વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
દુનિયાની સૌથી પુરાણી યુનિવર્સિટી
પોલૅન્ડ અને ઇજિપ્તના અમુક પુરાતત્ત્વશાસ્ત્રીઓએ દુનિયાની સૌથી પહેલી યુનિવર્સિટીનું ખંડેર શોધી કાઢ્યું. એ ઇજિપ્તની એલેકઝાન્ડ્રિયા યુનિવર્સિટી છે. લૉસ ઍંજિલીઝ ટાઈમ્સ કહે છે, ‘આ યુનિવર્સિટીમાં લેક્ચર માટે ૧૩ હૉલ હતા, જેમાં લગભગ ૫,૦૦૦ વિદ્યાર્થીઓ બેસી શકતા. એની બેઠક વ્યવસ્થા U આકારની હતી. એમાં ત્રણ બાજુએ પગથિયાની બેઠકો હતી જે છેવટે ઉપરની તરફ દીવાલોને મળી જતી હતી. હૉલની વચ્ચે શિક્ષક માટેનું એક પ્લેટફોર્મ હતું.’ ઝાહી હવાસ ઇજિપ્તના ઐતિહાસિક જૂથના પ્રમુખ છે. તે કહે છે, ‘પહેલાના જમાનામાં ગ્રીક ને રૂમી લોકો ભૂમધ્ય સમુદ્રની આસપાસ વસતા. આવા વિસ્તારમાં કોઈએ કદી આવી શોધ કરી નથી. એવું લાગે છે કે આ દુનિયાની સૌથી જૂની યુનિવર્સિટી છે.’ (g05 6/8)
લસણવાળો આઇસક્રીમ ખાવો છે?
જૂના જમાનાથી લોકો માને છે કે લસણ તંદુરસ્તી માટે સારું છે. આજે ઘણા લોકો એનો દવા તરીકે ઉપયોગ કરે છે. એ શરદી, તાવ, હાઈ બી.પી., દાંતનું દર્દ, ટીબી, ખાંસી (મોટા ભાગે બાળકોને થાય છે), દમ અને સંધિવાના દરદ જેવી બીમારીઓને ઓછી કરી શકે છે. સાપ કરડ્યો હોય તોપણ એનો ઇલાજ લસણ છે. ઘાને રૂઝવવા પણ લસણ ઉપયોગી છે. અરે, લસણ ખાવાથી તમારા માથાના વાળ પણ ફરી ઊગી શકે! આ જાણીને ઉત્તર ફિલિપીન્ઝની મારીયાનો મારકોસ સ્ટેટ યુનિવર્સિટીએ હવે લસણનો આઇસક્રીમ બનાવ્યો છે. ફિલિપાઈન સ્ટાર ન્યૂઝ પેપર કહે છે કે તેઓએ ‘સારી તંદુરસ્તી’ જાળવી રાખવા માટે એ બનાવ્યો છે. તો શું તમારે આ આઇસક્રીમ ખાવો છે? (g05 6/8)
સફેદ મગરમચ્છની શોધ
ભારતનું હિંદુ નામનું છાપું કહે છે કે ‘ઓરિસ્સાના ભીતરકાનીકા નૅશનલ પાર્કમાં વન અધિકારીઓએ ૧૫ સફેદ મગરમચ્છ શોધી કાઢ્યા છે. દુનિયામાં બીજે ક્યાંય સફેદ મગરો જોવા મળતા નથી.’ વર્ષોથી માણસો મગરનો શિકાર કરતા આવ્યા છે. એના લીધે ૧૯૭૦ના દાયકામાં ગણ્યા ગાંઠ્યા મગર બાકી રહ્યા હતા. તેઓને બચાવવા ઓરિસ્સાની સરકારે યુનાઈટેડ નૅશન્સની મદદથી પાર્કમાં મગર રાખવાની જગ્યા ને એની દેખરેખ માટેની ગોઠવણો કરી. એઓને જંગલમાં વહેતી નદીઓમાં રાખવામાં આવ્યા છે. જેથી, પૂરતું ચોખ્ખું પાણી ને ખોરાક મળી રહે. એના લીધે મગરોની સંખ્યા વધી છે. છાપું આગળ બતાવે છે કે હવે ત્યાં લગભગ ૧,૫૦૦ સામાન્ય મગર છે ને થોડા સફેદ મગર પણ છે. (g05 4/8)
તમાકુથી વધતી ગરીબાઈ ને બીમારીઓ
એક સ્પૅનિશ છાપું કહે છે કે, ‘વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) પ્રમાણે દુનિયામાં બીડી પીનારા ૮૪ ટકા ગરીબ દેશોમાં રહે છે.’ રિપોર્ટ એ પણ કહે છે કે ‘બધા દેશમાં, મોટા ભાગે ગરીબ લોકો જ બીડી પીએ છે, ને તેઓ જ સૌથી વધારે બીમાર હોય છે.’ વિકસિત દેશોમાં હવે બહુ ઓછા લોકો બીડી પીએ છે. સ્પેઇનમાં દર વર્ષે લગભગ ૬૦,૦૦૦ લોકો તમાકુને લીધે મરી જાય છે. દુનિયામાં તમાકુ ‘ચોથા નંબરનો શિકારી છે.’ છાપું જણાવે છે, ‘તમાકુ લોકોને બીમાર કે અપંગ કરી નાખે છે. ઘણા એનો શિકાર બને છે. જો તેઓ તમાકુથી દૂર રહ્યાં હોત તો, ખતરનાક પરિણામથી બચ્યા હોત.’ (g05 4/8)
દેખાવ માટે ચિંતામાં ડૂબેલા યુવાનો
કૅનેડાનું ગ્લોબ ઍન્ડ મેઈલ છાપું જણાવે છે, ‘યુવાનો ને એમાંય ખાસ કરીને છોકરીઓ નાની વયથી પોતાના દેખાવની ચિંતા કરતી હોય છે. જોકે, તંદુરસ્તી માટે એ સારું નથી.’ દસથી ચૌદ વર્ષની છોકરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. લગભગ ૨,૨૦૦ છોકરીઓએ જણાવ્યું કે તેઓ શું અને ક્યારે ખાય છે. ગ્લોબ છાપું જણાવે છે: ‘ફક્ત ૭ ટકા જ જાડા હતા. પણ ૩૧ ટકાને લાગ્યું કે તેઓ “ટુનટુન” છે. તેઓમાંના ૨૯ ટકા હાલમાં ડાયેટિંગ કરે છે.’ તંદુરસ્ત હોવા છતાં, છોકરીઓને કેમ વજન ઘટાડવું છે? એ છાપા મુજબ, મોટેરાંઓનો વાંક છે કેમ કે તેઓ હંમેશાં ડાયેટિંગ કરતા હોય છે. અથવા જાડા લોકોની મશ્કરી કરતા હોય છે. ‘મિડીયામાં મશહૂર લોકો પણ ખોટો દાખલો બેસાડે છે. આજના મોડલો સુકલકડી જેવા હોય છે. એટલે યુવાનોને પણ એવું જ બનવું છે.’ ડૉ. ગેલ મકવે ટોરંટોમાં બાળકો માટેની હૉસ્પિટલમાં કામ કરે છે. તે કહે છે કે બાળકો, માબાપ ને શિક્ષકોએ સમજવું જોઈએ કે ‘બાળકો મોટા થાય તેમ, વજન વધવાનું જ છે. એ સામાન્ય બાબત છે.’ (g05 4/8)
બાળકોની કત્લેઆમ
એક જર્મન છાપાએ અહેવાલ આપ્યો, કે યુનાઈટેડ નૅશન્સ ચિલ્ડ્રન ફંડના અંદાજ મુજબ રુવાન્ડામાં નાત-જાતની કત્લેઆમમાં આશરે ૮,૦૦,૦૦૦ લોકોના ખૂન થયા. એમાંથી લગભગ ૩,૦૦,૦૦૦ બાળકો હતાં. હવે રુવાન્ડામાં આશરે ૧,૦૦,૦૦૦ બાળકોના માબાપ નથી. છાપાએ કહ્યું કે ‘આ બાળકો ગરીબીમાં સબડે છે.’ (g05 4/22)
બે ભાષા બોલતા બાળકો હોશિયાર હોય છે
મેક્સિકોનું મેલીનો નામનું છાપું કહે છે: ‘જે બાળકો પ્રેમભર્યા ઘરમાં મોટાં થયાં હોય ને બે ભાષા બોલતાં શીખ્યાં હોય તો, ભાવિમાં તેઓ પરિવાર અને સમાજ માટે આશીર્વાદ બને છે.’ અનેક રિપોર્ટ બતાવે છે કે ‘બાળકો બે ભાષા બોલતા હોય તો, સ્કૂલમાં વધુ હોશિયાર હોય છે. તેઓ એક ભાષા બોલતા બાળકોથી આગળ વધી જાય છે.’ વળી, જે બાળકો બે સંસ્કૃતિ સમજતા હોય, તેઓ સહેલાઈથી બીજાના વિચારો ને લાગણીઓ સમજી શકે છે. અમુક માબાપને ચિંતા હોય છે કે પોતાના બાળકો બે ભાષાની ખીચડી કરી નાખશે. પણ સાઈકોલોજીસ્ટ (મગજના ડૉક્ટર) ટોની ક્લાઈન કહે છે કે ‘વ્યાકરણની ભૂલો તો મામૂલી છે. ભલે શરૂઆતમાં તેઓ બરાબર ન બોલે, પરંતુ, તેઓ જલદીથી બરાબર બોલવાનું શીખી જાય છે. બે ભાષા બોલવાથી ખૂબ ફાયદો થાય છે.’ જો માબાપ બાળકને જન્મથી બે ભાષા શીખવે તો, તેઓ સહેલાઈથી શીખી જશે. સમય જતા તે કોઈ પણ ભાષા સારી રીતે બોલી શકશે. (g05 5/8)
દરિયાના મોટાં મોટાં મોજાં
આખી દુનિયામાં લગભગ દર અઠવાડિયે બે મોટાં જહાજો દરિયામાં ડૂબે છે. અરે, ૨૦૦ મીટરથી લાંબા જહાજો પણ ડૂબી ગયા છે. કેમ? કારણ કે ઓચિંતા મોટાં મોટાં મોજાં આવીને જહાજ સાથે અથડાય છે. ઘણા નાવિકો વર્ષોથી આવાં મોજાં વિષે કહેતા આવ્યા છે. પણ ઘણા લોકો એ માનતા ન હતા. હવે યુરોપના એક સંશોધન ગ્રુપે આ મોજાંઓ વિષેના પુરાવાઓ શોધી કાઢ્યા છે. તેઓએ સેટેલાઈટથી દરિયાના ફોટા ખેંચ્યા ને એમાં તેઓને મોટા-મોજાં જોવા મળ્યા. એક જર્મન ન્યૂઝ પેપરમાં સંશોધનના આગેવાન વુલ્ફગેંગ રોસેન્થાલે કહ્યું: ‘અમને હવે ખાતરી છે કે મોટા-મોજાં ઘણી વખત આવે છે.’ ત્રણ અઠવાડિયામાં રોસેન્થાલની ટીમે દસ મોટાં મોટાં મોજાં શોધી કાઢ્યા. એમાંના અમુક તો ૪૦ મીટર ઊંચા હોય છે. આ મોજાંઓમાં એટલી શક્તિ હોય છે કે એ મોટાં જહાજોને પણ ઊંધા પાડીને ડૂબાડી શકે. બહુ ઓછાં જહાજો એની સામે ટકી શકે છે. રોસેન્થાલ કહે છે, ‘હવે અમે જોઈશું કે શાના લીધે મોટાં મોટાં મોજાંઓ થાય છે.’ (g05 6/8)