સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે મગર સામે મુસ્કુરાઈ શકો?

શું તમે મગર સામે મુસ્કુરાઈ શકો?

શું તમે મગર સામે મુસ્કુરાઈ શકો?

ભારતના સજાગ બનો!ના લેખક તરફથી

બાળકોની ફિલ્મ પિટર પાનમાં કેપ્ટન હુક સલાહ આપતા કહે છે: ‘મગરને જોઈને કદી હસવું નહિ.’ એનું કારણ આપતા એ કહે છે: મગર ‘તમને જોઈને વિચારે છે કે તમે તેના પેટમાં આવી જાવ તો કેવી મજા પડી જાય!’

દુનિયામાં અનેક પ્રકારના મગર છે. ‘એમાનાં અમુક જ મનુષ્યનો શિકાર કરે છે. એ પણ જવલ્લે જ બને છે.’ (એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા) અમુક લોકોને મગર કદરૂપા લાગે છે. એને જોઈને જ તેઓનાં હાંજા ગગડી જાય. બીજાઓ એને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચાલો આપણે ભારતના ત્રણ પ્રકારના મગરો વિષે જોઈએ. (૧) સૉલ્ટ વૉટર મગર, જે ખારા પાણીમાં રહે છે. (૨) મીઠાં પાણીમાં રહેતા મગર, અને (૩) ઘડિયાલ. ઘડિયાલનું લાંબું અને સાંકડું મુખ હોય છે.

ખારા પાણીના મોટા મગર

દુનિયાના સૌથી મોટા મગર ખારા પાણીમાં રહે છે. તેની લંબાઈ આશરે ૭ મીટર (૨૩ ફૂટ) અને વજન હજારેક કિલોગ્રામ હોય છે. તે મોટે ભાગે દરિયામાં, ખારા પાણીની નદી કે સરોવરમાં રહે છે જ્યાં પુષ્કળ કાદવકીચડ અને જાળાંઝાંખરાં હોય. તેઓ પૂર્વ ભારતથી ઑસ્ટ્રેલિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળે છે. તેઓનો ખોરાક ઉંદર, દેડકાં, માછલી, સાપ, કરચલા, કાચબા, કબૂતર અને હરણ છે. મોટા નર મગર રોજ આશરે ૫૦૦થી ૭૦૦ ગ્રામ ખોરાક લે છે. તેઓ આરામથી જીવન ગુજારે છે. તેઓ કાં તો તડકાની મજા માણશે અથવા પાણીમાં શાંતિથી તર્યા કરશે. એ થોડાક ખોરાકથી લાંબો ટાઈમ ટકી શકે છે. ખારા પાણીમાં રહેતા મગર કોઈક વાર મનુષ્યનો અણધાર્યો શિકાર પણ કરે છે. એ પાણીમાં તરતા હોય ત્યારે બંને બાજુએ ધીમે ધીમે પૂંછડી હલાવે છે. ત્યારે એનું નાક અને આંખો જ પાણીની બહાર માંડમાંડ દેખાતા હોય છે. તે કૂદકો મારીને અને ઝડપથી દોડીને પણ શિકાર કરી શકે છે. બધા જ મગર દૂર દૂર સુધી જોઈ શકે, સુંઘી શકે અને સાંભળી શકે છે. ખારા પાણીમાં રહેતા નર મગર એની સંવવન ઋતુમાં પોતે ઠરાવેલી હદમાં કોઈ નર મગરને આવવા દેશે નહીં. જો કોઈ આવે તો મારામારી કરવા લાગે છે. એવી જ રીતે માદા પણ પોતાના ઈંડાંનું રક્ષણ કરવા મારામારી પર ઊતરી આવે છે.

રક્ષણ કરતી માદાઓ

માદા મગર પાણીની નજીક કચરા અને વનસ્પતિના બનાવેલા માળામાં ઈંડાં મૂકીને એને માટીમાં દાટી દે છે. માદા લગભગ સોએક જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાનું કોટલું ઘણું કઠણ હોય છે. ઈંડાને માટીમાં દાટીને માદા એનું જીવની જેમ રક્ષણ કરે છે. તે માળા પર પાણી પણ છાંટે છે. એમ કરવાથી વનસ્પતિ સડીને માળામાં ગરમી પેદા કરે છે. એનાથી મગરના ઈંડા સેવાય છે.

માળામાં કેટલી ગરમી છે એના આધારે નર કે માદા જન્મે છે. એ અજોડ બનાવ ન કહેવાય તો બીજું શું! માળામાં ૨૮થી ૩૧ સેન્ટિગ્રેડ જેટલું તાપમાન હોય તો ૧૦૦ દિવસમાં માદા જન્મે છે. જો માળામાં ૩૨.૫ સેન્ટિગ્રેડ તાપમાન હોય તો, ૬૪ દિવસ પછી નર જન્મે છે! પણ ૩૨.૫-૩૩ સેન્ટિગ્રેડ તાપમાન રહે તો નર કે માદા જન્મી શકે છે. તેઓ નવાઈ પમાડે એવી રીતે માળો બાંધે છે. માળાની એક બાજુ પાણી તરફ હોય અને બીજી તડકા બાજુ. મોટા ભાગે પાણી તરફથી માદા જન્મે અને તાપ તરફથી નર જન્મે છે.

તાજાં જન્મેલાં બચ્ચાંના અવાજ સંભળાય એટલે તરત જ માતા બચ્ચાંને માળામાંથી બહાર કાઢે છે. અમુક વાર માતા કોચલું તોડી નાખે છે. ઘણી વાર તો બચ્ચાંઓ પોતે ઈંડાનું કોચલું તોડીને બહાર નીકળી આવે છે. તેઓ પાસે ખાસ દાંત છે જેનાથી એ કોચલું ભાંગી શકે છે. કેટલીક માદા પોતાનાં બચ્ચાંને ખૂબ જ કાળજીથી મોંમાં મૂકીને પાણી સુધી લઈ જાય છે. તેઓ જનમે એટલે તરત જ ખોરાક માટે જીવડાં, દેડકાં અને નાની માછલીને શોધતાં ફરે છે. કોઈ વાર માદા મગર પોતાનાં બચ્ચાંની પાસે ને પાસે જ ઝાડીમાં અમુક મહિનાઓ સુધી રહે છે. નર મગર પણ બચ્ચાંની દેખભાળ કરવામાં સાથ આપે છે. આ રીતે બંને જણ બચ્ચાંનું વારાફરતી રક્ષણ કરે છે.

મીઠાં પાણીના મગર અને ઘડિયાલ

મીઠાં પાણીમાં રહેતા લાંબા મુખવાળા મગર અને ઘડિયાલ ભારતમાં વસે છે. તે કાદવ-કીચડમાં, તાજા પાણીના સરોવર કે નદી જેવી જગ્યાએ વસે છે. મીઠા પાણીના મગર ચારેક મીટર લાંબા હોય છે. સૉલ્ટ વૉટર મગર કરતાં એ ઘણાં નાના હોય છે. તે નાના પ્રાણીને પોતાના મજબૂત જડબાંમાં પકડીને પાણીમાં ગૂંગળાવી મારે છે. પછી એના ટૂકડા કરીને ખાઈ જાય છે.

આ મગર સંવવન કરવા કેવી રીતે ભેગા મળે છે? નર મગર માદા સાથીને શોધવા પોતાના મોંને પાણી પર ઝાટકો મારીને ઘૂરકે છે. સાથી મળી ગયા પછી તે વારા પ્રમાણે માળાની ચોકી કરે છે. તેમ જ બચ્ચાંને કોચલાંમાંથી બહાર આવવા મદદ કરે છે. બચ્ચાંના જનમ પછી પણ તેઓ એનું રક્ષણ કરવા સાથે રહે

લાંબા મુખવાળા ઘડિયાલ બીજા મગરોથી ઘણી રીતે અલગ છે. એને તેના મોં પરથી સહેલાઈથી ઓળખી શકાય છે. કેમ કે તેનું મુખ સાંકડું અને લાંબું હોય છે. તે માછલી પર જ નભે છે. જોકે તે ખારા પાણીમાં રહેતા મગર જેટલા જ લાંબા હોય છે. પણ તેના વિષે કદી એવું સાંભળવામાં આવ્યું નથી કે તેણે મનુષ્યનો શિકાર કર્યો હોય. બીજા મગરો જેવી તેની ત્વચા નથી. ઘડિયાલ લીસી હોય છે. તેથી તે ઝડપથી ઉત્તર ભારતમાં વહેતી નદીઓમાં વહેણની સામે તરે છે. પ્રજોત્પાદકના સમયે નર ઘડિયાલના મુખની ટોચ ફૂલી જાય છે. એ કારણથી તે સામાન્ય કરતાં ઊંચા અવાજે સૂસવાટા કરે છે જેથી માદા તેના મોહમાં પડી જાય.

પર્યાવરણમિત્ર મગર

આપણા પર્યાવરણ માટે મગર કેટલા મહત્ત્વના છે? તેઓ નદી, સરોવરો કે એની આજુબાજુ જે કોઈ મરેલાં પ્રાણીઓ હોય તેને ખાઈને સાફસૂફ રાખે છે. તેથી પાણી ચોખ્ખું રહે છે. તેમ જ જે કોઈ પ્રાણી બીમાર હોય, ઘાયલ હોય કે નબળું હોય તેઓને ખાઈ જાય છે. એ જળબિલાડીનો પણ શિકાર કરે છે. એનાથી કાર્પ અને તીલાપી જેવી માછલીઓ જળબિલાડીના મોંમાંથી બચીને માછીમારોના હાથમાં પડે છે. અને લોકો સૌથી વધારે આ માછલીઓ આરોગે છે.

મગરને બચાવવા

તમે જાણીતી કહેવત સાંભળી હશે કે મગરના આંસુ સારવા. એનો અર્થ એ જ કે કોઈ નકલી આંસુ સારે છે. જોકે મગર પોતાના શરીરનું વધારાનું નિમક આંસુઓ વહેવડાવીને બહાર કાઢે છે. તેમ છતાં લોકોએ લગભગ ૧૯૭૦ના દાયકાથી મગર માટે આંસુ સારવાની જરૂર હતી. કેમ કે પહેલાં આખા ભારતમાં જેટલા મગરો હતા એમાંથી આજે માંડમાંડ ૧૦ ટકા જ બચ્યા છે. શા માટે? એક તો મગર જ્યાં રહેતા ત્યાં હવે માણસો વસવા લાગ્યા. લોકો માનતા કે મગર નબળા અને નાના ઢોરઢાંકનો શિકાર કરે છે. તેથી તેઓ મગરનો અને તેના માળાનો નાશ કરવા લાગ્યા. વધુને વધુ લોકો મગરનું સ્વાદિષ્ટ માંસ અને એના ઈંડાં ખાવા લાગ્યા. મગરમાંથી કસ્તૂરી કાઢીને એમાંથી પરફ્યુમ બનાવવા લાગ્યા. એટલું પૂરતું ન હોય એમ ઠેકાણે ઠેકાણે ડેમ બંધાવા લાગ્યા અને પાણીનું પ્રદૂષણ વધતું ગયું. આ બધાથી મગરની વસ્તી ઓછી થવા લાગી છે. પણ એનું સૌથી મોટું કારણ મગરની ખાલની મોટી માંગ છે. મગરનાં ચામડામાંથી બનતા પગરખાં, હૅન્ડબૅગ, પૅટીઓ, બેલ્ટ અને એવી ઘણી વસ્તુઓની બહુ જ માંગ છે. કેમ કે એમાંથી બનેલી વસ્તુઓ બહુ જ ટકાઉ અને સુંદર લાગે છે. આ બધા કારણોને લીધે મગરની વસ્તી ઘટી ન જાય તો શું થાય? તેઓ ખતરામાં હોવાથી તેઓને બચાવવા માટે મોટાં પગલાં લેવામાં આવ્યાં છે. એના સારાં પરિણામો પણ આવ્યા છે!—નીચેનું બૉક્સ જુઓ.

મગરથી કોઈ ડરશે નહિ!

અમુક મગર વિષે આટલું જાણ્યા પછી તમને તેઓ વિષે હવે કેવું લાગે છે? અમારી આશા છે કે આ લેખથી તેઓ વિષેની ગેરસમજ દૂર થશે. અને તમને એ ગમવા લાગશે. આખી દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ એ સમયની રાહ જુએ છે જ્યારે મગરથી કોઈને ડર નહિ લાગે. આપણા સર્જનહાર પૃથ્વી પર શાંતિ લાવશે ત્યારે મનુષ્ય કોઈ પણ પ્રાણીઓથી કદી ડરશે નહિ.—યશાયાહ ૧૧:૮, ૯. (g05 3/8)

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

મદ્રાસ મગર બૅંક

મદ્રાસમાં સાપના પાર્ક કે પ્રાણીસંગ્રહાલય છે. તેઓએ મગર વિષે સર્વે કર્યો એમાં જાણવા મળ્યું કે એશિયાના અમુક ભાગમાં હવે થોડા જ મગરો બચ્યા છે. તેથી તેઓએ ૧૯૭૨માં મગરનું રક્ષણ કરવાનું કામ ઉપાડી લીધું. ભારતમાં ગરોળી, કાચબા, મગર, સાપ જેવાં પેટે ચાલનારાં પ્રાણીઓનાં ૩૦થી વધારે પ્રાણીસંગ્રહાલય છે. એમાં મદ્રાસ મગર બૅંક સૌથી મોટી અને જૂની છે. પેટે ચાલનારા પ્રાણીઓના પ્રાણીશાસ્ત્રી રૉમયૂલશ હિવીટીકરે ૧૯૭૬માં આ બૅંકની શરૂઆત કરી હતી. તમિલનાડુના દરિયાકાંઠે આવેલું એ પાર્ક ૮.૫ એકરમાં ફેલાયેલું છે. એમાં જુદી જુદી જાતના ૧૫૦ વૃક્ષો પણ છે. એ કારણથી એમાં અનેક પ્રકારનાં સુંદર પક્ષીઓ અને જીવજંતુઓ વસે છે.

આ પાર્કમાં ઘડિયાલ અને બીજા મગરોને ઉછેરવામાં આવે છે. એ પછી તેઓને નદી, તળાવો અથવા તેઓ પર સંશોધન કરતી સંસ્થાઓને મોકલવામાં આવે છે. આ પાર્કમાં ઘણી વાર એક સાથે ૨,૫૦૦ જેટલાં મગરનાં બચ્ચાં હોય છે. તેઓને તળાવમાં રાખવામાં આવે છે. ત્યાંના માછીમારો રોજ તેઓને ખોરાકમાં માછલી પૂરી પાડે છે. મગર ત્રણ વર્ષના થાય ત્યાં સુધી તેઓને માછલીના ટૂકડા કરીને ખાવા આપવામાં આવે છે. એ તળાવ પર જાળી મૂકવામાં આવી છે. જેથી મોટા પક્ષીઓ માછલી કે મગરનાં નબળાં બચ્ચાંને ઉપાડી ન જાય. બચ્ચાં મોટાં થઈ જાય પછી તેઓને મોટા તળાવમાં મૂકવામાં આવે છે. ત્યારે તેઓને ખોરાકમાં આખી માછલી આપવામાં આવે છે. ત્રણ વર્ષની વયે મગર દોઢેક મીટર લાંબા થઈ જાય છે. પછી તેઓને મીટના કારખાનામાંથી નકામું મીટ લાવીને ખવડાવવામાં આવે છે. આ બૅંક પ્રથમ ભારતના જ ત્રણ જાતના મગર ઉછેરતી હતી. હવે તો તેઓએ એમાં બીજા સાત જાતના મગર ઉમેર્યા છે. તેઓ યોજના કરે છે કે છેવટે આખી દુનિયાના દરેક જાતના મગરને આ બૅંકમાં ઉછેરવામાં આવે. ઘણી કંપનીઓ તો એટલા માટે આવા પ્રાણીઓને ઉછેરે છે જેથી એનું માંસ કે ચામડું વેચીને પૈસા બનાવી શકે. તેઓ એમ કરી શકે કે નહિ એના વિષે ઘણી ચર્ચાઓ થઈ છે. હિવીટીકરે સજાગ બનો!ને કહ્યું કે આવા પ્રાણીઓના માંસમાં ઓછી ચરબી હોય છે અને એ બહુ સ્વાદિષ્ટ હોય છે. આવાં પ્રાણીઓ નાબૂદ ન થઈ જાય એ માટે થતી તેઓની સાચવણી ખરેખર સરાહનીય છે. હવે તેઓ દિવસે દિવસે વધી રહ્યાં છે. આજે મદ્રાસ મગર બૅંક પર્યટકો માટે ખૂબ જાણીતી છે. તેઓ મગર વિષેની ખોટી માન્યતાઓ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જેથી લોકોના મનમાં મગર વિષે ખોટો ભ્રમ ન રહે.

[ક્રેડીટ લાઈન]

રૉમયૂલશ હિવીટીકર, મદ્રાસ મગર બૅંક

[પાન ૨૩ પર ચિત્ર]

ખારા પાણીના મોટા મગર

[પાન ૨૪ પર ચિત્ર]

ખારા પાણીની માદા મગર નવાં જન્મેલાં બચ્ચાંને મોં વાટે અન્ય જગ્યાએ લઈ જાય છે

[ક્રેડીટ લાઈન]

© આડામ બ્રિટોન, http://crocodilian.com

[પાન ૨૪ પર ચિત્ર]

મીઠા પાણીના મગર

[ક્રેડીટ લાઈન]

© E. Hanumantha Rao/Photo Researchers, Inc.

[પાન ૨૪ પર ચિત્ર]

લાંબા મુખવાળા ઘડિયાલ મગર