કેમ બધા પાસે પોતાનું ઘર નથી?
કેમ બધા પાસે પોતાનું ઘર નથી?
આફ્રિકાના એક મોટા શહેર બહાર ઝૂંપડપટ્ટીમાં ૩૬ વર્ષની જોસફીન રહે છે. તેને છથી અગિયાર વર્ષના ત્રણ દીકરાઓ છે. તે રોજી-રોટી કમાવા પ્લાસ્ટિકના ખાલી ડબ્બા, બાટલીઓ ભેગી કરે છે. એને બાજુની ફેક્ટરીમાં વેચે છે, જ્યાં એમાંથી બીજી નવી વસ્તુઓ બનાવાય છે. આ તનતોડ મહેનતથી તેને દિવસના ફક્ત બે ડૉલર જ મળે છે. એવા શહેરમાં બે ડૉલરથી શું વળે? જોસફીન કઈ રીતે કુટુંબને પૂરતું ખાવા આપે કે કઈ રીતે છોકરાઓની ફી ભરે!
તે થાકી-પાકીને સાંજે ‘ઘરે’ આવે છે. એવું ઘર જેની દીવાલો માટીની ઈંટો, કાદવ અને પાતળી લાકડીઓથી ઊભી કરેલી છે. એનું છાપરું કટાયેલાં પતરાં અને પ્લાસ્ટિકથી બનેલું છે. પવનમાં છાપરું ઊડી ન જાય
એટલે એના પર પથ્થર, લાકડાં અને જૂનાં પતરાંનો ભાર મૂકેલો છે. એના બારી-બારણાં તો ફાટેલાં-તૂટેલાં કંતાનનાં બનેલાં છે. એ હોય કે ન હોય, એનાથી વરસાદ કે ઠંડીમાં કોઈ ફેર પડતો નથી. ઘરમાં ઘૂસવા માટે ચોરને પણ જરાય તકલીફ નહિ!જોકે આ ઘરની જગ્યા પણ જોસફીનની નથી. તે રહે છે એ જગ્યા પર તો મોટો રોડ બંધાવાનો છે! એટલે તે અને તેનાં બાળકો ફફડીને રહે છે કે ગમે ત્યારે આ જગ્યા ખાલી કરવી પડશે. અફસોસ! દુનિયામાં આવું તો કંઈ કેટલાય દેશોમાં બની રહ્યું છે.
જાન જોખમમાં મૂકતું ઘર
ઘર મેળવી આપવા દુનિયાભરમાં મદદ કરતી એક સંસ્થાના મોટા સાહેબ, રોબીન શેલ કહે છે, “ગરીબ વસ્તીમાં બાળકોને પોતાનું ઘર જોઈને શરમ આવે છે. . . . કુટુંબમાં કોઈને કોઈ બીમાર હોય. . . . કોને ખબર, ક્યારે સરકાર કે જમીનદાર આવીને [તેઓનું ઘર] ઝૂંટવી લેશે!”
આવી હાલતમાં માબાપ પોતાનાં પ્રાણ-પ્યારાં બાળકોની ચિંતા કરતા હોય છે. પોતાની હાલત સુધારવા નોકરી કરવાને બદલે, તેઓનો બધો સમય ને શક્તિ બાળકો માટે ખાવા-પીવા ને ઘરનું ઠેકાણું પાડવામાં જ ચાલ્યો જાય છે.
કોઈના પણ માટે એમ કહેવું સહેલું છે કે ગરીબો પોતે જ કંઈ કરે તો, જરૂર કોઈ રસ્તો નીકળે. પણ ગરીબ લોકો એકલા જ કંઈક કરે, એનાથી કંઈ વળવાનું નથી. લોકો પાસે રહેવાને ઘર નથી, એનો ઉપાય શોધવાનું કામ કોઈ પણ એક વ્યક્તિનું નથી. સંશોધકો તો વસ્તીવધારો, ગામડાઓમાંથી શહેરમાં આવતા લોકો, કુદરતી આફતો, રાજકારણમાં ચડતી-પડતી અને ગરીબીને અપરાધી ઠરાવે છે. પાંચ આંગળીઓની જેમ, જાણે આ પાંચેયની મુઠ્ઠીમાં દુનિયાના ગરીબોના જીવન ભીંસાતા જાય છે.
વસ્તીવધારો
એક અંદાજ મુજબ, દર વર્ષે દુનિયામાં ૬.૮થી ૮ કરોડ વધારાના લોકો માટે ઘરની જરૂર પડે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ વસ્તી ફંડ નામની સંસ્થા પ્રમાણે, ૨૦૦૧માં દુનિયાની વસ્તી ૬.૧ અબજ થઈ ગઈ. એવું માનવામાં આવે છે કે ૨૦૫૦ સુધીમાં વસ્તી વધીને ૭.૯થી ૧૦.૯ અબજની વચ્ચે હશે. અરે, આવતા વીસેક વર્ષમાં ૯૮ ટકા જેટલો વધારો તો ગરીબ દેશોમાં જ થશે, એવું કહેવામાં આવે છે. આ આંકડા બતાવે છે કે લોકોને રહેવા માટે ઘરની બરાબર તકલીફ પડવાની. ઉપરથી મોટી ચેલેંજ એ છે કે મોટા ભાગના દેશોમાં લોકો જઈ જઈને શહેરોમાં જ રહે છે, જેમાં હવે પગ મૂકવાની પણ જગા નથી.
શહેરોમાં ઉભરાતા લોકો
ન્યૂ યોર્ક, લંડન અને ટોકિયો જેવા મોટાં મોટાં શહેરો મોટે ભાગે દેશને પૈસેટકે સદ્ધર રાખતા હોય છે. એટલે દર વર્ષે ગામડાંના હજારો લોકો એવા શહેરોમાં ભણવા કે નોકરીધંધો કરવા જાય છે.
જેમ કે ચીન દેશ હમણાં ઝડપથી પૈસેટકે સદ્ધર બનતો જાય છે. એટલે એક રિપોર્ટ પ્રમાણે, ત્યાં
આવતા અમુક દાયકાઓમાં ફક્ત મોટા શહેરોમાં જ વીસેક કરોડથી વધારે ઘરોની જરૂર પડશે. એ તો હાલમાં આખા યૂનાઇટેડ સ્ટેટ્સમાં કુલ જેટલાં ઘરો છે, એનાથી બમણાં થયાં. ઘર મેળવી આપવા મદદ કરતી કઈ સંસ્થા એવી માંગ પૂરી કરી શકે?વર્લ્ડ બૅંકનું કહેવું છે કે ‘ગરીબ દેશોમાં દર વર્ષે લગભગ સવા કરોડથી દોઢ કરોડ કુટુંબો શહેરોમાં રહેવા જાય છે. પછી ત્યાં એટલા જ ઘરોની જરૂર પડે છે.’ એવા લોકોને શહેરોમાં સારાં ઘરો પોષાય નહિ, એટલે પછી એવાં ઘરોમાં રહેવું પડે, જેમાં જલદીથી કોઈ રહેવા માંગતું ન હોય.
કુદરતી આફતો, રાજકારણમાં ચડતી-પડતી
ગરીબીને કારણે ઘણા લોકોને એવી જગ્યાએ રહેવું પડે છે, જ્યાં પૂર આવતું હોય, ભેખડો તૂટી પડતી હોય કે ધરતીકંપો થતા હોય. દાખલા તરીકે, વેનિઝુએલાના કારાકાસમાં અંદાજે પાંચ લાખથી વધારે લોકો “ઢોળાવ પરની ઝૂંપડપટ્ટીમાં રહે છે. ત્યાં વારંવાર જમીન ધસી પડે છે.” ભારતના ભોપાલ શહેરમાં ૧૯૮૪માં એક ફેક્ટરીમાં એક્સિડન્ટ થયો હતો, એનો વિચાર કરો. એમાં બેથી ત્રણ હજાર મોતના મોંમાં ધકેલાઈ ગયા. કંઈ કેટલાયને નુકસાન થયું. કેમ આટલા બધાને અસર થઈ? ખાસ તો એટલા માટે કે નજીકની ઝૂંપડપટ્ટીનો વિસ્તાર વધીને ફેક્ટરીના કંપાઉન્ડથી પાંચેક મીટર જેટલો જ દૂર હતો.
રાજકારણમાં ચડતી-પડતી પણ લોકોને બેઘર બનાવવા માટે જવાબદાર છે. માનવ હક્કો માટે લડતા એક સંગઠને ૨૦૦૨માં એક રિપોર્ટ બહાર પાડ્યો. એમાં જણાવ્યું કે ૧૯૮૪થી ૧૯૯૯ના ગાળામાં લગભગ ૧૫ લાખ લોકો બેઘર બન્યા. શા માટે? દક્ષિણ-પૂર્વ તુર્કીમાં અંદરોઅંદર થતી લડાઈઓને લીધે. મોટા ભાગના ગામડાંના લોકો હતા, જેઓએ સગાં-સંબંધી કે પડોશીઓ સાથે ભરચક ઘરોમાં રહેવું પડ્યું. અમુક ભાડે રહ્યા. અમુક ખેતરના ડેલામાં કે બાંધકામ થતું હોય ત્યાં રહેવા લાગ્યા. અરે, કુટુંબોનું એક ટોળું તો તબેલામાં રહેવા લાગ્યું. એક જ રૂમમાં ૧૩ જણ! વાડામાં એક ટોઇલેટ અને એક જ પાણીનો નળ. એક જણે તો કહ્યું, “અમારે આવી રીતે નથી જીવવું. અમે જાનવરો માટે બાંધેલી જગ્યામાં રહીએ છીએ.”
આવકમાં કોઈ વધારો નહિ
છેલ્લે ઘરની તકલીફને પૈસા સાથે પણ ઘણો સંબંધ છે. આગળ જે વર્લ્ડ બૅંકના રિપોર્ટ વિષે જણાવ્યું, એ મુજબ ફક્ત ૧૯૮૮માં જ ગરીબ દેશોના શહેરોમાં ૩૩ કરોડ લોકો ગરીબીની ચક્કીમાં પીસાતા હતા. અરે, આવનાર વર્ષોમાં પણ એ હાલત સુધરવાની કંઈ આશા દેખાતી ન હતી. જ્યાં લોકોને ખાવાના સાંસા પડતા હોય, ત્યાં ઘર ભાડે રાખવાની કે ઘર બાંધવાની તો વાત જ ક્યાં?
વ્યાજના દર અને મોંઘવારી આસમાને ચડી ગયા છે. એટલે ઘણાં કુટુંબ બૅંકની લોનના હપ્તા પણ ક્યાંથી ચૂકવી શકે! પાણી, લાઇટ ને ગેસના બીલ પણ લોકોને ક્યાં ઊંચા આવવા દે છે? અમુક દેશોમાં ૨૦ ટકા જેટલી બેકારી વધી છે, એટલે જોઈતી ચીજ-વસ્તુઓ માટે પણ લોકોને ફાંફાં મારવા પડે છે.
આ અને આના જેવા અનેક કારણોને લીધે, દુનિયાના કરોડો લોકોએ જેવી-તેવી જગ્યાએ રહેવું પડે છે. ઘણા જૂની બસોમાં, વહાણમાં માલ મોકલવાના બૉક્સમાં, તો ઘણા પૂઠ્ઠાના બૉક્સમાં રહે છે. ઘણા દાદરા નીચે, પ્લાસ્ટિકનો તંબૂ તાણીને કે પછી જૂના માલ-સામાન નજીક પડ્યા રહે છે. મજબૂરીને લીધે જૂની બંધ પડી ગયેલી ફેક્ટરીઓમાં પણ અમુકને રહેવું પડ્યું છે.
શું કોઈ ઉપાય છે?
ઘણા લોકો, સંસ્થાઓ અને સરકારો એનો ઉપાય શોધવા મથે છે. જાપાનમાં એવી એજન્સીઓ શરૂ થઈ છે, જે વાજબી ભાવે ઘર બનાવી આપે. દક્ષિણ આફ્રિકામાં ૧૯૯૪માં શરૂ થયેલી આવાસ યોજનાને લીધે, ચાર રૂમના દસેક લાખ ઘરો ઊભાં થયાં છે. કેન્યામાં એક હાઉસીંગ પોલિસી, દર વર્ષે શહેરોમાં દોઢ લાખ અને ગામડાઓમાં એનાથી બમણાં ઘરો બાંધવાં માગે છે. માડાગાસ્કર જેવા બીજા દેશોએ ઓછા ખર્ચે ઘર બાંધવાની રીતો શોધી કાઢવા પ્રયત્નો કર્યા છે.
યુએન-હેબીટેટ જેવી સંસ્થાઓ આખી દુનિયામાં ઊભી કરવામાં આવી છે. એ “ગીચ શહેરી વિસ્તારોને લીધે થતી તકલીફો હલ કરવા અને હાલત સુધારવા” કંઈક કરવા માંગે છે. અમુક બીજી સંસ્થાઓ પણ ફક્ત
સેવા કરવા મદદે દોડી આવી છે. એવી એક સંસ્થાએ દોઢેક લાખ કુટુંબોને અનેક દેશોમાં મદદ કરી છે. એના લીધે હવે તેઓ પાસે જેવાં-તેવાં ઘરોમાંથી સારાં ઘરો છે. એ સંસ્થા ૨૦૦૫ સુધીમાં, દસેક લાખ લોકોને પોસાય એવા ભાવે સાદા અને સરસ ઘર મેળવી આપવા માગે છે.આવી ઘણી સંસ્થાઓએ માહિતી તૈયાર કરી છે. એમાં લોકોને મદદ આપવામાં આવે છે કે કઈ રીતે લોકો પોતાના સંજોગોમાં પણ પોતાના ઘરને સરસ બનાવી શકે. જો તમે એવા સંજોગોમાં હોવ, તો ચોક્કસ એનો લાભ લઈ શકો. અમુક બાબત તમે પોતે પણ કરી શકો છો.—“તમારું ઘર, તમારી તબિયત,” પાન ૭ પરનું બૉક્સ જુઓ.
તમે તમારા સંજોગો સુધારી શકો કે નહિ, પણ આખી દુનિયાની આ તકલીફનો ઉપાય કોઈ એક વ્યક્તિ કે સંસ્થા કેવી રીતે શોધી શકે! દુનિયાનો સમાજ દિવસે દિવસે લોકોની આ માનવ હક્કની વધતી જતી માંગને પહોંચી વળી શકતો નથી. દર વર્ષે લાખો બાળકો જન્મે છે અને ગરીબીના વમળમાં ઘેરાય છે. શું આવી નિરાશામાં ખરેખર કોઈ આશા છે? (g05 9/22)
[પાન ૭ પર બોક્સ]
તમારું ઘર, તમારી તબિયત
વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તબિયત સારી રાખવા, આવું ઘર હોવું જોઈએ:
▪ વરસાદનું પાણી ઘરમાં ન ટપકે એ માટે સારું છાપરું
▪ ખરાબ મોસમ માટે અને કોઈ જાનવર ઘરમાં ઘૂસી ન જાય, એ માટે સારી દીવાલો અને બારી-બારણાં
▪ બારી-બારણાં પર જાળી, જેથી જીવ-જંતુ, ખાસ કરીને મચ્છર ઘરમાં ન આવે
▪ ઘરની આજુબાજુ છાંયડો, જેથી દીવાલોને તાપમાં રક્ષણ મળે
[પાન ૮ પર બોક્સ/ચિત્રો]
આફ્રિકાનાં અસલ ઘરો
ઘણાં વર્ષો સુધી આફ્રિકામાં જૂનાં ટાઈપનાં અસલ ઘરો જોવાં મળતાં. નાનાં-મોટાં અને જુદા જુદા ઘાટનાં ઘરો. કેન્યાના કીકુયુ અને લુઓ જેવા સમાજના લોકોને ગોળ દીવાલવાળાં ઘરો ગમતાં. એનું છાપરું ઘાસનું અને શંકુ આકારનું રહેતું. કેન્યા અને ટાન્ઝાનિયાના મસાઈ જાતિના લોકોને ચોરસ કે લંબચોરસ ઘરો ગમતાં. પૂર્વ આફ્રિકાના વિસ્તારમાં અમુક ઘરોનાં છાપરાં લગભગ જમીનને અડી જતા, જાણે ઊંધો ટોપલો ન હોય!
એ સમયે રહેવાનાં ઘરોની બહુ તકલીફ પડતી નહિ, કેમ કે આવાં ઘરો બાંધવા જોઈતી વસ્તુઓ સહેલાઈથી મળી જતી. જેમ કે, માટી અને પાણી ભેગું કરો, એટલે કાદવનો ગારો તૈયાર. નજીકના જંગલમાંથી લાકડું, ઘાસ, વાંસ મળી જતા. એટલે ગરીબ હોય કે અમીર, દરેક કુટુંબ પોતાનું ઘર બાંધી શકતું.
ખરું કે એવાં ઘરોની અમુક બીજી તકલીફો હતી. એનાં છાપરાં ઘાસ જેવી વસ્તુના બનેલા હોવાથી, જલદીથી આગ લાગી શકે એમ હતું. ચોરનું કામ પણ આસાન હતું, કેમ કે કાદવની દીવાલમાં બાકોરું પાડતા કેટલી વાર? એટલે જ આજે આફ્રિકામાં પહેલાનાં જૂની ટાઈપનાં ઘરોને બદલે લાંબું ટકે એવાં ઘરો બનાવાય છે.
[ક્રેડીટ લાઈન્સ]
મૂળ માહિતી: આફ્રિકાનાં અસલ ઘરો
ઝૂંપડીઓ: Courtesy Bomas of Kenya Ltd - A Cultural, Conference, and Entertainment Center
[પાન ૫ પર ચિત્ર]
યુરોપ
[ક્રેડીટ લાઈન]
© Tim Dirven/Panos Pictures
[પાન ૬ પર ચિત્ર]
આફ્રિકા
[પાન ૬ પર ચિત્ર]
દક્ષિણ અમેરિકા
[પાન ૭ પર ચિત્ર]
દક્ષિણ અમેરિકા
[પાન ૭ પર ચિત્ર]
એશિયા
[પાન ૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Teun Voeten/Panos Pictures; J.R. Ripper/BrazilPhotos
[પાન ૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
JORGE UZON/AFP/Getty Images; © Frits Meyst/Panos Pictures