સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યહોવાહના સંગઠનમાં તમારો આવકાર”

“યહોવાહના સંગઠનમાં તમારો આવકાર”

“યહોવાહના સંગઠનમાં તમારો આવકાર”

ફિનલૅન્ડમાં એક કુટુંબ અમુક સમયથી યહોવાહના સાક્ષીઓ સાથે હળતું-મળતું હતું. એ કારણે ઘણા તેઓનો વિરોધ કરવા લાગ્યા. લોકોએ તેઓને ચેતવ્યા: “અરે, યહોવાહના સાક્ષીઓ તમારા બધા પૈસા સફાચટ કરી જશે, પછી પસ્તાશો.” બીજાઓએ કહ્યું, “જોજો! એક દિવસ ઘર ગુમાવવાનો વારો આવશે.” આ કુટુંબના ઘરને ગરમ રાખવા હિટર સિસ્ટમ હતી, એમાં એક રાત્રે આગ લાગી. દીવાલોને બહુ નુકસાન થયું. કુટુંબને બહુ સહેવું પડ્યું, કેમ કે ફિનલૅન્ડમાં ઉત્તરે ઠરી જવાય એટલી ઠંડી હોય છે.

વીમાના એટલા પૈસા મળ્યા ન હતા કે ફરીથી એક સારું ઘર બાંધી શકાય. એમ લાગતું હતું કે લોકોની વાત સાચી પડી. આ કુટુંબના પિતા ઘટનાને યાદ કરતા કહે છે: “અમે તો હિંમત હારી ગયા હતા.” તોપણ, પતિ-પત્ની બંનેએ નિર્ણય લીધો હતો કે ત્રણ અઠવાડિયાં પછી બાપ્તિસ્મા લેવું.

તેઓના મંડળે સંપથી બાઇબલની આ સલાહ પાળી: ‘આપણે શબ્દથી નહિ અને જીભથી નહિ, પણ કામમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ.’ (૧ યોહાન ૩:૧૮) મંડળના ભાઈબહેનોએ નક્કી કર્યું કે એ મકાનને રીપેર કરવું. ફિનલૅન્ડના યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસે પણ અમુક સલાહ આપી. મકાન માટે નકશો બનાવવામાં આવ્યો, જરૂરી પરવાનગી લેવામાં આવી. એને માટે જરૂરી વસ્તુઓનું લીસ્ટ તૈયાર થયું. બીજાં મંડળોમાંથી પણ મદદ માટે ભાઈબહેનો આવ્યા.

આગ લાગી હતી એના એક મહિનાની અંદર તો, કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું. એક બુધવારે ભાઈબહેનોએ મકાનનો બળી ગયેલો ભાગ સાફ કર્યો. એ જ અઠવાડિયાના શુક્રવાર સુધીમાં બીજા મંડળમાંથી આવેલા ભાઈબહેનોની મદદથી જાણે નવું મકાન ઊભું થતું દેખાવા માંડ્યું. એક દિવસ પિતા શહેર જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ત્યાંના એક અધિકારી મળ્યા. અધિકારીએ પૂછ્યું કે ‘વરસાદથી બચવા માટે છત પર તાડપત્રી લગાવી કે નહિ?’ પિતાએ ગર્વથી કહ્યું: “છત પર તાડપત્રી તો નથી, પણ ૩૦ માણસો જરૂર છે!”

શનિવારે લગભગ ૫૦ ભાઈબહેનો ઘર રીપેર કરવા કામે લાગી ગયા હતા. તેઓ મદદ કરવા માટે બહુ ખુશ હતા. એક પડોશી પણ કામે લાગી ગયો હતો. તેણે કહ્યું: “ગઈ આખી રાત હું વિચારતો હતો કે તમે કેટલા અલગ છો! તમે ખરેખર એકબીજાને ચાહો છો અને મદદ પણ કરો છો.”

શનિવારે સાંજે જ બધું કામ પતી ગયું. એક સમયે લોકોએ આ કુટુંબને કેવાં કડવાં વેણ કહ્યાં હતાં. પણ આ નવું મકાન જાણે તેઓને જોરદાર જવાબ આપી રહ્યું હતું. એક મંડળના વડીલને એ પળ હજુ પણ યાદ છે, જ્યારે પોતે કુટુંબના પિતા સાથે નવું ઘર જોતા હતા. વડીલ કહે છે: “અમારું દિલ ખુશીઓથી છલકાઈ ઊઠ્યું હતું. મેં નવા બાપ્તિસ્મા પામેલા એ ભાઈના ખભા પર હાથ મૂકીને કહ્યું: ‘યહોવાહના સંગઠનમાં તમારો આવકાર છે.’” (g05 12/8)

[પાન ૩૧ પર ચિત્ર]

આગથી થયેલું નુકસાન

[પાન ૩૧ પર ચિત્ર]

રીપેર કરતી વખતે