દરેકને ઘરની જરૂર છે
દરેકને ઘરની જરૂર છે
‘પોતાના અને કુટુંબના ભલા માટે જોઈતી સગવડ સાથે ઘર રાખવાનો દરેકનો હક્ક છે.’—માનવ હક્કો માટેનો વિશ્વ ઠરાવ, કલમ ૨૫.
ખેતરમાં મજૂરી કરવા આવેલા લોકોના ટોળેટોળા ધીમે ધીમે એક વિસ્તારમાં રહેવા લાગ્યા. એ જ તેઓનું ઘર હતું. શહેર બહાર આવેલી એ જગ્યાએ કંઈ કેટલાંયે કુટુંબો પોતપોતાના ટ્રેઈલરમાં [કારથી ખેંચી લઈ જઈ શકાય એવા નાનકડા ઘરમાં] રહેતા હતા. એ જગ્યાનું ભાડું પણ એટલું બધું ન હતું. પારક્યુડોર્સથી ઓળખાતી એ વસ્તીમાં ન તો ગટરની સગવડ, ન ટોઇલેટની. કચરો એમને એમ પડ્યો રહે. ચોખ્ખા પાણીની પણ સગવડ નહિ. એક રિપોર્ટર કહે છે, “આ એવી જગ્યા હતી, જે [ખેતરનો] મજૂર ભાડે રાખી શકે.”
ત્રણેક વર્ષ પહેલાં સરકારે એવી અમુક જગ્યાઓ ખાલી કરાવી. ત્યાં રહેતા લોકો પોતપોતાના ટ્રેઈલરો વેચીને ગીચ શહેરમાં રહેવા ગયા. જ્યાં એક એક મકાનમાં કંઈ કેટલાયે લોકો રહેતા હતા. અરે, અમુક તો વાહન રાખવાની જગ્યામાં પણ રહેવા લાગ્યા. અમુક લોકોએ બિસ્તરા-પોટલા ઉઠાવીને, એવી જગ્યાની તલાશમાં ચાલતી પકડી, જ્યાં તેઓ ખેતરમાં મજૂરી કરીને પાછા જઈ શકે, જેને પોતાનું ઘર કહી શકે.
શું તમને એમ લાગે છે કે આ કોઈ ગરીબ દેશની વાત થઈ રહી છે? ના, આ તો અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા મેક્કા શહેર પાસેની વાત થાય છે. એ જગ્યા પામ સ્પ્રીંગ્સ નામના ધનવાન શહેરની પૂર્વ તરફ કારમાં જતાં ફક્ત એકાદ કલાક દૂર છે. કહેવામાં આવે છે કે અમેરિકામાં પહેલાંના કરતાં વધારે લોકો પાસે પોતાનાં ઘરો છે. મોટા ભાગના લોકોની આવક પોતાનું ઘર લઈ શકાય એટલી છે. તોપણ અમેરિકામાં પચાસેક લાખ કુટુંબો પાસે પોતાનું કહેવાય એવું ઘર નથી.
ગરીબ દેશોની હાલત તો એનાથીયે ખરાબ છે. સરકાર, સમાજ અને ધાર્મિક સંસ્થાઓના પ્રયત્નો છતાંય, દુનિયામાં વધારે ને વધારે લોકો ઘર માટે ફાંફાં મારે છે.
દુનિયાભરમાં તકલીફ
આખી દુનિયામાં જોઈએ તો લગભગ એક અબજ જેટલા લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. શહેરમાં ઊભરાતા લોકો વિષે, બ્રાઝિલના નિષ્ણાતો શું કહે છે? તેઓને ડર છે કે એ દેશમાં વધતી જતી ફવેલીસ એટલે કે ઝૂંપડપટ્ટીઓ “જે શહેરોમાં શરૂ થઈ, એનાથી પણ મોટી અને વસ્તીવાળી થઈ જશે.” નાઇજીરિયામાં પણ ૮૦ ટકાથી વધારે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. યુએનના સેક્રેટરી જનરલ કોફી એનને ૨૦૦૩માં કહ્યું કે “જો જલદી કોઈ પગલાં લેવામાં નહિ આવે, તો દુનિયામાં બીજાં ૩૦ વર્ષોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સંખ્યા આશરે બે અબજે જઈ પહોંચશે.”
આ તો હજુ બધી ગણતરીની વાત થઈ. દુનિયાના ગરીબ લોકોના દિલની વાત હજુ ક્યાં થઈ છે! રાત-દિવસ તેઓ કેવી ખરાબ હાલતમાં રહેતા હશે! યુનાઇટેડ નેશન્સના કહેવા પ્રમાણે, ગરીબ દેશોમાં પચાસ ટકાથી વધારે લોકો પાસે ટોઇલેટ અને કચરાના નિકાલની સગવડ નથી. તેત્રીસ ટકાને ચોખ્ખું પાણી નથી મળતું. પચ્ચીસ ટકા પાસે યોગ્ય ઘર નથી. વીસ ટકા લોકો દવાદારૂ કરાવી લાભ લઈ શકતા નથી. આ લોકો જે હાલતમાં રહે છે એમાં તો અમીર દેશોના લોકો પાળેલાં જાનવરને પણ નહિ રાખે!
દુનિયામાં સર્વનો હક્ક
દરેક માનવને રહેવા ઘર તો જોઈએ જ. એના વગર તો ચાલે જ નહિ. યુનાઈટેડ નેશન્સે ૧૯૪૮માં માનવ હક્કો માટેનો વિશ્વ ઠરાવ માન્ય કર્યો હતો. એમાં જાહેર થયું કે દરેક માનવનો હક્ક છે કે તેની પાસે યોગ્ય ઘર હોય. ખરેખર, દરેકને સારા ઘરની જરૂર છે.
ઘણા દેશોએ ૧૯૯૬માં યુએનનો હેબીટેટ એજન્ડા સ્વીકાર્યો. આ લખાણમાં વાત થઈ હતી કે કઈ રીતે બધા માટે એક સારા ઘરની સગવડ કરવી. પછી, યુએને જાન્યુઆરી ૧, ૨૦૦૨માં આ જવાબદારી ઉપાડવા એ લખાણને યુએન પ્રોગ્રામનું રૂપ આપ્યું.
એક બાજુ સૌથી ધનવાન દેશો ચંદ્ર પર રહેવા જવાના, મંગળ ગ્રહ પર શોધખોળ કરવાના સપના જુએ છે. બીજી બાજુ તેઓના જ દેશમાં વધારે ને વધારે ગરીબ લોકો પાસે ધરતી પર સારું ઘર પણ નથી! શું તમારી પાસે સારું ઘર છે? શું એક દિવસ આપણા બધાની પાસે પોતાનું સરસ મજાનું ઘર હશે? (g05 9/22)
[પાન ૪ પર બ્લર્બ]
અમુક દેશો ચંદ્ર પર રહેવાના સપના જુએ છે, જ્યારે કે તેઓના નાગરિકો પાસે ધરતી પર રહેવાને સારું ઘર પણ નથી
[પાન ૨, ૩ પર ચિત્ર]
એશિયાનું ઘરબાર વગરનું કુટુંબ.
એક શહેરમાં ૩,૫૦૦ કુટુંબો તંબૂ તાણીને રહે છે. તેઓને પાણી, ટોઇલેટ ને ચોખ્ખાઈની સખત જરૂર છે.
[ક્રેડીટ લાઈન]
© Tim Dirven/Panos Pictures
[પાન ૪ પર ચિત્ર]
ઉત્તર અમેરિકા