચાર કરવા ગયા તો સમરૂનીઓને એ ન ગમ્યું. તેથી યોહાન અને યાકૂબ રાતા-પીળા થઈ ગયા. તેઓએ ઈસુને કહ્યું કે એ ગામ પર અગ્‍નિ વરસાવે. પણ ઈસુએ તેઓને ઠપકો આપ્યો અને જણાવ્યું કે એવું વિચારવું પણ ન જોઈએ.—લુક ૯:૫૨-૫૬.

પછી ઈસુએ એક વાર્તા કહી. એક યહુદી યરૂશાલેમથી યરેખો જતો હતો. એવામાં કોઈ લૂંટારાઓએ તેના પર હુમલો કર્યો ને તેને માર માર્યો અને અધમૂઓ કરીને નાસી ગયા. બે યહુદીઓ તેની બાજુમાંથી પસાર થયા પણ મદદ ન કરી. પણ એક સમરૂનીને તેના પર દયા આવી. તેણે એ ઘાયલ યહુદીને પાટાપિંડી કરી અને તેનું ધ્યાન રાખવાનો પણ બંદોબસ્ત કરી આપ્યો. એ વખતે સમરૂનીએ જ એ માણસને સાથ આપ્યો. (લુક ૧૦:૨૯-૩૭) ઈસુની વાર્તાનો બોધ એ જ કે ભેદભાવ રાખશો તો માણસાઈને ભૂલી જશો. ઈસુની એ વાર્તા સાંભળ્યાને અમુક વર્ષો પછી યોહાન સમરૂનમાં પ્રચાર કરવા ગયા. હા, એ જ સમરૂન જેને અગાઉ તે અગ્‍નિથી ભસ્મ કરી દેવા ચાહતા હતા.—પ્રેરિતોના કૃત્યો ૮:૧૪-૧૭, ૨૫.

પીતર તો રોમના સૈનિકોને હલકી જાતનો ગણતો હતો. પણ એક સ્વર્ગદૂતે પીતરને એક રોમન સૈનિકને પ્રચાર કરવાનું કહ્યું. (પ્રેરિતોના કૃત્યો ૧૦:૨૮) આ માર્ગદર્શન ખુદ પરમેશ્વરે આપ્યું હતું. ત્યારે પીતરે જરા પણ ભેદભાવ રાખ્યા વગર એ સૈનિક સાથે ઈશ્વરની વાત કરી અને પછી કહ્યું: “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”—પ્રેરિતોના કૃત્યો ૧૦:૩૪, ૩૫.

ભેદભાવને જડમૂળથી કાઢો

ભેદભાવને જડમૂળમાંથી કાઢવા માટે ઈસુએ એક પાઠ શીખવ્યો: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) નાતજાત કે રંગભેદને લીધે કોઈ આપણને નીચા પાડે તો શું આપણને ગમશે? ઈશ્વર એક જ છે, અને નાતજાતનો ભેદ રાખવો તેમની નજરે પાપ છે. પરમેશ્વર યહોવાહે “માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્‍ન કરી.” (પ્રેરિતોના કૃત્યો ૧૭:૨૬) આપણા બધાના લોહીનો રંગ એક જ છે.

પરમેશ્વર માણસનું દિલ પારખે છે દેખાવ નહિ. આપણા બાપ દાદાએ કરેલી ભૂલોનો હિસાબ તે આપણી પાસેથી નથી માંગતા. (હઝકીએલ ૧૮:૨૦; રૂમી ૨:૬) કોઈ દેશ આપણા પર અત્યાચાર કરે તો એનો અર્થ એ નથી કે આપણે એ દેશના લોકોની નફરત કરીએ. ઈસુએ તેમના શિષ્યોને શીખવ્યું કે ‘તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો.’—માત્થી ૫:૪૪, ૪૫.

ઈસુના શિષ્યો તેમને જ પગલે ચાલ્યા. તેઓએ નાતજાતના ભેદભાવને જડમૂળથી કાઢી નાખ્યો. તેઓ બધી જ નાતજાતના લોકો સાથે હળીમળીને રહ્યા. (કોલોસી ૩:૯-૧૧; યાકૂબ ૨:૫; ૪:૧૧) તેઓનું જીવન બદલાઈ ગયું. તેઓ નફરત કરવાનું સાવ ભૂલી ગયા. આપણે પણ એમ જ કરી શકીએ.

નાતજાતની દીવાલ તોડી નાખો

આપણે બધાય બીજા લોકો વિષે કંઈને કંઈ વિચારીએ છીએ, પણ આપણે કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ. ભેદભાવનું મૂળ નામનું (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: ‘આપણે લોકોને ન ઓળખીએ તો ભેદભાવના બી રોપાઈ શકે.’ જેમ જેમ લોકો એકબીજાને ઓળખવા લાગે તેમ તેમ ભેદભાવ ભૂલી જાય છે. ‘જો લોકો હળીમળીને સાથે રહી શકે તો જ તેઓ બદલાઈ શકે.’

જોન નાઇજિરિયાની ઇબો જાતિનો છે. હૌસા જાતિના લોકો તેને જરાય ગમતા નહિ. પણ પછી તે બદલાઈ ગયો. કઈ રીતે? તે કહે છે: ‘હું જે યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યાં હૌસા જાતિના વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા. અમે દોસ્તીનો હાથ લંબાવ્યો. પછી મને ખબર પડી કે આ લોકો તો બહુ જ સારા છે. મેં એક હૌસા વિદ્યાર્થી સાથે સરસ મજાનો પ્રોજેક્ટ કર્યો, અમે પાક્કા દોસ્તારો બની ગયા. અમારી સાથે મારી જ જાતિનો બીજો એક જણ હતો પણ તેણે બહુ મહેનત ન કરી.’

નફરતના મૂળ કાઢવા માટે સથવારો

યુનેસ્કોનો એક રિપોર્ટ જણાવે છે: ‘નાતજાતના ભેદભાવોને કાઢવા માટે લોકોને ભણતર જરૂરી છે.’ યહોવાહના સેવકો બાઇબલમાંથી લોકોને શીખવે છે. એ તો બધાથી સારું શિક્ષણ છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) જ્યારે લોકો ઈશ્વરનું કહ્યું કરે છે ત્યારે નફરતની આગ ઠરે છે અને પ્રેમનો દીપ જલે છે.

નાતજાતના ભેદભાવોને ભૂલવા માટે યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી શીખે છે. તેઓ બાઇબલનો સંદેશો બધી જ નાતજાતના લોકોને પહોંચાડે છે. આપણે પહેલા લેખમાં ક્રિસ્ટીના વિષે વાંચ્યું. તે પરમેશ્વર યહોવાહની સેવા કરે છે. તે જણાવે છે: “અમારી સભાઓમાં મને સ્વમાન મળે છે. મને કોઈનો ડર નથી લાગતો. મને ખબર છે કે ત્યાં મારી કોઈ નફરત કરતું નથી.”

યાસમિન પણ યહોવાહની સેવા કરે છે. નવ વર્ષની સાવ નાની વયે તેને રંગભેદનું દુઃખ વેઠવું પડ્યું હતું. પણ તે હવે કહે છે: “સૌથી સહેલામાં સહેલો દિવસ ગુરુવાર છે. ગુરુવાર સાંજે હું સભામાં જાઉં છું. ત્યાં લોકો મને સાચો પ્રેમ કરે છે. કોઈ મને ઉતારી પાડતું નથી.”

યહોવાહના સાક્ષીઓ દેશ-વિદેશમાં પણ એકબીજાને મદદ કરવા જાય છે. સાયમનનો જન્મ બ્રિટનમાં થયો, પણ તેનું કુટુંબ કેરેબીયનથી આવે છે. તે જ્યારે બાંધકામ કરતો હતો ત્યારે ચામડીના રંગને લીધે લોકો તેને ઉતારી પાડતા. પણ જ્યારે તે યહોવાહના સાક્ષીઓ સાથે કામ કરતો ત્યારે કોઈ તેની ચામડીનો રંગ જોતું નહિ. તે કહે છે: “મેં દેશ-વિદેશમાં યહોવાહના સાક્ષીઓ સાથે કામ કર્યું છે. પણ અમે બધાય હળીમળીને સાથે કામ કરતા. મારા જિગરી દોસ્તો બીજી જાતના અને બીજા દેશના છે.”

યહોવાહના સાક્ષીઓ સાચે જ નફરતના મૂળ કાઢતા શીખે છે. જોકે એ કંઈ રાતોરાત શીખી શકતા નથી. ઈશ્વર ખુદ દરેક લોકોને પ્રેમ કરે છે એ જાણીને તેઓ પણ ઈશ્વરની જેમ દરેક લેકો પ્રેમ કરતાં શીખે છે.—એફેસી ૫:૧, ૨.

નાતજાતના ભેદને આપણે દિલમાંથી કાઢીશું તો ઘણા આશીર્વાદો મળશે. આપણે બીજા ઘણા લોકોને ઓળખી શકીશું, તેઓ પાસેથી શીખી શકીશું. જ્યારે પરમેશ્વરનું રાજ્ય આવશે, ત્યારે એમાં સર્વ જાતના લોકો સંપીને રહેશે. (૨ પીતર ૩:૧૩) એ વખતે નાત-જાતના ભેદભાવનું નામનિશાન મટી જશે. (g04 9/8)

[પાન ૧૧ પર બોક્સ]

તમે નાતજાતનો ભેદ રાખો છો?

તમે નાતજાતનો ભેદ રાખો છો કે નહિ એ જોવા માટે જરા વિચારો:

૧. તમે એવું માનો છો કે અમુક જાતના લોકો હલકા હોય છે, તેઓ આળસુ કે કંજૂસ હોય છે? (જુદી નાતજાતના ઘણા લોકો વિષેના જોક્સ પણ આવો ભેદ ઊભો કરે છે.)

૨. તમને પૈસા ટકાની તંગી હોય તો શું તમે, જે લોકો તમારા દેશમાં આશરો લેવા આવ્યા હોય તેઓનો વાંક કાઢો છો?

૩. ધર્મને નામે કોઈ ધમાલ કરે તો શું તમે એ ધર્મના બધા લોકોની નફરત કરો છો?

૪. લોકો ભલે ગમે તે જાતના હોય, શું તમે દરેકનું દિલ જુઓ છો કે પછી નાતજાત અથવા ચામડીનો રંગ?

૫. તમને બધી જ જાતના લોકો સાથે હળીમળીને રહેવું ગમે છે? તમે તેઓ સાથે હળવા મળવાની કોશિશ કરો છો?

[પાન ૮ પર ચિત્ર]

ઈસુએ શીખવ્યું કે નાતજાતના ભેદને કઈ રીતે ભૂલી શકાય

[પાન ૮ પર ચિત્ર]

કરનેલ્યસના ઘરે પીતરે કહ્યું: ‘હું જાણું છું કે પરમેશ્વર પક્ષપાતી નથી’

[પાન ૯ પર ચિત્ર]

બાઇબલમાંથી શીખીને બધા લોકો સંપીને રહી શકે છે

[પાન ૯ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ જે શીખે છે એ પ્રમાણે વર્તે છે

[પાન ૧૦ પર ચિત્ર]

ક્રિસ્ટીના

“સભાઓમાં મને કોઈનો ડર નથી લાગતો”

[પાન ૧૦ પર ચિત્ર]

યાસમિન

“લોકો મને સાચો પ્રેમ કરે છે. કોઈ મને ઉતારી પાડતું નથી”

[પાન ૧૦ પર ચિત્રો]

સાયમન યહોવાહના સાક્ષીઓ માટે રાજીખુશીથી બાંધકામ કરે છે

“અમે બધાય હળીમળીને સાથે કામ કરતા”