સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જંતર-મંતર દૂરબીન વિનાની વેધશાળા

જંતર-મંતર દૂરબીન વિનાની વેધશાળા

જંતર-મંતર દૂરબીન વિનાની વેધશાળા

ભારતના સજાગ બનો!ના લેખક તરફથી

ભારતમાં નવી દિલ્હીમાં એક વેધશાળા છે. એનું નામ જંતર-મંતર. એને જોવા આવતા લોકોને બહુ જ આશ્ચર્ય થાય છે, ‘શું આ ખરેખર વેધશાળા છે?’ શા માટે તેઓ આમ કહે છે? કેમ કે, વેધશાળામાં તો નવી નવી ટૅકનોલોજીના સાધનો રાખવામાં આવતા હોય છે. પણ જંતર-મંતરમાં એવાં કોઈ સાધનો નથી. એટલું જ નહિ, મોટા પાર્કમાં પથ્થરોથી બનેલી આ ઇમારતોની ડિઝાઈન પણ વિચિત્ર છે. પરંતુ, અઢારમી સદીની શરૂઆતમાં જંતર-મંતરનું મકાન બાંધવામાં આવ્યું ત્યારે એ ખરેખર એક વેધશાળા હતી. ખરું કે એ સમયે આકાશ જોવા માટે યુરોપમાં નવાં નવાં સાધનો વિકસાવવામાં આવ્યાં હતાં. પરંતુ જંતર-મંતર કોઈ પણ પ્રકારના દૂરબીન વગર તેમ જ, બીજા સાધનોની મદદ વગર આકાશના તારાઓ અને ગ્રહો વિષે મોટા ભાગે ખરી માહિતી આપતું હતું.

રાજપૂત મહારાજા સવાઈ જયસિંહ બીજાએ પાંચ વેધશાળાઓ બનાવી હતી. એમાંથી ત્રણના નામ જંતર-મંતર છે. “જંતર” સંસ્કૃત શબ્દ “યંત્ર” પરથી આવે છે એનો અર્થ થાય છે “સાધન કે ઓજાર.” જ્યારે કે, “મંતર” સંસ્કૃત શબ્દ “મંત્ર” પરથી આવે છે જેનો અર્થ “સૂત્ર” થાય છે. સામાન્ય રીતે લોકો બોલવાની ભાષામાં કોઈ એક શબ્દ પર ભાર આપવા માટે એના જેવા જ બીજા શબ્દોને ઉમેરતા હોય છે. આથી, જંતર-મંતર નામ પડ્યું હોય શકે.

વર્ષ ૧૯૧૦માં નવી દિલ્હીના જંતર-મંતરના એક સાધન પર એક તકતી લગાવવામાં આવી હતી. એના પર લખ્યું હતું કે આ વેધશાળાને ૧૭૧૦માં બનાવવામાં આવી હતી. પરંતુ, પછીથી કરવામાં આવેલા ખોદકામમાંથી ખબર પડી કે આ વેધશાળા ૧૭૨૪માં તૈયાર થઈ હતી. આપણે આગળ જોઈશું તેમ, જયસિંહના જીવનમાં શું થઈ રહ્યું હતું એમાંથી પણ આ વાત સાબિત થાય છે. સૌથી પહેલાં, ચાલો આ વેધશાળાનાં યંત્રો પર એક નજર નાખીએ, કેમ કે દુનિયામાં તારા-ગ્રહો જોવા માટે આ પ્રકારના એ સૌથી જૂનાં સાધનો છે.

પથ્થરોથી બનેલી ઈમારતો સાધન તરીકે કામ કરે છે

વેધશાળામાં પથ્થર અને ઈંટોથી બનેલા ચાર અલગ અલગ સાધન છે. એમાંના એક સાધનનું નામ સમ્રાટ યંત્ર છે. સમ્રાટ યંત્રનો અર્થ છે કે સૌથી ઉત્તમ સાધન. આ સાધન શું કરે છે? એ ‘ખાસ કરીને સમાન કલાકોવાળી ધૂપઘડી’ છે. આ જયસિંહનું સૌથી મહત્ત્વનું બાંધકામ છે. એમાં પથ્થર અને ચૂનાથી બનાવેલું એક વિશાળ ત્રિકોણ છે જેની ઊંચાઈ ૨૧.૩ મીટર, તળિયું ૩૪.૬ મીટર અને પહોળાઈ ૩.૨ મીટર છે. આ ત્રિકોણના કાટખૂણાની સામેની એક બાજુ (કર્ણ) ૩૯ મીટર લાંબી છે. એ પૃથ્વીની ધરીની સમાંતર છે અને ઉત્તર ધ્રુવ તરફ બતાવે છે. આ ત્રિકોણની બંને બાજુએ સમય માપવાનું સાધન છે. આ સાધન પર કલાક, મિનિટ અને સેકન્ડની નિશાનીઓ છે. એની શી જરૂર છે? જ્યારે ત્રિકોણનો પડછાયો આ સાધન પર પડે છે ત્યારે નિશાનીઓ જોઈને સમયની ખબર પડે છે. જોકે, સદીઓથી સામાન્ય ધૂપઘડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ, જયસિંહે સમય માપવાની આ ધૂપઘડીથી એક એવું સાધન તૈયાર કર્યું કે જેનાથી એક તો ભૂમધ્ય રેખાથી ઉત્તર અથવા દક્ષિણ તરફ કોઈ પણ ગ્રહ કેટલા અંતર પર છે એની પણ ખબર પડે. બીજું કે આકાશમાં બીજા પિંડો ક્યાં-ક્યાં આવેલા છે એ પણ જાણી શકાય છે.

વેધશાળામાં બીજા ત્રણ સાધન છે રામ યંત્ર, જયપ્રકાશ યંત્ર અને મિશ્ર યંત્ર. આ ત્રણેવ સાધનોને બહુ જ જટિલ રીતે બનાવવામાં આવ્યા હતા. જેથી એની મદદથી સૂર્ય અને તારાઓનું ભૂમધ્ય રેખાથી ત્રિકોણીય અંતર, ઉન્‍નતાંશ (આકાશમાં એ કેટલી ઊંચાઈ પર છે) અને દિનંશ (એટલે કે ઉત્તરથી પૂર્વની તરફ કેટલું દૂર છે) જાણી શકાય છે. મિશ્ર સાધનથી અલગ અલગ દુનિયાના શહેરોમાં ક્યારે બપોર પડે છે એ પણ જાણી શકાય છે.

મિશ્ર યંત્ર સિવાયના બાકીના બીજા બધા જ સાધનોની શોધ જયસિંહે કરી હતી. એ સમયે આખા ભારતમાં જે સાધનો હતા એની સરખામણીમાં આ સાધનો બહુ જ જટિલ હતા. તેમ છતાં, એ બહુ ઉપયોગી હતા. એના દ્વારા જ અમુક પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા. જેમાં જણાવ્યું કે આવતા વર્ષનું હવામાન કેવું હશે. અને એના આધારે તારાઓના ચાર્ટ બનાવવાનું શરૂ થયું. આ સાધનોની ડિઝાઈન જોવામાં સુંદર હતી. ટૅલિસ્કોપ અને બીજા સાધનોનો ઉપયોગ કરવાનું શરૂ ન થયું ત્યાં સુધી એનો ઉપયોગ થતો રહ્યો. ખરેખર જયસિંહ હોશિયાર અને બુદ્ધિશાળી માણસ હતા. પણ સવાલ ઊભો થાય છે કે તારાઓ અને ગ્રહોની શોધખોળ માટે યુરોપમાં ઑપ્ટિકલ ટૅલિસ્કોપ અને બીજા એના જેવા સાધનો હતા એનો ઉપયોગ તેમણે શા માટે ન કર્યો? એનો જવાબ આપણને ઇતિહાસ પર એક નજર નાખવાથી અને જયસિંહના રાજમાં કેવું વાતાવરણ હતું એ જાણવાથી મળે છે.

‘ગણિત-વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં સમર્પિત’

જયસિંહનો જન્મ ૧૬૮૮માં ભારતના રાજસ્થાન રાજ્યમાં થયો હતો. તેમના પિતા અંબરના મહારાજા હતા. એ રાજપૂતોની કાચાવહા કુળનું પાટનગર હતું. એ સમયે દિલ્હીમાં મુઘલ રાજ ચાલતું હતું. તેમના પિતા એ રાજગાદી પર બેસતા હતા. રાજકુમાર જયસિંહે હિન્દી, સંસ્કૃત અને અરબી ભાષામાં શિક્ષણ લીધું. તેમણે ગણિત, ખગોળવિદ્યા અને યુદ્ધ કળાનું પણ શિક્ષણ લીધું. પણ બધામાંથી એક વિષય તેમને સૌથી વધારે ગમ્યો. એ કયો હતો? એ સમયનું એક પુસ્તક એના વિષે જણાવે છે: “જ્યારથી સવઈ જયસિંહ સમજણા બન્યા ત્યારથી તે ગણિત-વિજ્ઞાનના (ખગોળવિદ્યા) અભ્યાસમાં ડૂબી ગયા.”

વર્ષ ૧૭૦૦માં જયસિંહના પિતા ગુજરી ગયા. એ સમયે જયસિંહની ઉંમર ૧૧ વર્ષની હતી. પરંતુ, તેમણે અંબરની રાજગાદી સંભાળી લીધી. એના થોડા સમય પછી, મુઘલ બાદશાહે આ યુવાન રાજાને દક્ષિણ ભારતમાં પોતાના દરબારમાં બોલાવ્યા. ત્યાં જયસિંહ જગન્‍નાથને મળ્યા. જગન્‍નાથ ગણિત અને ખગોળ-વિજ્ઞાનના પંડિત હતા. અમુક સમય પછી, તે રાજા જયસિંહના મુખ્ય મદદનીશ બન્યા. વર્ષ ૧૭૧૯ સુધીમાં તો આ રાજાના રાજમાં, રાજનીતિમાં અનેક પ્રકારના ઉતાર-ચઢાવ આવ્યા. ત્યાર પછી, એ વર્ષમાં મુહમ્મદ શાહ, મુઘલ સામ્રાજ્યના રાજા બન્યા. એ વખતે તેમણે જયસિંહને દિલ્હી બોલાવ્યા જેથી બંને એક મિટિંગ કરી શકે. નવેમ્બર ૧૭૨૦માં આ મિટિંગ થઈ. એમાં જયસિંહે વેધશાળા બાંધવાનો વિચાર તેમને જણાવ્યો. વર્ષ ૧૭૨૪માં તેમનું સ્વપ્ન હકીકત બન્યું.

જયસિંહને વેધશાળા બનાવવાનું કેવી રીતે મન થયું? તેમને ખબર હતી કે ભારતમાં હવામાન અને તારાઓના ચાર્ટ વિષે ખરી માહિતી આપતા પુસ્તકો નથી. ખગોળ-વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ કંઈ ખાસ પ્રગતિ થઈ ન હતી. એટલે તેમણે નવો ચાર્ટ બનાવવાનું નક્કી કર્યું જેનાથી આકાશગંગા વિષે બરાબર માહિતી મળે. તેમની એ પણ ઇચ્છા હતી કે તે ખગોળ-વિજ્ઞાનનો અભ્યાસ કરનારાઓ માટે એક એવું સાધન બનાવે જેનાથી તારાઓ અને ગ્રહોને જોઈ શકાય. એટલા માટે જયસિંહે ફ્રાંસ, ઇંગ્લૅંડ, પોર્ટુગલ અને જર્મનીમાંથી ઢગલાબંધ પુસ્તકો મેળવ્યા. તે હિન્દુ, ઇસ્લામ અને યુરોપની ખગોળ-વિજ્ઞાનની સ્કૂલોના પંડિતોને પોતાના દરબારમાં બોલાવતા હતા. એટલું જ નહિ, તેમણે ખગોળ-વિજ્ઞાનની સાચી માહિતી માટે એક ગ્રૂપને યુરોપ પણ મોકલ્યું. તેઓને જણાવ્યું કે પાછા ફરતા પોતાની સાથે પુસ્તકો અને સાધનો લાવવાનું ન ભૂલે.

પૂર્વ-પશ્ચિમનો કોઈ તાલમેલ નહિ

યુરોપમાં ટૅલિસ્કોપ, અંતર માપવાના સાધનો અને વરનીયર સ્કેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. તોપણ જયસિંહે પથ્થરો અને ચૂનાની ઈમારતો શા માટે બનાવી? અને એવું શા માટે લાગતું હતું કે તે કોપર્નિકસ અને ગેલિલીયોની શોધખોળથી અજાણ હતા કે સૂર્ય આખા સૂર્ય મંડળનું કેન્દ્ર છે?

એ વખતે પૂર્વ અને પશ્ચિમ દેશોના લોકો વચ્ચે બહુ વાતચીત થતી ન હતી. એટલું જ નહિ, એ સમયના ધાર્મિક વાતાવરણને લીધે તકલીફ હતી. કેવી રીતે? બ્રાહ્મણ પંડિતો યુરોપ જવાની ના પાડતા. કારણ કે તેઓ માનતા હતા કે સમુદ્ર પાર કરવાથી તેઓ પોતાની જાત ગુમાવી બેસશે. તેથી, યુરોપના જેઝ્યુઈટ ખ્રિસ્તી પંડિતોએ જયસિંહને મદદ કરી. જયસિંહની જીવન કહાણીના લેખક વી. એન. શર્મા હતા. પોતાના પુસ્તકમાં તેમણે એ પણ જણાવ્યું કે શા માટે જયસિંહે યુરોપના સાધનો વાપર્યા નહિ. જેઝ્યુઈટ લોકો અને કૅથલિક ચર્ચના સામાન્ય લોકોને ધમકાવવામાં આવ્યા હતા કે જો તેઓ ગેલિલીયો અને બીજા વૈજ્ઞાનિકોના વિચારને સ્વીકારે કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરે છે તો, તેઓને સખત શિક્ષા કરવામાં આવશે. શા માટે? કેમ કે ચર્ચના લોકો માનતા હતા કે આ વિચારમાં માનનારા વિધર્મી અને નાસ્તિક છે. આથી જયસિંહે જે ગ્રૂપ યુરોપ મોકલ્યું હતું, એ કોપર્નિકસ કે ગેલિલીયોની શોધખોળ વિષે પુસ્તકો લઈ આવ્યું નહિ. તેમ જ એવાં નવાં સાધનો પણ ન લાવ્યું જેણે સાબિત કરી આપ્યું હોત કે સૂર્ય, આખા સૂર્યમંડળના કેન્દ્રમાં છે.

શોધખોળ ચાલુ રહે છે

જયસિંહના સમયમાં ધર્મના કટ્ટરપંથીઓ બીજા ધર્મોને નફરત કરતા હતા. આકાશ અને તારાઓ વિષે નવી નવી જાણકારી આપવા માટે જયસિંહે વેધશાળા બનાવી અને પોતાની આવડતનો પુરાવો આપ્યો. છતાં, ભારતના ખગોળ ક્ષેત્રમાં વરસો સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નહિ. તોપણ, આજે જંતર-મંતર બતાવે છે કે જયસિંહ જ્ઞાનના ભૂખ્યા હતા અને તેમનું મહેનતનું ફળ એ વેધશાળા છે.

સદીઓ પહેલા જયસિંહને તારાઓ અને ગ્રહોમાં ઘણો રસ હતો. એ વખતે પણ કેટલીક બુદ્ધિશાળી વ્યક્તિઓ આકાશ વિષે સંશોધન કરતી હતી અને વિશ્વની રચના સમજવા કોશિશ કરતી હતી. આજે પણ, માણસો પરમેશ્વરે બનાવેલી સૃષ્ટિ વિષે શોધખોળ કરતા રહે છે. તેઓ પણ “દૃષ્ટિ ઊંચી કરીને” આકાશમાં જોતા રહે છે.—યશાયાહ ૪૦:૨૬; ગીતશાસ્ત્ર ૧૯:૧. (g05 7/8)

[ડાયગ્રામ/પાન ૧૮ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સમ્રાટ યંત્ર એકદમ બરાબર સમય બતાવનારી છાયાયંત્ર/ધૂપઘડી હતી. મોટા ત્રિકોણનો પડછાયો ગોળાકાર જેવા ક્વાડ્રંટ (ચિત્રોમાં સફેદ વર્તુળ જુઓ) પર પડતો જેના પર નિશાનીઓ હતી

[ડાયગ્રામ/પાન ૧૮ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

જયપ્રકાશ યંત્ર કટોરા જેવા આકારનું બનેલું છે જેના પર નિશાન કરવામાં આવ્યા છે. એના એક કિનારેથી બીજા કિનારા સુધી બે તારને આરપાર લગાવવામાં આવે છે

રામ યંત્ર બતાવતું કે આકાશગંગામાં તારાઓ ક્યાં ક્યાં હતા. એ જોવા માટે વ્યક્તિને એની અંદર ઊભા રહેવું પડતું અને દીવાલ પર નિશાનીઓ તપાસવી પડતી

[ડાયગ્રામ/પાન ૧૮ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

મિશ્ર યંત્ર બતાવતું હતું કે અલગ અલગ શહેરોમાં ક્યારે બપોર થાય છે

[ડાયગ્રામ on page 19]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

નજરથી તારાઓ અને ગ્રહો જોવા, ખગોળશાસ્ત્રની સૌથી જૂની રીત હતી, જેને જયસિંહે વધારે ચોકસાઈભરી અને સચોટ બનાવી

તમને જાણવું હોય કે કોઈ ખાસ તારો ક્યાં છે, તો તમારે ઉન્‍નતાંશ જાણવાની જરૂર છે (એટલે આકાશમાં એ કેટલી ઊંચાઈએ છે) અને પછી એની દિનંશ (એટલે કે ઉત્તરથી પૂર્વ તરફ એ કેટલો દૂર છે)

સમ્રાટ યંત્રમાં બે વ્યક્તિની મદદથી કોઈ તારો અને આકાશમાં એ કઈ જગ્યાએ છે એ જાણી શકાતું હતું

[ક્રેડીટ લાઈન]

નીચે: Reproduced from the book SAWAI JAI SINGH AND HIS ASTRONOMY, published by Motilal Banarsidass Publishers (P) Ltd., Jawahar Nagar Delhi, India

[પાન ૧૯ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ભારત

નવી દિલ્હી

મથુરા

જયપુર

વારાણસી

ઉજ્જૈન

જયસિંહે ભારતમાં પાંચ વેધશાળાઓ બનાવી હતી જેમાંની એક નવી દિલ્હીમાં છે

[પાન ૧૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ચિત્રો: Courtesy Roop Kishore Goyal