સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુદરતી આફતોમાં ઇન્સાનનો કેટલો દોષ?

કુદરતી આફતોમાં ઇન્સાનનો કેટલો દોષ?

કુદરતી આફતોમાં ઇન્સાનનો કેટલો દોષ?

જો તમારું વાહન સારી કંડીશનમાં રાખો, તો તમારી સલામતી. જો ન રાખો અને મન ફાવે એમ વાપરો, તો તમારી કોઈ સલામતી નહિ. ગમે ત્યારે જોખમ ઊભું થઈ શકે. આપણી પૃથ્વીનું પણ એવું જ છે.

ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસો પૃથ્વીના હવામાન અને સમુદ્રોને બગાડી રહ્યા છે. એટલે વારંવાર ખતરનાક કુદરતી આફતો આવે છે. માણસો આવું જ કરતા રહેશે તો, પૃથ્વી પર હજુયે વધારે આફતો આવશે. પૃથ્વીના બદલાતા જતા હવામાન વિષે સાયન્સ મૅગેઝિનના તંત્રીએ લખ્યું કે ‘આપણે પૃથ્વીને પ્રદૂષિત કરી છે. જાતજાતના અખતરા કર્યા છે. એનું શું પરિણામ આવશે, એ આપણે પોતે જાણતા નથી.’

ચાલો આપણે જોઈએ કે કુદરતી આફતો કેમ આવે છે. એ આપણને સમજવા મદદ કરશે કે માણસો કેવી રીતે એમાં ઉમેરો કરે છે. પહેલા તો આપણે જોઈએ કે વંટોળ કેમ થાય છે?

પૃથ્વી ઠંડી રહેવા ગરમી છોડે છે

પૃથ્વીની આબોહવા સૂર્યની શક્તિનું રૂપાંતર કરીને, પૃથ્વી પર ફેલાવે છે. ઉત્તરના કર્કવૃત્તથી દક્ષિણના મકરવૃત્તમાં સૂરજનો વધારે તાપ પડે છે. એ કારણે ઘણી વાર પૃથ્વીના હવામાનમાં ઊથલ-પાથલ થઈ જાય છે. * પૃથ્વીનું ભ્રમણ થતું હોવાથી, ભેજવાળી હવા વર્ષાવાદળ પ્રકારનાં વાદળો રચે છે. એના કારણે અમુક જગ્યાએ હવામાનનું દબાણ નીચું થઈ જાય છે. એનાથી તોફાન આવવાની શક્યતા રહે છે.

તમે જો જુઓ તો મોટાભાગનાં ઉષ્ણ કટિબંધનાં તોફાનો વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણના ઠંડા વિસ્તાર તરફ ચાલ્યાં જાય છે. આમ તોફાનો બધે ગરમી ફેલાવે છે, જેથી હવામાનમાં તાપમાન અમુક અંશે એકસરખું રહે. પરંતુ જ્યારે સમુદ્રના ઉપરના ભાગનું પાણી ગરમ થઈ જાય, ત્યારે એનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસથી (૮૦ ડિગ્રી ફેરનહાઇટથી) પણ વધારે હોય છે. એ ગરમીના લીધે ઉષ્ણ કટિબંધનાં વિનાશક તોફાનો આવે છે. એ અલગ અલગ જગ્યાએ જુદાં જુદાં નામથી ઓળખાય છે. જેમ કે વંટોળ, ટાઇફૂન, હરિકેન કે ટોર્નેડો.

અમેરિકાના ઇતિહાસમાં સપ્ટેમ્બર ૮, ૧૯૦૦માં ટેક્સસના ગૅલ્વસ્ટન ટાપુમાં આવેલા હરિકેનમાં સૌથી વધારે લોકોએ જીવન ગુમાવ્યાં હતાં. એ તોફાન ઓચિંતું ટાપુ પર ત્રાટક્યું. એનાં મોટાં મોટાં મોજાં છથી આઠ હજાર લોકોને ભરખી ગયાં. આસપાસના વિસ્તારમાંથી પણ ૪,૦૦૦ જેટલા લોકો માર્યા ગયા. ૩,૬૦૦ જેટલાં ઘરોનું નામનિશાન મટી ગયું. ખરું કહીએ તો ગૅલ્વસ્ટનમાં કોઈ ઘર એવું ન હતું, જેને કંઈ નુકસાન થયું ન હોય.

પહેલા લેખમાં જોયું તેમ, પાછલાં થોડાં વર્ષોમાં ઘણાં ભયંકર વાવાઝોડાં અને તોફાનો આવ્યાં છે. હવામાનના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ‘પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. જેના લીધે વાવાઝોડાં અને તોફાનો વધી રહ્યાં હોય શકે.’ હવામાનમાં થઈ રહેલા ફેરફારો તો પૃથ્વીના તાપમાનથી થતા નુકસાનનો એક જ પુરાવો છે. ચાલો આપણે બીજા પુરાવા પણ જોઈએ.

સમુદ્રમાં વધતું પાણી અને ઘટતાં જંગલો

સાયન્સ મેગેઝિનના તંત્રીના કહેવા પ્રમાણે “ગયાં એકસો વર્ષમાં સમુદ્રના પાણીની સપાટી ૧૦થી ૨૦ સેન્ટિમીટર [ચારથી આઠ ઇંચ] ઊંચી ચઢી છે. હજી ઊંચી ચઢતી જ રહેશે, એવું લાગે છે.” પણ પૃથ્વીના તાપમાન સાથે એને શું લેવા-દેવા? સંશોધકોનું કહેવું છે કે સમુદ્રના પાણીની સપાટી ઊંચી ચઢવાનાં બે કારણો હોય શકે. એક તો એ કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવનો બરફ, હિમશિલા કે હિમનદી ઓગળે તો સમુદ્રમાં પાણી વધે. અથવા સમુદ્રનું પાણી ગરમ થવાથી એની સપાટી ઊંચી ચઢે છે.

એવું લાગે છે કે પૅસિફિક મહાસાગરમાં તૂવાલૂ ટાપુઓની ફરતે પાણી વધ્યું છે. ફૂનાફૂટી ટાપુ ફરતેના પાણીનો અભ્યાસ કરવામાં આવ્યો. એના વિષે સ્મિથસોનીયન મૅગેઝિને જણાવ્યું કે ‘છેલ્લાં દસેક વર્ષથી ટાપુ ફરતેનું પાણી દર વર્ષે ૫.૬ મિલિમીટર ઊંચું ચડતું આવે છે.’

દુનિયાના ઘણા ભાગોમાં વસ્તી ખૂબ જ વધી છે. એટલે લોકોને રહેવા ઘરો જોઈએ. તેઓ જંગલો કે વૃક્ષો કાપીને કાચાં ઘરો કે ઝૂંપડાં બાંધીને એમાં રહે છે. એ કારણથી કુદરતી આફતો આવે ત્યારે, વધારે નુકસાન થાય છે. ચાલો આપણે અમુક દાખલા જોઈએ.

હૈટીની વસ્તી ઘણી જ વધારે છે. ત્યાંના લોકો વર્ષોથી જંગલો કાપી રહ્યા છે. હમણાં એક ન્યૂઝ રિપોર્ટે કહ્યું કે હૈટીને પૈસા-ટકાની, રાજકારણની અને સમાજની અનેક તકલીફો છે. છતાંય સૌથી મોટી તકલીફ તો જંગલો કાપી નાખવાથી ઊભી થાય છે. એમ કેમ? એનો જવાબ ૨૦૦૪ની આફત આપે છે. મુશળધાર વરસાદના કારણે ભેખડો પણ ધસી પડી અને હજારો લોકો મરણ પામ્યા.

એશિયા ટાઈમ્સ જણાવે છે કે દક્ષિણ એશિયામાં શા માટે અનેક વાર કુદરતી આફતો આવી છે: “વધતું જતું પૃથ્વીનું તાપમાન, ઘણા ડેમ, કાપી નંખાતાં વૃક્ષો, બાળી નંખાતાં જંગલો.” જંગલનો નાશ કરવાથી અને લાંબા સમય સુધી વરસાદ ન પડવાથી, જમીન જલદીથી સૂકાઈ જાય છે. દાખલા તરીકે, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલનાં લીલાછમ જંગલો ધીમે ધીમે કપાઈ રહ્યાં હોવાથી, હવે એમાં જલદીથી આગ લાગે છે. પહેલાંના કરતાં વધારે મોટી આગ લાગે છે. જોકે, કુદરતી આફતોનું કારણ ફક્ત ખરાબ હવામાન કે આબોહવા જ નથી. પૃથ્વીના પેટાળમાં થતા ફેરફારોનો પણ એમાં હાથ છે.

ધરતી ધ્રૂજે ત્યારે શું થાય છે?

પૃથ્વીની અંદરના પોપડામાં અનેક ખડકો છે, મોટા ટુકડાઓ છે, જેને ‘પ્લેટ્‌સ’ કહેવાય છે. ધરતીના પડમાં કાયમ હલન-ચલન થતું રહે છે. તેથી એક વર્ષમાં લાખો ધરતીકંપો થાય છે. મોટા ભાગના ભૂકંપ ઓછી તીવ્રતાવાળા હોવાથી આપણને એની ખબર પડતી નથી.

કહેવામાં આવે છે કે ૯૦ ટકા ભૂકંપો પ્લેટને કિનારે ખડકસ્તરોમાં સ્તરભંગને (ફોલ્ટીંગને) લીધે થાય છે. કોઈ વાર પ્લેટની વચ્ચે પણ ભયંકર ભૂકંપ થાય છે. ઇતિહાસની નોંધ પ્રમાણે, ૧૫૫૬માં સૌથી ભયંકર ભૂકંપ ચીનમાં થયો હતો. એ ભૂકંપથી ચીનનાં ત્રણ રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું. લગભગ ૮,૩૦,૦૦૦ લોકો માર્યા ગયા હોય શકે!

ભૂકંપ પછીના આંચકા પણ ખતરનાક હોય છે. દાખલા તરીકે, ૧૭૫૫માં પહેલી નવેમ્બરે પોર્ટુગલમાં ભૂકંપ થયો. લિસ્બન શહેરની વસ્તી ૨,૭૫,૦૦૦ હતી. ભૂકંપમાં એ શહેરની તબાહી થઈ ગઈ. એટલું જ નહિ, ભૂકંપથી આગ ફાટી નીકળી. ઍટલૅંન્ટિક મહાસાગરમાંથી પંદરેક મીટર ઊંચાં મોજાં પોર્ટુગલ પર ત્રાટક્યાં. એ આફતોએ લિસ્બનના ૬૦,૦૦૦ લોકોનાં જીવન છીનવી લીધાં.

અમુક અંશે આવા નુકસાન માટે મનુષ્યો પણ જવાબદાર છે. એક તો જ્યાં આવી આફતો વધારે થવાની શક્યતા હોય છે, ત્યાં જ ઘણા લોકો રહે છે. ધરતીકંપ વિષે એન્ડ્રુ રોબીનસન લખે છે: ‘દુનિયાનાં મોટાં શહેરોમાંથી અડધાં શહેરો એવી જગ્યાએ છે, જ્યાં વધારે ભૂકંપો થાય છે.’ બીજું એ પણ કે મકાનો બાંધવામાં કેવો માલ વાપરવામાં આવે છે. જો બાંધકામ કાચું હોય, તો એટલું જ વધારે નુકસાન થાય છે. કહેવામાં આવે છે કે ‘ભૂકંપ લોકોને મારતો નથી. પણ બાંધકામો મારે છે.’ અફસોસની વાત છે કે મોટા ભાગે એ સાચું પડે છે. પણ સવાલ એ છે કે ભૂકંપમાં પડી ભાંગે નહિ એવાં ઘરો બાંધવા, ગરીબ લોકો પૈસા ક્યાંથી લાવે?

જ્વાળામુખીના ફાયદા અને નુકસાન

“તમે આ શબ્દો વાંચશો એટલામાં ઓછામાં ઓછા ૨૦ જ્વાળામુખી ફાટ્યા હશે.” યુનાઈટેડ સ્ટેટ્‌સની સ્મિથસોનીયન ઇન્સ્ટિટ્યૂટે એવો અહેવાલ આપ્યો. ટેક્ટોનિક પ્લેટ્‌સનો સિદ્ધાંત કહે છે કે ધરતીકંપ અને જ્વાળામુખી પાસે પાસેના વિસ્તારમાં થાય છે. એક પ્લેટ બીજી પ્લેટની કિનારીઓ એકબીજા પર ચડી જવાથી દબાણમાં આવે છે. તેનાથી ગરમી ઉત્પન્‍ન થાય છે, ખડક પીગળે છે. મેન્ટલ કે પડમાંથી મેગ્મા કે લાવા પૃથ્વીના પોપડાને ભેદીને જ્વાળામુખીના રૂપમાં બહાર આવે છે.

એવું જોવા મળ્યું છે કે જ્યાં એક પ્લેટ બીજી પ્લેટની કિનારીઓ એકબીજા પર ચડી જાય છે, ત્યાં જ્વાળામુખી ફાટે છે. જો એવી જગ્યાએ લોકો રહેતા હોય તો એ બહુ જ ભયંકર બની શકે. પૅસિફિક સમુદ્રના કિનારે અનેક સળંગ જ્વાળામુખી આવેલા છે. એને જ્વાળામુખી-આવર્ત કહેવામાં આવે છે. પ્લેટની કિનારીથી દૂર પણ અમુક વિનાશક જ્વાળામુખી જોવા મળ્યા છે. એવું લાગે છે કે હવાઈ ટાપુઓ, ઍઝોર્સ ટાપુઓ, ગાલાપાગૉસ ટાપુઓ અને સોસાઇટી ટાપુઓ એ બધા જ્વાળામુખી ફાટવાથી બન્યા છે.

ખરું કહીએ તો પૃથ્વીના ઘડતરમાં જ્વાળામુખીનો લાંબો ઇતિહાસ છે. એણે એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એક યુનિવર્સિટીની વેબ સાઇટ પ્રમાણે ‘જ્વાળામુખી ફાટવાના લીધે ૯૦ ટકા જમીન અને સમુદ્રોનાં તળિયાં બન્યાં છે.’ તો પછી સવાલ એ છે કે કેમ અમુક જ્વાળામુખી ફાટે ત્યારે ભારે નુકસાન કરે છે?

જ્વાળામુખી ફાટે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી લાલચોળ લાવા કે મેગ્મા નીકળે છે. અમુક જ્વાળામુખીમાંથી ધગધગતો લાવા નીકળે છે. એ ધીમો ધીમો વહેતો હોવાથી, લોકો પર અચાનક આવી પડતો નથી. પરંતુ અમુક જ્વાળામુખી બૉમ્બની માફક ફાટે છે! એના અનેક કારણો છે. જેમ કે એમાંથી નીકળતો પ્રવાહ કેવો છે: પાતળો, ચીકણો કે ઘટ્ટ. કેવા પદાર્થથી બનેલો છે. એની વરાળમાં કેટલું પાણી છે, કેવો ને કેટલો વાયુ છે. લાવામાં રહેલું પાણી અને વાયુ જ્વાળામુખીના મોં પાસે આવતા પ્રમાણમાં વધે છે. જો મેગ્મામાં યોગ્ય મિશ્રણ હોય તો, આપણે સોડાનું ટિન ખોલીએ ત્યારે જેવો અવાજ થાય, એવી રીતે જ્વાળામુખી ફાટે છે.

મોટે ભાગે જ્વાળામુખી ફાટે, એ પહેલાં એની નિશાનીઓ ચેતવે છે. જેમ કે, ૧૯૦૨માં ફાટેલા એક જ્વાળામુખીનો વિચાર કરો. કૅરિબિયન ટાપુઓમાં માર્ટિનિક ટાપુ આવેલો છે. એના પર માઉન્ટ પીલિયન નામનો જ્વાળામુખી છે. એની પાસે સાન પિઅર ગામ છે. એક તરફ જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં હતો, બીજી તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલતી હતી. જ્વાળામુખીમાંથી રાખ ઊડતી હતી. લોકો બીમાર પડતા હતા. ગભરાતા હતા. અરે લોકોએ મોટા ભાગની દુકાનો બંધ પણ કરી દીધી હતી. તોપણ નેતાઓ લોકોને ત્યાં જ રહેવાનું ઉત્તેજન આપતા હતા!

મે ૮, ૧૯૦૨ના દિવસે કૅથલિકોનો તહેવાર હતો. ઈસુ સજીવન થઈને સ્વર્ગમાં ગયા, એની ઉજવણી તેઓ કરતા હતા. એ દિવસે ઘણા લોકો ચર્ચમાં જ્વાળામુખીથી બચવા પ્રાર્થના કરવા ગયા. હજી તો સવારના આઠ પણ વાગ્યા ન હતા, એવામાં જ્વાળામુખી ફાટ્યો! એના મુખમાંથી ધગધગતા પ્યુમીસ જેવા ખડક પદાર્થો, રાખ, અંગારા અને ધુમાડો ઊડ્યો. એનું તાપમાન ૨૦૦-૫૦૦ ડિગ્રી સેલ્સિયસ હતું. ધુમાડો ભારે હોવાથી વાદળની જેમ નીચે સુધી આવી ગયો હતો. જાણે મોતનાં વાદળો ઝડપથી ગામમાં આવી રહ્યાં હતાં. એ જ્વાળામુખી લગભગ ૩૦,૦૦૦ લોકોને ભરખી ગયો. ચર્ચનો બેલ પણ ઓગળી ગયો. બંદરમાં જે વહાણો હતાં, એ પીગળી ગયાં. વીસમી સદીનો એ સૌથી ભયંકર જ્વાળામુખી હતો. પણ લોકો ચેતવણી પારખીને ત્યાંથી નાસી છૂટ્યા હોત, તો તેઓએ મરવું ન પડત!

શું કુદરતી આફતો વધતી જ રહેશે?

દુનિયામાં આવેલી આફતોનો રિપોર્ટ, ૨૦૦૪ (અંગ્રેજી) પ્રમાણે, ઇન્ટરનેશનલ ફૅડરેશન ઑફ રેડ ક્રૉસ અને રેડ ક્રૉસ સોસાયટી આમ કહે છે: ગયા દસ વર્ષમાં પૃથ્વી પર આવતી આફતોમાં ૬૦ ટકાનો વધારો થયો. “આ બતાવે છે કે આવું તો વર્ષોથી બને છે,” એ રિપોર્ટે જણાવ્યું. હિંદ મહાસાગરમાં ડિસેમ્બર ૨૬ના સુનામીની આફત આવી, એ પહેલાં તેઓએ એમ કહ્યું હતું. તો પછી જ્યાં વધારે આફતો આવતી હોય, ત્યાં વસ્તી વધતી રહેશે, તો લોકો જંગલો કાપ્યાં કરશે. એટલે એવું લાગી શકે કે એમાંથી બચવાનો કોઈ માર્ગ જ નથી.

એ ઉપરાંત ઘણા ઔદ્યોગિક દેશો હવામાં ઝેરી ગેસ છોડીને પ્રદુષણ ફેલાવે છે. એનાથી પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. સાયન્સ મેગેઝિનના તંત્રી કહે છે: એમાં ઘટાડો નહિ થાય તો, ‘જાણે કે આપણે ચેપી રોગની દવા લેવાનો ઇનકાર કરીએ છીએ. આવતા દિવસોમાં મોટી કિંમત ચૂકવવી પડશે, એ ગૅરન્ટી છે.’ એના વિષે એક કેનેડિયન રિપોર્ટ કહે છે: ‘હવામાનમાં થતા ફેરફારોની તકલીફ દુનિયામાં સૌથી વધારે મોટી તકલીફ છે. આપણે ધારીએ છીએ એટલી સહેલાઈથી એનો ઇલાજ મળવાનો નથી.’

આજે લોકો સ્વીકારવા તૈયાર નથી કે પૃથ્વીનું તાપમાન વધારવામાં તેઓનો હાથ છે. તો કઈ રીતે પ્રદૂષણ ઘટાડવા માટે તેઓ એક મતના થઈ શકે? બાઇબલ સાચે જ કહે છે કે “માણસ પાસે એવી શક્તિ નથી કે તે પોતા માટે સાચો માર્ગ નક્કી કરે.” (યિર્મેયા ૧૦:૨૩, IBSI) પણ ચિંતા ન કરો. આજે જે કુદરતી આફતો અને દુઃખો આપણા પર આવી પડે છે, એ જ પુરાવો આપે છે કે આ બધાનો જલદી જ અંત આવશે. આના પછીના લેખમાં એ જોઈશું. (g05 7/22)

[ફુટનોટ]

^ સૂર્યની ગરમી પૃથ્વી પર એકસરખી ન પડવાને લીધે, સમુદ્રમાં મોજાં ઉત્પન્‍ન થાય છે અને એ ઠંડા વિસ્તાર તરફ ગરમી ફેલાવે છે.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

મકાઈના ખેતરમાં જ્વાળામુખી ‘ઊગ્યો’

મેક્સિકોના એક ખેડૂતે ૧૯૪૩માં જોયું હતું કે તેના ખેતરમાં મકાઈ સાથે સાથે બીજું કંઈક ઊગી રહ્યું હતું. એ શું હતું? તેણે જમીનમાં અનેક ફાટો ને તીરાડો જોઈ. બીજા દિવસે એમાંથી શંકુ આકારનો નાનો જ્વાળામુખી બન્યો. અઠવાડિયા પછી, એ ૧૫૦ મીટર ઊંચો થયો. એક વર્ષ પછી ૩૬૦ મીટર. છેવટે એ શંકુ આકારનો લાવા ૪૩૦ મીટરની ટોચે પહોંચી ગયો. દરિયાની સપાટીથી એ ૨,૭૭૫ મીટર ઊંચાઈએ હતો. એ જ્વાળામુખીનું નામ પારિક્યુટિન પાડ્યું. ૧૯૫૨માં અચાનક એ એકદમ શાંત બની ગયો.

[ક્રેડીટ લાઈન]

U. S. Geological Survey/Photo by R. E. Wilcox

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

ઈશ્વરે લોકોને આફતમાંથી બચાવ્યા

દુકાળ પણ કુદરતી આફત છે. એવો એક દુકાળ સદીઓ પહેલાં ઇજિપ્તમાં પડ્યો હતો. બાઇબલ પણ એના વિષે જણાવે છે. એ સમયે યુસફ નામનો ઈશ્વરભક્ત ઇજિપ્તમાં રહેતો હતો. તે યાકૂબ જે ઇઝરાએલ પણ કહેવાતો, તેનો દીકરો હતો. ઇજિપ્તમાં પડેલો એ દુકાળ સાત વર્ષ ચાલ્યો. એણે ઇજિપ્ત, કનાન અને આજુબાજુના દેશોને લપેટમાં લીધા હતા. તોપણ, મોટા ભાગના લોકો ભૂખે મર્યા નહિ. શા માટે? કારણ કે એ દુકાળના સાત વર્ષ પહેલાં યહોવાહે એની ચેતવણી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે દુકાળ પડ્યા પહેલાં, સાત વર્ષ ઇજિપ્તમાં પુષ્કળ અનાજ પાકશે. યહોવાહે પોતાના ઈશ્વરભક્ત યુસફને, ઇજિપ્તનો અધિકારી બનાવ્યો. તે ઇજિપ્તના અનાજની દેખરેખ રાખતો. દુકાળ પડ્યો એ પહેલાં ઇજિપ્તના લોકોએ પુષ્કળ અનાજ ભેગું કર્યું. અરે, આખરે તેઓએ એનો “હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.” આમ, ઇજિપ્તે પોતાના જ લોકોને નહિ, પણ ‘સર્વ દેશોના લોકોને’ ખવડાવ્યું. એમાં યુસફનું કુટુંબ પણ હતું.—ઉત્પત્તિ ૪૧:૪૯, ૫૭; ૪૭:૧૧, ૧૨.

[પાન ૭ પર ચિત્ર]

હૈટી ૨૦૦૪ પીવાનું પાણી ઊંચકીને, પાણી ભરાયેલા રસ્તા પરથી આવતા છોકરાઓ. કપાતાં જંગલોને લીધે ભેખડો ધસી પડી

[ક્રેડીટ લાઈન]

Background: Sophia Pris/EPA/Sipa Press; inset: Carl Juste/Miami Herald/Sipa Press

[પાન ૯ પર ચિત્ર]

ઘણા દેશો પ્રદુષણ છોડે છે, પૃથ્વીનું તાપમાન વધે છે

[ક્રેડીટ લાઈન]

© Mark Henley/Panos Pictures