સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિષ્ફળ થઈ જવાની લાગણી પર જીત મેળવવી

નિષ્ફળ થઈ જવાની લાગણી પર જીત મેળવવી

યુવાનો પૂછે છે . . .

નિષ્ફળ થઈ જવાની લાગણી પર જીત મેળવવી

“મને હમણાં જ મારું રીઝલ્ટ મળ્યું. હું ફરીથી એ જ ચાર વિષયોમાં નાપાસ થઈ. મેં બીજી વાર પરીક્ષા આપી તોપણ હું નાપાસ થઈ.”—પંદર વર્ષની લુરેન.

“નાપાસ થયા પછી પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી બહુ જ મુશ્કેલ છે. એનાથી કેવા કેવાં ખોટા ખોટા વિચારો મનમાં આવી જાય છે.”—ઓગણીસ વર્ષની જેસિકા.

નિષ્ફળતા. કદાચ આ શબ્દ તમને સાંભળવો પણ નહિ ગમે. પરંતુ, આપણે બધા કોઈને કોઈ વાતે જીવનમાં નિષ્ફળ જઈએ છીએ. કદાચ સ્કૂલમાં નાપાસ થયા હોય. એવું કંઈક બોલી ગયા હોય કે કરી બેઠા હોય જેનાથી તકલીફ આવે. આપણું ધ્યાન રાખતા હોય, તેઓની આશાઓ પર પાણી ફેરવી દીધું હોય. અથવા તો, કોઈ ગંભીર ભૂલ કરી બેઠા હોય. ભલે કંઈ પણ હોય, નિષ્ફળ થયાની લાગણી આપણને દુઃખના બોજ નીચે દબાવી દઈ શકે.

જોકે, માણસ છે માત્ર ભૂલને પાત્ર. બાઇબલ કહે છે, “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) પરંતુ, ઘણા લોકોના કિસ્સામાં તેઓથી ભૂલ થઈ હોય તો, તેઓ એ વિષે જ વિચાર્યા કરશે. તેઓને એમાંથી બહાર નીકળવાનો માર્ગ જલદી જડતો નથી. યુવાન જેસન કહે છે: “હું મારી જાતને બહુ દોષિત ગણું છું. કોઈ વાર મારાથી ભૂલ થઈ હોય તો, લોકો હસે છે. જોકે, તેઓ તો હસીને ભૂલી જાય છે. પરંતુ, હું એ ભૂલી શકતો નથી અને મારી ભૂલ વિષે હંમેશાં વિચાર્યા કરું છું.”

જો આપણે થયેલી ભૂલનો વિચાર કરીને એમાં સુધારો કરીએ તો, એ વિષે વિચારવામાં કંઈ ખોટું નથી. પરંતુ, હંમેશાં એના વિષે જ વિચાર્યા કરીને પોતાના પર દોષ રેડવાથી ખરાબ અસર પડી શકે છે. બાઇબલ જણાવે છે કે, “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે.”—નીતિવચનો ૧૨:૨૫.

એપાફ્રોદિતસનો વિચાર કરો. બાઇબલ જણાવે છે કે, તેમને રોમમાં પાઊલને મદદ કરવા મોકલ્યા હતા. પરંતુ, એપાફ્રોદિતસ બીમાર પડી ગયા ને પોતાનું કામ પૂરું કરી શક્યા નહિ. તેથી ખુદ પાઊલે તેમની કાળજી લેવી પડી. એટલું જ નહિ, પાઊલે તેમને ઘરે પાછા મોકલવાની ગોઠવણ પણ કરી. અને એપાફ્રોદિતસના મંડળને જણાવ્યું કે આ વિશ્વાસુ માણસ બહુ ઉદાસ થઈ ગયો છે. શા માટે? “કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.” (ફિલિપી ૨:૨૫, ૨૬) જરા વિચારો, જ્યારે એપાફ્રોદિતસને ખબર પડી કે તેમની બીમારી વિષે બધા જાણે છે અને સોંપેલું કામ ન કરી શકવા વિષે પણ બધાને જાણ થઈ છે ત્યારે, તે પોતાને કેટલો દોષ દેતા હશે! તેને એમ થયું હશે કે, ‘હું કંઈ કામનો નથી.’

આપણે કેવી રીતે નિષ્ફળ થઈ જવાની લાગણીને દૂર કરી શકીએ?

પોતે કેટલું કરી શકો છો એ જાણો

પોતાને નકામા ગણવાનું ટાળવાની એક રીત છે કે બહું ઊંચા ઊંચા ધ્યેય ન રાખો. બાઇબલ કહે છે, “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” (નીતિવચનો ૧૧:૨; ૧૬:૧૮) નમ્ર વ્યક્તિ જાણતી હોય છે કે પોતે કેટલું કરી શકશે. જોકે ઘણી વાર પોતાની આવડત અને ક્ષમતા વધારવા તમે પોતાની કસોટી કરો એમાં કંઈ વાંધો નથી. પણ એ સાથે તમે પોતાની શક્તિથી જે કંઈ કામ પૂરું કરી શકો એનો વિચાર કરો. ખરું કે તમે ગણિતમાં કાચા હોય શકો કે પછી સ્પોર્ટસમાં પણ સારું કરી શકતા ન હોવ. પણ ચિંતા ન કરો. માઈકલ નામનો યુવક કહે છે: “મને ખબર છે કે હું સ્પોર્ટસમાં આગળ નથી. તોપણ હું રમવા ખાતર જરૂર રમું છું. હું રમતમાં સફળ ન થઉં તો પોતાને દોષિત ગણતો નથી.” તે સલાહ પણ આપે છે: “તમે જે કરી શકો એ જ કરો.”

હવે ૧૪ વર્ષની ઈવોનનો વિચાર કરો. તેને સ્પાઈના બીફીડાની અને મગજની બીમારી છે. ઈવોન કહે છે: “હું બીજાઓની જેમ ચાલી શકતી નથી કે ડાન્સ કરી શકતી નથી. એ કારણે હું ઘણી વાર નિરાશ થઈ જાઉં છું કે હું બીજાઓની જેમ કેમ કંઈ કરી શકતી નથી. મોટા ભાગના લોકો મને સમજી શકતા નથી. પણ હું મારી લાગણીઓને કાબૂમાં રાખું છું.” તે શું સલાહ આપે છે? તે કહે છે: “તમે સફળ ન થાવ તોપણ, હિંમત ન હારો. તમારાથી થઈ શકે એટલું કરતા રહો.”

આપણે બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહિ. પંદર વર્ષનો એન્ડ્રુ કહે છે: “હું ક્યારેય બીજાઓ સાથે મારી સરખામણી કરતો નથી. કેમ કે આપણા બધાના સંજોગો અલગ અલગ હોય છે.” એન્ડ્રુએ જે કહ્યું એ બાઇબલના શબ્દોની સુમેળમાં છે: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.”—ગલાતી ૬:૪.

બીજાઓ આપણી પાસેથી વધારે પડતી આશા રાખે ત્યારે

ઘણી વાર એવું બને કે માબાપ, શિક્ષકો કે બીજાઓ આપણા પર આશાનો મહેલ ચણી દે. તમને એવું લાગી શકે કે તમે ગમે એટલું કરો પણ ક્યારેય તેઓને ખુશ નહિ કરી શકો. એમાંય તેઓ મહેણાં મારીને મારીને પોતાની નારાજગી બતાવે ત્યારે તમે ત્રાસી જઈ શકો. એનાથી તમે હતાશામાં ડૂબી જઈ શકો. (અયૂબ ૧૯:૨) પણ તમે જાણો છો કે તમારા માબાપ કે બીજાઓ જાણીજોઈને તમને દુઃખી કરતા નથી. જેસિકા કહે છે: “ઘણી વાર તો તેઓને ખબર પણ હોતી નથી કે તેઓના શબ્દો આપણને તીરની જેમ વાગે છે, એમાં ઘણી ગેરસમજ ઊભી થઈ જાય છે.”

એવું પણ બની શકે કે તેઓ જે આપણામાં જોઈ શકે એ આપણે પોતે જોઈ શકતા નથી. દાખલા તરીકે, આપણને લાગી શકે કે ‘મારાથી તો એ કામ નહિ થાય.’ પરંતુ, તમારા માબાપના સૂચનોને અવગણશો નહિ. પણ “શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ.” (નીતિવચનો ૮:૩૩) માઈકલ કહે છે, “એનાથી આપણને પોતાને લાભ થશે. તેઓ ચાહે છે કે આપણે આગળ વધીએ. તેથી, તેઓ જે કહે એ રાજીખુશીથી કરવું જોઈએ.”

જો તમને એવું લાગે કે તમારા માબાપ અને બીજાઓ જે ચાહે છે એ તમે કરી જ નહિ શકો અને તમે એ કરવા જાવ તોપણ ખરેખર નિષ્ફળ થશો તો શું? કેમ નહિ કે તમે તેઓ સાથે ખુલ્લા દિલે અને પ્રેમથી વાત કરો. તેઓને જણાવો કે એ વિષે તમને કેવું લાગે છે. એમ કરવાથી તમે ભેગા મળીને એવો કોઈ ધ્યેય રાખી શકો જે આસાન હોય.

તમને થાય કે ઈશ્વરભક્તિમાં નિષ્ફળ થયા છો તો?

યહોવાહના સાક્ષીઓમાં ઘણાં યુવાનોને પરમેશ્વરના સેવક તરીકે પોતાની જવાબદારી પૂરી કરવાનું મુશ્કેલ લાગી શકે. (૨ તીમોથી ૪:૫) જો તમે ખ્રિસ્તી યુવાન હોવ તો, ઘણી વાર તમને એવું લાગી શકે કે ‘હું તો કંઈ કરી શકું એમ નથી.’ તમને લાગી શકે કે ‘મિટિંગોમાં મારા જવાબો પણ સારાં નથી.’ બીજાઓને બાઇબલ શીખવવાનું પણ તમને અઘરું લાગતું હોય. દાખલા તરીકે, જેસિકા એક ઓગણીસ વર્ષની એક છોકરીને બાઇબલમાંથી શીખવતી હતી. એ છોકરીએ ઘણી સારી પ્રગતિ કરી. પણ અચાનક એ છોકરીએ નિર્ણય લીધો કે તે યહોવાહની સેવા નહિ કરે. જેસિકા કહે છે: “મને એવું લાગ્યું કે એક શિક્ષક તરીકે મેં સારી રીતે શીખવ્યું નહિ હોય.”

જેસિકાએ આવી લાગણી પર કઈ રીતે કાબૂ મેળવ્યો? સૌથી પહેલાં તો, તેને સમજાયું કે એ છોકરીએ પોતાનો નહિ પણ પરમેશ્વરનો નકાર કર્યો છે. જેસિકાને બાઇબલમાંથી પીતરના દાખલા પર મનન કરવાથી મદદ મળી. પીતર ઈશ્વરભક્ત હતા અને તેમનામાં પણ ઘણી ખામીઓ હતી. જેસિકા જણાવે છે: “બાઇબલ બતાવે છે કે પીતરે પોતાની નબળાઈઓ પર જીત મેળવી. પછી યહોવાહ પરમેશ્વરે પોતાના કામમાં ઘણી રીતોએ પીતરનો ઉપયોગ કર્યો.” (લુક ૨૨:૩૧-૩૪, ૬૦-૬૨) જોકે, એક શિક્ષક તરીકે આપણે પોતાની આવડતમાં કંઈક સુધારો કરવાનો હોય તો, ચાલો કરીએ. (૧ તીમોથી ૪:૧૩) મંડળમાં પરિપક્વ ભાઈબહેનો પાસેથી શીખવા અને તાલીમ લઈ શકો.

કદાચ તમને ઘર-ઘરનું પ્રચાર કાર્ય કરવું મુશ્કેલ લાગી શકે. જેસન કહે છે: “ઘરમાલિક મોં પર દરવાજો પછાડીને બંધ કરી દે ત્યારે મને લાગે છે કે મેં શું ભૂલ કરી?” તેણે કેવી રીતે આવી લાગણીનો સામનો કર્યો? “મેં યાદ રાખ્યું કે મારામાં કોઈ ખામી નથી.” આખરે તો પ્રચાર કરવાની આજ્ઞા પરમેશ્વરે જ આપી છે. ખરું કે લોકો આપણું સાંભળતા નથી ત્યારે આપણને દુઃખ થાય છે. પરંતુ, કોઈક તો બાઇબલ સંદેશો જરૂર સાંભળશે. જેસન કહે છે, “એક જ વ્યક્તિ ઈશ્વરનો સંદેશ સાંભળે તોપણ મને સારું લાગે.”

ગંભીર ભૂલ કરી બેઠા હોવ તો શું?

જો આપણે કોઈ મોટી ભૂલ કરી બેઠા હોય કે ગંભીર પાપ કર્યું હોય તો શું? ઓગણીસ વર્ષની ઍને * પણ એક ભૂલ કરી હતી. ઍન કબૂલે છે: “મેં મારા મંડળ, કુટુંબ અને ખાસ કરીને યહોવાહ પરમેશ્વરની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.” આપણે કોઈ ભૂલ કરી હોય તો, વિશ્વાસમાં પાછા દૃઢ થવા માટે મંડળના વડીલો પાસેથી મદદ લઈને સાચો પસ્તાવો કરવાની જરૂર છે. (યાકૂબ ૫:૧૪-૧૬) ઍન એક વડીલના શબ્દોને યાદ કરે છે: “તેમણે કહ્યું કે રાજા દાઊદે પણ ગંભીર પાપ કર્યું હતું. પરંતુ, દાઊદે સાચો પસ્તાવો કર્યો ત્યારે યહોવાહે પણ તેમને માફ કર્યા હતા. તેમના આ શબ્દોથી મને ઘણી મદદ મળી.” (૨ શમૂએલ ૧૨:૯, ૧૩; ગીતશાસ્ત્ર ૩૨:૫) આપણે પણ પરમેશ્વરની સેવા કરવા માટે બનતી બધી જ કોશિશ કરવા જોઈએ. ઍન કહે છે, “હું વારંવાર ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચું છું. મારી પાસે એક નોટબુક છે જેમાં હું ઉત્તેજન આપનારી કલમો લખી લઉં છું.” ખરેખર, સમય જતા વ્યક્તિ ગંભીર પાપમાંથી પાછી ફરી શકે છે. નીતિવચનો ૨૪:૧૬ કહે છે, “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.”

પડ્યા પછી ઊભા થવું

આપણે નાની નાની ભૂલ કરીએ તોપણ દુઃખી થઈએ છીએ. એને ભૂલી જવા શું મદદ કરી શકે? સૌથી પહેલા તો, આપણે ભૂલને સ્વીકારવી જોઈએ. માઈકલ કહે છે: “પોતે કોઈ કામ ન કરી શક્યા હોવ એના વિષે વધારે વિચાર્યા કરવું ન જોઈએ. એના બદલે તમે શા માટે એ કામ ન કરી શક્યા એના પર ધ્યાન આપો. આમ કરવાથી, ફરી વાર તમે એ કામ સારી રીતે કરી શકશો.”

તમે પોતાના વિષે પણ બહુ વિચાર્યા ન કરો. બાઇબલ કહે છે, “હસવાનો વખત” હોય છે. એમાં પોતે કરેલા કામ પર પણ હસવાનો સમાવેશ થઈ શકે! (સભાશિક્ષક ૩:૪) તમે નિરાશ હોવ ત્યારે, કોઈ હોબી કે ખેલ-કૂદમાં તમારું ધ્યાન પરોવો. “સારાં કામો કરવામાં ધનવાન” બનવાથી પણ તમે પોતાના વિષે સારું અનુભવી શકશો, સારાં કામોમાં બીજાઓને યહોવાહના રાજ્ય વિષે જણાવવાનો પણ સમાવેશ થાય છે.—૧ તીમોથી ૬:૧૮, IBSI.

એ પણ યાદ રાખો કે ‘યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે, તે સદા ધમકી આપ્યા કરશે નહિ.’ અથવા તે સદા આપણમાં ભૂલો શોધ્યા કરશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૯) જેસિકા કહે છે, “હું યહોવાહ પરમેશ્વરને ઓળખું છું તેમ, મને પૂરી ખાતરી થાય છે કે મારા દરેક કામમાં તે ટેકો આપે છે અને મદદ કરે છે.” ભલે આપણે ગમે એટલી વાર નિષ્ફળ થઈએ પણ યહોવાહ પરમેશ્વર આપણને બહુ ચાહે છે. ખરેખર, એ જાણવાથી કેવો દિલાસો મળે છે! (g04 11/22)

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યું છે.

[પાન ૨૪ પર ચિત્ર]

તમને લાગે કે તમારી પાસેથી વધારે પડતી અપેક્ષા રાખવામાં આવે છે તો, તેઓ સાથે પ્રેમથી વાત કરો

[પાન ૨૫ પર ચિત્ર]

જેમાં તમને સારી આવડત હોય, એના પર હાથ અજમાવવાથી તમે નિષ્ફળતાની લાગણીને દૂર કરી શકશો