સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકને તાલીમ આપવી જરૂરી છે

બાળકને તાલીમ આપવી જરૂરી છે

બાળકને તાલીમ આપવી જરૂરી છે

બાળકો જે કંઈ બાળપણથી શીખે છે એની અસર જીવનભર રહે છે. બાળકોને સારી રીતે મોટા કરવા માટે માતા-પિતા શું કરી શકે? તાજેતરમાં થયેલું સંશોધન શું કહે છે એ જુઓ.

મગજની ભૂમિકા

હવે તો કૉમ્પ્યુટર દ્વારા મગજનો પણ વિગતવાર અભ્યાસ કરવો શક્ય છે. એનાથી વૈજ્ઞાનિકો શીખ્યા છે કે બાળકને બાળપણથી મળતી સારી તાલીમની છાપ તેના મગજ પર પડે છે. પછી બાળક સારી રીતે સમજતા, વિચારતા અને હસતા-બોલતા શીખી શકે છે. “મગજનો વિકાસ બાળપણમાં બહુ ઝડપથી થાય છે. વારસામાં મળેલી જીનેટિક માહીતીથી અને આજૂબાજૂના વાતાવરણમાંથી શીખવાથી બાળકનું મગજ ખીલે છે.” નેશન મૅગેઝિન જણાવે છે.

વૈજ્ઞાનિકો માને છે કે બાળપણના પહેલા ત્રણેક વર્ષમાં જ મગજનો વિકાસ થઈ જાય છે. બાળકોના ડૉક્ટર થોમસ બેરી જણાવે છે કે, “પછી બાળક પોતાના વિષે જાણકાર થઈ શકે છે. બૂદ્ધીશાળી બને છે. તેનામાં શીખવાની જે તમન્‍ના હોય છે એનો પણ પાયો નંખાય છે.”

નાના બાળકોનું મગજ જેટલું વધારે વપરાય એટલું વધારે વિકસે છે. મગજ વાપરવું એટલે ફક્ત ભાષા શીખવી કે જ્ઞાન લેવું જ નહિ પણ વૈજ્ઞાનિકો કહે છે કે બાળકને લાગણી બતાવવાથી પણ મગજનો વિકાસ થાય છે. તેઓ જણાવે છે કે જે ભૂલકાંઓને તેડવામાં નથી આવતા, કે જેઓને વહાલ કરવામાં નથી આવતું કે જેની સાથે રમવામાં નથી આવતું તેઓના મગજનો વિકાસ ઓછો થાય છે.

તાલીમ આપવાનું પરિણામ શું આવે છે?

બાળકો મોટા થાય છે પછી મગજ ઘડાય છે. મગજમાંથી નકામાં જ્ઞાનતંતુઓ નીકળી જાય છે. આ ઘડતરની અસર વિષે ડૉક્ટર મેક્સ કેઈનડર કહે છે: “બાળકની ઉંમર પ્રમાણે જો તાલીમ આપવામાં ન આવે તો એનું મગજ વિકસી નહિ શકે.” એનું પરિણામ? ડૉ. ફ્રેઝર મસ્ટર્ડ જણાવે છે કે, બાળકની બુદ્ધિ ઓછી થઈ જાય છે. ભાષામાં, ગણિતમાં તે નબળું થઈ જાય છે. બાળકોની તબિયત પણ બગડે છે. મોટા થાય ત્યારે લોકો સાથે હળવા મળવામાં પણ તકલીફ પડે છે.

એવું જાણવા મળ્યું છે કે બાળપણના જીવનમાં જે છાપ પડે, એ જીવનભર ટકે છે. વ્યક્તિનું દિલ નબળું છે કે નહિ, સમજી વિચારીને પગલાં લે છે કે નહિ, દયાળુ છે કે નહિ એ બધાનો પાયો બાળપણમાં નંખાય છે. માબાપની પણ બાળકોના જીવન પર ઘણી અસર પડે છે. બાળકોના ડૉક્ટર જણાવે છે: “બાળકના જીવનમાં માબાપનો હાથ બહુ જ મહત્ત્વનો છે.”

બસ, બાળકોને સાચી તાલીમ આપો તો ખાધું પીધું ને રાજ! જોકે, આ બધુંય કહેવું સહેલું છે. પણ માબાપ જાણે છે કે બાળકોને મોટા કરવા કંઈ આસાન નથી. બાળકોને સારી રીતે ઉછેરવાનું જ્ઞાન આપમેળે આવી નથી જતું.

એક સર્વે પ્રમાણે લગભગ ૨૫ ટકા માબાપોને ખબર ન હતી કે તેઓના બાળકોને મોટા કરવાની સૌથી સારી રીત કઈ છે, જેથી ભણવાનું ગમે અને તેઓમાં સ્વમાન આવે. તો પ્રશ્નો ઊભા થાય કે બાળકને કઈ રીતે મોટું કરવું જોઈએ? તમે શું કરી શકો? હવે પછીનો લેખ એ જણાવશે. (g04 10/22)

[પાન ૬ પર ચિત્ર]

બાળકોને કંઈ પ્રોત્સાહન આપ્યા વગર છોડી દેશો તો સારી રીતે મોટા નહિ થાય