આખરે બધા માટે સરસ મજાનાં ઘર!
આખરે બધા માટે સરસ મજાનાં ઘર!
કેન્યાના નાઈરોબી શહેર પાસે ૧૪૦ એકર જમીનમાં યુનાઇટેડ નેશન્સ જીગીરીની એક સુંદર જગ્યા પથરાયેલી છે. એમાં યુએન-હેબીટેટનું મુખ્ય મથક પણ આવેલું છે. આ જગ્યા શું બતાવે છે? એ જ કે દુનિયાના દેશો ધારે તો ઘરોની તકલીફ દૂર કરવા શું કરી શકે છે. તમે જીગીરીના કંપાઉન્ડમાં ફરો તો વાતાવરણ એવું સરસ કે ના પૂછો વાત! એ બતાવે છે કે મહેનત કરી, પૂરતા પૈસા વાપરવામાં આવે તો શું કરી
શકાય છે. અહીં પહેલા તો કચરો જ પડી રહેતો હતો. હવે એને ત્યાં કામ કરનારા માટે અને મહેમાનો માટે સુંદર જગ્યા બનાવી દેવાઈ છે.એનાથી થોડાક જ કિલોમીટર દૂર એક એવી ઝૂંપડપટ્ટી જોવા મળે છે, જે વધતી જ જાય છે. કેટલા લોકો બેઘર છે, એની કડવી યાદ એ અપાવે છે. કાદવ, લાકડીઓ અને પતરાંની બનેલી ઝૂંપડીઓ બસ સોળેક ચોરસ મીટર જગ્યામાં બાંધેલી છે. ઝૂંપડીઓ વચ્ચેની ગલીઓમાં ગંધાતા, ગંદા પાણીની ગટર વહે છે. એમાં રહેનારાને પાણી માટે, અમેરિકાના લોકો કરતાં પાંચ ગણા વધારે પૈસા આપવા પડે છે. આ ઝૂંપડપટ્ટીમાં આશરે ૪૦,૦૦૦ લોકો રહે છે, જેમાંથી મોટા ભાગના ૨૦થી ૪૦ વર્ષના છે. એવું જરાય નથી કે તેઓ આળસુ છે. ના, તેઓ તો કામ શોધવા નાઈરોબી શહેર આવ્યા છે.
બીજી બાજુ, દુનિયાના નેતાઓ પણ નાઈરોબી આવે છે. તેઓ જીગીરીની યુએન-હેબીટેટની સુખ-સગવડવાળી સુંદર જગ્યામાં મિટિંગો ભરે છે. એમાં તેઓ બાજુમાં જ રહેતા ગરીબ કુટુંબો અને તેઓના ભાવિની ચર્ચા કરે છે. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એક કડવું સત્ય જણાવે છે. તે કહે છે કે ઝૂંપડાંમાં રહેનારા લોકોનું જીવન સુધારવાની “સગવડ દુનિયા પાસે છે. એ કરવાની તાકાત અને સાધનો પણ છે.” તો પછી વાત ક્યાં અટકી? શ્રીમાન એનન કહે છે, “મારી આશા છે કે . . . જવાબદાર નેતાઓ અને સરકારો સુધારો કરવામાં આડે આવતી બધી આળસ ખંખેરી નાખી શકે અને રાજનીતિની રમત બાજુએ મૂકી દેશે અને પાક્કા ઇરાદા સાથે આ કામ પૂરું કરશે.”
પરંતુ એ આશા પર કેટલી હદે ભરોસો મૂકી શકાય? ક્યારે દુનિયાના અને દેશના નેતાઓ પોતાનું ભલું કરવાને બદલે સમાજનું ભલું કરવા માંડશે? પરંતુ એવું કોઈક છે જે લોકોનું ભલું કરવા ચાહે છે. તેમની પાસે ઘરોની મુશ્કેલી દૂર કરવાનો ઉપાય છે, સગવડ છે અને શક્તિ પણ છે. ખાસ તો તેમના દિલમાં લોકો માટે દયા છે, પ્રેમ છે. તે જલદી જ કંઈક કરવા પણ માંગે છે. અરે, તેમની સરકારે પહેલેથી બતાવી દીધું છે કે કેવી રીતે પોતાના રાજમાં દરેક પાસે કાયમ માટે પોતાનું સુંદર મજાનું ઘર હશે.
દરેક પાસે મનગમતું ઘર હશે
બાઇબલમાં આપણા સરજનહાર, યહોવાહે વચન આપ્યું છે કે “હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું.” (યશાયાહ ૬૫:૧૭) એનાથી દુનિયાનું રૂપરંગ બદલાઈ જશે. આ નવી સરકાર જે કરશે, એ કોઈ માનવ સરકાર કરી શકી નથી. ઈશ્વરના રાજમાં એ ગેરંટી છે કે એ નવી દુનિયામાં કોઈ બીમાર નહિ હોય, કોઈ બીક નહિ હોય. બધા માન-સન્માનથી જીવશે. ઘણાં વર્ષો પહેલાં, ઈશ્વરભક્ત યશાયાહને જણાવાયું હતું કે “છેલ્લા કાળમાં” નવી પૃથ્વી પર રહેનારાને ભેગા કરવામાં આવશે. (યશાયાહ ૨:૧-૪) એનો મતલબ કે આ ફેરફાર જલદી જ આવશે.—માત્થી ૨૪:૩-૧૪; ૨ તીમોથી ૩:૧-૫.
યશાયાહના પુસ્તકમાં ૬૫મા અધ્યાયની અમુક કડીઓ તો જણાવે છે કે દરેક પાસે પોતાનું સુંદર મજાનું ઘર હશે. યહોવાહ કહે છે, ‘તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને.’ (યશાયાહ ૬૫:૨૧, ૨૨) જરા કલ્પના તો કરો કે તમારું પોતાનું સુંદર મજાનું ઘર હશે! સુંદર વાતાવરણ. છૂટથી હરો-ફરો ને મજા કરો! બસ એ જ રાહ જોઈએ કે ક્યારે આવે. ઈશ્વરનાં વચનમાં તમે શા માટે પૂરી શ્રદ્ધા રાખી શકો?
તમે ચોક્કસ શ્રદ્ધા રાખી શકો
યહોવાહે જ્યારે માણસનું સરજન કર્યું, ત્યારે તેને ઘરબાર વગરનો રાખ્યો ન હતો. યહોવાહે માણસને તેની સ્ત્રી સાથે એદન બગીચામાં રાખ્યો. એ બગીચો સુંદર તો હતો જ, સાથે સાથે પુષ્કળ ખાવા-પીવાનું પણ હતું. (ઉત્પત્તિ ૨:૮-૧૫) પરમેશ્વરે આદમને જણાવ્યું કે આખી ધરતી પર તેનું કુટુંબ ગીચ વસ્તીમાં નહિ, પણ આરામથી રહેશે. (ઉત્પત્તિ ૧:૨૮) પહેલેથી જ ઈશ્વરે ગોઠવણ કરી હતી કે બધા સુખ-શાંતિથી જીવે.
પરંતુ પછી નુહના દિવસોમાં માણસો એટલા બગડી ગયા કે તેઓમાં સંસ્કારનો છાંટોય ન રહ્યો. “દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ.” (ઉત્પત્તિ ૬:૧૧, ૧૨) શું યહોવાહે આંખ આડા કાન કર્યા? ના. એને લીધે તેમનું નામ બદનામ થતું હતું. તેમનો ભક્ત નુહ અને તેનું કુટુંબ દુષ્ટ લોકોના કારણે દુઃખી દુઃખી હતા. એટલે યહોવાહ મોટો પ્રલય લાવ્યા. એનાથી તેમણે ધરતીને જાણે ચોખ્ખી કરી નાખી. દુષ્ટતાનું નામનિશાન મિટાવી દીધું. નુહ અને તેના કુટુંબને વહાણમાં બચાવી લીધા. પ્રલય પછી યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યા કે “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.”—ઉત્પત્તિ ૯:૧.
એના વર્ષો પછી, યહોવાહે પોતાના ભક્ત ઈબ્રાહીમને વચન આપ્યું કે તેમના વંશજોને, એટલે કે ઈસ્રાએલી પ્રજાને, દેશનો વારસો આપશે. એ દેશ તો “એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ” હતો. (નિર્ગમન ૩:૮) જોકે ઈસ્રાએલી લોકોએ વારંવાર યહોવાહની આજ્ઞા તોડી હોવાથી, તેઓએ ૪૦ વર્ષો સુધી આમતેમ ભટકવું પડ્યું. આખરે, યહોવાહે પોતાનાં વચન પ્રમાણે તેઓને દેશનો વારસો આપ્યો. બાઇબલ જણાવે છે, ‘યહોવાહે તેઓને ચારે તરફ શાંતિ આપી. યહોવાહે ઇસ્રાએલના સંતાનને જે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ ફળીભૂત પૂરાં થયાં.’—યહોશુઆ ૨૧:૪૩-૪૫.
“આખરે મારું પોતાનું ઘર!”
આ બધી હકીકત બતાવે છે કે યશાયાહના ૬૫મા અધ્યાયમાં યહોવાહે આપેલાં વચનો મીઠા મીઠા શબ્દો જ નથી. યહોવાહ તો સરજનહાર છે. તેમણે જે કારણે ધરતી બનાવી, એ પૂરું કરવા માટે પોતે ધારે એ કરી શકે છે. (યશાયાહ ૪૦:૨૬, ૨૮; ૫૫:૧૦, ૧૧) બાઇબલ ગેરંટી આપે છે કે યહોવાહ એમ જ કરવાના છે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૩) તેમણે પહેલાં પણ ભલા લોકોને રહેવા પૂરતાં ઘરો પૂરાં પાડ્યાં હતાં. હવે જલદી જ ફરીથી એમ કરશે.
ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થનામાં ખાસ આ વિનંતી કરતા શીખવ્યું હતું, ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થાઓ.’ (માત્થી ૬:૧૦) તેમણે જણાવ્યું કે ધરતી સ્વર્ગ જેવી સુંદર બની જશે, સુખ-શાંતિથી ભરાઈ જશે. (લુક ૨૩:૪૩) એટલે કે એ સમયે એકેય ઝૂંપડપટ્ટી નહિ હોય. કોઈને ફૂટપાથ પર સૂવું નહિ પડે. કોઈને પોતાનું ઘર ખાલી કરવું નહિ પડે. જરા કલ્પના તો કરો કે એ દુનિયા કેવી સુંદર હશે! યહોવાહના રાજ્યમાં દરેક પાસે પોતાનું સરસ મજાનું ઘર હશે! (g05 9/22)
[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]
જૂના જમાનામાં ઈસ્રાએલનાં ઘરો
ઈસ્રાએલ પ્રજાને પહેલાંની કનાની પ્રજાની જેમ પથ્થરનાં ઘરો બહુ ગમતાં. પથ્થરનાં ઘરો વધારે ટકાઉ હતાં. ચોર-લુટારાથી રક્ષણ પણ મળતું. (યશાયાહ ૯:૧૦; આમોસ ૫:૧૧) જોકે દેશના નીચાણના ભાગમાં, ઘરની દીવાલ ચણવા માટે માટીની ઈંટો કે ભઠ્ઠીમાં પકવેલી ઈંટો વપરાતી. ઘરનું ધાબું સપાટ અને કોઈ કોઈ ધાબા પર એકાદ રૂમ પણ બાંધવામાં આવતો. મોટા ભાગે આંગણામાં રસોડું હોય. અરે કોઈકમાં તો કૂવો પણ હોય.—૨ શમૂએલ ૧૭:૧૮.
મુસાના નિયમમાં ઘરને લગતા અમુક નિયમો હતા. લોકોની સલામતીનો વિચાર સૌથી પહેલા થતો. સપાટ ધાબાની ફરતે દીવાલ બાંધવી જરૂરી હતી, જેથી કોઈ પડી ન જાય. દસમી આજ્ઞામાં ચેતવણી હતી કે પડોશીના ઘરનો લોભ ન રાખવો. જો કોઈને ઘર વેચવું પડે, તો અમુક સમય સુધી ફરીથી એ ખરીદવાનો પહેલો હક્ક તેનો હતો.—નિર્ગમન ૨૦:૧૭; લેવીય ૨૫:૨૯-૩૩; પુનર્નિયમ ૨૨:૮.
ઈસ્રાએલી લોકોના ઘરમાં ઈશ્વરની ભક્તિ થતી. કુટુંબમાં પિતાની ખાસ જવાબદારી હતી કે બાળકોને ઈશ્વરનું જ્ઞાન આપે. તેઓના ઘરમાં મૂર્તિને લગતી કોઈ જ ચીજ-વસ્તુ રાખવાની ન હતી.—પુનર્નિયમ ૬:૬, ૭; ૭:૨૬.
[ચિત્ર]
ઈસ્રાએલી લોકોના જમાનામાં ઈશ્વરની ભક્તિ માટે, માંડવા પર્વ જેવા તહેવારો ઘરમાં ઉજવાતા
[પાન ૧૨ પર બોક્સ/ચિત્ર]
ઘરની શરૂઆત
સૌથી પહેલો ઇન્સાન આદમ અને તેની પત્નીના ઘર વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. પરંતુ, એ જણાવે છે કે કાઈને “એક નગર બાંધ્યું, ને તે નગરનું નામ પોતાના દીકરાના નામ ઉપરથી હનોખ પાડ્યું.” (ઉત્પત્તિ ૪:૧૭) આજના નગર સાથે સરખાવતા, એ નગર કે શહેર બસ એક ગામડા જેવું હોય શકે. એવું કંઈ જણાવાયું નથી કે એનાં ઘરો કેવાં હતાં. શક્ય છે કે આખા નગરમાં ફક્ત કાઈનનું કુટુંબ જ રહેતું હતું.
પહેલાના જમાનામાં કુટુંબને રહેવા માટે તંબુ તાણી દેવામાં આવતા. કાઈનના કુટુંબનો યાબાલ “તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાઓનો પૂર્વજ હતો.” (ઉત્પત્તિ ૪:૨૦) તંબુ તો એકદમ સગવડિયા, ફાવે ત્યારે બાંધો, ફાવે ત્યારે ઉઠાવીને ચાલતી પકડો.
સમય વહેતો ગયો તેમ, ઘણાએ વધારે સગવડવાળાં શહેરો અને ઘરો બનાવ્યાં. જેમ કે ઉર શહેર, જ્યાં અબ્રામ (ઈબ્રાહીમ) એક જમાનામાં રહેતા હતા. એ શહેરનું ખોદકામ કરતા જાણવા મળ્યું છે કે ત્યાંના લોકોનાં ઘરો જોરદાર હતાં. લોકો પ્લાસ્ટર અને રંગકામ કરેલાં ઘરોમાં રહેતા હતા. અરે, ૧૩ કે ૧૪ રૂમોવાળાં ઘરો હતાં. એ જમાનામાં બીજા લોકો પણ એવાં જ ઘરોનાં સપનાં જોતાં હશે.
[પાન ૮, ૯ પર ચિત્ર]
ઈશ્વરનું વચન છે કે ભલા લોકો પાસે પોતાનું ઘર હશે