સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કબરો જૂના રીત-રિવાજોમાં ડોકિયું

કબરો જૂના રીત-રિવાજોમાં ડોકિયું

કબરો જૂના રીત-રિવાજોમાં ડોકિયું

કલ્પના કરો કે તમે હજારો વર્ષો પહેલાંના જમાનામાં રહો છો. તમે હમણાં બાબેલોનના સુમેર દેશના ઉર શહેરમાં છો. એ ધનવાન શહેર છે. હવે જુઓ, સુમેરિયાના લોકોનું એક મોટું સરઘસ શહેરમાંથી નીકળીને, કબ્રસ્તાન તરફ જઈ રહ્યું છે. તેઓ ગુજરી ગયેલા રાજાની મોટી કબરમાં ઊતરી રહ્યા છે. કબરની દીવાલો અને જમીન કાર્પેટ કે ગાલીચાથી સજાવેલી છે. આખો રૂમ સુમેર દેશની સુંદર કલાઓથી સજાવેલો છે. એ સરઘસમાં સંગીત વાગી રહ્યું છે. ગુજરી ગયેલા રાજાના શબ સાથે, સૈનિકો, નોકર-ચાકરો અને સ્ત્રીઓ પણ કબરમાં ઊતરે છે. બધા સજી-ધજીને આવ્યા છે. ઑફિસરોએ ગર્વથી પોતાના બિલ્લા લગાડ્યા છે. આ રંગબેરંગી સરઘસમાં, બળદ અને ગધેડાં રથો ખેંચે છે. એ જાનવરોના રખેવાળ તેઓ સાથે સાથે ચાલે છે. હવે બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. પછી સંગીત સાથે ધાર્મિક વિધિ શરૂ થાય છે.

વિધિના અંતે, સંગીત કલાકારોથી માંડીને નોકર-ચાકર સુધીની દરેક વ્યક્તિ, આ પ્રસંગ માટે પોતાની સાથે માટી, પથ્થર કે ધાતુનો કપ લાવ્યા હોય છે. પછી, તાંબાના મોટા તપેલામાં બનાવેલું ખાસ પીણું એમાં લઈને પીએ છે. બધા પોતપોતાની જગ્યાએ જઈને શાંતિથી મોતની નીંદરમાં સરી જાય છે. કોઈક જલદી-જલદી પ્રાણીઓની કતલ કરી નાખે છે. મજૂરો ઝડપથી કબરનો રસ્તો પૂરી દે છે, કબર સીલ કરી દેવાય છે. સુમેરિયાના લોકો માને છે કે હવે તેઓનો દેવ મનાતો રાજા, પોતાની સાથે દાટેલા રથોમાં, નોકર-ચાકર અને સૈનિકો સાથે વાજતે-ગાજતે મરણ પછીની દુનિયામાં જઈ રહ્યો છે.

જમીનમાં ખોદકામ કરીને શોધખોળ કરનારા, સર લીઓનાર્ડ વુલી એક વાર દક્ષિણ ઇરાકમાં કામ કરતા હતા. એ સમયે ઉપર જણાવ્યું, એવી ૧૬ કબરો પહેલાના ઉર શહેરના કબ્રસ્તાનમાંથી તેઓને મળી આવી. એ દૃશ્ય કાળજું કંપાવી નાખે એવું હતું. તેમ છતાં એ મહત્ત્વની શોધ હતી. પોલ બ્હાને કબરો, કબ્રસ્તાન અને ભરી રાખેલાં શબ (અંગ્રેજી) વિષય પર પુસ્તક લખ્યું. એમાં તે કહે છે કે ‘એ કબરોના ખજાના જેવો ખજાનો હજુ સુધી મેસોપોટેમિયામાં હાથ લાગ્યો નથી. એમાં સુમેરિયાની કલાની અનેક પ્રખ્યાત વસ્તુઓ છે. હવે એ બ્રિટિશ મ્યુઝિયમ અને યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા મ્યુઝિયમમાં શૉ માટે રાખવામાં આવી છે.’

જોકે પહેલાના ઉરમાંથી મળી આવેલી આ કબરો કંઈ નવાઈની વાત ન હતી. અરે, જે રીતે મનુષ્ય અને પ્રાણીઓનાં બલિદાનો થયાં, એ પણ કંઈ નવી વાત નથી. પહેલાના ઘણા સમાજમાં રાજા-મહારાજા અને ધનવાનો મરણ અને એના પછીના જીવન માટે જાતજાતની વિધિઓ શોધી કાઢતા, જે મોટે ભાગે ક્રૂર હતી. અરે, એ કબરો કોઈવાર તો એટલી બધી કલાથી સજાવેલી હતી, એટલી સુખ-સગવડવાળી હતી, કે જીવતા રાજાઓના મહેલો પણ એવા ન હતા. આજકાલ એવી શાહી કબરો અને બીજી ઘણી કબરો આપણને ઇતિહાસમાં ડોકિયું કરવા મદદ કરે છે. એનાથી આપણને શું ફાયદો થાય છે? આપણે ભૂલાઈ ગયેલા પહેલાના સમાજની માન્યતા, સંસ્કાર, કલા-કારીગરી અને ટેક્નૉલૉજી વિષે જાણી શકીએ છીએ.

બીજાઓ સાથે માન-પાનથી સડવું

લગભગ ૧૯૭૪માં ખેડૂતો ચીનના શીઆન શહેર પાસે કૂવો ખોદતા હતા. ત્યાં પાણી મળવાને બદલે, તેઓને માનવ ઘાટના માટીના પૂતળાંના અમુક ભાગ મળી આવ્યા. કાંસાના ધનુષ્ય-બાણના ટૂકડા પણ મળી આવ્યા. તેઓને તો અજાણે જ ૨,૧૦૦ વર્ષ જૂનું ચીંગનું લશ્કર મળી આવ્યું! એમાં ૭,૦૦૦થી વધારે સૈનિકો અને ઘોડાના પૂતળાં હતાં, જે ટેરાકોટા માટીમાંથી બનાવેલાં હતાં. બધા લશ્કરી કતારોમાં પોતપોતાની જગ્યાએ ગોઠવાયેલા હતા. આ ચીનના રાજાઓની સૌથી મોટી કબરોમાંનો એક ભાગ હતો. ચીંગ ટેરાકોટા લશ્કરનું નામ ચીંગ શાઈ હાઉ ટી નામના સમ્રાટ પરથી પડ્યું હતું. ઈસવી સન પૂર્વે ૨૨૧માં યુદ્ધે ચડેલાં ચીનનાં રાજ્યોમાં તેણે સંપ કરાવ્યો હતો.

ચીંગની કબર એટલે જાણે જમીનમાં દાટેલો મહેલ જ જોઈ લો! પણ ત્યાં ટેરાકોટાનું લશ્કર શા માટે? ચીંગ ટેરાકોટા આર્મી નામના પુસ્તકમાં જ્હાંગ વેન્લી સમજાવે છે કે ચીંગની ‘કબર જાણે કે ચીંગનું રાજ હતું. ચીંગ શાઈ હાઉડી [ચીંગ શાઈ હાઉ ટી] બહુ ઠાઠમાઠથી જીવ્યો હતો. તેની સત્તા ભારે હતી. એવી જ સત્તા, ઠાઠમાઠ તેના મરણ પછી પણ તેને મળે એ માટે આ બધું કરવામાં આવ્યું હતું.’ હવે તો એ કબર આજુબાજુની બીજી ૪૦૦ કબરવાળા મોટા મ્યુઝિયમનો ફક્ત એક ભાગ બની ગઈ છે.

જ્હાંગ વેન્લી કહે છે કે એ કબર બાંધવા “આખા રાજ્યમાંથી ૭,૦૦,૦૦૦ કરતાં વધારે માણસોને કામે લગાડ્યા હતા.” ઈ.સ. પૂર્વે ૨૧૦માં ચીંગના મરણ પછી પણ કામ ચાલુ રહ્યું. એને પૂરું થતાં કુલ ૩૮ વર્ષો લાગ્યાં. ચીંગની કબરમાંના બધા જ લશ્કરના સૈનિકો ન હતા. તેના પછીના નવા રાજાએ હુકમ બહાર પાડ્યો કે મરેલા રાજાની પત્નીઓ જે વાંઝણી હતી, તેઓને પણ દાટી દેવામાં આવે. એટલે મરેલાની સંખ્યા “ઘણી મોટી” હતી, એમ ઇતિહાસકારો કહે છે. તોપણ આવા રીત-રિવાજ કંઈ નવા ન હતા.

મૅક્સિકો સિટીની ઉત્તર-પૂર્વે ટેએટીવોકાન નામે જૂના જમાનાનું શહેર ખંડિયેર પડ્યું છે. એ શહેરમાં મૂએલાંની શેરી નામનો રસ્તો હતો. એના વિષે અગાઉ જણાવેલા લેખક જ્હાંગ લખે છે કે “આ શેરીમાં દુનિયાના સૌથી સારાં બાંધકામોમાંના અમુક નમૂના જોવા મળે છે.” એમાં સૂર્યનો પિરામિડ અને ચંદ્રનો પિરામિડ છે, જે બંને આજથી લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં બંધાયા હતા. એ શેરીમાં કેત્સાલકોઆતલનું મંદિર ખંડિયેર થઈ પડ્યું છે.

સૂર્યના પિરામિડને અંદરથી જોતા લાગે છે કે એ ધર્મગુરુઓ જેવા મોટા મોટા લોકોની કબર હોય શકે. એની બહાર આજુબાજુ ઢગલેબંધ કબરોના અવશેષો જોતા લાગે છે કે, અંદર દફનાવેલા લોકોનું રક્ષણ કરવા માટે ઘણા સૈનિકોનો ભોગ આપવામાં આવ્યો હશે. ખોદકામ પરથી શોધખોળ કરનારાએ કબરોમાં એકસરખી રચના જોઈ. એના પરથી તેઓ માને છે કે ત્યાં લગભગ ૨૦૦ લોકોની કબર હોય શકે, જેમાં બાળકો પણ હતાં. એવું માનવામાં આવે છે કે વિધિઓમાં બાળકોની પણ બલિ ચઢાવવામાં આવી હોય શકે.

મરણ પછીના જીવનમાં બોટમાં કે ઘોડા પર જવું

લગભગ ૧,૦૦૦ વર્ષો પહેલાં યુરોપને પરેશાન કરતી વાઇકીંગ પ્રજા હતી, જેઓ સ્કેન્ડિનેવિયાના ચાંચિયાઓ કે લૂંટારુઓ હતા. તેઓ પણ મરણ પછી એશઆરામનું જીવન જીવવાની આશા રાખતા. તેઓ માનતા કે ગુજરી ગયેલા લોકો ઘોડા પર કે વહાણમાં બીજી દુનિયામાં જતા. એટલે વાઇકીંગ લોકોના કબ્રસ્તાનમાં ઘોડાનું હાડપિંજર કે વહાણના સડી રહેલાં લાકડાં મળી આવે તો નવાઈ નહિ. વાઇકીંગનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તકમાં ગ્વીન જોન્સ નામનો લેખક કહે છે કે ‘ગુજરી ગયેલા સ્ત્રી કે પુરુષને બધું જ આપવામાં આવતું, જેથી મરણ પછીનું તેનું જીવન એશઆરામમાં વીતે. ડેનમાર્કમાં લેથ્બ્યુ પાસે એક દાટેલું વહાણ મળી આવ્યું. એનું લંગર તૈયાર રાખવામાં આવ્યું હતું, જેથી એની મુસાફરીને અંતે તરત લંગર નાખી દેવામાં આવે.’

આ પ્રજા લડાઈ-પ્રેમી હતી. તેઓ માનતા કે જો લડતા લડતા મોત થાય, તો તેઓ એસ્ગાર્ડ નામની જગ્યાએ, ભગવાનને ઘરે પહોંચી જશે. પછી “ત્યાં તેઓ આખો દિવસ લડી શકે અને આખી રાત ખાય-પીને જલસો કરી શકે,” વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે. વાઇકીંગની પ્રજાના અંતિમ સંસ્કાર વખતે માનવ બલિદાન ચઢાવવામાં આવતાં. ધ વાઈકીંગ્સ નામનું પુસ્તક કહે છે કે “જ્યારે કોઈ મોટો અધિકારી મરણ પામતો, ત્યારે નોકર-ચાકરને પૂછવામાં આવતું કે કોણ તેની સાથે મરવા તૈયાર છે.”

ઉત્તર યુરોપના જૂના જમાનાની કેલ્ટ નામની પ્રજા તો એવું પણ માનતી કે તમે મરણ પછીની દુનિયામાં તમારું દેવું લઈ જઈ શકો. કદાચ એ બહાને હમણાં દેવું ચૂકવવું તો નહિ પડે ને! મેસોપોટેમિયામાં બાળકોને દાટતી વખતે તેઓનાં રમકડાં પણ સાથે દાટી દેવાતાં. પહેલાના જમાનામાં બ્રિટનમાં, સૈનિકોને દાટતી વખતે માંસ જેવો ખોરાક દાટવામાં આવતો, જેથી બીજા જીવનમાં તેઓ બિચારા ભૂખ્યા ન જાય. મધ્ય અમેરિકામાં માયા નામની પ્રજાના રાજાને, યાસપિસ નામનાં રત્નોની બનાવેલી ચીજો સાથે દાટવામાં આવતો. એ લીલા મોતી ભેજ અને હવા રજૂ કરતા હતા. એ રત્નો ગુજરી ગયેલા રાજા સાથે દાટવાનું કારણ એ હોય શકે કે મરણ પછી પણ તે જીવી શકે.

ઈ.સ. પૂર્વે ૧,૦૦૦ પછી, આજના બલ્ગેરિયા, ઉત્તર ગ્રીસ અને તુર્કીના એરિયામાં એક પ્રજા રહેતી હતી. એ થ્રેસિઅન કહેવાતી. લોકો તેઓથી ડરતા. પણ એ પ્રજાની સોનાની કારીગરી કમાલની હતી. તેઓના અધિકારીઓની કબરોનો ઠાઠમાઠ જોવા જેવો છે. એ કબરો રથો, ઘોડા, હથિયારો અને તેઓની પત્નીઓથી ‘શોભતી’ હતી. આમ તો થ્રેસિયન પત્નીઓ માનતી કે પોતાના પતિ માટે મરવું અને તેની સાથે દટાવું એ બહુ મોટી વાત કહેવાય!

એના અમુક સમય પછી, કાળા સમુદ્રની ઉત્તરે સિથિઅન પ્રજા રહેતી હતી. એ લડાકુ પ્રજા પોતે મારી નાખેલા લોકોની ખોપરીને કપની જેમ વાપરતા. ખોપરી કે તાલકા પરની ચામડીમાંથી ઝભ્ભા બનાવી પહેરતા. એક સિથિઅન કબરમાં સ્ત્રીનું હાડપિંજર અને ગાંજા જેવા ડ્રગ્સ મળી આવ્યા. તેની ખોપરીમાં ત્રણ નાનાં કાણાં હતાં. કદાચ એ કારણે કે તેને સોજા ન થાય અને દુખાવામાં રાહત મળે. ડ્રગ્સ કદાચ એટલા માટે હતા કે મરણ પછીની દુનિયામાં તેનો માથાનો દુખાવો ઓછો થઈ શકે.

મરણ પછીના જીવન વિષે ઇજિપ્તની માન્યતા

ઇજિપ્તના કેરોની પાસે આવેલા પિરામિડો અને લક્સોરની પાસે રાજાઓની ખીણમાં આવેલી કબરો, જૂના જમાનાની બધી કબરોમાંથી સૌથી જાણીતી કબરો છે. પહેલાંના ઇજિપ્તના લોકો “ઘર” માટે પાર શબ્દ વાપરતા. એ જ શબ્દ “કબર” માટે પણ વાપરતા. પહેલાના ઇજિપ્તના મમી, વાર્તાઓ અને જાદુ (અંગ્રેજી) પુસ્તકમાં ક્રિસ્ટીન એલ માહેડી કહે છે: “જીવતા હોઈએ ત્યારે એક ઘર અને મરણ પછી એક ઘર.” તે એમ પણ કહે છે કે ઇજિપ્તના લોકોની “માન્યતા પ્રમાણે, શરીરને બચાવવું જરૂરી હતું. એ બચે તો જ એના બીજા પાસાઓ પણ બચી શકે: કા, બા અને આક.”

‘કા’ શરીરનો એવો ધાર્મિક ભાગ હતો, જેમાં એની આશા, તમન્‍ના અને જરૂરિયાતો હતી. મરણ થાય ત્યારે ‘કા’ શરીર છોડીને કબરમાં રહે. પણ ‘કા’ કબરમાં હોય ત્યારે એને જીવતા મનુષ્યને જોઈએ, એ બધું જ જોઈએ. એટલે, “કબરમાં રાખેલી બધી ચીજો એના સંતોષ માટે હતી,” એવું એલ માહેડી લખે છે. જે ‘બા’ છે, એ વ્યક્તિના સ્વભાવ સાથે સરખાવી શકાય. માનવ-માથાવાળા પક્ષી તરીકે એની કલ્પના કરવામાં આવી. ‘બા’ જન્મ વખતે શરીરમાં પ્રવેશે, મરણ વખતે શરીરમાંથી નીકળે. ‘મમી’ પર જાદુઈ મંત્રો બોલવામાં આવતા ત્યારે, એમાંથી ‘આક’ પેદા થાય. * ‘આક’ દેવોની દુનિયામાં રહે.

આ રીતે ઇજિપ્તના લોકો વ્યક્તિને ત્રણ પાસામાં વહેંચીને પહેલાના ગ્રીક ફિલસૂફોથી પણ આગળ નીકળી ગયા. ગ્રીકો બે પાસામાં માનતા: શરીર અને “આત્મા.” ભલે એ આજે પણ જાણીતી માન્યતા છે, પણ બાઇબલ એને જૂઠી ઠરાવે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.”—સભાશિક્ષક ૯:૫.

મરણ વિષે આટલી ચિંતા કેમ?

જૂના જમાનાનો ધર્મ (અંગ્રેજી) પુસ્તકનો લેખક, ઈ. ઓ. જેમ્સ લખે છે: “માનવે સહેવા પડે છે, એવા બધાય સંજોગોમાંથી મરણ સૌથી વધારે આઘાત અને દુઃખ પહોંચાડે છે. . . . એટલે જ તો પહેલું મરણ થયું ત્યારથી જ, મરણે લોકોના જીવનમાં બહુ અસર કરી છે. આખા માનવ સમાજમાં એ મોટો ભાગ ભજવે છે.”

સચ્ચાઈનો માર્ગ બતાવતું પવિત્ર બાઇબલ, મરણને માનવનો દુશ્મન કહે છે. (૧ કોરીંથી ૧૫:૨૬) એ કેટલું સાચું છે! દરેક સમાજ, દરેક પ્રજા એ સ્વીકારવા તૈયાર નથી કે મરણ એ જ મનુષ્યનો અંત છે! ઉત્પત્તિ ૩:૧૯ જણાવે છે કે કબરમાં શું થાય છે: “તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” બાઇબલ એ પણ જણાવે છે કે ગુજરી ગયેલાને ઈશ્વર પાછા ઉઠાડશે. ભલે તેઓને બાળવામાં આવ્યા હોય કે દાટવામાં આવ્યા હોય કે પછી તેઓ ધૂળમાં મળી ગયા હોય. ઈશ્વર એ બધાને સુંદર પૃથ્વી પર પાછા ઉઠાડશે અને તેઓ કાયમ જીવશે.—લુક ૨૩:૪૩; યોહાન ૫:૨૮, ૨૯.

અત્યારે તો મરણ પામેલા બધા જાણે મોતની નીંદરમાં છે. ઈસુએ એમ જ કહ્યું હતું. (યોહાન ૧૧:૧૧-૧૪) એવી હાલતમાં વ્યક્તિને ન તો કોઈ ચીજ-વસ્તુની જરૂર પડે છે કે ન તો કોઈ નોકર-ચાકરની. હકીકત જોઈએ તો દાટવામાં આવેલા ખજાનાનો ફાયદો કોણ ઉઠાવે છે? મૂએલા નહિ, પણ જીવતા લૂંટારા જેઓ કબરો લૂંટે છે! ગુજરી ગયેલા જે હાલતમાં છે, એની હકીકત બતાવ્યા પછી, બાઇબલ જણાવે છે કે “આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી.” (૧ તીમોથી ૬:૭) યહોવાહના ભક્તો બાઇબલનું આ સત્ય જાણીને ઈશ્વરનો પાડ માને છે. મરણને લગતા પહેલાના કે આજના ક્રૂર રીત-રિવાજોથી આ સત્ય ‘તેઓને મુક્ત કરે છે.’—યોહાન ૮:૩૨.

તોપણ એ ખરું છે કે પહેલાંની શાનદાર કબરો નકામી તો નથી જ. એ કબરો અને એમાંની ચીજો, અરે એમાંના મુડદાના અવશેષો પણ આપણને ઘણું જણાવે છે. એના વગર જૂના જમાના વિષે, ગુજરી ગયેલા સમાજ વિષે આપણે જાણી શક્યા જ ન હોત. (g05 12/8)

[ફુટનોટ]

^ “મમી” શબ્દ અરબી મમીયા પરથી આવે છે, જેનો અર્થ થાય “ચીકણી માટી” કે “ડામર.” અસલમાં તો ચીકણા ગુંદર જેવા પ્રવાહીમાં બોળી રખાતા મુડદાને એ નામ આપવામાં આવ્યું હતું, કેમ કે એ કાળું કાળું દેખાતું. મનુષ્યનાં કે પ્રાણીનાં સચવાયેલાં શબો માટે આજે પણ એ જ શબ્દ વપરાય છે. પછી ભલેને એ જાણીજોઈને કે અજાણે સચવાયું હોય.

[પાન ૨૪ પર બોક્સ/ચિત્ર]

પહેલાંના લોકો કેટલા તંદુરસ્ત હતા?

કબરોમાંથી મળી આવેલાં શબોના અવશેષોમાંથી વૈજ્ઞાનિકો જૂના જમાનાના લોકોની તંદુરસ્તી વિષે ઘણું શીખ્યા છે. ખાસ કરીને ઔષધિ ભરીને રાખેલાં કે પછી કુદરતી રીતે માટીમાં, રેતીમાં, કે બરફમાં દટાઈ ગયેલાં શબો. આજકાલ આપણા શરીરના જીન્સ વિષેની શોધમાં ઘણી જ પ્રગતિ થઈ છે. એ કારણે, વૈજ્ઞાનિકોને જોરદાર નવું સાધન મળી ગયું છે. એનાથી તેઓ વ્યક્તિ વિષે કંઈ પણ શોધી કાઢી શકે છે. ભલે પછી એ ઇજિપ્તના ફેરો એટલે રાજા અને તેઓની રાણીઓના સંબંધો વિષે હોય, કે પછી ઈન્કા પ્રજાની કોઈ છોકરીનું લોહી કયા ગ્રૂપનું છે એ હોય. આવી શોધખોળ બતાવે છે કે જૂના જમાનામાં પણ આજના જેવી ઘણી બીમારીઓ હતી, ભલે પછી એ વા હોય કે મસો હોય.

જૂના જમાનાના ઇજિપ્તમાં લોકોને વધારે બીમારીઓ હતી, કેમ કે ત્યાં પુષ્કળ માખીઓ, જીવ-જંતુઓ હતાં. નાઈલ નદી અને ખેતી-વાડી માટે બનાવેલી નહેરોમાંથી લોકોને કીડા, ઇયળો, અળસિયાં જેવા જીવ-જંતુઓ ચોંટતાં. લોહી પીતાં. એના પરથી યહોવાહે પોતાના લોક, ઈસ્રાએલને કહેલા શબ્દો યાદ આવે છે. ઈસવી સન પૂર્વે ૧૫૧૩માં યહોવાહે તેઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા, પછી કહ્યું કે “મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંનો કોઈ તે [યહોવાહ] તારા પર લાવશે નહિ.”—પુનર્નિયમ ૭:૧૫.

[ક્રેડીટ લાઈન]

© R Sheridan/ANCIENT ART & ARCHITECTURE COLLECTION LTD

[પાન ૨૦ પર ચિત્ર]

ઉરમાં રાજાની કબરમાંથી મળેલો સુમેરિયાની નોકરાણીના વાળનો અને ઘરેણાંનો શણગાર

[ક્રેડીટ લાઈન]

© The British Museum

[પાન ૨૧ પર ચિત્ર]

ચીંગ ટેરાકોટાનું લશ્કર—દરેક સૈનિકનો ચહેરો અજોડ રીતે ઘડાયો હતો

[ક્રેડીટ લાઈન]

Inset: Erich Lessing/Art Resource, NY; © Joe Carini/Index Stock Imagery

[પાન ૨૩ પર ચિત્ર]

ટેએટીવોકાન, મૅક્સિકોમાં સૂર્યનો પિરામિડ અને મૂએલાંની શેરી

[ક્રેડીટ લાઈન]

Top: © Philip Baird www.anthroarcheart.org; painting: Pictorial Archive (Near Eastern History) Est.

[પાન ૨૩ પર ચિત્ર]

ડાબે: ઇજિપ્તના રાજા તુતાન્ખામેનનો નક્કર સોનાથી બનાવાયેલો મુખવટો; નીચે: કબરમાં માનવ-માથાવાળા ‘બા’ પક્ષીનું ચિત્ર