સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મન મોહી લેતું સોનું

મન મોહી લેતું સોનું

મન મોહી લેતું સોનું

ઑસ્ટ્રેલિયાના સજાગ બનો!ના લેખક તરફથી

ઑસ્ટ્રેલિયાના ઉજ્જડ વિસ્તારમાં સોનાની ખાણમાં કામ કરનાર એક માણસ, સૂકી નદીના પટ પર ધીમે ધીમે ચાલી રહ્યો છે. બપોરનો કાળઝાળ તડકો તેની પીઠને દઝાડી રહ્યો છે. તેનો ધૂળવાળો શર્ટ પરસેવે રેબઝેબ થઈ ગયો છે. આ માણસની હિંમત તો જુઓ! તે થાકીને હાર માનવા તૈયાર નથી. તેના હાથમાં ધાતુનો એક લાંબો સળિયો છે, જેના પર થાળી આકારનું એક સાધન જોડેલું છે. એ ‘મેટલ ડિટેક્ટર’ છે, જેને તે જમીન પર આગળ પાછળ ઘુમાવે છે. એ સાધનમાં એવું ચુંબક છે કે જે જમીનની અંદર એક મીટર સુધી રહેલી કોઈ પણ ધાતુને પકડી પાડે છે. એ મળે કે તરત જ મેટલ ડિટેક્ટરમાંથી મોટા અવાજે બીપ બીપ વાગે છે, જે ઑપરેટરે પહેરેલા હેડફોનમાં સંભળાય છે.

અચાનક ડિટેક્ટરમાંથી બીપ બીપ અવાજ આવવા લાગે છે. ધીમે ધીમે એ ઓછો થઈને, ઘડિયાળની જેમ ટીક ટીક સંભળાવા લાગે છે. એ સાંભળતા જ પેલા માણસના દિલના ધબકારા વધી જાય છે. કેમ? એ અવાજ બતાવે છે કે એટલામાં એ જમીનમાં કોઈ ધાતુ છે. તે કોદાળીથી જલદી જલદી જમીન ખોદવા લાગે છે. શક્ય છે કે એ ધાતુ કાટ લાગેલા લોખંડની કોઈ વસ્તુ હોય. જૂનો સિક્કો હોય. પરંતુ જેમ જેમ ખાડો ઊંડો ખોદાતો જાય છે તેમ તેમ, તેની આંખો બસ એક જ વસ્તુને જોવા બેતાબ બની જાય છે–સોનું!

સદીઓથી સોના માટે થઈ રહેલી ભાગદોડ

આજે ભલે લોકો નવી નવી ટેકનિકથી સોનું શોધતા હોય, પણ આ ચમકતી, પીળી ધાતુ મેળવવાનું માનવીનું ઝનૂન હજી ઓસર્યું નથી. વિશ્વ સુવર્ણ પરિષદ મુજબ, છેલ્લાં છ હજાર વર્ષોમાં ૧,૨૫,૦૦૦ ટનથી વધારે સોનું જમીનમાંથી ખોદી કાઢવામાં આવ્યું છે. * ખરું કે મિસર, ઓફીર અને દક્ષિણ અમેરિકાની પ્રાચીન પ્રજા અઢળક સોનાની માલિક તરીકે મશહૂર હતી. પરંતુ, આજ સુધીમાં જેટલું સોનું કાઢવામાં આવ્યું છે, એમાંથી ૯૦ ટકા છેલ્લાં ૧૫૦ વર્ષોમાં કાઢવામાં આવ્યું છે.—૧ રાજા ૯:૨૮.

ઈસવીસન ૧૮૪૮થી જમીન ખોદીને સોનું મેળવવાના ધંધામાં ખૂબ ઉછાળો આવ્યો. ત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં, એક નદી પાસે સટર નામના માણસની મિલ પાસેથી સોનું મળી આવ્યું હતું. એનાથી સોના માટે દોડધામ શરૂ થઈ ગઈ. પછી તો સોનું મેળવવાની આશામાં કોઈ કોઈ જગ્યાએ લોકોના ટોળેટોળા તૂટી પડતા. કેલિફોર્નિયા આવેલા બધા સપનાં જોવા લાગ્યા કે તેઓને ખજાનો હાથ લાગશે. પણ ઘણા લોકો હાથ ઘસતા રહી ગયા, જ્યારે અમુક લોકો રાતોરાત અમીર બની ગયા. ખાલી ૧૮૫૧માં કેલિફોર્નિયાની સોનાની ખાણોમાંથી જ ૭૭ ટન સોનું કાઢવામાં આવ્યું!

લગભગ આ જ સમયે, દુનિયાના બીજા છેડે, ઑસ્ટ્રેલિયાની નવી નવી ઊભરાઈ રહેલી વસાહતમાં સોનું છે, એવી શોધ થઈ. કેલિફોર્નિયાનો એડવર્ડ હારગ્રેવ્ઝ ઑસ્ટ્રેલિયા આવ્યો. તેને સોનાની ખાણોનો સારો એવો અનુભવ હતો. ત્યાં તેણે ન્યુ સાઉથ વેલ્સના એક નાના ગામ, બાથર્સ્ટ નજીક એક ઝરણામાં સોનું શોધી કાઢ્યું. વર્ષ ૧૮૫૧માં, વિક્ટોરિયા રાજ્યના બેલારેટ અને બેંડિગો શહેરોમાં પણ ઘણું સોનું મળી આવ્યું. આ વિષે લોકોને ખબર પડતી ગઈ તેમ, તેઓ એ જગ્યાઓ પર તૂટી પડ્યા. સોનાની શોધમાં આવેલા અમુક લોકો ખાણિયા હતા. ઘણા લોકો ખેડૂતો હતા. બીજાઓ ઑફિસમાં કામ કરનારા હતા, જેઓએ કદી હાથમાં કોદાળી પણ પકડી ન હતી. સોના માટેની ભાગદોડની લોકો પર કેવી અસર થાય છે? એ વિષે ત્યાંના એક ન્યૂઝપેપરે આવું વર્ણન કર્યું: “બાથર્સ્ટ ફરી એક વાર ગાંડું થઈ ગયું છે. સોનું શોધવા લોકો પર પહેલાંથી પણ વધારે ઝનૂન સવાર થઈ ગયું છે. લોકો એકબીજાને મળે છે. ટગર ટગર જોતા રહે છે. કંઈ બોલે તોપણ અર્થ વગરની વાતો કરે છે. બસ બધા પોતાનામાં જ મસ્ત છે કે હવે આગળ શું થશે.”

પછી શું થયું? રાતોરાત ઑસ્ટ્રેલિયાની વસ્તી વધવા લાગી. વર્ષ ૧૮૫૧ પછીના દસ વર્ષોમાં ઑસ્ટ્રેલિયાની વસ્તી બમણી થઈ ગઈ. દુનિયાના ખૂણે ખૂણેથી લોકો સોનાના મોહમાં ઑસ્ટ્રેલિયા આવવા લાગ્યા. ક્યાંક ઓછું તો ક્યાંક વધારે સોનું મળી આવ્યું. કોઈ એક જગ્યાએ સોના માટે લોકોનો ધસારો ઓછો થતો, ત્યાં જ બીજી જગ્યાએ લોકો ધસારો કરી દેતા. ફક્ત ૧૮૫૬માં જ ઑસ્ટ્રેલિયામાં લોકોએ ૯૫ ટન સોનું જમીનમાંથી મેળવ્યું. પછી ૧૮૯૩માં ખાણિયાઓને પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કાલગુર્લી બોલ્ડર નજીક સોનાની ખાણ મળી આવી. ત્યારથી આ ખાણોમાંથી ૧,૩૦૦ ટનથી વધારે સોનું કાઢવામાં આવ્યું છે. એને “દુનિયાની સૌથી વધારે સોનું ધરાવતી ૨.૫ ચોરસ કિલોમીટરની જમીન” કહેવામાં આવે છે. આ ખાણમાંથી આજે પણ સોનું કાઢવામાં આવે છે અને એ દુનિયાની સૌથી ઊંડી અને ખુલ્લી ખાણ છે. આ ખાણ જોવામાં એક મોટી ખીણ જેવી લાગે છે, જે માનવીઓએ બનાવી છે. આ ખીણ બે કિલોમીટર પહોળી, ત્રણ કિલોમીટર લાંબી અને ૪૦૦ મીટર ઊંડી છે!

આજે દુનિયામાં સૌથી વધારે સોનું ઉત્પાદન કરનારા દેશોમાં ઑસ્ટ્રેલિયાનો ત્રીજો નંબર આવે છે. ત્યાં સોનું કાઢવા કુલ ૬૦,૦૦૦ લોકો કામ કરે છે. દર વર્ષે તેઓ આશરે ૩૦૦ ટન સોનું કાઢે છે. એની કિંમત ૫ અબજ (ઑસ્ટ્રેલિયન) ડોલર (લગભગ ૧૭૦ અબજ રૂપિયા) બરાબર છે. સોનાના ઉત્પાદનમાં અમેરિકાનો બીજો નંબર આવે છે. છેલ્લાં સોએક વર્ષોથી દુનિયામાં સૌથી વધારે સોનું ઉત્પાદન કરવામાં દક્ષિણ આફ્રિકા પહેલો નંબર લઈ જાય છે. આજ સુધીમાં જેટલું સોનું ખોદીને કાઢવામાં આવ્યું છે, એમાં ૪૦ ટકા સોનું એ દેશમાંથી આવ્યું છે. દુનિયાભરમાં દર વર્ષે ૨,૦૦૦ ટનથી વધારે સોનું કાઢવામાં આવે છે. પરંતુ આ કીમતી ધાતુનું શું કરવામાં આવે છે?

દોલત ને સુંદરતાનું મિલન

અમુક સોનામાંથી આજે પણ સિક્કા બનાવાય છે. પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સિક્કા બનાવવાનું કારખાનું છે, જે દુનિયાના સૌથી વધારે સિક્કા બનાવતા કારખાનામાંનું એક છે. આ સિક્કા પૈસા તરીકે વપરાતા નથી. અમુક લોકો ખાલી શોખ માટે એકઠા કરે છે. એ સિવાય, આજ સુધી ખાણોમાંથી મેળવેલા કુલ સોનામાંથી આશરે ૨૫ ટકા સોનાની ઈંટો બનાવીને બેંકની તિજોરીઓમાં રાખવામાં આવી છે. સૌથી વધારે ઈંટો અમેરિકાની બેંકની તિજોરીઓમાં છે.

હાલમાં, દર વર્ષે ખાણમાંથી મળી આવતા સોનામાંથી આશરે ૮૦ ટકા, એટલે કે ૧,૬૦૦ ટન સોનાનાં ઘરેણાં બનાવાય છે. અમેરિકાની બેંકોમાં ભલે સૌથી વધારે સોનાની ઈંટો હોય, પણ ઘરેણાંની વાત કરીએ તો, ભારતમાં સૌથી વધારે સોનું છે. આ નરમ, કીમતી અને સુંદર ધાતુ બીજી ઘણી રીતે વપરાય છે.

જૂના જમાનાની ધાતુ, આજે પણ ઉપયોગી

પહેલાના ઇજિપ્તના રાજાઓ કદાચ એમ માનતા હતા કે સોનાને કાટ લાગતો નથી. એટલે જ તેઓ મરી ગયેલાઓનો મુખવટો નક્કર સોનામાંથી બનાવતા. ખોદકામ કરીને શોધખોળ કરનારાઓએ રાજા તુતાન્ખામેનના મરણના હજારો વર્ષ પછી તેની કબર શોધી કાઢી ત્યારે, જોવા મળ્યું કે સોનું કેટલું ટકાઉ હોય છે. આ જુવાન રાજાનો સોનાનો મુખવટો જરાય ઝાંખો પડ્યો ન હતો. એનો સોનેરી રંગ ત્યારેય ચમકતો હતો.

સોનાની ચમક ક્યારેય ઝાંખી પડતી નથી, કારણ કે એને હવા-પાણીની કોઈ અસર થતી નથી. જ્યારે કે લોખંડ જેવી બીજી ધાતુઓને કાટ લાગતા વાર નથી લાગતી. આ સિવાય, સોનાનો અજોડ ગુણ એ છે કે એમાંથી વીજળી પણ પસાર થઈ શકે છે. એટલે જ ઇલેકટ્રોનિક ચીજોમાં એ મહત્ત્વની ધાતુ છે. ટીવી, વી.સી.આર, સેલ ફોન અને આશરે પાંચ કરોડ કૉમ્પ્યુટર બનાવવા માટે દર વર્ષે લગભગ ૨૦૦ ટન સોનું વપરાય છે. અરે, સારી કૉમ્પેક્ટ ડિસ્કમાં પણ ટકાઉ સોનાનું એક પાતળું પડ લગાવવામાં આવે છે, જેથી એ ડિસ્ક લાંબો સમય સુધી ચાલે.

સોનાની કચકડા જેવી પાતળી પટ્ટીઓ તો હજુયે જોરદાર. સોનાની અત્યંત પાતળી પટ્ટીઓમાંથી આરપાર જોઈ શકાય છે. હવે જરા વિચારો કે એના પર પ્રકાશ પડતા શું થાય છે. એ પટ્ટી લીલા રંગના પ્રકાશને પસાર થવા દે છે. પણ લાલાશ જેવા પ્રકાશને રોકી લે છે. આ જ કારણે જે બારીઓ પર સોનાનું આવું પડ લાગ્યું હોય, એ ફક્ત પ્રકાશ અંદર આવવા દે છે, પણ ગરમી બહાર જ રાખે છે. આજના વિમાનોમાં પાઇલટની કોકપિટની બારીઓમાં, તેમ જ મોટી મોટી ઑફિસ બિલ્ડિંગોની બારીઓ પર પણ સોનાનું બારીક પડ લગાવવામાં આવે છે. એટલું જ નહિ, અંતરિક્ષયાનના પાર્ટ્‌સ પર પણ આરપાર દેખાય નહિ એવા સોનાના પડ લગાવવામાં આવે છે, નહિ તો એ પાર્ટ્‌સ બહુ જલદી ખરાબ થઈ શકે છે. આ પડ એ પાર્ટ્‌સનું તેજ કિરણોથી અને ગરમીથી સારું એવું રક્ષણ કરે છે.

સોના પર જીવ-જંતુઓની પણ કોઈ અસર થતી નથી. એટલે જ દાંતના ડૉક્ટર, તૂટી ગયેલા કે સડી ગયેલા દાંતોને ઠીક કરવા કે પછી નવા દાંત લગાવવા સોનાનો ઉપયોગ કરે છે. હાલના વર્ષોમાં, સર્જરીમાં પણ સોનું બહુ ઉપયોગી સાબિત થયું છે. જેમ કે, સોનાથી મઢેલા સ્ટૈંટ્‌સ, એટલે કે તારની બનેલી નાની નાની ટ્યુબ શરીરની અંદર લગાવવામાં આવે છે. જેથી, ખરાબ થઈ ગયેલી નસો અને ધમનીઓને મજબૂત કરી શકાય.

હવે તમે જોઈ શકો કે સોનું કેટલી કીમતી ધાતુ છે! એ અનમોલ છે, સુંદર પણ છે. એટલે જ તો, કોઈ શક નથી કે આ મનમોહક ધાતુ માટે લોકોની શોધ ચાલુ જ રહેશે. (g05 9/22)

[ફુટનોટ]

^ સોનું બહુ ભારે હોય છે. જેમ કે બધી બાજુથી ૩૭ સેન્ટિમિટર ચોરસ આકારના એક ટૂકડાનું વજન એક ટન જેટલું હશે.

[પાન ૨૫ પર બોક્સ]

સોનું ક્યાંથી મળે છે?

ખડકો: સોનું લાવાના રસમાંથી બનેલા ખડકોમાં ખૂબ ઓછું મળી આવે છે. પરંતુ દુનિયાના અમુક વિસ્તારના ખડકોમાં વધારે સોનું મળી આવે છે. એટલે જ કંપનીઓ સોનું કાઢવા માટે પૈસો, સમય ને મહેનત બધું જ દાવ પર લગાવી દે છે. તેઓ ખડકો ખોદે છે. યંત્રોથી એનો ભૂકો બનાવે છે. પછી એના પર રાસાયણિક પ્રક્રિયા કરીને સોનું અલગ કરે છે. સૌથી સારા એક ટન કાચા ખનીજમાં ફક્ત ૩૦ ગ્રામ સોનું હોય છે.

પાસાદાર ખડક: કોઈ કોઈ વાર સોનું ખડકોની તિરાડોમાં મળી આવે છે.

નદીઓ: સમય ગુજરતો જાય તેમ, ખનીજ પથ્થર, જેમાં સોનું હોય છે, એ તાપ, વરસાદ અને હવાની થાપટો ખાઈને તૂટી જાય છે. પછી એમાં રહેલું સોનું નીકળીને બહાર આવી જાય છે. એ નાના નાના કણો કે ટૂકડાઓના રૂપમાં સાંકડી ખાડી કે નદીઓમાં જમા થાય છે.

જમીનની અંદર: જમીનની અંદર અનેક આકારમાં સોનાના ગઠ્ઠા તૈયાર થાય છે. આ ગઠ્ઠાઓ કોઈ કોઈ વાર તો બહુ મોટા હોય છે. આજ સુધીમાં ઑસ્ટ્રેલિયામાં મળી આવેલા સોનાના ગઠ્ઠાઓમાં સૌથી મોટા ગઠ્ઠાને ‘ધ વેલકમ સ્ટ્રેંજર’ નામ આપવામાં આવ્યું છે. એનું વજન લગભગ ૭૦ કિલો હતું! એને ૧૮૬૯માં ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં શોધી કાઢવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં સોનાના મોટા મોટા ગઠ્ઠા મળી આવ્યા છે. અત્યાર સુધીમાં મળી આવેલા મોટા મોટા ૨૫ ગઠ્ઠાઓમાંથી ૨૩ ખાલી ઑસ્ટ્રેલિયાની જમીનમાંથી મળી આવ્યા છે. આજે સોનાના ગઠ્ઠા દિવાસળીના માથા જેટલા નાના પણ હોય શકે છે. એ ઉત્તમ હીરાથી પણ અનમોલ છે.

[પાન ૨૭ પર બોક્સ/ચિત્ર]

મેટલ ડિટેક્ટર કેવી રીતે કામ કરે છે?

મેટલ ડિટેક્ટરમાં સામાન્ય રીતે બે તાર હોય છે. એક તારમાંથી વીજળી પસાર કરવામાં આવે છે, જે ચુંબક જેવું કામ કરે છે. જ્યારે મેટલ ડિટેક્ટર જમીનમાં રહેલી કોઈ ધાતુ, જેમ કે સોનાનો ગઠ્ઠો કે લગડી પરથી પસાર થાય છે ત્યારે એ ગઠ્ઠામાંથી એક નાજુક તરંગ પેદા થાય છે. મેટલ ડિટેક્ટરનો બીજો તાર તરત એ તરંગ પકડી પાડે છે. પછી, લાઈટથી, ડિટેક્ટરમાં રહેલા ઈંડીકેટર દ્વારા કે પછી અવાજથી ઑપરેટરને સાવધ કરે છે.

[પાન ૨૫ પર ચિત્રો]

અઢારમી સદીની મધ્યમાં સોનાની શોધમાં ભારે ઉછાળો આવ્યો:

૧. સટરની મિલ, કેલિફોર્નિયા, અમેરિકા

૨. બેડિંગો ક્રીક, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા

૩. ગોલ્ડન પૉઈંટ, બેલારેટ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા

[ક્રેડીટ લાઈન્સ]

1: Library of Congress; 2: Gold Museum, Ballarat; 3: La Trobe Picture Collection, State Library of Victoria

[પાન ૨૬ પર ચિત્ર]

આજે સોનાનો ઉપયોગ

સારી કૉમ્પેક્ટ ડિસ્કમાં સોનાનું પાતળું પડ લગાવવામાં આવે છે

સોનાનો વરખ અંતરિક્ષયાનમાં ઉપયોગમાં લેવાય છે

સોનું માઈક્રોચિપ્સ બનાવવામાં વપરાય છે

સોનાનું પાણી ચઢાવેલા તારમાંથી વીજળી પસાર થઈ શકે છે

[ક્રેડીટ લાઈન્સ]

NASA photo

Carita Stubbe

Courtesy Tanaka Denshi Kogyo

[પાન ૨૬ પર ચિત્ર]

દુનિયાની સૌથી ઊંડી સોનાની ખાણ, કાલગુર્લી બોલ્ડર, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા

[ક્રેડીટ લાઈન]

Courtesy Newmont Mining Corporation

[પાન ૨૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Brasil Gemas, Ouro Preto, MG