સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મા એટલે મા

મા એટલે મા

મા એટલે મા

ઘણી વખત જોઈએ એટલી માની કદર કરવામાં આવતી નથી. અમુક વર્ષો પહેલાં લોકો એવું માનતા કે બાળકોનું ધ્યાન રાખવામાં શું ફાયદો! લોકો તો પૈસા પાછળ જ પડતા અને બાળકોની જવાબદારીને એક બોજો ગણતા. આપણામાંના ઘણાને લાગશે કે એવું તો કંઈ હોતું હશે? કેટલાકને લાગે છે બાળકોનું ધ્યાન રાખવાનો માનો રોલ તો સાવ નાનો હોય છે. આજે ઘણા એવું માને છે કે સ્ત્રી હોંશિયાર હોય છે એટલે તેણે જોબ પણ કરવી જોઈએ.

ભલે લોકો ગમે એ માને. પણ ઘણા કુટુંબો એવા છે જેમાં માતાની ખૂબ કદર કરવામાં આવે છે. કાર્લો પોતે યહોવાહના સાક્ષીઓની ફિલિપાઈન્સ બ્રાંચમાં સેવા કરે છે. તે કહે છે કે, “હું આજે જે કંઈ છું એનો જશ મારી માને જાય છે. તેણે મને તૈયાર કર્યો છે. મારા પપ્પાનો સ્વભાવ કડક હતો. તેમનો તરત જ પિત્તો જતો. પરંતુ, મમ્મી અમને શાંતિથી સમજાવતી. એ મને બહુ ગમતું.”

પીતર દક્ષિણ આફ્રિકાનો છે. તેની માએ છ બાળકોને ઉછેર્યા. તે પોતે બહુ ભણેલી ન હતી. પીતરના પિતા કુટુંબને છોડીને ભાગી ગયા. પીતર કહે છે કે, “મારી મા તો સાફસૂફનું કામ કરતી. તેનો પગાર એકદમ ઓછો હતો. અમારા બધાની સ્કૂલ ફી ભરવાની તેનામાં ત્રેવડ ન હતી. ઘણી વખત અમે ભૂખ્યે પેટે સૂઈ જતા. મા માટે રોજી રોટી કમાવી સહેલી ન હતી. તોપણ, બધી તકલીફોમાં તે હિંમત ન હારી. તેણે અમને એક વાત શીખવી કે આપણે બીજાની પાસે શું છે એ ન જોવું જોઈએ. જો મારી મા હિંમત હારી ગઈ હોત તો અમે કોઈ ટક્યા ન હોત. આજે અમે જે કંઈ છીએ એ માને લીધે જ છીએ.”

નાઇજીરિયામાં રહેતા આહમદમિયા તેની બીબીની ખૂબ કદર કરે છે. તેના બાલ-બચ્ચાંને ઉછેર્યા એ વિષે આહમદમિયા કહે છે કે, “મારી બીબીને તો સો સો સલામ. હું ઘરે નથી હોતો ત્યારે મને ખાતરી હોય છે કે તે બાલ-બચ્ચાંઓનો સારી રીતે ખયાલ રાખશે. હું કંઈ એવું નથી માનતો હું કંઈક છું. પણ હું મારા બાલ-બચ્ચાંને શીખવું કે તમે મારા જેટલું જ માન તમારી અમ્મીજાનને પણ આપો.”

પેલેસ્તાઈનમાં એક ભાઈ પોતાની પત્નીના વખાણ કરે છે. તે કહે છે કે, “લીનાએ તો અમારી દીકરીને સારી રીતે મોટી કરી છે. તે આ ઘરમાં યહોવાહના માર્ગદર્શનની મહેક ફેલાવે છે. હું માનું છું ત્યાં સુધી તે યહોવાહની ભક્તિ કરે છે એટલે જ એક સારી પત્ની બની છે.” લીના પોતે યહોવાહને ભજે છે અને તેની દીકરીને પણ બાઇબલમાંથી સલાહ આપે છે.

તો બાઇબલમાં એવી કઈ સલાહ છે? બાઇબલ મા વિષે શું કહે છે? જૂના જમાનામાં માતાને કઈ રીતે માન મળતું? તેઓ પોતાના બાળકોને કઈ રીતે શીખવતી?

મા એટલે કોણ?

પરમેશ્વરે સૌથી પહેલી સ્ત્રી ઉત્પન્‍ન કરી ત્યારે, તેને કુટુંબમાં માન-સન્માન મળે એવી ઇચ્છા પરમેશ્વરની હતી. બાઇબલ જણાવે છે કે, “યહોવાહ દેવે કહ્યું, કે માણસ એકલો રહે તે સારૂં નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.” (ઉત્પત્તિ ૨:૧૮) ધરતી પર સૌથી પહેલી સ્ત્રીનું નામ હવા હતું. તે તેના પતિ આદમને સહાય કરી શકે, સથવારો આપી શકે એ માટે પરમેશ્વરે બનાવી હતી. પરમેશ્વરે તેને આશીર્વાદ આપ્યા જેથી તે બાળકો જણી શકે. ધરતીનું ધ્યાન રાખી શકે. જાનવરોનું પણ ધ્યાન રાખી શકે. તેના પરિવારને તેની પાસેથી ઘણું શીખવાનું મળત. પોતે હંમેશા સથવારો આપત. પરમેશ્વરે આદમને આ એક સુંદર ભેટ આપી હતી.—ઉત્પત્તિ ૧:૨૬-૨૮; ૨:૨૩.

સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તવું એ વિષે પછી પરમેશ્વરે માર્ગદર્શન આપ્યું. દાખલા તરીકે, ઇસ્રાએલની માને માન બતાવવાની આજ્ઞા પરમેશ્વરે ફરમાવી. એ આજ્ઞા પાળવી ફરજિયાત હતું. જો કોઈ દીકરો ‘પોતાની માનું કે બાપનું બૂરું બોલે’ તો તેને મોતની સજા થતી. આજે પણ બાળકોને કહેવામાં આવે છે કે “તમારાં માબાપની આજ્ઞાઓ માનો.”—લેવીય ૧૯:૩; ૨૦:૯; એફેસી ૬:૧; પુનર્નિયમ ૫:૧૬; ૨૭:૧૬; નીતિવચનો ૩૦:૧૭.

પતિના માર્ગદર્શન નીચે પત્નીની જવાબદારી હતી કે તે પોતાના બાળકોને શિક્ષણ આપે. દીકરાને કહેવામાં આવ્યું કે ‘તારી માનું કહ્યું તજી ન દે.’ (નીતિવચનો ૬:૨૦) નીતિવચનો અધ્યાય ૩૧ જણાવે છે કે, ‘લમૂએલ રાજાની માએ દેવવાણી તેને શીખવી હતી.’ તેણે તેના દીકરાને એ પણ શીખવ્યું કે બહુ પીવું ન જોઈએ, “હે લમૂએલ, દ્રાક્ષારસ પીવો એ રાજાઓને ઘટારત નથી, એ રાજાઓને છાજતું નથી; વળી, મદિરા ક્યાં છે? એમ કહેવું હાકેમોને શોભતું નથી. રખેને તેઓ તે પીને નિયમને વિસરી જાય, અને કોઈ દુઃખીનો ઇન્સાફ ઊંધો વાળે.”—નીતિવચનો ૩૧:૧, ૪, ૫.

જે કોઈ જુવાનને લગ્‍ન કરવાની ઇચ્છા હોય તો તેણે ખાસ કરીને “સદ્‍ગુણી સ્ત્રી” કોને કહેવાય એ વર્ણન વાંચવું જોઈએ. એ વર્ણન રાજા લમૂએલની માતાનું છે. તેણે કહ્યું કે, સદ્‍ગુણી સ્ત્રીનું “મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે.” અને પછી તેણે સમજાવ્યું કે સદ્‍ગુણી સ્ત્રી ઘરની શોભા કઈ રીતે વધારે છે. તેણે કહ્યું કે, “સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાહનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે.” (નીતિવચનો ૩૧:૧૦-૩૧) આ બતાવે છે કે પરમેશ્વરે સ્ત્રીને માન મળે એ રીતે ઉત્પન્‍ન કરી હતી.

આજે પણ યહોવાહના સેવકોને એવું જ શીખવવામાં આવે છે. એફેસી ૫:૨૫ જણાવે છે કે પતિઓ “તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” અને તીમોથીની નાનીમાએ તેના દિલમાં નાનપણથી સત્યના બી વાવ્યાં હતા. પાઊલે પણ તીમોથીને કહ્યું કે, ‘વૃદ્ધ સ્ત્રીઓને’ માતાની જેમ રાખ. (૨ તીમોથી ૩:૧૫; ૧ તીમોથી ૫:૧, ૨) મોટી ઉંમરની બહેનોને માની જેમ રાખવી જોઈએ. આ બતાવે છે કે પરમેશ્વર સ્ત્રીઓને કેટલું બધું માન આપે છે.

દિલથી કદર કરો

એક પુરુષ એવા વાતાવરણમાં મોટો થયો કે જ્યાં સ્ત્રીઓની કદર કરવામાં આવતી નહિ. તે કહે છે: “મને શીખવવામાં આવ્યું હતું કે પુરુષ જ બધુ છે. સ્ત્રીઓને બીચારીને હેરાન કરવામાં આવે એ મેં મારી સગી આંખે જોયું છે. મારો આ રીતે ઉછેર થયો હોવાથી પરમેશ્વરને માર્ગે ચાલવું મારા માટે સહેલું ન હતું. પરમેશ્વર શીખવે છે કે સ્ત્રીઓ તો આપણી સાથોસાથ છે. તે બાળકોને શિક્ષણ આપવામાં પણ સાથ આપે છે. મારા માટે સ્ત્રીઓને માન આપવું સહેલું ન હતું. જોકે, મને ખબર છે કે મારા બાળકોમાં જે કંઈ સદ્‍ગુણો છે એ મારી પત્નીની મહેનતને લીધે જ છે.”

જે મા પોતાનાં બાળકોનાં દિલમાં શિક્ષણ સીંચે છે તેને ખરેખર ગર્વ થવો જોઈએ. બાળકે દિલથી માને માન આપવું જોઈએ. આપણે માતા પાસેથી ઘણું ઘણું શીખી શકીએ છીએ. અને શીખતા રહીશું તો આપણું જીવન સફળ થશે. લોકો સાથે સારી રીતે બોલીચાલી શકીશું. સારા સંસ્કાર મળશે. આ રીતે હરેક જુવાન જીવનમાં સીધે રસ્તે ચાલી શકશે. શું તમે ક્યારેય તમારી માતાને કહ્યું છે કે તમે તેની કેટલી કદર કરો છો? (g05 2/22)

[પાન ૯ પર ચિત્ર]

પીતરની માએ નાનપણથી તેને શીખવ્યું કે જીવનમાં ક્યારેય હિંમત ન હારવી

[પાન ૧૦ પર ચિત્ર]

આહમદમિયા તેની બીબીએ જે રીતે બાલ-બચ્ચાંઓને ઉછેર્યા છે એની ખૂબ કદર કરે છે

[પાન ૧૦ પર ચિત્ર]

લીનાના પતિ જાણે છે કે દીકરી ડાહી છે એની પાછળ પત્નીનો હાથ છે અને પત્ની પાછળ તેના ધર્મનો હાથ છે