‘તને આનાથી ગર્વ થવો જોઈએ’
‘તને આનાથી ગર્વ થવો જોઈએ’
ઈશ્વરના ભક્તો જાણે છે કે તેઓએ પ્રામાણિકતાથી વર્તવું બહુ જ મહત્ત્વનું છે. ઈશ્વરની કૃપા મેળવવા તેઓ સચ્ચાઈથી વર્તે છે. ચાલો આપણે લાસારૉનો દાખલો લઈએ. અમુક વર્ષો પહેલાં તે મૅક્સિકોના વાટૂકો શહેરની એક હૉટલમાં કામ કરતો હતો. એ હૉટલમાં તેને કોઈકના સિત્તેર ડૉલર પડેલા મળ્યા. તેણે એ લઈને મૅનેજરને આપી દીધા. અમુક સમય પછી તેને બાથરૂમમાંથી કોઈનું પર્સ મળ્યું. એ પણ તેણે રિસેપ્શનની ઑફિસમાં આપી દીધું. પછી એક સ્ત્રી હૉટલમાં તેનું પર્સ શોધતી આવી. તેને એ પાછું મળ્યું ત્યારે તે બહુ ખુશ થઈ ગઈ.
લાસારૉની પ્રામાણિકતા વિષે હૉટલના મેનેજરને ખબર પડી. તેમણે લાસારૉને પૂછ્યું, ‘તને જે પૈસા મળ્યા એ તેં કેમ રાખ્યા નહિ?’ લાસારૉએ કહ્યું, ‘હું બાઇબલમાંથી શીખ્યો છું કે એમ ન કરવું જોઈએ.’ મેનેજરે તેના વખાણ કર્યા. તેમણે લાસારૉને કદર કરતો પત્ર આપ્યો. એમાં લખ્યું: ‘તારા વિષે જાણીને મને બહુ ગર્વ થાય છે. કેમ કે આજે તારા જેવા પ્રામાણિક લોકો શોધીએ તોપણ મળતા નથી. તારી સાથે કામ કરતા લોકો માટે તું સારો દાખલો બેસાડે છે. તને અને તારા કુટુંબને એનાથી ગર્વ થવો જોઈએ.’ લાસારૉ પ્રામાણિકતાથી વર્ત્યો હોવાથી બધા જ તેના વખાણ કરતા રહ્યા.
લાસારૉ સાથે કામ કરતા લોકોને શરૂ શરૂમાં લાગ્યું હતું કે આ માણસ તો સાવ પાગલ છે. તેઓ માની શકતા ન હતા કે તેણે શા માટે એ પૈસા પાછા આપી દીધા. પરંતુ, તેઓને ખબર પડી કે મેનેજર લાસારૉ પર બહુ પ્રસન્ન છે ત્યારે તેઓના વિચારો બદલાઈ ગયા. પછી તેઓ લાસારૉને કહેવા લાગ્યા કે અમારે પણ તારા જેવા વાણી-વર્તન રાખવાં જોઈએ.
બાઇબલ ઉત્તેજન આપે છે કે ‘આપણે બધાનું સારૂં કરીએ.’ તેમ જ, ‘સઘળી બાબતોમાં પ્રામાણિક રીતે વર્તીએ.’ (ગલાતી ૬:૧૦; હેબ્રી ૧૩:૧૮) જો આપણે પ્રામાણિક રીતે વર્તીશું તો એ યહોવાહ પરમેશ્વરને ખૂબ જ ગમશે. કેમ કે યહોવાહ “ન્યાયી” છે.—પુનર્નિયમ ૩૨:૪. (g05 6/8)