સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફિલ્મ કેવી રીતે બને છે?

ફિલ્મ કેવી રીતે બને છે?

ફિલ્મ કેવી રીતે બને છે?

ફિલ્મી દુનિયા એટલે જાણે ફિલ્મોની ફેક્ટરી! બસ, એક પછી બીજી હીટ ફિલ્મો બનતી જ આવે છે. આપણે ફક્ત અમેરિકાની વાત નથી કરતા. દેશ-પરદેશમાં લોકોના દિલની ધડકન વધી જાય, એવી ફિલ્મોની વાત કરીએ છીએ. * વૉર્નર બ્રધર્સ પિક્ચર્સના પ્રેસિડન્ટ, ડેન ફેલ્મન કહે છે, ‘ફિલ્મી દુનિયા કોઈ એક જ દેશ માટે નથી. એટલે અમે એવી ફિલ્મ બનાવીએ છીએ, જે દેશ-પરદેશમાં ધૂમ મચાવે.’

ફિલ્મ કંઈ પૈસા કમાવાનું મશીન નથી. ફિલ્મ બનાવવી કંઈ રમત વાત નથી. પાણીની જેમ પૈસા વાપરવા પડે. તમે માનો કે નહિ, પણ ફક્ત એક ફિલ્મ બનાવીને, એની પબ્લિસિટી કે પ્રચાર કરવાનો ખર્ચો જ દસ કરોડ ડૉલર જેટલો થાય છે! એ પૈસા વસૂલ થશે કે નહિ, એ કહેવાય નહિ. એમરી યુનિવર્સિટીના ફિલ્મ સ્ટડીના પ્રોફેસર, ડેવિડ કૂકના કહેવા પ્રમાણે ‘લોકોનું મન કોણ જાણે? આજે આ ગમે તો કાલે પેલું.’ તો પછી ફિલ્મવાળા પોતાની ફિલ્મને હીટ બનાવવા શું કરે છે? એ જાણવા પહેલાં, ચાલો આપણે જોઈએ કે ફિલ્મ કેવી રીતે બને છે? *

ફિલ્મની તૈયારીઓ

કોઈ મોટા પ્રોજેક્ટની જેમ, ફિલ્મમાં પણ જેટલી સારી તૈયારી એટલી પછીથી શાંતિ. સારી તૈયારી કરી હોય તો, ફિલ્મ ઉતારતી વખતે પૈસાનું પાણી ન થાય. ટાઈમ બરબાદ ન થાય.

ફિલ્મ બનાવવા માટે સૌથી પહેલા તો વાર્તા જોઈએ. એ સત્ય ઘટના પરથી હોય કે કોઈએ બનાવી કાઢેલી વાર્તા હોય. લેખક એને સ્ક્રિપ્ટનું રૂપ આપે છે. એને સ્ક્રિન-પ્લે પણ કહેવાય છે. એને ફાઇનલ કરતા પહેલાં કેટલાય ફેરફારો થાય છે. એ ફાઇનલ સ્ક્રિપ્ટ, શૂટિંગ સ્ક્રિપ્ટ કહેવાય છે. એમાં ફિલ્મના ડાયલોગ હોય છે. કોણે શું કરવાનું એની સૂચના હોય છે. બધી ટૅક્નિકલ વિગતો પણ એમાં હોય છે. જેમ કે કૅમેરા કેવી રીતે સેટ કરવા. એકથી બીજા સીનમાં કેવી રીતે જવું વગેરે.

પછી એ સ્ક્રિપ્ટ લેવા તૈયાર હોય, એવા પ્રોડ્યુસરની શોધ થાય છે. * પ્રોડ્યુસરને કેવી સ્ક્રિપ્ટ પસંદ પડશે? એવી ફિલ્મ જેનાથી જવાન દિલોની ધડકન વધી જાય. ચેન ચોરાવી જાય. જેને જોવા બધા યુવાનિયાની લાઈન લાગી જાય!

એથીયે વધારે સારી સ્ક્રિપ્ટ એને કહેવાય, જે નાના-મોટા બધાનું ધ્યાન ખેંચી શકે. જેમ કે કૉમિક બુકના સુપર હીરો પર ફિલ્મ. એ બાળકોની સાથે સાથે મમ્મી-પપ્પા પણ જોશે! પણ યુવાનિયાઓનું શું? ધ વૉશિંગ્ટન પોસ્ટ મેગેઝિનમાં લીઝા મન્ડી લખે છે કે ‘ધૂમ કમાણી કરવા યુવાનિયાને પણ પાગલ કરી દે, એવી ગરમા-ગરમ ફિલ્મ બનાવવી પડે.’ એટલે કે જેમાં ચાલુ ભાષા, ઢીસૂમ-ઢીસૂમ અને ઈલુ-ઈલુની કોઈ કમી ન હોય!

સ્ક્રિપ્ટ જોઈને પ્રોડ્યુસરને લાગે કે આમાં મહેનત પાણીમાં નહિ જાય તો, એ ખરીદી લેશે. પછી જાણીતા ડાયરેક્ટર અને ટોપ હીરો-હીરોઈન સાથે કૉન્ટ્રૅક્ટ કરશે. જેથી ફિલ્મ રિલીઝ થાય ત્યારે, આવા જાણીતા અને માનીતા નામોના મોહમાં લોકો ખેંચાઈ આવે. ખાસ તો ફિલ્મ બનાવવા પૈસા રોકનારાને ખેંચવા મોટા-મોટા નામોનો જાદુ કામ કરી જાય.

ફિલ્મ ઉતારવાની તૈયારી કરવા, સ્ટોરી-બોર્ડ તૈયાર કરવા પડે. એટલે કે કૉમિક બુકના ચિત્રોની જેમ ફિલ્મના જુદા જુદા સીનના ચિત્રો દોરવા. કયા સીનમાં કોણ શું કરશે, એની જાણે બ્‌લ્યુ પ્રિન્ટ તૈયાર કરવી. એનાથી ફિલ્મ ઉતારતી વખતે ઘણો જ સમય બચી જાય છે. ફ્રેન્ક ડેરાબોન્ટ ડાયરેક્ટર અને સ્ક્રિન લેખક છે. તેમનું કહેવું છે કે “શૂટિંગના દિવસે કૅમેરા ક્યાં મૂકવા વગેરેમાં ટાઈમ બરબાદ કરવો કોને પોસાય?”

ફિલ્મનો એક પણ શૉટ લેવાયા પહેલાં બીજી કેટલીયે તૈયારીઓ કરવાની હોય છે. જેમ કે, ફિલ્મનું શૂટિંગ ક્યાં કરવું? અંદર કે બહાર કેવા સેટ તૈયાર કરવા? અલગ સ્ટાઈલના ડ્રેસની જરૂર છે? લાઈટ્‌સ, મેક-અપ, હેર-સ્ટાઈલ વગેરે કોણ સંભાળશે? સાઉન્ડ-સિસ્ટમ, દિલધડક સ્પેશિયલ ઈફેક્ટ્‌સ, અને સ્ટંટના સીન કોણ કરશે? સાથે સાથે બજેટ પર નજર રાખવાની! ઘણી ફિલ્મોના સેટ પર કામ કરી ચૂકેલા એક ટેક્નિશિયનનું કહેવું છે કે, “એક ફિલ્મ બનાવવામાં જાણે એક આખા શહેરના લોકોની જરૂર પડે છે.” આ બધામાં પાણીની જેમ પૈસા ક્યાં વપરાઈ જાય, ખબર પણ ન પડે!

ફિલ્મ ઉતારવી

ફિલ્મ ઉતારતી વખતે દરેક પળ કીમતી હોય છે. એક મિનિટ પણ બગડે તો, લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ઘણી વાર હીરો-હીરોઈન, કામ કરનારા બીજા લોકો અને બધા સાધનો લઈને દેશ-વિદેશમાં સફર કરવી પડે છે. ગમે ત્યાં શૂટિંગ કરવાનું હોય, દરેક દિવસનો ખર્ચો મોટો હોય છે.

લાઇટના કામદારો, હેર-સ્ટાઈલ, મેકઅપ કરવાવાળા સૌથી પહેલા સેટ પર આવી જાય છે. ફિલ્મ ઉતારતા પહેલાં, તેઓ હીરો-હીરોઈનને તૈયાર કરવામાં કલાકો કાઢે છે. પછી, ફિલ્મ ઉતારવાનો લાંબો દિવસ શરૂ થાય છે.

ડાયરેક્ટર ફિલ્મના દરેક સીન પર નજર રાખે છે. કોઈ વાર સીધા-સાદા સીનમાં પણ આખો દિવસ નીકળી જઈ શકે. ફિલ્મના મોટા ભાગના સીન એક જ કૅમેરાથી લેવામાં આવે છે. એટલે જુદી જુદી દિશાએથી એક જ સીન વારંવાર લેવો પણ પડે. એમ પણ બને કે સૌથી સારી એક્ટિંગ માટે અથવા કોઈ ટેક્નિકલ પ્રોબ્લમ હોય તો, દરેક શૉટ વારંવાર કરવો પડે. એક સીન જેટલી પણ વાર લીધા હોય, એ દરેકને ‘ટેક’ કહેવાય છે. કોઈ મોટા સીન માટે પચાસેક ટેક લેવા પડે છે! પછી, દિવસને અંતે ડાયરેક્ટર બધા ટેક જોઈને નક્કી કરે છે કે કયા રાખવા ને કયા નહિ. આ રીતે ફિલ્મ ઉતારતા ઉતારતા મહિનાઓ પણ લાગી શકે!

ફિલ્મને આખરી રૂપ આપવું

હવે ઉતારેલી ફિલ્મના જુદા જુદા ટેકને એકસાથે મૂકવાનો સમય આવી ગયો. પહેલા તો ફિલ્મની સાથે ડાયલોગ કે ઑડિયો ટ્રેક ભેગા કરવામાં આવે છે. પછી, એ બધામાંથી એડિટર જેને ‘રફ કટ’ કહે છે, એવી ફિલ્મ તૈયાર કરે છે.

આ જ સમયે લાજવાબ સ્પેશિયલ ઈફેક્ટ્‌સ ઉમેરવામાં આવે છે. ફિલ્મ બનાવવામાં આ બહુ જ અઘરું કામ છે. એ અમુક વાર કૉમ્પ્યુટરની મદદથી થાય છે. જાત-જાતના અવાજ અને દૃશ્યોથી એ જાણે આપણને સપનાની દુનિયામાં લઈ જાય છે.

ફિલ્મમાં દિલ ઝૂમી ઊઠે એવું ગીત-સંગીત ન હોય તો જોવાનું જ શું? ફિલ્મ સ્કોર મન્થલીમાં એડવીન બ્લેક લખે છે કે ‘ફિલ્મોમાં થોડા-ઘણા સંગીતથી કંઈ લોકોને જીતી લેવાતા નથી. હવે તો જોરદાર ગીત-સંગીતની માંગ છે.’ એટલે જ ફિલ્મ ઉતારવાના આ સમયે ગીત-સંગીત પણ ઉમેરવામાં આવે છે.

અમુક વાર અહીં સુધી તૈયાર થયેલી ફિલ્મનો ટેસ્ટ કરવામાં આવે છે. ડાયરેક્ટરના એવા મિત્રો હોય, જેઓએ એ ફિલ્મમાં કંઈ જ કામ કર્યું ન હોય, તેઓને એ બતાવાય છે. તેઓને એ કેવી લાગે છે, એના પરથી કદાચ અમુક સીનનું ફરીથી શૂટિંગ કરવું પડે. કદાચ અમુક સીન કાઢી નાખવા પડે. અરે, અમુક સમયે ફિલ્મની વાર્તાનો અંત સાવ બદલાવી નાખવો પડ્યો છે.

આખરે, નવી ફિલ્મ રિલીઝ થાય છે. આ સમયે ખબર પડે છે કે એ ફિલ્મ પૈસા વસૂલ કરશે કે દેવામાં ડૂબાડશે! પણ ફિલ્મ પાછળ ફક્ત પૈસાનો જ સવાલ નથી. હીરો-હીરોઈનના કેરિયરનો સવાલ છે. ડાયરેક્ટરના નામનો સવાલ છે. જોન બોર્મન એક સફળ ડાયરેક્ટર છે. તે કહે છે, ‘મેં મારી નજરે જોયું છે કે એક-બે ફિલ્મ ફ્લોપ જાય એટલે તમારું આવી બન્યું. એ કડવી હકીકત છે કે જો તમે બોસને કમાણી ન કરાવો તો, તમારું નામ ધૂળમાં મળી ગયું સમજો.’

ખરું કે ફિલ્મના પોસ્ટરો જોનારને એમ ન કહેવાય કે ‘એ ભાઈ, મારો કંઈ વિચાર કરજે.’ લોકો એમાં કામ કરનારનો વિચાર નહિ કરશે. તેઓ તો એ જ વિચારશે કે ‘મને આ ફિલ્મ ગમશે કે કેમ? ટિકિટના પૈસા વસૂલ થશે કે કેમ? શું આ ફિલ્મ ઊતરી ગયેલી કઢી જેવી છે? મારાં બાળકો માટે સારી છે?’ એટલે વિચારવા જેવો સવાલ છે કે ‘કેવી ફિલ્મ જોવી, એ હું કઈ રીતે નક્કી કરું?’ (g05 5/8)

[ફુટનોટ્‌સ]

^ હાવર્ડ બિઝનેસ સ્કૂલની પ્રોફેસર અનીતા એલ્બર્સ કહે છે, ‘અમુક ફિલ્મો અમેરિકા કરતાં બીજા દેશોમાં વધારે હીટ થઈ છે. તોપણ જો ઘર-આંગણે ફિલ્મ હીટ જાય, તો બીજાને એ ગમવાની જ.’

^ ખરું કે ફિલ્મ બનાવવાની રીતમાં થોડો-ઘણો ફરક હોય. પણ આ એક રીત છે.

^ કોઈક વાર પ્રોડ્યુસરને સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવાને બદલે, વાર્તા જ ઑફર કરવામાં આવે છે. જો તે એના પર પોતાના હક્ક ખરીદી લે, તો પછી પોતાની રીતે સ્ક્રિપ્ટ તૈયાર કરી શકે છે.

[પાન ૬ પર બ્લર્બ]

‘લોકોનું મન કોણ જાણે? આજે આ ગમે તો કાલે પેલું.’ —ડેવિડ કૂક, ફિલ્મ સ્ટડીના પ્રોફેસર

[પાન ૬, ૭ પર બોક્સ/ચિત્રો]

ફિલ્મ પબ્લિસિટી

હવે ફિલ્મ તૈયાર છે. એ હીટ જાય માટે, એની પબ્લિસિટી કે પ્રચાર કેવી રીતે થાય છે? ચાલો અમુક રીતો જોઈએ.

સાચી-ખોટી અફવાઓ: ફિલ્મની પબ્લિસિટી કરાવવાનું આ એક જોરદાર સાધન છે. ફિલ્મ રિલીઝ થયા અગાઉ, લોકોમાં સાચી-ખોટી અફવાઓ ફેલાય છે. કોઈ કહેશે કે ‘ખબર છે આનો હીરો કોણ છે? છેલ્લી હીટ ફિલ્મ જોઈ? એ જ આમાં પણ છે. માનો ન માનો, આ ફિલ્મ પણ નંબર લઈ જશે.’

ફિલ્મની ખણખોદ કરીને પણ પબ્લિસિટી થાય છે. જેમ કે, ‘એ આપણું કામ નહિ, યાર. બીજું કંઈ નહિ, બસ સેક્સ, મારા-મારી જ ભરી છે!’ કે પછી, ‘આવી ફિલ્મો બનાવવા જ કેમ દેતા હશે?’ ફિલ્મી દુનિયાવાળા આ બધાનો ફાયદો ઉઠાવી, પોતાનું કામ કઢાવી લે છે. એટલે પછી પહેલા જ શોમાં એ જોવા પડાપડી થવાની ગેરંટી તો ખરી જ.

મિડિયા: ફિલ્મ પબ્લિસિટીની બીજી કોઈ રીત છે? હા. જેમ કે, મોટા મોટા પોસ્ટરો. છાપાંઓ. ટીવી. ફિલ્મોમાં જાહેરાતો. હીરો-હીરોઈનના ઇન્ટરવ્યૂ. હવે તો કૉમ્પ્યુટરનો જમાનો. ઇન્ટરનેટથી દુનિયાભરમાં પ્રચાર કરી શકાય છે.

ચીજ-વસ્તુઓ પર છાપીને: ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં ચીજ-વસ્તુઓ પર એની જાહેરાત થાય છે. જેમ કે, કૉમિક બુકનો હીરો ફિલ્મમાં હોય તો, એની છાપ લંચ-બૉક્સ પર, કપ પર, લૉકેટમાં, કપડાં પર, કી ચેનમાં, ઘડિયાળ, લેમ્પ, કે રમત-ગમત વગેરેમાં હોય છે. અમેરિકન બારના મનોરંજનના પેપરમાં જો સીસ્તો નામનો લેખક લખે છે, ‘ફિલ્મની જાહેરાત કરતી લગભગ ૪૦ ટકા ચીજ-વસ્તુઓ, ફિલ્મ રિલીઝ થાય એના પહેલાં વેચાઈ જાય છે.’

વિડીયો: ફ્લોપ ગયેલી ફિલ્મોનું શું? એ પણ વિડીયોમાં પૈસા વસૂલ કરી લે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાની અવર-જવર પર નજર રાખનાર, બ્રુસ નેશ કહે છે કે ‘વિડીયોનું વેચાણ જ ૪૦-૫૦ ટકા કમાણી ખેંચી લાવે છે.’

કઈ ઉંમરના જુએ? અમુક દેશમાં રેટિંગ સિસ્ટમ હોય છે. એટલે કે ફિલ્મ અમુક ઉંમરના માટે યોગ્ય છે કે નહિ, એ સરકાર નક્કી કરે છે. ફિલ્મવાળા એનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. જેમ કે તેઓ ફિલ્મમાં એવા સીન કે ભાષા વાપરશે, જેને ફક્ત મોટી ઉંમરના માટેનું જ રેટિંગ મળે. અથવા તો અમુક સીન, ભાષામાં કાપકૂપ કરશે, જેથી યુવાનિયાઓ માટેનું રેટિંગ મળે. પછી શું થશે? ધ વૉશિંગ્ટન પોસ્ટ મેગેઝિનમાં લીઝા મન્ડીએ આ વિષે લખ્યું. તે કહે છે કે યુવાનિયા માટેની ફિલ્મો ‘ફક્ત તેઓને જ નહિ, બાળકોને પણ સંદેશો મોકલે છે કે એમાં રુંવાડા ઊભા થઈ જાય એવા જોરદાર સીન છે. એ ફિલ્મ જોવી જ જોઈએ. એનાથી માબાપ ને બાળકો વચ્ચે કચકચ થાય છે. એ માબાપને ચેતવે છે ને બાળકોને લલચાવે છે.’

[પાન ૮, ૯ પર ચિત્રો]

ફિલ્મ કેવી રીતે બને છે?

સ્ક્રિપ્ટ

વાર્તાનાં ચિત્રો

ડ્રેસ વગેરે

મેકઅપ

ફિલ્મ ઉતારવી

સ્પેશિયલ ઈફેક્ટ્‌સ

ગીત-સંગીત

જાત-જાતના અવાજો

કૉમ્પ્યુટરની મદદ

એડિટિંગ