સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આટલો બધો ટ્રાફિક! શું કરી શકાય?

આટલો બધો ટ્રાફિક! શું કરી શકાય?

આટલો બધો ટ્રાફિક! શું કરી શકાય?

ફિલિપાઈન્સના સજાગ બનો!ના લેખક તરફથી

ઘણાં મોટાં મોટાં શહેરોમાં ટ્રાફિકની તકલીફ છે. ટ્રાફિકને લીધે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે.

એવું માલૂમ પડ્યું છે કે ટ્રાફિકમાં વારંવાર ફસાઈ જવાથી, આપણી તબિયત પર અસર પડે છે. એક સર્વે મુજબ, વ્યક્તિ ટ્રાફિકમાં ફસાય તો, એકાદ કલાકમાં તેને હાર્ટઍટેક આવી શકે છે. ધ ન્યૂઝીલૅન્ડ હૈરલ્ડના રિપૉર્ટ પ્રમાણે, “વાહનોનો ધુમાડો, ઘોંઘાટ અને ટેન્શનને કારણે અચાનક હાર્ટઍટેક આવી શકે છે.”

હવામાં ઝેર

મોટા ભાગનાં વાહનોના ધુમાડામાં નાઇટ્રોજન ઑક્સાઈડ હોય છે. એમાં એવા કેમિકલ્સ પણ હોય છે, જેનાથી કૅન્સર થઈ શકે. ઘણાં વાહનો, ખાસ કરીને ડિઝલથી ચાલતા વાહનો ધુમાડાની સાથે, મોટા પ્રમાણમાં હવામાં નાના નાના કણ છોડે છે. એનાથી લોકોની તબિયત પર અસર પડે છે. એક અંદાજ પ્રમાણે વર્ષમાં લગભગ ૩૦ લાખ લોકો વાહનોના પ્રદૂષણને લીધે મરણ પામે છે. એક રિપૉર્ટ કહે છે કે યુરોપના દેશોમાં ૧૦ ટકા બાળકોને હવામાં રહેલાં પ્રદૂષણના કણોને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જે શહેરોમાં બહુ ટ્રાફિક હોય છે, ત્યાં વધારે બાળકોને શ્વાસની તકલીફ હોય છે.

પૃથ્વીના વાતાવરણને થતા નુકસાનનો પણ વિચાર કરો. વાહનોમાંથી નીકળતા નાઇટ્રોજન ઑક્સાઈડ અને સલ્ફર ડાયૉક્સાઈડના લીધે એસીડનો વરસાદ વરસે છે. એનાથી સરોવર અને નદીઓનું પાણી ખરાબ થાય છે. એમાં ઊગતી વનસ્પતિ અને માછલાંને અસર થાય છે. નાનાં-મોટાં ફૂલ-ઝાડને પણ નુકસાન થાય છે. વાહનોમાંથી નીકળતો કાર્બન ડાયૉક્સાઈડ વાતાવરણમાં ઝેર ભેળવે છે. એટલે પૃથ્વી પર ગરમી વધી રહી છે, જેના લીધે પૃથ્વીના ગોળાને બીજા ખતરાઓ પણ રહેલા છે.

વધારે ઍક્સિડન્ટ

ટ્રાફિક વધવાને લીધે, લોકોના જીવ પણ ખતરામાં છે. દર વર્ષે ૧,૦૦,૦૦૦થી વધારે લોકો અકસ્માતમાં માર્યા જાય છે. દિવસે દિવસે એમાં વધારો થઈ રહ્યો છે. અમુક જગ્યાએ વધારે ઍક્સિડન્ટો થાય છે. એક દાખલો લો. યુરોપના દેશોની દેખરેખ રાખતી સંસ્થાને યુરોપિયન કમિશન કહેવાય છે. એના સંશોધન કરનારાઓ જણાવે છે કે “ગ્રીસમાં દસ લાખ લોકોમાંથી ૬૯૦ લોકો અકસ્માતમાં મરણ પામે છે, જ્યારે કે સ્વીડનમાં ફક્ત ૧૨૦ લોકો અકસ્માતમાં મરણ પામે છે.”

એટલું જ નહિ, ટ્રાફિકને લીધે બીજી એક મોટી તકલીફ ઊભી થાય છે. એ છે નાની-નાની વાતમાં એકબીજા પર ઊકળી ઊઠતા અધીરા ડ્રાઇવરો. રિપૉર્ટ બતાવે છે કે આજકાલ ડ્રાઇવરો પોતાનો ગુસ્સો એકબીજા પર કાઢે છે, એવું સાંભળવા મળે તો કંઈ નવાઈ નથી. અમેરિકાના ‘નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને’ એક રિપૉર્ટ આપ્યો. એમાં ડ્રાઇવરોએ જણાવ્યું કે “ટ્રાફિક જામને” કારણે તેઓ સહેલાઈથી ગુસ્સે થઈ જાય છે.

પૈસાનો બગાડ

ટ્રાફિકના લીધે નકામો ખર્ચ પણ થાય છે. એક રિપૉર્ટ પ્રમાણે કેલીફોર્નિયાના લૉસ એન્જલસ શહેરમાં ટ્રાફિક જામને લીધે એક વર્ષની અંદર લગભગ ૪૦૦ કરોડ લિટર પેટ્રોલ કે ડીઝલનો બગાડ થાય છે. એનાથી બીજી રીતોએ પણ નુકસાન થયું છે. જેમ કે, બિઝનેસમાં આગળ વધવાની તક જતી રહી છે. પ્રદૂષણને લીધે બીમાર થવાથી એનો ઇલાજ કરાવાનો ખર્ચ થાય છે. અકસ્માત થવાથી નુકસાન પણ ઘણું થાય છે.

ટ્રાફિકને લીધે દેશને પણ આર્થિક રીતે મોટું નુકસાન થાય છે. એક સર્વે પ્રમાણે, ટ્રાફિકમાં બળતણ અથવા પેટ્રોલ કે ડીઝલ અને સમય બગડવાને લીધે અમેરિકામાં દર વર્ષે ૬૮ અબજ ડૉલરની ખોટ આવે છે. પૂર્વ એશિયાના દેશો વિષે ફિલીપીન સ્ટાર ન્યૂઝ પેપરના એક રિપૉર્ટે કહ્યું: “ટેક્સીનું મિટર દોડતું હોય છે તેમ, અહીંના દેશોમાં ટ્રાફિકને લીધે દર વર્ષે કરોડો રૂપિયાની ખોટ જાય છે.” યુરોપમાં લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

ભાવિમાં ટ્રાફિકનું શું થશે?

ટ્રાફિકની મુશ્કેલીનો ઇલાજ શોધવાની લાખ કોશિશ કરવામાં આવે છે. છતાં પણ દિવસે દિવસે ટ્રાફિક વધતો જ જાય છે. અમેરિકાના ટેક્સસ ટ્રાન્સપૉર્ટેશન ઇન્સ્ટિટ્યૂટે પોતાના દેશના ૭૫ શહેરોનો સર્વે કર્યો. એનાથી જાણવા મળ્યું કે ૧૯૮૨માં ટ્રાફિકના લીધે દરેક વ્યક્તિએ વર્ષમાં લગભગ ૧૬ કલાક બગાડ્યા, જે ૨૦૦૦માં વધીને ૬૨ કલાક થઈ ગયા. પહેલાં તો લોકોને દિવસમાં લગભગ સાડા ચાર કલાક ટ્રાફિક નડતો. પણ હવે તો સાતેક કલાક ટ્રાફિક નડે છે. રિપૉર્ટ બતાવે છે કે આ સમય વધતો જ જાય છે. એ કહે છે કે, “સર્વે શરૂ થયો ત્યારથી આજ સુધી ટ્રાફિકની મુશ્કેલી વધતી જ ગઈ છે. હવે વધારેને વધારે રસ્તાઓ પર ભીડ જોવા મળે છે. પહેલાંના કરતાં આજે વધારે લોકો વાહનોમાં આવ-જાવ કરે છે.”

બીજા દેશોમાંથી પણ એવા જ રિપૉર્ટ મળે છે. યુરોપિયન કમિશનના સંશોધકોએ કહ્યું: “આપણે મુસાફરી કરવાની રીત ન બદલીએ તો, બીજાં દસ વર્ષમાં આખુંયે શહેર રસ્તા પર જ અટકી જશે.”

એશિયાના દેશોની હાલત પણ આવી જ છે. ટોકિયોનું નામ તો ટ્રાફિક જામ માટે બદનામ છે. જાપાનના બીજાં શહેરો પણ ટ્રાફિક જામની લપેટમાં આવી રહ્યાં છે. ફિલિપાઈન્સમાં મનિલા બુલેટિન ન્યૂઝ પેપરમાં આવા રિપૉર્ટ વારંવાર જોવા મળે છે: “અપ-ડાઉન કરનારા હજારો લોકોથી રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. કોઈની કાર ટ્રાફિકમાં ફસાયેલી છે, તો કોઈ બસની રાહ જોતા કંટાળી ગયા છે.”

ખરું જોવા જઈએ તો, ટ્રાફિકની મુશ્કેલીનો કોઈ ઉપાય હમણાં નથી. ટ્રાફિક જામના જમાનામાં રહેતા શીખવું (અંગ્રેજી) પુસ્તકના લેખક એન્થની ડાઉન્સ આ નિર્ણય પર પહોંચ્યા: “ભવિષ્યમાં થનાર ટ્રાફિક જામનો ઉકેલ લાવવા કેટલાય નિયમો બનાવવામાં આવે તોપણ, દુનિયાના કોઈ પણ દેશમાં એ તકલીફ તો રહેવાની જ. મારી સલાહ છે કે ટ્રાફિકથી ટેવાઈ જાવ.”

તમે પોતે શું કરી શકો?

આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તમે પોતે શું કરી શકો? ટ્રાફિકમાં ફસાઈ જતા કરોડો લોકોમાંના તમે પણ એક છો? જો એમ હોય, તો એની અસર તમારી તબિયત અને સ્વભાવ પર ન પડે, એ માટે તમે પોતે ચોક્કસ આ અમુક બાબત કરી શકો.

▪ પહેલાંથી તૈયારી કરો. ઘણા લોકો ઘરેથી નીકળ્યા પહેલાં જ ટેન્શનમાં હોય છે. મોડા ઊઠે છે. ફટાફટ નાહી-ધોઈ, તૈયાર થાય, નાસ્તો કરે. નોકરી પર પાછા મોડા પહોંચશે, એનું ટેન્શન. રસ્તા પર ભીડ હશે જ એ જાણીને તો તમારું ટેન્શન વધતું જશે. જો તમને ખબર જ હોય કે વધારે ટ્રાફિક હશે, તો ઘરેથી વહેલા નીકળો. ટ્રાફિક ઓછો નડશે. અપ-ડાઉનનું ટેન્શન—એનાં કારણો, એની અસર, એનો ઉકેલ (અંગ્રેજી) પુસ્તક પ્રમાણે, “ટેન્શન ઓછું કરવા આગલી રાતથી જ તૈયારી કરી લેવી જોઈએ.” આ પુસ્તક આગળ કહે છે: “સવારની ભાગ-દોડ ઓછી કરવા માટે, રાતે જ પોતાના અને બાળકોનાં કપડાંની તૈયારી કરી લો. બ્રીફકેશ અને બપોરનું લંચ તૈયાર કરી નાખો.” રાત્રે સારી ઊંઘ લો. સવારે વહેલા ઊઠવા રાત્રે જલદી સૂઈ જાઓ.

સવારે વહેલા ઊઠવાના બીજા ફાયદાઓ પણ છે. દાખલા તરીકે, ટ્રાફિકમાં લાંબો સમય રહેવાથી હાથ-પગ અકડાઈ જાય કે બહેર મારી જાય છે. એટલે બની શકે તો, સવારના થોડી કસરત કરવાનું રાખો. નિયમિત કસરત કરવાથી તમે તાજા-માજા રહેશો. ટ્રાફિકમાં પણ મગજ શાંત રાખી શકશો. સવારે વહેલા ઊઠવાથી તમે સારી રીતે નાસ્તો પણ કરી શકશો. બહારનું ખાવાથી અથવા ખાલી પેટે ટ્રાફિકમાં ફસાઈ જાવ તો ટેન્શન વધી શકે છે.

ટેન્શન ઓછું કરવા એ પણ ધ્યાન રાખો કે તમારું વાહન સારી હાલતમાં છે. ટ્રાફિકમાં વાહન બગડે તો, વધારે ટેન્શન થઈ શકે. ખાસ કરીને મોસમ ખરાબ હોય તો, આવી જ બને. એટલે વાહનની બ્રેક, ટાયર, એસી, હિટર, આગળનો કાચ સાફ કરતું વાઇપર, કાચ પરથી બરફ ઓગાળવાનું હીટર (ડિફ્રોસ્ટર) અને બીજા ભાગોનું પહેલેથી ધ્યાન રાખો. ટ્રાફિકમાં નાનો અકસ્માત થાય તોપણ, ચિંતા ઊભી થઈ શકે. તમારા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ પૂરતું છે કે નહિ, એ પણ જોઈ લો.

▪ જાણકારી રાખો. અમુક જગ્યાએ મુસાફરી શરૂ કરતા પહેલાં એ જાણવાની જરૂર પડી શકે કે મોસમ કેવી હશે. શું ક્યાંક રોડ પર કામ ચાલે છે? અમુક સમય માટે કોઈ રોડ બંધ છે? દિવસે કોઈ અકસ્માત થયો છે? ટ્રાફિક કેવો છે? તમે આ જાણકારી ટી.વી. અથવા છાપાંમાંથી મેળવી શકો. તમે જે રસ્તે જવાના હો, એનો નકશો પણ સાથે રાખો. એનાથી તમે બીજા રસ્તાઓથી પણ જાણકાર થશો અને કોઈ રોડ પર તકલીફ હોય તો બીજે રસ્તે જઈ શકશો.

▪ આરામથી બેસો. તમારાં વાહનની બારી ખોલો. તમારી સીટ આરામથી બેસાય એ રીતે ગોઠવો. કારમાં રેડિયો, ટેપરેકૉર્ડર કે સીડી પ્લેયર હોય તો, તમારી પસંદગીનું ગીત સાંભળો. અમુક સંગીતથી તમારા દિલને શાંતિ મળશે. ટેન્શન ઓછું થશે. આમ તમે ટ્રાફિકના ઘોંઘાટથી બચી શકશો. *

▪ સમયનો ફાયદો ઉઠાવો. ટ્રાફિક વખતે સમયનો ફાયદો ઉઠાવવો જોઈએ. એ સમયે આપણે સારા વિચારો કરવા જોઈએ. ટ્રાફિકમાં ચિડાઈ જવાને બદલે, દિવસ દરમિયાન તમે શું કરવાના છો જેવા વિચારો કરો. કારમાં એકલા હો તો, અમુક જરૂરી બાબતો વિષે વિચારવાનો અને નિર્ણય કરવાનો સૌથી સારો સમય છે.

તમે પેસેંજર હો, પાછળની સીટમાં બેઠા હો તો, આગળ ઘણો ટ્રાફિક જોઈને કંટાળી જઈ શકો. એવા સમયે તમે શું કરશો, એનો પહેલેથી વિચાર કરો. તમે તમારી પસંદનું પુસ્તક અથવા ન્યૂઝપેપર સાથે લઈ જાઓ. તમારી પાસે લેપટોપ હોય તો, પાછલા દિવસોના મેઈલ વાંચી શકો છો. અમુક લોકોને એના પર પત્રો લખવાનું અથવા થોડું કામ કરવાનું ગમે છે.

▪ હકીકત સ્વીકારો. તમે એવા એરિયામાં રહેતા હોય, જ્યાં ટ્રાફિક જામ થતો જ હોય તો, માનો કે આજે પણ ટ્રાફિક હશે. એ પ્રમાણે પ્લાન કરો. અમુક શહેરોમાં ટ્રાફિક કદી ઓછો નહિ થાય. ટ્રાફિક જામના જમાનામાં રહેતા શીખવું (અંગ્રેજી) પુસ્તક કહે છે: “જે મોટાં શહેરોમાં નોકરી પર જતા ટ્રાફિક હોય અને ઘરે પાછા આવતા ટ્રાફિક હોય ત્યાં, ભવિષ્યમાં પણ હાલત સુધરવાની કોઈ આશા નથી.” ટ્રાફિકને તમારા જીવનના એક ભાગ તરીકે સ્વીકારો. એમાંથી વધારેમાં વધારે ફાયદો ઉઠાવો. (g05 11/22)

[ફુટનોટ]

^ ઘણા લોકો કારમાં આ મૅગેઝિન અથવા એની સાથે નીકળતા ચોકીબુરજની (અંગ્રેજી) કેસેટો અથવા સીડી સાંભળવાનો આનંદ ઉઠાવે છે. અમુક ભાષાઓમાં આની ઑડિયો કેસેટ, કૉમ્પેક્ટ ડિસ્ક અને એમપી૩ ફોરમેટ પણ છે.

[પાન ૧૬ પર ચિત્ર]

અગાઉથી પ્લાન કરો, ટ્રાફિકથી બચો

[પાન ૧૬ પર ચિત્ર]

મુસાફરી શરૂ કરતા પહેલાં, કોઈ સારી કેસેટ અથવા સીડી પસંદ કરો

[પાન ૧૬ પર ચિત્ર]

ગાડીમાં પાછળ બેઠા હોય તો, સમય સારી રીતે વાપરો

[પાન ૧૬ પર ચિત્ર]

જે સંજોગો તમે બદલી શકતા નથી, એનું ટેન્શન ન લો