સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાનપણથી દિલમાં ઈશ્વરનો પ્રેમ રેડ્યો

નાનપણથી દિલમાં ઈશ્વરનો પ્રેમ રેડ્યો

નાનપણથી દિલમાં ઈશ્વરનો પ્રેમ રેડ્યો

એનાટોલી મેલ્નિકના જણાવ્યા પ્રમાણે

આજે ઘણા મને પ્રેમથી દાદાજી કહીને બોલાવે છે. એ સાંભળતા જ મારું દિલ ભરાઈ આવે છે. મને મારા દાદાની યાદ આવી જાય છે. મને મારા દાદા ખૂબ વહાલા હતા. તેમણે મને જે જે શીખવ્યું છે એ તો હું ક્યારેય નહિ ભૂલું! ચાલો હું તમને મારા દાદા-દાદી વિષે થોડું જણાવું. તેઓએ ખરેખર અમારા અને બીજા ઘણાના જીવન પર ખૂબ પ્રભાવ પાડ્યો હતો.

મા રો જન્મ ૧૯૩૬માં, મૉલ્ડોવાના એક ગામડામાં થયો. * એ ગામનું નામ ખીલ્ના હતું. વર્ષ ૧૯૨૦ના દાયકામાં અમારા ગામમાં રોમેનિયાથી એક સરકીટ નિરીક્ષક આવ્યાં. મારા દાદા-દાદીએ બાઇબલનો સંદેશો સાંભળ્યો. તેમને લાગ્યું કે આ જ ખરું સત્ય છે. તેથી, ૧૯૨૭માં તેઓ યહોવાહના સાક્ષીઓ બન્યાં. વર્ષ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે, અમારા નાના ગામમાં પણ યહોવાહના સાક્ષીઓનું મંડળ હતું.

મારો જન્મ થયો ત્યારે, મારા પપ્પા સિવાય કુટુંબમાં બધાં યહોવાહની ભક્તિ કરતા હતાં. મારા પપ્પા ઑર્થોડૉક્સ ચર્ચમાં માનતા હતા. પણ બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે તે વિચારતા હતા કે પરમેશ્વરે શા માટે જીવન આપ્યું હશે? છેવટે તે પણ યહોવાહના ભક્ત બન્યા. મારા દાદાએ અમને યહોવાહ વિષે શીખવ્યું અને અમારી શ્રદ્ધા મજબૂત કરી. દાદાને બાઇબલ ખૂબ જ વહાલું. વળી, તેમને ઘણી બધી કલમો પણ મોઢે હતી. કોઈ પણ વાતમાં તે બાઇબલનાં વિચારો ઉમેરી શકતા.

હું ઘણી વખત દાદાજીના ખોળામાં બેસીને બાઇબલની વાર્તાઓ સાંભળતો. દાદાએ જ મારા દિલમાં ઈશ્વર માટેનો પ્રેમ પ્રગટાવ્યો હતો. એ હું કયારેય નહિ ભૂલું! હું આઠ વર્ષનો હતો ત્યારે, પહેલી વાર દાદા સાથે પ્રચાર કરવા ગયો હતો. અમે બાઇબલમાંથી ગામના લોકોને બતાવ્યું કે યહોવાહ કોણ છે અને કઈ રીતે તેમની ભક્તિ કરી શકાય.

સામ્યવાદીઓનો જુલમ સહન કર્યો

મૉલ્ડોવામાં સામ્યવાદીઓનું અને ઑર્થોડૉક્સ ચર્ચનું રાજ ચાલતું હતું. તેઓએ ૧૯૪૭માં યહોવાહના સાક્ષીઓનું પ્રચાર કામ બંધ કરાવી દીધું. તેમ જ, કે.જી.બી. તરીકે ઓળખાતા જાસૂસો અને પોલીસો અમારી ઘરે આવતા. અને અમને પૂછતાં કે પ્રચારકામમાં કોણ આગેવાની લે છે. વળી, તમારું સાહિત્ય કોણ છાપે છે, અને તમારી સભા ક્યાં થાય છે. તેમ જ, અમે યહોવાહના સાક્ષીઓનો ધર્મ બંધ કરી દઈશું એમ પણ તેઓ કહેતા હતા. તેઓ એવું માનતા હતા કે યહોવાહના સેવકો, ‘સામ્યવાદને રોકવા ચાહે છે.’

મારા પપ્પા બહુ હોશિયાર હતા. તેમને બાઇબલનું સત્ય ખૂબ જ ગમતું હતું. કોઈ કંઈ પણ પૂછપરછ કરે તો, પપ્પા અને દાદા ક્યારેય ભાઈ-બહેનોનું નામ આપતા નહિ. બંને જણ ભાઈ-બહેનોનું ખૂબ ધ્યાન રાખતા હતા. તેઓની જેમ મારી મમ્મીએ પણ ક્યારેય મોં ખોલ્યું ન હતું.

વર્ષ ૧૯૪૮માં મારા પપ્પાને ગિરફતાર કરવામાં આવ્યા. તેમને શા માટે ગિરફતાર કરવામાં આવ્યા એ અમને જણાવ્યું નહિ. પપ્પાએ સાત વર્ષ જેલમાં આકરી સજા ભોગવી પછી બીજા બે વર્ષ એમને દેશમાંથી કાઢી મૂક્યા. છેવટે પપ્પાને ઉત્તર રશિયામાં આવેલા માગડાનમાં મોકલવામાં આવ્યા. એ જગ્યા અમારા ગામથી ૭,૦૦૦ કિલોમીટર દૂર હતી. નવ વર્ષ સુધી અમે એકબીજાને જોયા ન હતા. પપ્પા વગર જીવવું બહુ કઠિન હતું. પણ દાદાજીએ એકદમ સારી રીતે મારું જતન કર્યું.

અમને કાઢી મૂક્યા

જૂન ૬, ૧૯૪૯ની એક રાત્રે સૈનિકો અને ફોજદારો અમારા ઘરમાં ઘૂસી આવ્યા. તેઓએ અમને બે કલાકમાં અમારું ઘર છોડીને તેઓની સાથે જવાનું કહ્યું. કંઈ સમજાવ્યા વગર બસ એટલું જ કહ્યું કે અમને આ ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એટલે કે, અમારે ક્યારેય આ ગામમાં પાછો પગ મૂકવાનો ન હતો. મને, મારી મમ્મીને, દાદા-દાદી અને બીજા સાક્ષીઓને સાઇબીરિયા મોકલવામાં આવ્યા. ત્યારે તો હું ફક્ત ૧૩ વર્ષનો જ હતો. થોડા અઠવાડિયા પછી અમે તો એક જંગલના ગામડામાં પહોંચી ગયા. આના કરતાં અમારું ગામ તો કેટલું સુંદર હતું! એ યાદ કરીને ઘણી વાર તો અમારી આંખો ભીંજાઈ જતી. પરંતુ, યહોવાહ પર અમને પૂરી શ્રદ્ધા હતી કે તે ક્યારેય અમને તજશે નહિ.

અમને જે ગામડામાં લઈ ગયા એમાં લાકડાના દસ જ ઝૂંપડા હતા. યહોવાહના ઘણા સેવકોને આજુબાજુના બીજા ગામડાઓમાં ધકેલ્યા હતા. ગામના લોકોને ડરાવવા અને તેઓને અમારો વિરોધ કરવા માટે સરકારના માણસોએ કહ્યું કે યહોવાહના સેવકો તો માણસોને ખાય છે. પણ ગામના લોકોને ખબર પડી કે અમે એવા નથી ત્યારે, તેઓ અમારાથી ડરતા ન હતા.

પહેલાં બે મહિના તો અમને એક જૂની ઝૂંપડીમાં રાખ્યા. પરંતુ, શિયાળાનો કપરો સમય આવે એ પહેલા અમારે રહેવા માટે ઘર બાંધવાનું હતું. દાદા-દાદીએ અમને એક સાદુ ઘર બાંધવા મદદ કરી. એ ઘર અડધું જમીન નીચે બાંધ્યું હતું. અમે ત્યાં ત્રણથી વધારે વર્ષ રહ્યાં. એ ગામ છોડીને જવાની અમને રજા ન હતી.

છેવટે મને સ્કૂલે જવાની પણ રજા મળી. સ્કૂલમાં બધા કરતાં મારો ધર્મ જુદો હતો. મને ઘણી વખત ટીચરો અને વિદ્યાર્થીઓ મારા ધર્મ વિષે પ્રશ્નો પૂછતા. હું ઘરે જઈને દાદાને કહેતો કે મેં કઈ રીતે તેઓને સત્ય સમજાવ્યું ત્યારે, દાદા રાજીના રેડ થઈ જતા.

જરા છૂટ મળી

સ્ટાલિનનું મોત ૧૯૫૩માં થયું. ત્યાર પછી સંજોગો થોડા સારા થયા. અમને ગામમાંથી બહાર જવાની રજા મળી. એ કારણે અમે બીજા ગામમાં રહેતા યહોવાહના સેવકોને મળી શકતા હતા. અને સભાઓ ભરી શકતા હતા. પરંતુ, બહુ હોહા ન મચે એટલે અમે નાના ગ્રુપમાં ભેગા મળતા. બીજા ગામની સભાઓમાં જવા માટે અમે લગભગ ૩૦ કિલોમીટર ચાલતા હતા. દર વખતે ઘૂંટણ સુધી બરફ હોય અને કકડતી ઠંડીમાં અમે ચાલતા. બીજે દિવસે અમે પાછા અમારા ગામમાં આવતા હતા. રસ્તામાં અમે કાકડીનું અથાણું અને સાકર ખાઈ લેતા. તોપણ અમે રાજા દાઊદની જેમ ખુશ રહેતા હતા. —ગીતશાસ્ત્ર ૧૨૨:૧

વર્ષ ૧૯૫૫માં હું બાપ્તિસ્મા પામ્યો. એના થોડા દિવસ પહેલાં બાજુના ગામમાં મંડળની સભામાં હું લિડિયાને મળ્યો. તે ખૂબ સુંદર હતી. તેના કુટુંબને પણ અમારી જેમ મૉલ્ડોવામાંથી કાઢી મૂકવામાં આવ્યું હતું. લિડીયાનો રાગ કોયલ જેવો હતો. અમે એ વખતે જે ગીતનું પુસ્તક વાપરતા એના ૩૩૭ ગીતો તેને મોઢે હતા. એનાથી તો હું આભો બની ગયો. કેમ કે, મને પણ આપણા ગીતો અતિશય ગમતા હતા. વર્ષ ૧૯૫૬માં અમે લગ્‍ન કરવાનું નક્કી કર્યું.

મારા પપ્પાને માગડાનમાં રાખવામાં આવ્યા હતા. તેથી, મેં તેમને અમારા લગ્‍ન વિષે લખ્યું. તેમના આશીર્વાદ ન મળે ત્યાં સુધી અમે લગ્‍ન કરવાનું માંડી વાળ્યું. પરંતુ, થોડા વખતમાં તો પપ્પાને માગડાનમાંથી છોડી મૂક્યા. અને અમારો મિલાપ થયો. પપ્પા પાછા ઘરે આવી ગયા. અને તેમણે અમને અતિથી ઇતિ સુધી વાત કરી કે કઈ રીતે યહોવાહે તેમને અને બીજા સેવકોને કપરાં સંજોગમાં સથવારો આપ્યો. આ વાતો સાંભળીને અમારી શ્રદ્ધા મજબૂત થઈ.

પપ્પા આવ્યાને થોડા જ વખતમાં મારી મમ્મી સાથે ખરાબ દુર્ઘટના થઈ. મમ્મી પેઈંટ અને વાર્નિશમાં વાપરવા માટે તેલ ઉકાળતી હતી. ખબર નહિ કેમ, પણ એ ઊકળતું તેલ મારી મમ્મી પર ઢોળાયું. હૉસ્પિટલમાં મમ્મીનો જીવન દીપ બૂજાઈ ગયો. અમને બહુ આઘાત લાગ્યો. પછીથી, પપ્પાએ તાતન્યા સાથે બીજા લગ્‍ન કર્યા. તાતન્યા નજીકના ગામડામાં સાક્ષી હતી.

પ્રચાર કામ ફેલાવ્યું

વર્ષ ૧૯૫૮માં હું અને લિડિયા કિઝેક ગામ છોડીને ૬૦ કિલોમીટર દૂર એક મોટા ગામમાં રહેવા ગયા. એ ગામનું નામ લિબાયઈ હતું. અમે વાંચ્યું હતું કે બીજા દેશોમાં યહોવાહના સેવકો ઘરે-ઘરે જઈને પ્રચાર કરે છે. અમે પણ આ ગામમાં પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો. જોકે, ચોકીબુરજ અને સજાગ બનો! લાવવાની મનાઈ હતી. તોપણ અમે બીજી જગ્યાએથી ચોરીછૂપીથી લાવ્યા. અમને મૉલ્ડોવાની ભાષામાં મૅગેઝિનો મળતા હતા. પણ હવે ખબર પડી કે અમને ફક્ત રશિયન ભાષામાં જ મૅગેઝિનો મળશે. અમે મૅગેઝિનો વાંચી શકીએ માટે રશિયન ભાષા શીખવા ખૂબ મહેનત કરી. મૅગેઝિનોમાંથી જે કંઈ શીખ્યો એ મને હજું પણ યાદ છે.

રોજીરોટી કમાવવા માટે લિડિયા ઘઉંના ગોડાઉનમાં કામ કરતી અને હું ગાડામાંથી લાકડાં ઊંચકીને ઉતારતો. જોકે અમે કાળી મજૂરી કરતા હતા. યહોવાહના સેવકો મહેનતું હોય છે એ બધાને ખબર પણ અમારી મહેનતના ફળ અમને મળતા ન હતા. કેમ કે, અમને કોઈ બોનસ આપતું ન હતું. સરકારોએ કહ્યું: “સામ્યવાદ રાજમાં યહોવાહના સેવકોની કોઈ જરૂર નથી.” તોપણ અમે ખુશ હતા કેમ કે અમારા જીવનમાં ઈસુના શબ્દો સાચા પડ્યા હતા: “જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.”—યોહાન ૧૭:૧૬

સંજોગો બદલાયા

વર્ષ ૧૯૫૯માં મારી દીકરી વેલનટીનાનો જન્મ થયો. થોડા સમય પછી તો યહોવાહના સેવકો પર ભારે જૂલમ ગુજારવાનું શરૂ થયું. એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા જણાવે છે: “વડાપ્રધાન નિકિટાએ ખ્રૂશેવે ૧૯૫૯-૬૪માં ધર્મોનું નામનિશાન મિટાવી દેવાનું શરૂ કર્યું.” અમને કે.જી.બીએ જણાવ્યું કે આ સરકાર, ધર્મોની સાથે સાથે ખાસ કરીને યહોવાહના સાક્ષીઓનું નામનિશાન મિટાવી નાખવા માંગે છે.

મારી દીકરી લગભગ વર્ષની થઈ ત્યારે મને આર્મીમાં જોડાવવા બોલાવવામાં આવ્યો. પણ હું ન ગયો હોવાથી મને પાંચ વર્ષની જેલ થઈ. એક વાર, લિડિયા મને મળવા આવી ત્યારે કે.જી.બીના એક ઑફિસરે કહ્યું: “અમને સરકાર તરફથી ખબર પડી છે કે બે વર્ષમાં તો યહોવાહના સાક્ષીઓનું નામનિશાન મટી જશે. તમે ખોટું બોલો કે અમે સાક્ષીઓ નથી, નહિતર તમને જેલમાં પૂરવામાં આવશે.” ઑફિસરને એમ કે બહેનોને ડરાવવાથી તેઓનું મોઢું બંધ થઈ જશે. તેણે કહ્યું: “સ્ત્રીઓ તો સાવ ડરપોક હોય છે.”

થોડા વખતમાં મોટે ભાગે બધા ભાઈઓને જેલમાં પૂરવામાં આવ્યા. તોપણ બહેનોએ હિંમતથી પ્રચાર કામ ચાલું રાખ્યું. એટલું જ નહિ, હિંમતથી તેઓ અમારા માટે જેલમાં ચોરીછૂપીથી પુસ્તકો લાવતી. જોકે, મારી ગેરહાજરીમાં લિડિયાની પણ ઘણી કસોટી થઈ હતી. ઘણા પુરુષો લિડિયાની પાછળ પડીને તેની છેડતી કરવાની કોશિશ કરતા. તેઓ તેને કહેતા કે મને કયારેય જેલમાંથી છૂટો કરવામાં નહિ આવે. પણ મને છૂટો કરવામાં આવ્યો!

કઝાખસ્તાનમાં રહેવા ગયા

વર્ષ ૧૯૬૩માં મારો કેસ પાછો તપાસવામાં આવ્યો. મને ત્રણ વર્ષની જેલ પછી આઝાદી મળી. પરંતુ, અમને ક્યાંય રહેવાની રજા મળી નહિ. તેથી મને કામ પણ ન મળ્યું. કેમ કે, દેશનો કાયદો હતો કે, “દેશમાં હંમેશ માટે રહેતા ન હોય, તેઓને કામ ન મળી શકે.” અમે યહોવાહને મદદ માટે આજીજી કરી. પછી અમે ઉત્તર કઝાખસ્તાનમાં આવેલા પેટ્રોપાવલૉફસ્કમાં રહેવા ગયા. ત્યાંના ઑફિસરોને અગાઉથી અમારા વિષે ખબર પડી ગઈ. તેથી, તેઓએ અમને ત્યાં રહેવાની અને નોકરી કરવાની ઘસીને ના પાડી દીધી. લગભગ ૫૦ યહોવાહના સેવકોને એ શહેરમાં એવી જ રીતે હેરાન કરવામાં આવ્યા.

ઈવાન અને તેની પત્ની સાથે અમે દક્ષિણમાં આવેલા એક નાનકડા ગામમાં રહેવા ગયા. એ ગામનું નામ સ્કૅચિનસ્કી હતું. ત્યાં કોઈ સાક્ષીઓ રહેતા ન હતા. વળી, ત્યાંના ઑફિસરોને સાક્ષીઓના પ્રચાર કામ વિષે પણ કંઈ ખબર ન હતી. મેં અને ઈવાને અઠવાડિયા સુધી નોકરીની શોધ કરી. એ દરમિયાન અમારી પત્નીઓ રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. કેમ કે, અમે ત્યાં જ સૂઈ જતા. છેવટે અમને એક ગ્લાસ ફેક્ટરીમાં નોકરી મળી. અમે બંને કુટુંબે ભેગા મળી એક રૂમ ભાડે રાખ્યો. જોકે એમાં બે ખાટલા જેટલી જ જગ્યા હતી. તોપણ અમે રાજી હતા.

મેં અને ઈવાને દિલથી કામ કર્યું અને શેઠને રાજી રાખ્યા. ફેક્ટરીના મેનેજરને ખબર હતી કે અમે બાઇબલમાં માનીએ છીએ, એ કારણે અમે આર્મીમાં જોડાઈ શકતા નથી. તેથી, મને મિલિટરીમાં જોડાવવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે, મેનેજરે મિલિટરીના અફસરને કહ્યું કે અમારી સૌથી વધારે જરૂર ફેક્ટરીમાં છે. અને અમારા વગર કામ બિલકુલ ચાલે એમ નથી. તેથી, અમને ફેક્ટરીમાં જ કામ કરવાની રજા મળી.

બાળકોને મોટા કર્યા અને બીજાની સેવા કરી

મારી બીજી દીકરી લીલ્યાનો જન્મ ૧૯૬૬માં થયો. વર્ષ ૧૯૬૭માં અમે બેલયેય વોદી નામના ગામમાં રહેવા ગયા. એ ગામ કઝાખસ્તાનની દક્ષિણે અને ઉઝબેકિસ્તાનની બાજુમાં આવેલું છે. ત્યાં થોડા સાક્ષીઓ હોવાથી એક નાનું મંડળ ઊભું થયું. અને મેં એમાં પ્રમુખ નિરીક્ષક તરીકે સેવા આપી. વર્ષ ૧૯૬૯માં અમારા દીકરાનો જન્મ થયો. તેનું નામ ઓલેગ પાડ્યું. બે વર્ષ પછી દીકરી, નતાશાનો જન્મ થયો. મેં અને લિડિયાએ એક વાત યાદ રાખી કે બાળકો તો ઈશ્વરની એક ભેટ છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) બાળકોને કેવી રીતે ઉછેરવા જેથી તેઓ પણ ઈશ્વરપ્રેમી બની શકે એ માટે અમે ભેગા મળીને ચર્ચા કરતા.

વર્ષ ૧૯૭૦ના ગાળામાં પણ મોટા ભાગના ભાઈઓ જેલની છાવણીમાં કામ કરતા હતા. એ વખતે મંડળોમાં સારું માર્ગદર્શન આપી શકે એવા ભાઈઓની જરૂર હતી. મેં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી અને લિડિયાએ બાળકોનું ધ્યાન રાખ્યું, જતન કર્યું. મેં કઝાખસ્તાન, તાજિકીસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં આવેલાં મંડળોમાં સેવા આપી. હું સાથે સાથે કુટુંબનું ધ્યાન રાખવા નોકરી પણ કરતો. આ બધામાં લિડિયાએ અને મારા બાળકોએ મને ટેકો આપ્યો.

ઘણી વખતે હું મહિનાઓ સુધી ઘરે આવતો ન હતો. તોપણ મેં બાળકો પ્રત્યે પ્રેમ બતાવ્યો. તેઓની શ્રદ્ધા મજબૂત કરી. મેં અને લિડિયાએ યહોવાહને ખૂબ પ્રાર્થના કરી કે અમારાં બાળકોને મજબૂત કરવા મદદ કરે. અમે બાળકોને શીખવ્યું કે તેઓએ માણસોનો ડર રાખવો નહિ અને પરમેશ્વરમાં ભરોસો મૂકવો જોઈએ. મારી પત્નીના સાથ વગર હું સરકીટ નિરીક્ષકનું કામ કરી શક્યો ન હોત. જોકે, કે.જી.બીના ઑફિસરે ભલે કહેલું પણ, લિડિયા અને બીજી બહેનો હિંમતવાન હતી. તેઓની શ્રદ્ધા તો ખરેખર મજબૂત હતી!—ફિલિપી ૪:૧૩.

વર્ષ ૧૯૮૮માં બધાં બાળકો મોટા થઈ ગયાં હતાં. તેથી મને નિયમિત રીતે સરકીટ નિરીક્ષક તરીકે સેવા કરવાની તક મળી. મારી સરકીટમાં મધ્ય એશિયાના મોટા ભાગના દેશોનો સમાવેશ થતો હતો. સોવિયેત સંઘમાં યહોવાહના સેવકોને ૧૯૯૧માં સરકારે પ્રચાર કરવાની રજા આપી. પછી બીજા ભાઈઓ મધ્ય એશિયામાં સેવા કરવા લાગ્યા. આજે ૧૪ સરકીટ નિરીક્ષકો એ દેશોમાં સેવા કરે છે. ગયા વર્ષે ત્યાં ૫૦,૦૦૦થી વધારે લોકોએ ઈસુના મેમોરિયલમાં હાજરી આપી હતી.

એક આમંત્રણ

વર્ષ ૧૯૯૮માં મારા ઘરે યહોવાહના સાક્ષીઓની રશિયન બ્રાંચ ઑફિસથી ફૉન આવ્યો. મને પૂછવામાં આવ્યું કે, “એનાટોલી, શું તમે ફૂલ ટાઈમ સેવા આપવાનો વિચાર કર્યો છે?” જોકે અમે વિચાર્યું હતું કે અમારા બાળકો ફૂલ ટાઈમ યહોવાહની સેવા કરે. અમારો દીકરો, ઓલેગ પાંચ વર્ષથી રશિયાની બ્રાંચ ઑફિસમાં સેવા કરતો હતો.

મેં લિડિયાને એ ફૉન વિષે વાત કરી. અને કહ્યું કે આપણને ફુલ ટાઈમ સેવા કરવા માટે બોલાવે છે. પણ લિડિયાએ કહ્યું: “પછી આપણા ઘરનું શું થશે? આપણા બગીચાનું શું થશે? અને આપણી બધી ઘરવખરીનું શું?” અમે બંને પ્રાર્થના કરી. અને પછી ફૂલ ટાઈમ સેવા આપવાનું નક્કી કર્યું. છેવટે અમને કઝાખસ્તાનના ઈસયક શહેરમાં યહોવાહના સાક્ષીઓની ઑફિસે સેવા કરવા માટે બોલાવ્યા. અહીં બાઇબલને લગતા સામયિકોનો અનુવાદ થાય છે. જેથી ત્યાંના લોકો પોતાની ભાષામાં એ મેળવી શકે.

અમારાં કુટુંબનો માળો

યહોવાહે અમારા બાળકોને બાઇબલમાંથી સત્ય શીખવા મદદ કરી એ માટે તેમના આભારી છીએ. સૌથી મોટી દીકરી, વેલનટીનાએ લગ્‍ન કર્યા અને તેના પતિ સાથે ૧૯૯૩થી જર્મનીના ઈંગ્લેહમ શહેરમાં રહે છે. તેઓને ત્રણ બાળકો છે. ત્રણેયે બાપ્તિસ્મા લઈ લીધું છે.

અમારી બીજી દીકરી લિલ્યાના પણ લગ્‍ન થઈ ગયા છે. તેનો પતિ બેલયેય વોદીમાં વડીલ છે. તેઓ પોતાના બંને બાળકોને ઈશ્વર પર પ્રેમ રાખવાનું શીખવે છે. ઓલેગે મૉસ્કો દેશની નતાશા સાથે લગ્‍ન કર્યા. બંને સેંટ પીટ્‌સબર્ગ બાજુ આવેલી રશિયાની બ્રાંચ ઑફિસમાં સેવા કરે છે. વર્ષ ૧૯૯૫માં અમારી સૌથી નાની દીકરી નતાશા પરણી. તે તેના પતિ સાથે જર્મનીમાં આવેલા રશિયન મંડળમાં સેવા કરે છે.

અમારું આખું કુટુંબ ઘણી વખત ભેગું મળે છે. અમારાં બાળકો તેઓના પોતાનાં બાળકોને શીખવે છે કે કઈ રીતે “દાદા-દાદી” યહોવાહને વળગી રહ્યાં. અને કઈ રીતે તેઓએ બાળકોને મોટા કર્યાં. મને પૂરી ખાતરી છે કે આવી ચર્ચાથી અમારાં પૌત્રો ઘણું શીખશે. અને ઈશ્વરમાં તેઓની શ્રદ્ધા પણ મજબૂત થશે. સૌની નાનો પૌત્ર તો બિલકુલ મારા જેવો છે. ઘણી વખત તે મારા ખોળામાં બેસે અને મને બાઇબલની વાર્તા સંભળાવવાનું કહે. એનાથી ઘણી વાર મારી તો આંખો ભરાઈ આવે. કેમ કે, હું પણ મારાં દાદાના ખોળામાં બેસતો હતો. તેમણે જ મારા દિલમાં ઈશ્વર માટે પ્રેમ જગાડ્યો. તેથી જ, હું યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરી શકું છું. (g04 10/22)

[ફુટનોટ]

^ આજે આ દેશ મૉલ્ડોવા તરીકે જાણીતો છે. તેથી આ લેખમાં આ જ શબ્દ વાપર્યો છે. પહેલાં આ દેશ મોલ્દેવિયા અથવા સોવિયેત રિપબ્લિક ઑફ મોલ્દેવિયા તરીકે જાણીતો હતો.

[પાન ૧૧ પર ચિત્ર]

મારા પપ્પાને જેલમાં પૂરવામાં આવ્યા એના થોડા વખત પહેલાં મૉલ્ડોવામાં મારા માબાપ સાથે

[પાન ૧૨ પર ચિત્ર]

અમને કાઢી મૂકવામાં આવ્યા પછી લિડિયા સાથે ૧૯૫૯માં

[પાન ૧૩ પર ચિત્ર]

લિડિયા અને અમારી દીકરી વેલનટીના, હું ત્યારે જેલમાં હતો

[પાન ૧૫ પર ચિત્ર]

અમારાં બાળકો અને પૌત્રો, બધા યહોવાહની ભક્તિ કરે છે

[પાન ૧૫ પર ચિત્ર]

આજે લિડિયા સાથે