સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટામેટાં—“ફળ કે શાકભાજી?”

ટામેટાં—“ફળ કે શાકભાજી?”

ટામેટાં—“ફળ કે શાકભાજી?”

બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી

“ટામેટાં ના હોત તો હું શું કરત?” એવું એક ઈટાલીની સ્ત્રીએ કહ્યું. દુનિયા ફરતે ઘણી સ્ત્રીઓ એવું જ વિચારે છે. હા, ઘણા સમાજમાં ટામેટાં વગર લોકો રસોઈ જ ન બનાવે. ઘણા લોકો વાડામાં બીજી કોઈ શાકભાજી વાવે એના કરતાં ટમેટી વાવવાનું વધારે પસંદ કરે છે. પરંતુ, સવાલ થાય છે કે ટામેટાં ફળ છે કે શાકભાજી?

વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ટામેટાં ફળ છે. કારણ કે એમાં બી હોય છે. તેમ છતાં, મોટા ભાગના લોકો એને શાકભાજીમાં ગણે છે. કેમ કે એને રસોઈમાં સૌથી વધારે વાપરવામાં આવે છે. એનો અજોડ ઇતિહાસ છે.

અજોડ ઇતિહાસ

મૅક્સિકોમાં રહેતી એઝટેક જાતિ નાવાટલ ભાષા બોલતી હતી. આ જાતિ ટામેટાં બહુ જ વાવતી હતી. નાવાટલ ભાષામાં તેઓ ટામેટાંને ટોમાટલ કહેતા. આજથી લગભગ ૫૦૦ વર્ષ પહેલાં સ્પેનના લોકો મૅક્સિકોની આ એઝટેક જાતિ પર રાજ કરવા લાગ્યા. સ્પેનમાં પાછા ફરતા તેઓની સાથે ટામેટાંને લઈ ગયા. તેઓ ટામેટાંને સ્પેનિશમાં ટોમેટો કહેવા લાગ્યા. આ રીતે તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ટામેટાં લેતા ગયા. જેમ કે ઈટાલી, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં તેઓ એનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા.

એ સદીના અંતમાં ઉત્તર યુરોપમાં ટામેટાં લઈ જવામાં આવ્યા. શરૂઆતમાં તેઓ માનતા કે એ ઝેરી છે. કેમ કે એનો એવો દેખાવ હતો. તેથી, તેઓ બાગને સજાવવા ટામેટાંના છોડ રોપતા. જોકે, એના પાંદડા અને ડાળીમાંથી સરસ સુગંધ આવે છે. પણ એના ફળ તો જરાય એવાં નથી.

યુરોપમાં પહેલી વાર ટામેટાં લાવવામાં આવ્યા ત્યારે એ પીળા રંગના હતા. આથી, ઇટાલીયનો એને પોમોડોરો (સોનેરી સફરજન) કહેતા હતા. અંગ્રેજીમાં એને ટોમેટો કહેતા. પરંતુ, લોકોએ એને “લવ એપલ” નામ આપ્યું. એ નામ આજે પણ જાણીતું છે. યુરોપમાંથી ટામેટાંને ઉત્તર અમેરિકામાં લાવવામાં આવ્યા. આમ, ઓગણીસમી સદી સુધીમાં તો બધા જ લોકો ટામેટાં ખાવા લાગ્યા.

વિવિધતા અને લોકપ્રિયતા

તમે કોઈને પણ પૂછો કે ટામેટાંનો રંગ કેવો છે? તો મોટા ભાગે તેઓ તરત જ કહેશે કે “લાલ.” શું તમે જાણો છો કે ટામેટાં વિવિધ રંગના હોય છે? જેમ કે, પીળા, નારંગી, ગુલાબી, જાંબુડિયા, કથ્થઈ, સફેદ અને, લીલાં હોય છે. એના અનેક આકાર હોય છે. જેમ કે ટીંડોડા જેવા લાંબા, આલુ કે નાસપતી જેવા પણ હોય છે. એના કદ પણ નાનાં મોટાં હોય છે. જેમ કે અમુક વટાણાં જેટલાં તો અમુક આલુ કે નાસપતી જેટલાં મોટાં પણ હોય છે.

આજે ટામેટાં ઉત્તર આઇસલૅન્ડથી માંડીને દક્ષિણ ન્યૂઝીલૅન્ડ સુધી ઉગાડવામાં આવે છે. ટામેટાંનો મોટો ભાગ અમેરિકા અને દક્ષિણ યુરોપના દેશોમાં ઉગાડવામાં આવે છે. ઠંડા વિસ્તારોમાં ટામેટાંના છોડને કાચના ઘર [ગ્રીનહાઉસ]માં ઉગાડવામાં આવે છે. જ્યારે કે સૂકા વિસ્તારોમાં એને ઉગાડવા માટે હાઈડ્રોપોનિક ટૅકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. હાઈડ્રોફોનિક ટૅકનિક શું છે? એમાં છોડને જમીનમાં નહિ પરંતુ પાણીના પૌષ્ટિક દ્રાવણમાં ઉગાડવામાં આવે છે.

જોકે, હજુ ઘણા લોકો ટામેટાંને બાગ-બગીચા કે વાડામાં શોભા માટે ઉગાડે છે. કેમ કે, એને ઉગાડવા સહેલું છે. બે-ચાર છોડમાંથી તો એક નાનાં કુટુંબ માટે પુષ્કળ ટામેટાં ઊતરે છે. જો તમારી પાસે પૂરતી જગ્યા ન હોય તોપણ તમે એને કૂંડામાં કે વાડામાં અથવા બારી પાસે નાના બૉક્સમાં પણ ઉગાડી શકો છો.

તંદુરસ્ત રહેવાનાં સૂચનો

ફ્રિજમાં ટામેટાં રાખવાથી એનો સ્વાદ બગડી જાય છે. તેથી એને ફ્રિજમાં રાખવા જોઈએ નહિ. ટામેટાંને જલ્દી પકવવાં હોય તો, એને રૂમમાં એક વાસણમાં પાકાં ટામેટાં કે પાકાં કેળાં સાથે મૂકી શકાય. અથવા એને કથ્થઈ પેપરની બેગમાં થોડા દિવસ રાખી શકાય.

ટામેટાં સ્વાસ્થ્ય માટે ખાવા સારા છે. એમાં વિટામીન એ, સી અને ઈ છે. તેમ જ એમાં પૉટૅશિયમ, કૅલ્શિયમ અને મીઠું પણ છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ટામેટાંમાં એવા તત્વો છે કે જેના લીધે કૅન્સર અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે. ટામેટાંમાં ૯૩થી ૯૫ ટકા પાણી છે. ટામેટાંમાં બહુ જ ઓછી કૅલરી છે. આથી, વજન ઓછું કરનારાઓ માટે ટામેટાં ખાવા સારાં છે એ જાણીને તેઓને આનંદ થશે.

ટામેટાંની સ્વાદિષ્ટ વાનગીઓ

તમે કેવાં ટામેટાં ખરીદશો? લાલ ટામેટાંનો કચૂંબર, સૂપ અને ચટણી કે સૉસ બનાવવામાં આવે છે. વટાણાં જેટલાં લાલ, નારંગી કે પીળા રંગના ટામેટાં બહુ મીઠા હોય છે. એમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે. આથી, એને કાચાં ખાવાની પણ મઝા પડે છે. જો તમે પીત્ઝા કે પાસ્તા બનાવતા હોવ તો, એમાં ટિંડોળા જેવા લંબગોળ ટામેટાંનો ઉપયોગ કરવો જ જોઈએ. કેમકે એમાં વધારે માવો હોય છે. અમેરિકામાં મોટા મોટા ટામેટાંને બીફ-સ્ટેક કહેવામાં આવે છે. કેમ કે એમાં માવો વધારે હોવાથી એ કઠણ હોય છે. એના લીધે એમાં મસાલો ભરીને ઑવનમાં બૅક કે શેકવામાં આવે છે. અમુક લીલા ટામેટાં પણ આવે છે. એને જમતી વખતે કાચાં ખાવાની મજા આવે છે. ખરેખર, ટામેટાંના લીધે શાકભાજી, ઇંડા, પાસ્તા, મટન અને માછલીની વાનગી ખાવાની મઝા જ કંઈ ઓર હોય છે. ટામેટાંના લીધે સારો સ્વાદ અને રંગ જોવા મળે છે. જો તમને તાજાં ટામેટાં ન મળતાં હોય તો ડબ્બામાં પેક કરેલાં આજે મળી શકે છે. એ મોટે ભાગે દુકાનોમાં મળે છે.

દરેકને મનગમતો ખોરાક રાંધવાની અલગ અલગ રીત હોય છે. પરંતુ, અહીં અમુક વાનગીઓ આપવામાં આવી છે. કદાચ તમે અજમાવી શકો.

૧. ટામેટાં, મોત્ઝરેલા ચીઝ અને ઍવકાડોમાંથી (જમરૂખ આકારનું એક ફળ) પાતળી ચીરી કરીને એના પર ઑલિવ તેલ અને કાળા મરીનો ભૂક્કો, બૅસિલ કે તુલસી, ફુદીનાં પાંદડાથી એને સજાવો. આમાં બહું સમય લાગતો નથી. વળી આ રીતથી સ્વાદિષ્ટ અને ભૂખ વધારનાર સૂપ તૈયાર થાય છે.

૨. ગ્રીક સલાડ કે કચુંબર બનાવો. ટામેટાંના, કાકડી અને ફેટા ચીઝના (ઘેટી અને બકરીના દૂધમાંથી બનાવેલી ચીઝ) મોટા ટુકડા કરો. એમાં લાલ ડુંગળી કાપીને નાંખો. પીરસતી વખતે એના પર મીઠું, મરી, ઑલિવ તેલ અને લીંબુનો રસ નાખો.

૩. મૅક્સિકન ચટણી તાજાં ટામેટાં, ડુંગળી, લીલાં મરચાં, લીલાં ધાણા ઝીણા ઝીણા કાપીને એના પર લીંબુ નાખીને મિશ્રણ કરી દો.

૪. ટમેટાંની ચટણી પાસ્તા માટે સાદો અને સરળ સોસ તૈયાર કરો. એ માટે એક પૅનમાં ડબ્બામાં પૅક કરેલાં ટામેટાં, ચપટી ખાંડ (કે કેચપ), સ્વાદ અનુસાર ઑલિવ તેલ, લસણનું પેસ્ટ, ફૂદીનાના પાન, તેજ પત્તા અને ઓરિગાનો જેવા હર્બ નાખો. આ બધાને લગભગ વીસેક મિનિટ બરાબર ખદખદવા દો. એટલે સોસ ઘટ્ટ થઈ જશે. ત્યાર પછી બાફેલા અને પાણી નીતારી દીધેલા પાસ્ટા પર રેડી દો.

ટામેટાં કેવી કેવી રીતે વપરાય છે એનું આ એક ઉદાહરણ છે. (g05 3/8)