સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

મગજ કેટલું કરી શકે?

અમુક સંશોધકો કહે છે કે, “બે-ચાર કામ એકસાથે કરવાથી મગજ પર દબાણ વધી જાય છે,” કૅનેડાનાં ટોરન્ટો સ્ટાર છાપાએ આવો અહેવાલ આપ્યો. અભ્યાસે એમ પણ બતાવ્યું કે બે-ચાર કામ સાથે કરવાથી કામની કુશળતા ઘટે છે, કામમાં ભૂલો રહી જાય છે, તેમ જ બીમાર પણ પડાય છે. દાખલા તરીકે, એનાથી તમારી “યાદશક્તિ ઘટી શકે, કમર-પીઠનું દર્દ થઈ શકે, ફ્લૂ અને અપચો થઈ શકે, અરે દાંત અને પેઢાંને પણ નુકશાન થઈ શકે.” યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે બતાવ્યું કે લોકો અમુક કામ કરે છે ત્યારે તેમના મગજના અલગ અલગ ભાગો સક્રિય બને છે. તેઓ વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરે એવી રીતે એક બે કામ સાથે કરે છે ત્યારે, એમરી યુનિવર્સિટીના મગજના ડૉક્ટર જોન સ્લાડેક કહે છે તેમ “મગજ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. પછી મગજ કામ કરી શકતું નથી એટલું જ નહિ, પણ એ કામ કરવાનો નન્‍નો ભણી દે છે.” સંશોધકો કહે છે કે એક સમયે એક જ કામ કરવું જોઈએ. વળી લોકોએ એ હકીકત સ્વીકારવી જ જોઈએ કે તેઓ જે કરવા માગે છે એ બધું જ તેમનું મગજ કરી શકતું નથી. (g04 10/22)

સૌથી વધારે અનુવાદ થયેલું પુસ્તક

આખી દુનિયામાં બાઇબલ એકજ એવું પુસ્તક છે કે જેનો સૌથી વધારે ભાષાઓમાં અનુવાદ થયો છે, અને નવી નવી ભાષાઓમાં અનુવાદ થતો રહે. આખી દુનિયામાં લગભગ ૬,૫૦૦ ભાષાઓ છે, એમાંથી ૨,૩૫૫ ભાષાઓમાં આખું બાઇબલ અથવા નવો કરાર જોવા મળે છે. બાઇબલ હવે ૬૬૫ આફ્રિકન, ૫૮૫ એશિયન, ઓસિનિયાની ૪૧૪, લૅટિન અમેરિકા અને કૅરેબિયનની ૪૦૪, યુરોપની ૨૦૯ અને ઉત્તર અમેરિકાની ૭૫ ભાષાઓમાં પ્રાપ્ય છે. યુનાઈટેડ બાઇબલ સોસાયટીઓ હાલમાં લગભગ ૬૦૦ ભાષાઓમાં બાઇબલ ભાષાંતર પ્રોજેક્ટમાં મદદ કરી રહી છે. (g04 12/8)

શું ટીવીથી બાળકોને નુકશાન થાય છે?

મૅક્સિકો શહેરના ધ હેરાલ્ડ છાપાએ અહેવાલ આપ્યો, “કુમળી વયે ટીવી જોનારા બાળકો સ્કૂલે જવાની ઉંમરે પહોંચે છે ત્યાં સુધીમાં તેઓની ધ્યાન રાખવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ અહેવાલે પેડીએટ્રીક્સ નામના તબીબી સામયિકે બહાર પાડેલા અભ્યાસ વિષે પણ જણાવ્યું. આ અભ્યાસમાં ૧,૩૪૫ બાળકોના બે ગ્રૂપ કર્યા. એક ગ્રૂપમાં એક વર્ષના બાળકો અને બીજામાં ત્રણ વર્ષના બાળકોને રાખવામાં આવ્યા. આ અભ્યાસ અનુસાર, બાળકો રોજ એક કલાક ટીવી જુએ તો, તેઓ સાત વર્ષના થાય ત્યાં સુધીમાં તેઓની ધ્યાન રાખવાની ક્ષમતા ૧૦ ટકા ઘટી જાય છે. સંશોધકો માને છે કે “મોટા ભાગના ટીવી કાર્યક્રમમાં ચિત્રો [ભૂલકાંઓના] મગજના સામાન્ય વિકાસને અસર કરે છે.” એક અભ્યાસના લેખક, ડૉક્ટર ડિમિસ્ટ્રિ ક્રિસ્ટાક્રિસે કહ્યું, “બાળકો ટીવી ન જુએ એમાં જ તેઓનું સારું છે. બીજા અભ્યાસોએ બતાવ્યું કે [ટીવી જોવાથી] બાળકોનું વજન ખૂબ વધી જાય છે ને વારે વારે ગુસ્સે થઈ થાય છે.” (g04 12/22)

હસો ને તાજામાજા રહો

‘હસવાથી આપણે કેમ હળવાફૂલ થઈએ છીએ એનું મગજના ડૉક્ટરોએ બીજું એક કારણ શોધી કાઢ્યું છે. કાર્ટૂન ચોપડીઓ વાંચતા લોકોના મગજની ગતિવિધિનું અવલોકન કરવાથી જોવા મળ્યું કે રમૂજી રહેવાથી અને હસવાથી મગજના કેન્દ્રમાં આવેલા કોશો ઉત્તેજિત થાય છે,’ યુસી બાર્કલી વૅલનૅસ લેટર આવો અહેવાલ આપે છે. એ દવા લેવાથી થતી અસર જેવું જ કામ આપે છે. વૅલનેસ આગળ કહે છે, “હસવાથી ટૅન્શન ઓછું થાય છે, મન શાંત થાય છે અને બીજા કાર્યો કરવા પ્રેરે છે.” હસવાથી આપણા હોર્મોનમાં અને હૃદયના ધબકારામાં પણ વધારો થાય છે. એનાથી લોહીનું પરિભ્રમણ વધે છે તેમ જ સ્નાયુઓ ચુસ્ત બને છે. વૅલનૅસ લેટરે નોંધ્યું, “ખરેખર, ખડખડાટ હસવું એ એક જાતની કસરત છે. હસવાથી બહુ કૅલરી વપરાતી નથી. પણ તમે પોતે અમસ્તા હસીને પાતળા થઈ શકતા નથી.” (g04 12/22)