સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ જમાનાની માતાનું દુઃખ કોને કહેવું?

આ જમાનાની માતાનું દુઃખ કોને કહેવું?

આ જમાનાની માતાનું દુઃખ કોને કહેવું?

“ઘરની સંભાળ રાખવી એ માનો પહેલો ધર્મ છે. મા પોતાની ફરજ ન નિભાવે તો આવતી પેઢી નહિ જન્મે. જન્મશે તો કેવી થશે એ કોને ખબર!” —થિયોડોર રૂઝેવેલ્ટ, અમેરિકાનાં ૨૬માં પ્રેસિડન્ટ.

માની ફરજ ફક્ત બાળકો પેદા કરવાની જ નથી. પણ એક લેખકે આજની મા અને તેની ફરજ વિષે લખ્યું: “બાલબચ્ચાંની તંદુરસ્તીનું ધ્યાન રાખવાની માની ફરજ છે. દિલમાં શિક્ષણ રેડવાની ફરજ માની છે. સંતાનનો સ્વભાવ ઘડવો એ પણ માની જ ફરજ છે. બાળક જીવનમાં સમજીવિચારીને દરેક પગલાં ભરે એ શીખવવાની ફરજ પણ માને માથે હોય છે.”

પોતાના લાડલાઓના દિલમાં શિક્ષણ રેડવાની ફરજ તો ખાસ કરીને જનેતાની જ છે. બાળક એની જનેતા પાસેથી બોલતા શીખે છે. એટલે તો આપણે મા પાસેથી મળેલી ભાષાને માતૃભાષા કહીએ છીએ! પિતા કરતાં માતા બાળક સાથે વધુ સમય ગાળે છે. એટલે જ માતા એના બાળકોને શીખવે છે અને શિખામણ પણ આપે છે. મૅક્સિકો લોકોની એક કહેવત સરસ છે કે, ‘બાળક માનું દૂધ પીએ છે અને શિક્ષણ પણ પીએ છે.’

આપણા પરમેશ્વર યહોવાહ કહે છે આપણે માને માન આપવું જોઈએ. તે પોતે કહે છે કે, “તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ.” (નિર્ગમન ૨૦:૧૨; ૩૧:૧૮; પુનર્નિયમ ૯:૧૦) બાઇબલમાં પણ એક સરસ મજાની કહેવત છે કે, “તારી માનું શિક્ષણ તજીશ મા.” (નીતિવચનો ૧:૮) હવે તો બાળક ત્રણ વર્ષનું થાય એ સમયગાળામાં તેનામાં સંસ્કાર રેડવા જોઈએ એવું બધા સ્વીકારવા લાગ્યા છે.

છોકરાઓને ઊછેરવાનું કામ સહેલું નથી

આજે એક મા માટે બાળકોને શીખવવું એ કામ કંઈ સહેલું નથી. આ જમાનામાં તો રોજીરોટી કમાવવા માટે મમ્મીને કામે પણ જવું પડે છે. યુનાઈટેડ નેશન્સના સર્વે પ્રમાણે ગરીબ દેશોમાં લગભગ ૫૦ ટકા માતા જેના બાળકો ત્રણેક વર્ષના હોય છે તેઓ કામે જતી હોય છે.

પિતા ઘર છોડીને પારકા દેશમાં કમાવવા જાય ત્યારે ઘણી જનેતા એકલે હાથે બાળકોને ઊછેરે છે. દાખલા તરીકે આર્મેનિયામાં લગભગ ૩૩ ટકા પુરુષો ઘર છોડીને પરદેશ કમાવા જાય છે. બીજી ઘણી માતાઓ પણ એકલે હાથે બાળકોને મોટા કરે છે. તેઓનો ધણી છોડીને ભાગી ગયો હોય અથવા વિધવા થઈ ગઈ હોય.

ઘણા દેશમાં માતા બહુ ભણેલી નથી હોતી. યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ પ્રમાણે ૮૭.૬ કરોડ સ્ત્રીઓમાંથી ૬૦ ટકાને અક્ષરજ્ઞાન નથી હોતું. યુનેસ્કો પ્રમાણે, ખાસ કરીને આફ્રિકા, અરબસ્તાન અને પૂર્વ અને પશ્ચિમ એશિયામાં ૬૦ ટકા બહેનોને અક્ષરજ્ઞાન મળ્યું નથી. ઘણા પુરુષો માને છે કે સ્ત્રીઓને ભણવાની કંઈ જરૂર નથી. તેઓ માને છે કે સ્ત્રીઓ ભણે તો બાળકો પેદા નહિ કરી શકે.

આઉટલુક નામનું મેગેઝિન જણાવે છે કે, કેરલા, ભારતના એક જિલ્લામાં છોકરીઓ ૧૫ વર્ષની વયે મા બને છે. ત્યાં કોઈને ભણેલી ગણેલી છોકરીઓ સાથે પરણવું ગમતું નથી. પાકિસ્તાનમાં દીકરાઓ પર ચાર હાથ હોય છે. માબાપ તેઓને ભણાવી-ગણાવીને સારી રીતે ઉછેરે છે. કેમ કે, તેઓ મોટા થાય ત્યારે સારી પોસ્ટ મળે. પછી તેઓ અમ્મી-અબ્બાનું ધ્યાન રાખી શકે. પરંતુ, ગરીબ દેશોમાં સ્ત્રીઓનું ભણતર (અંગ્રેજી) નામનું પુસ્તક જણાવે છે કે “માબાપ પોતાની દીકરીના ભણતર પાછળ ખર્ચ નથી કરતા. કેમ કે, તેઓ દીકરીની કમાણીનું ખાય એવી આશા રાખતા નથી.”

છોકરીઓનું જીવન બરબાદ કરી નાખે એવા રીત-રિવાજો પણ ઘણા સમાજમાં હોય છે. ઘણા સમાજમાં છોકરીઓએ જુવાનીમાં ડગ ભર્યા જ હોય ને પરણાવી દેવામાં આવે છે. તેઓની સુન્‍નત કરી દેવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે દીકરાને શીખવવાની જવાબદારી માની નથી. શું માતાએ એવા રીતરિવાજો પાળવા જોઈએ? શું તેઓએ દીકરાને શીખવવાની જવાબદારી બીજા પર છોડી દેવી જોઈએ?

તમે હવે પછીના લેખમાં વાંચી શકશો કે મા કઈ રીતોએ પોતાની ફરજ બજાવે છે. આપણે એ પણ શીખીશું કે શા માટે માની ખૂબ કદર કરવી જોઈએ. મા પોતાના બાળકોને કેટલી હદ સુધી શીખવી શકે એ વિષે પણ જોઈશું. (g05 2/22)

[પાન ૪ પર બોક્સ/ચિત્ર]

“બાળક પોતે જીવનના હરેક પાસામાં ખિલી શકે એ માટે મા મોટો ભાગ ભજવે છે.”—રીજનલ સમિટ ઓન ચિલ્ડર્નસ રાઈટ્‌સ, બુર્કિના ફાસો ૧૯૯૭.

[પાન ૩ પર ચિત્રો]

બાળકોની તંદુરસ્તી, ભણતર, સ્વભાવ એ બધામાં મા મોટો ફાળો આપે છે