સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

શું તોફાની બાળકો શાંત બની શકે?

ધ સિડની મૉર્નિંગ હેરાલ્ડ છાપાએ બતાવ્યું, “મોટા ભાગે તોફાની બાળકો મોટાં થતાં શાંત બની જાય છે. તેઓ લગભગ તેરથી ઓગણીસ વર્ષનાં થાય ત્યાં સુધીમાં તો તેઓનું તોફાન મસ્તી બધું શાંત થઈ જાય છે.” ઑસ્ટ્રેલિયામાં આવેલી એક સંસ્થા કુટુંબોનો અભ્યાસ કરે છે. તેઓએ ૧૭૮ બાળકોની નોંધ લીધી. તેઓએ જોયું કે લગભગ ૧૧ વર્ષનાં બાળકોમાં ત્રણથી વધુ કુટેવો જોવા મળે છે. દાખલા તરીકે તેઓ “તરત જ ગુસ્સે થઈ જાય, કોઈનું કહ્યું ન માને, પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શકે, કામમાં ધ્યાન આપી ન શકે, એક મિનિટ પણ શાંતિથી ન બેસી શકે અથવા રિસાઈ જાય.” આ સંસ્થાએ છ વર્ષ પછી ફરી પાછા એ જ બાળકોની મુલાકાત લીધી. તેઓએ જોયું કે લગભગ ૧૦૦ બાળકો ‘યુવાનીમાં હવે શાંત બની ગયા હતા.’ પરંતુ, પ્રશ્ન ઊભો થાય છે કે તેઓ કઈ રીતે સુધરી ગયા? એ જ રિપોર્ટ જણાવે છે કે “ખરાબ સોબત ન રાખવાથી બાળકો સારા યુવાનો બને છે. તેમ જ માબાપ પણ તેઓનું ધ્યાન રાખે છે.” (g05 8/8)

સિગારેટથી થતું નુકસાન

ન્યૂ સાયન્ટિફિક મૅગેઝિન પ્રમાણે, “બીડી કે સિગારેટ પીવાથી ફક્ત ફેફસાં અને ધમનીઓને જ નહિ, આખા શરીરને અસર થાય છે.” અમેરિકાના એક રિપોર્ટ પ્રમાણે ડૉક્ટર રિચાર્ડ એચ. કારમોનાએ બીડી ફૂંકવાથી થતી અનેક બીમારીઓ જણાવી. જેમ કે ન્યૂમોનિઆ, લોહીનું કૅન્સર, મોતિયો, મોઢાના રોગ, મૂત્રપિંડ, ગર્ભાશય, પેટ અને સ્વાદુપિંડનું કૅન્સર થાય છે. ડૉક્ટર કારમોના કહે છે, “આપણે વર્ષોથી જાણીએ છીએ કે સિગારેટથી આપણને નુકસાન થાય છે. પરંતુ કેટલી હદે નુકસાન થાય છે એ આપણે ખરેખર જાણતા નથી,” એમ આ રિપોર્ટે કહ્યું. ડૉક્ટર કારમોના આગળ કહે છે, “સિગારેટનું ઝેર આખા શરીરના લોહીમાં ભળી જાય છે.” અમુક લોકો એવું માને છે કે જે સિગારેટમાં ટાર નામનું કેમિકલ અને તમાકુ ઓછા હોય તો એટલી ખરાબ અસર થતી નથી. હકીકતમાં એ સાચું નથી. ડૉક્ટર કારમોના જણાવે છે કે ‘બધી જ સિગારેટથી નુકસાન થાય છે. બીડી પીનારાઓની સાથે જેઓ બીડી નથી પીતા તેઓને સરખાવો. બીડી પીનારા ૧૩થી ૧૪ વર્ષ વહેલા મરી જાય છે.’ ડૉક્ટર કારમોનાએ ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં જણાવ્યું કે “સિગારેટ આપણા શરીરના લગભગ દરેક અંગોને અસર કરે છે. એ અસર ગમે ત્યારે થઈ શકે છે.” (g05 9/22)

લગ્‍નમાં પણ છેતરપિંડી?

જોહાનિસબર્ગના એક ન્યૂઝ પેપર પ્રમાણે, દક્ષિણ આફ્રિકામાં ૩,૦૦૦થી વધારે સ્ત્રીઓને છેતરીને “લગ્‍નબંધનમાં” બાંધી દેવામાં આવે છે. સ્ત્રીઓને લાગે છે કે તેઓ નોકરી માટેના ફોર્મ પર સહી કરી રહી છે. હકીકતમાં તો તેઓ લગ્‍નના સર્ટિફિકેટ પર સહી કરી રહી હોય છે. આ સર્ટિફિકેટના લીધે હવે પરદેશી “વર” એ દેશમાં કાયમ માટે રહી શકે છે. સ્ત્રીઓને એની ક્યારે ખબર પડે છે? તેઓ પોતાનું આઈડી કાર્ડ કે ઓળખપત્ર ગુમાવે અને બીજું લેવા જાય ત્યારે તેને ખબર પડે કે તેના લગ્‍ન થઈ ગયા છે. તેનું નામ બદલાઈ ગયું છે. બીજું કે, તેઓ પોતાના લગ્‍ન રજિસ્ટર કરવા જાય છે ત્યારે, તેઓને ખબર પડે છે કે તેઓના લગ્‍ન તો બીજા કોઈક સાથે થઈ ગયા છે! તેઓ છેતરપિંડીથી કરવામાં આવેલા લગ્‍નથી સહેલાઈથી છૂટી શકતી નથી. તેમ છતાં, લગભગ ૨,૦૦૦ સ્ત્રીઓ છૂટી થઈ શકી છે. આવી છેતરપિંડી સામે હવે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જેમ કે કોઈ પણ પરદેશી લગ્‍નસાથીને દેશમાં રહેવાનો હક્ક જોઈતો હોય તો, તેણે પાંચ વર્ષ સુધી રાહ જોવી જ પડે. ત્યાર પછી જ, તે કાયમ માટે રહેવાની અરજી કરી શકે. (g05 5/22)

વાંચવાના શોખીન બાળકોને સારા માર્ક્સ

મૅક્સિકોના ન્યૂઝ પેપર મિલાનીઓ પ્રમાણે જે બાળકોને વાંચવાનો શોખ છે, તેઓને સ્કૂલમાં સારા માર્ક્સ મળે છે. જ્યારે કે કલાકો સુધી અભ્યાસ કરનાર, કે પછી માબાપ પાસેથી શિક્ષણ મેળવનાર અથવા ક્લાસની નોટ્‌સનો ઉપયોગ કરે કે પછી કૉમ્પ્યુટરનો ઉપયોગ કરનારાઓ સ્કૂલમાં એટલું સારું નથી કરતા. સ્કૂલમાં જોડાયેલા હજારો વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાંથી જાણવા મળ્યું કે સ્કૂલમાં અને ઘરે વાંચનારાઓ સારા માર્ક મેળવે છે. વિદ્યાર્થીઓ ફક્ત સ્કૂલનાં પુસ્તકો જ નહિ, પણ અનેક પુસ્તકો વાંચે છે. એ પુસ્તકો કોઈ વ્યક્તિ વિષે હોય શકે, કવિતાઓ કે પછી વિજ્ઞાન વિષે પણ હોય શકે. રિપોર્ટ એવું પણ બતાવે છે કે ઘણા કલાકો ટીવી જોતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓછા માર્ક્સ મેળવે છે. (g05 8/8)

ભૂટાનમાં બીડી-સિગારેટની મનાઈ

ભૂટાન રાજ્ય હિમાલયમાં ભારત અને ચીનની વચ્ચે આવેલું છે. અહીં બીડી-સિગારેટ પીવાની મનાઈ છે. ફક્ત પરદેશી રાજનેતાઓ, ટૂરિસ્ટ અને સરકારી કામકાજ સાથે જોડાયેલા ન હોય તેઓ સિવાય બધાને મનાઈ છે. આખા જગતમાં ફક્ત ભૂટાન જ એવું છે કે જેમાં આવી મનાઈ છે. જાહેર સ્થળોમાં પણ સિગારેટ ફૂંકી શકાય નહિ. બીબીસી ન્યૂઝ પ્રમાણે “આ પગલાં લેવામાં આવ્યાં છે, જેથી ભૂટાનમાં કોઈ બીડી સિગારેટ ન પીએ.” (g05 8/22)

હથિયારો ટીપીને મનોરંજનનાં સાધનો બનાવ્યાં

બ્રાઝિલમાં હથિયાર ઓછા કરવાની એક યોજના કરવામાં આવી: જે કોઈ પોતાના હથિયાર આપી દે, તેઓને ૧,૩૫૦થી ૪,૫૦૦ રૂપિયા આપવામાં આવે. ફોલ્યા ઓન લાઈન છાપા પ્રમાણે જુલાઈથી ડિસેમ્બર, ૨૦૦૪માં ૨,૦૦,૦૦૦થી વધારે હથિયારો ભેગાં કરવામાં આવ્યાં. સાઓ પાઊલોમાં પણ હથિયારો ભેગાં કરવામાં આવ્યાં હતાં. એને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યાં. ત્યાર પછી એ ઓગાળીને રમત-ગમતની વસ્તુઓ બનાવવામાં આવી. એ હવે શહેરના બાગમાં રાખવામાં આવી છે. હવે એ બાગમાં ઊંચે નીચે હીંચકા ખાવાનો ચીંચવો, હીંચકા અને લપસણી પણ છે. આ બધું મેળવેલાં હથિયારોના લોઢામાંથી બનાવવામાં આવ્યું છે. ન્યાયાધીશ થોમાસ મારસીઓ કહે છે: ‘આ યોજના એ કારણે કરવામાં આવી હતી કે સમાજમાં શાંતિ આવે.’ (g05 9/22)

મુશ્કેલીઓનો ઇલાજ, ઊંઘ

લંડનના ધ ટાઈમ્સ પેપર પ્રમાણે, “મુશ્કેલીમાં ફસાયેલા ઘણા લોકો ઊંઘ લીધા પછી એનો જવાબ મેળવી શક્યા છે. એવું લાગે છે કે ઉકેલ શોધવા આપણું મગજ રાત્રે ધીમે ધીમે કામ કરી રહ્યું હોય.” જર્મનીના વૈજ્ઞાનિકોને પણ એવી જ હકીકત જોવા મળી, જેના વિષે તેઓએ નેચર મૅગેઝિનમાં જણાવ્યું. તેઓએ ૬૬ લોકોને ગણિતનો એક દાખલો ગણવા આપ્યો. પછી તેઓને બે રીતો બતાવી કે કેવી રીતે એ દાખલો ગણી શકાય. પરંતુ ત્રીજી સહેલી ને ટૂંકી રીત ન બતાવી પણ તેઓને પોતાની રીતે એ ગણવા કહ્યું. અમુક લોકોને એમ કરતા પહેલાં ઊંઘ ખેંચી લેવા કહ્યું. જ્યારે કે બીજાઓને આખી રાત કે દિવસ એ દાખલા ગણવા સમય આપ્યો. લંડનનું છાપું, ધ ડેઈલી ટેલિગ્રાફ કહે છે: ‘ઊંઘ તો કામ કરી ગઈ! આ બે ગ્રૂપની સરખામણી કરી તો, જોવા મળ્યું કે જેઓએ બરાબર ઊંઘ લીધી હતી તેઓ સહેલાઈથી દાખલાની ત્રીજી રીત શોધી શક્યા.’ પરંતુ વૈજ્ઞાનિકોને જાણવું હતું કે, શું ફક્ત આરામ કરવાથી જ તેઓ એમ કરી શક્યા કે કેમ. તેથી એક બીજી કસોટી કરી. આ વખતે બંને ગ્રૂપોને આરામ કરવા દીધા પછી ટેસ્ટ આપ્યો. આ કસોટીમાંથી તેઓને જાણવા મળ્યું કે બંને ગ્રૂપની આવડત સરખી જ હતી. તેથી ધ ટાઈમ્સ છાપું જણાવે છે કે ‘મગજને ફક્ત આરામ મળે છે એટલે જ નહિ, પણ સૂતા પહેલા જો કોઈ મુશ્કેલી હોય, તો ઊંઘમાં મગજ એનો જવાબ શોધી શકે છે.’ એક સંશોધક, ડૉક્ટર અલરીક વાગનરે જણાવ્યું કે ‘ઊંઘમાં પણ આપણું મગજ કામ કરતું હોય છે. નવા નવા વિચારો ઊંઘમાં પેદા થઈ શકે છે.’ (g05 9/8)