સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજે મા કઈ રીતે પોતાની ફરજ બજાવે છે?

આજે મા કઈ રીતે પોતાની ફરજ બજાવે છે?

આજે મા કઈ રીતે પોતાની ફરજ બજાવે છે?

આજે માને કામે જવું પડે છે. કમાયને ઘરનું પાલનપોષણ કરવું પડે છે. આ બધુય કરે ને એકલે હાથે બાળકનો પણ ઉછેર કરે.

માર્ગારિટા મૅક્સિકોમાં રહે છે. તે એકલે હાથે બે બાળકો ઉછેરે છે. તે કહે છે કે, “તેઓને સારા સંસ્કાર આપવા, ભક્તિભાવ શીખવવો કંઈ નાનીસૂની વાત નથી. એક વખત મારો તરૂણ દીકરો પાર્ટીમાંથી પીધેલો ઘરે આવ્યો. મેં તેને ખીજાઈને કહ્યું, ખબરદાર બીજી વખત પીધો છે તો ઘરમાં ટાંટિયો નહિ પેસવા દઉં! તોપણ, તેણે બીજી વખત પીધો ત્યારે મેં તેને ઘરમાં પેસવા ન દીધો. પછી તે પાઠ શીખ્યો અને હવે દારૂથી સો ગાઉ દૂર ભાગે છે.”

માર્ગારિટા બાઇબલમાંથી યહોવાહ વિષે શીખવા લાગી. તે પોતાના બાળકોને પણ બાઇબલમાંથી સારા સંસ્કાર શીખવી શકી. હવે બન્‍નેય બાળકો પોતાનું જીવન યહોવાહની સેવા કરવામાં ગાળે છે.

જ્યારે પતિ પરદેશ જાય છે

ઘણા પતિ પૈસો કમાવવા પરદેશ જાય છે. મા એકલે હાથે બાળકોને ઉછેરતી હોય છે. લક્ષ્મીબહેન નેપાળમાં રહે છે. તે કહે છે: “મારા પતિ પરદેશ ગયાને સાત વર્ષ થઈ ગયા. બાળકો મારું તો સાંભળતા જ નથી. એ અહીં હોત તો એવું કંઈ ન થાત. મને પણ સથવારો મળત.”

આવી બધી તકલિફો લક્ષ્મીબહેન સહન કરે છે. તે પોતે બહુ ભણેલા નથી તેથી બાળકો ટ્યુશનમાં જાય છે. તે દર અઠવાડિયે બાળકોને યહોવાહ પરમેશ્વર વિષે શીખવે છે. દરરોજ બાળકો સાથે શાસ્ત્રવચનો તપાસવામાંથી ચર્ચા કરે છે. બાળકોને કાયમ સભાઓમાં પણ લઈ જાય છે.

જે માતાઓનું ભણતર કાચું હોય છે

ઘણા દેશોમાં સ્ત્રીઓને અક્ષરજ્ઞાન નથી અપાતું. દાખલા તરીકે, ઓરીલ્યાબહેન મૅક્સિકોના રહેવાસી છે. છ બાળકોની માતા છે. તે કહે છે કે, “મારી માએ મારા મગજમાં એક વાત ઠસાવી કે સ્ત્રીઓએ ભણવું ન જોઈએ. હું તો વાંચતા-લખતા પણ ન શીખી, તો હવે હું મારા છોકરાઓને ભણવામાં કેવી રીતે મદદ કરી શકુ! હું નથી ચાહતી કે મારા છોકરાઓ પણ મારી જેમ ભણ્યા વગર હેરાન થાય. એટલે તેઓને ભણાવવા-ગણાવવા મેં ખૂબ મહેનત કરી.”

ભલે માનું ભણતર કાચું હોય પણ તે બાળકોના ઉછેરમાં ઘણી મદદ કરી શકે છે. જો મા પોતે ભણેલી હોય તો બાળકોને કંઈ વાંધો નહિ આવે. નેપાળના બિશ્નુબેનને ત્રણ છોકરા છે. તેમને લખતા વાંચતા આવડતું ન હતું. બિશ્નુબેનને બાઇબલનો સંદેશો જાણવો હતો. બાળકોને પણ જણાવવો હતો. તેમણે લખતા-વાંચતા શીખવા માટે તનતોડ મહેનત કરી. બાળકો હૉમવર્ક કરવાનું ન ચૂકે એ પણ જોયું. તે હંમેશા તેઓની સ્કૂલે જઈને ટીચરો સાથે બાળકોના ભણતર વિષે ચર્ચા કરતા.

બિશ્નુબહેને તેના દીકરાવને સારા સંસ્કાર પણ આપ્યા. તેનો દીકરો શૈલેશ કહે છે કે, “અમે કંઈ ભૂલો કરતા તો મા હંમેશા બાઇબલમાંથી દાખલા આપીને અમને શીખવતી. આ મને બહુ ગમતું. આ રીતે તેમની સલાહ ગળે ઉતરી જતી.” બિશ્નુબહેનના ત્રણેય દીકરા મોટા થઈ ગયા છે. ત્રણે-ત્રણ યહોવાહને પગલે ચાલે છે.

ઍન્ટોન્યાબેન મૅક્સિકોમાં રહે છે. તેને ઘેર એક દીકરો અને એક દીકરી છે. તે કહે છે કે, “હું તો સાવ થોડું ભણી છું. અમારા ગામડેથી સ્કૂલ બહુ જ દૂર હતી. પણ મને તો મારા છોકરાની પડી હતી. તેઓ મારા કરતાં વધારે ભણે એટલા માટે મેં લોહી-પાણી એક કર્યાં. તેઓને લખતા-વાંચતા શીખવ્યું. ગણિત શીખવ્યું. મારી દીકરી સ્કૂલે ગઈ એ પહેલાં તેને પોતાનું નામ લખતા આવડી ગયું અને તે બારાખડી પણ લખી શકતી હતી. તેમ જ, મારો દીકરો બાળમંદિરે ગયો એ પહેલા વાંચવાનું શીખી શક્યો.”

ઍન્ટોન્યાએ તેઓને ઈશ્વરને માર્ગે ચાલતા પણ શીખવ્યું. તે કહે છે કે, “હું તેઓને બાઇબલમાંથી વાર્તાઓ કહેતી. મારી દીકરી બોલતા શીખી એ પહેલાં બાઇબલની વાર્તા એની રીતે મને સમજાવતી. મારા દીકરો ૪ વર્ષનો જ હતો ત્યારે તેણે સભામાં બધાની સામે બાઇબલ વાંચ્યું.” આ રીતે ઘણી મા પોતાની જવાબદારી નિભાવી શકે છે.

ખોટા રીતરિવાજોથી દૂર ભાગો

મૅક્સિકોની એક જાતિનો રિવાજ છે કે દીકરીઓ ૧૨ કે ૧૩ વર્ષની થાય ત્યારે, દહેજ લઈને તેને પરણાવી દેવી. ઘણી વખતે બે ત્રણ બૈરા હોય છે એવા મોટી ઉંમરના પુરુષને કૂમળી વયની છોકરીઓ વેચી દેવામાં આવે છે. જો એ પુરુષને છોકરી ન ગમે તો પોતાના પૈસા પાછા માંગીને છોકરી પાછી આપી શકે એવો રિવાજ છે. હવે પેત્રોનાનો વિચાર કરો. તે નાની હતી ત્યારે તેણે પણ આવો રિવાજ પાળવો પડ્યો હતો. તેની મા પણ નાની હતી ત્યારે ઘરવાળાએ તેને વેચી દીધી. પછી તેણે બાળકને જનમ આપ્યો અને છુટાછેડા પણ થઈ ગયા. આ બધુંય તેના જીવનમાં વીતી ગયું ત્યારે તે બીચારી ફક્ત ૧૩ વર્ષની જ હતી! પહેલા બાળકનું જીવન કરમાઈ ગયું. તે ગુજરી ગયું. પછી પેત્રોનાની માને બીજી બે વખત વેચવામાં આવી. છેવટે તે આઠ બાળકોની મા બની.

પેત્રોનાને એવી જિંદગી કાઢવી ન હતી. તે કહે છે કે, “મેં નાની સ્કૂલમાં ભણી લીધું પછી મેં મારી માને કહ્યું કે મારે આગળ ભણવું છે. મારી માએ કહ્યું કે તારા બાપુજી સાથે વાત કર આમાં મારું કંઈ ન ચાલે.”

બાપુજીએ કહ્યું કે, “તને લખતા-વાંચતા આવડે છે, હવે બીજુ શું જોઈએ? હું તો તને પરણાવી દેવાનો છું. અને તારે ભણવું હોય તો, એનો ખર્ચો તું પોતે ભરજે.”

પેત્રોના કહે છે કે, “મેં પછી એમ જ કર્યું. ભરતકામ શરૂ કર્યું અને મારો ભણવાનો ખર્ચો પૂરો પાડ્યો.” આ રીતે તે ખોટા રિવાજમાં ફસાતા અટકી શકી. પેત્રોના મોટી થઈ ત્યારે તેની માતા બાઇબલમાંથી શીખવા લાગી. તેની માતા, પેત્રોનાની બીજી નાની બહેનોને બાઇબલમાંથી શીખવવા લાગી. માતાએ પોતાની જીવનકથામાંથી જ છોકરીઓને સમજાવ્યું કે ખોટા રીતરિવાજ પાળવાનું પરિણામ કેવું કઠોર આવે છે.

ઘણા એવું માને છે કે શિખામણ આપવાનો હક્ક ફક્ત બાપુજીને માથે છે. પેત્રોના સમજાવે છે: “અમને એવું શીખવવામાં આવે છે કે, પુરુષો કરતાં સ્ત્રીઓ હલકી હોય છે. પુરુષો બસ પોતાનું જ રાજ ચલાવતા હોય છે. પછી તો બાપ એવા બેટા. નાનો છોકરો મમ્મીને કહેશે કે, ‘તું મને કોણ કહેવા વાળી. જ્યાં સુધી મારા પપ્પા મને નહીં કહે ત્યાં સુધી કંઈ નહીં થાય!’ આવા સમાજ હેઠળ એક મા બીચારી કઈ રીતે પોતાના દીકરાને શીખવી શકે! જોકે મારી મા તો બાઇબલમાંથી શીખી છે એ મારા નાના ભાઈઓને પણ સારી રીતે શીખવે છે. તેઓ એફેસી ૬:૧, ૨માંથી શીખ્યા છે કે, ‘બાળકો તમારાં માબાપનું સાંભળો. . . . તમારા પિતાને માન આપો અને તમારી માતાનું સન્માન કરો.’

મેરી ઉત્તર નાઇજીરિયામાં રહે છે. તે કહે છે કે, “અમારો રિવાજ પણ એવો જ છે. દીકરાને શીખવવાનો હક્ક માનો નહીં પણ પિતાનો છે. પરંતુ, હું તો બાઇબલમાંથી શીખી કે તીમોથીને તેની માએ અને નાનીમાએ શીખવ્યું અને મેં પણ એવું જ કર્યું. હું કંઈ અમારા રીતરિવાજો પાળવાની ન હતી. હું પોતે મારા બાળકોને શીખવવાની હતી.”—૨ તીમોથી ૧:૫.

બીજા ઘણા દેશોમાં યુવતીઓની સુન્‍નત કરવાનો રિવાજ હોય છે. સુન્‍નત કરતી વખતે સ્ત્રીના ગુપ્તાંગનો બહારનો ભાગ કાપી નાખવામાં આવે છે. ફેશન મોડલ વારીસ ડીરી સુન્‍નત વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. તે યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન્સ ફંડની એંબેસેડર હતી. સોમાલિયાના રીતરિવાજ પ્રમાણે તેની માએ તેની સુન્‍નત કરી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ ૧ કરોડ સ્ત્રીઓની સુન્‍નત મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશોમાં થાય છે. અરે અમેરિકામાં પણ લગભગ ૧૦,૦૦૦ મહિલાઓનું જીવન જોખમમાં છે.

કલેજુ કંપાવે એવા રિવાજો પાછળ શું કારણો હશે? ઘણા માને છે કે, લગ્‍ન માટે સ્ત્રીઓના ગુપ્તાંગોમાં અપશુકન હોય છે. ઘણા માને છે કે છોકરીઓના ગુપ્તાંગોને કાપી નાંખવામાં આવે તો તેઓ કુંવારી રહેશે. જો મા આ રિવાજ ન પાળે તો એનો ધણી અને આખું સમાજ વિરોધનો વંટોળ ઊભો કરે.

હવે તો ઘણી માતાને ખબર છે કે સુન્‍નત કરવી ન જોઈએ. એ કંઈ ધર્મ શીખવતો નથી. એમાં કોઈ તબીબી ફાયદો પણ નથી થતો. ફક્ત પીડા અને દુઃખ થાય છે. નાઇજીરિયન ડૉક્યુમેંટ્‌રી ખોટા રિવાજોથી દૂર ભાગોમાં (અંગ્રેજી) જણાવ્યું કે, હવે તો ઘણી માતાઓ પોતાની દીકરીઓની સુન્‍નત કરતી નથી.

જગતભરમાં બાળકોના દિલમાં શિક્ષણ સિંચવાનું કામ મા નિભાવે છે. એ કામ સહેલું નથી છતાં મા હિંમત હારતી નથી. પણ શું તેની કોઈ કદર કરે છે? (g05 2/22)

[પાન ૫ પર બોક્સ/ચિત્ર]

“એક જ વાત વારંવાર ઘૂંટાય છે કે જીવનના વિકાસમાં સ્ત્રીઓ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે મા કે સ્ત્રી પોતાનો અણું એ એણું કુટુંબમાં ખર્ચી નાખે છે ત્યારે કુટુંબમાં તંદુરસ્તી વધે છે. સારી બચત થાય છે. કુટુંબ સુખી થાય. સમાજ સુખી થાય. છેવટે દેશ સુખી થાય.” —યુએન સેક્રેટરી કોફી અન્‍નાન, માર્ચ ૮, ૨૦૦૩.

[ક્રેડીટ લાઈન]

UN/DPI photo by Milton Grant

[પાન ૮ પર બોક્સ/ચિત્રો]

મારી માએ અમારા માટે કેટકેટલું કર્યું

બ્રાઝિલનો જૂલિયાનો જણાવે છે કે, “હું પાંચ વર્ષનો હતો ત્યારે, મારી માને સારી પોસ્ટ મળી હતી. પણ પછી મારી બહેનનો જન્મ થયો ત્યારે મારી માએ એ નોકરી જતી કરી, જેથી તે સારી રીતે અમારું ધ્યાન રાખી શકે. નોકરી પર ઘણાએ તેને કામ ન છોડવા સમજાવી. તેઓએ કહ્યું કે તારા છોકરા મોટા થઈને પરણી જશે તારી બધી મહેનત પાણીમાં જશે. પણ તેઓની વાત સાવ ખોટી હતી. હું તો મારી માનો પ્રેમ, તેની મમતા કદીએ નહિ ભૂલું.”

[ચિત્રો]

જૂલીયાનોની માતા એના બાળકો સાથે. ડાબી બાજુમાં પાંચ વર્ષનો જુલીયાનો

[પાન ૬ પર ચિત્ર]

બિશ્નુબહેન લખતા-વાંચતા શીખ્યા અને પછી પોતાના બાળકોને ભણાવ્યા

[પાન ૭ પર ચિત્રો]

ઍન્ટોન્યાબહેનનો નાનો દીકરો સભામાં બધાને બાઇબલમાંથી વાંચી સંભળાવે છે

[પાન ૭ પર ચિત્રો]

પેત્રોના મૅક્સિકોની બ્રાંચમાં કામ કરે છે. તેની માતા પણ છેવટે પરમેશ્વર યહોવાહને ઓળખી શકી અને હવે તે પેત્રોનાના ભાઈ-બહેનોને યહોવાહ વિષે શીખવે છે

[પાન ૮ પર ચિત્ર]

વારીસ ડીરીએ પોતે મહિલાઓની સુન્‍નત વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો છે

[ક્રેડીટ લાઈન]

ફોટો: Sean Gallup/ Getty Images