સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

દુનિયાનું માનીતું પ્રાણી

લંડનનું ધી ઇન્ડિપેન્ડન્ટ છાપું જણાવે છે કે ‘કૂતરો માણસનો દોસ્ત છે, પણ દુનિયાનું માનીતું પ્રાણી વાઘ છે.’ એક પ્રોગ્રામની સીરીઝમાં એક પછી એક એમ દસ પ્રાણીઓ બતાવવામાં આવ્યા. પછી ૭૩ દેશોના ૫૨,૦૦૦થી વધારે લોકોનો મત લેવામાં આવ્યો. એમાં કૂતરા કરતાં વાઘને ૧૭ વધારે મત મળ્યા. ડૉલ્ફિન ત્રીજા નંબરે હતી. એના પછી ઘોડો, સિંહ, સાપ, હાથી, ચિમ્પાન્ઝી, ઓરંગુટાન જાતિનો વાંદરો અને વ્હેલ. પ્રાણીઓના વિજ્ઞાની, ડૉ. કેન્ડી ડ્‌સા સમજાવે છે કે માણસ ‘વાઘને સારી રીતે સમજી શકે છે. વાઘ બહારથી તો ગુસ્સાવાળો અને બીજાને ડરાવનાર લાગે. પણ અંદરથી સમજી-વિચારી પગલાં લે. જ્યારે કે કૂતરો વફાદાર, દોસ્તી નિભાવનારો છે. અરે, માલિકને આમ-તેમ વાતચીત કરવા પણ પ્રેરે છે.’ પ્રાણીઓનું રક્ષણ કરનારાને વાઘની જીત ઘણી ગમી. ‘કુદરતી ચીજોના બચાવ માટે વિશ્વવ્યાપી ફંડ’ નામની સંસ્થાના કેલમ રેન્કાઈન કહે છે કે “જો લોકોએ વાઘનું મહત્ત્વ સમજીને એને માનીતું પ્રાણી ગણ્યું છે, તો આશા છે કે તેઓ એનું રક્ષણ પણ કરશે.” એવો અંદાજ છે કે જંગલોમાં ફક્ત ૫,૦૦૦ વાઘ બચ્યા છે. (g05 12/22)

મોઢામાંના બેક્ટેરિયા અને તબિયત

સાયન્સ મૅગેઝિન જણાવે છે કે ‘મોંમાં જાણે જીવ-જંતુની દુનિયા જીવે છે. છેલ્લાં ૪૦ વર્ષોથી જીવવિજ્ઞાનીઓ શોધખોળ કરે છે. તેઓ નજર રાખે છે કે કેટલી ઝડપથી દાંત, અવાળા અને જીભ પર ઢગલાબંધ બેક્ટેરિયા ફૂલેફાલે છે.’ થોડા સમયથી વૈજ્ઞાનિકોને ખબર છે કે મોઢામાંના બેક્ટેરિયા શરીરના બીજા ભાગોને પણ ખરાબ અસર કરી શકે છે. હૃદયને લગતી તકલીફોનું એક કારણ તો મોઢામાંના બેક્ટેરિયા છે જ. પણ શોધ બતાવે છે કે અધૂરે મહિને બાળકના જન્મનું કારણ પણ મોઢાના બેક્ટેરિયા હોય શકે. ખરું કે ખરાબ બેક્ટેરિયા પહેલાં મોંમાં સીધેસીધું નુકસાન કરે છે. પણ જો ખરાબ બેક્ટેરિયા ભેગા મળીને સારા બેક્ટેરિયાને પતાવી દે, તો દાંત પોલા થઈ જાય, અવાળામાંથી લોહી નીકળે અને મોઢામાંથી વાસ આવે. રિપોર્ટ જણાવે છે કે ‘૬૫ વર્ષથી વધારે ઉંમરના ૧૦માંથી ૩ લોકોના બધા દાંત પડી ગયા હોય છે. યુનાઇટેડ સ્ટેટ્‌સમાં પચાસ ટકા લોકોને અવાળાનો રોગ કે સડી ગયેલા દાંત હોય છે.’ બેક્ટેરિયા પરની આ શોધથી, હવે સંશોધકો કોગળા કરવા એવું ‘માઊથવોશ બનાવવા ચાહે છે, જે ફક્ત ખરાબ બેક્ટેરિયાને વધતા અટકાવે.’ (g05 12/22)

કોણ કેટલું ઊંઘે છે

અલ્જાઝીરા ન્યૂઝ ચેનલે આવો રિપોર્ટ આપ્યો: “કોણ કેટલું ઊંઘે છે, એના પર દુનિયાભરમાં એક સર્વે થયો. એમાં જાણવા મળ્યું કે અમેરિકા અને યુરોપના લોકો કરતાં, એશિયાના લોકો મોડા ઊંઘે છે અને વહેલા જાગે છે.” લગભગ ૨૮ દેશોમાં ૧૪,૦૦૦ જેટલા લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે ઊંઘે છે અને ક્યારે ઊઠે છે. પોર્ટુગલમાં દર ૪માંથી ૩ લોકો રાતના બાર વાગ્યા પછી સૂવા જાય છે. એશિયાના લોકો સૌથી વહેલા ઊઠી જાય છે. ઇંડોનેશિયાનો પહેલો નંબર છે, જ્યાં “૯૧% લોકો સવારે ૭ વાગ્યા પહેલાં ઊઠી જાય છે.” જાપાની લોકો સૌથી ઓછું ઊંઘે છે. લગભગ ૪૦ ટકાથી વધારે જાપાનીઓ છ કલાક કે એનાથી ઓછું ઊંઘે છે. જ્યારે કે ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગના લોકો રાત્રે દસ વાગ્યા પહેલા પથારીમાં પડી જાય છે. ત્યાં જેઓનો સર્વે કર્યો તેઓમાંના ત્રીજા ભાગનાએ કહ્યું કે દર રાત્રે તેઓ નવ કલાકથી વધારે ઊંઘ ખેંચે છે. (g05 12/22)

બાળક માટે “કાંગારૂ જેવી સંભાળ”

જાપાનનું ડેઈલી યોમીઉરી છાપું કહે છે કે “કાંગારૂ જેવી સંભાળ રાખવાથી, નવું જન્મેલું બાળક વધારે ઊંઘે છે, સારી રીતે શ્વાસ લઈ શકે છે અને તેનું વજન જલદીથી વધે છે.” પણ “કાંગારૂ જેવી સંભાળ” એટલે કેવી સંભાળ રાખવી? એનો અર્થ એ કે મમ્મી કે પપ્પા પોતાના લાડલા બાળકને દરરોજ એકથી બે કલાક પોતાની છાતી પર સુવડાવી રાખે. ટોકિયો મેટ્રોપોલિટન હૉસ્પિટલમાં નવાં જન્મેલાં બાળકોના વૉર્ડની ઇન્ચાર્જ, ટોયોકો વાતાનાબે કહે છે કે ‘કોલંબિયામાં આ કાંગારૂ જેવી સંભાળની શરૂઆત થઈ હતી. ખાસ એટલા માટે કે અધૂરે મહિને જન્મેલા બાળકની સંભાળ રાખવાના સાધનની કમી હતી. યુનીસેફે નોંધ કરી કે એનાથી એવાં બાળકોના મરણમાં ઘટાડો થયો. અરે, એનાથી બાળકોને હૉસ્પિટલમાં પણ વધારે રહેવું નથી પડ્યું.’ એ પેપર આગળ જણાવે છે કે “કાંગારૂ જેવી સંભાળનો આઇડિયા બધા જ નવાં જન્મેલાં બાળકો માટે સારો છે. આમ શહેરોના લોકો પણ માનવા માંડ્યા છે.” માબાપ અને બાળકના શરીરની હૂંફથી તેઓ વચ્ચે અતૂટ પ્રેમ બંધાય છે, બીજા ઘણાય ફાયદા થાય છે. અરે, એમાં ન તો કોઈ ખર્ચો થાય છે કે ન કોઈ ખાસ સાધનની જરૂર પડે. (g05 12/22)

‘ઘરની સૌથી સારી સજાવટ’?

લંડનનું ધ સન્ડે ટેલિગ્રાફ છાપું જણાવે છે કે ‘પશ્ચિમ દેશોના ટુરિસ્ટો અને વેપારીઓ ચીનમાંથી વાઘનું ચામડું ખરીદે છે. હવે દુનિયામાં બહુ વાઘ બચ્યા નથી, એ માટે તેઓ જ જવાબદાર છે.’ લગભગ એકસો વર્ષ પહેલાં ૧,૦૦,૦૦૦ વાઘ હતા. એમાંથી આજે લગભગ ૫,૦૦૦થી પણ ઓછા વાઘ બચ્યા છે. એમાંના મોટા ભાગના વાઘ ભારતમાં છે. દક્ષિણ એશિયા અને પૂર્વમાં થોડાક છે. ચેરીટી પર ચાલતી લંડનની વાતાવરણનું રક્ષણ કરતી એક એજન્સી જણાવે છે કે, વાઘનું ચામડું ખરીદનારા એને ‘ઘરની સૌથી સારી સજાવટ માને છે. પણ તેઓ વાઘની જાતિનો નાશ કરવા બેઠા છે. હવે જો વાઘનું નામનિશાન મટી જતાં રોકવું હોય, તો એકેએક વાઘ કીમતી છે.’ વિચારો કે ૧૯૯૪થી ૨૦૦૩માં ૬૮૪ વાઘના ચામડાં પકડાયાં. તોપણ આ આંકડો ચોરીછૂપીથી જે ચામડાં વેચાઈ ગયા છે, એનો નાનો જ ભાગ છે. (g05 11/8)

યુવાનિયા અને મોબાઇલ ફોન

લંડનનું ડેઈલી ટેલિગ્રાફ છાપું જણાવે છે કે “બ્રિટનના યુવાનિયાઓ પાસેથી મોબાઇલ ફોન લઈ લો તો, તેઓનું જીવન અટકી પડે છે.” સંશોધકોએ ૧૫થી ૨૪ વર્ષના યુવાનિયાઓ પાસેથી બે અઠવાડિયા માટે ફોન લઈ લીધા. રિપોર્ટ જણાવે છે કે ‘એ નવાઈ પમાડે એવો અનુભવ હતો. યુવાનિયાને હવે જાણે જીવનની નવી રીતો શીખવી પડતી હતી. જેમ કે પોતાનાં માબાપ સાથે વાત કરવી, ફ્રેન્ડને મળવા તેના ઘરે જવું પડતું, તેનાં માબાપને મળવું પડતું.’ ઇંગ્લૅંડની લેન્કાસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ હ્યુમ કહે છે કે યુવાનિયાઓ મોબાઇલ પર વાતોના ગપાટા મારતા હોય છે. એનાથી જાણે “તેઓને મનની શાંતિ મળે છે, પોતે કંઈક છે” એવી તેઓને ખાતરી મળે છે. એ છાપું જણાવે છે કે એક છોકરી મોબાઇલ વિના “ચિડિયેલ બની, મૂંઝાઈ ગઈ.” એક છોકરાને લાગ્યું કે પોતે એકલો પડી ગયો, કેમ કે ‘મન ફાવે ત્યારે તેના ફ્રેન્ડ સાથે ગપ્પાં મારી શકતો ન હતો. હવે તેને કોઈને ખાસ ટાઈમે મળવા માટે આગળથી ગોઠવણ કરવી પડતી.’ (g05 11/8)

હસવાની કમાલ

પૉલિશ સાપ્તાહિક પ્રઝાચીઓલકા કહે છે: ‘વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે અડધી મિનિટ દિલ ખોલીને હસો તો, ૪૫ મિનિટ લીધેલા આરામ બરાબર છે. એક વાર ખડખડાટ હસો તો, ત્રણ મિનિટ કરેલી સખત કસરત બરાબર. દસ વાર સ્માઈલ આપો તો દસ મિનિટ મશીન પર કરેલી કસરત બરાબર છે.’ છૂટથી હસો તો ત્રણગણી વધારે હવા ફેફસાંમાં જાય છે. સારી રીતે શ્વાસ લેવાય. ખોરાક પચવામાં, શરીરના બંધારણમાં, મગજમાં અને શરીરની ખરાબીનો નાશ કરવામાં ફાયદો જ ફાયદો છે. મૅગેઝિન એમ પણ સૂચવે છે કે સારા મૂડમાં આવવા માટે સવારના પહોરમાં પોતાને, પતિ કે પત્નીને, બાળકોને સ્માઈલ આપો. એ ઉમેરે છે કે “પોતાના પર હસતા શીખો. મુશ્કેલ સંજોગોમાં સારું જોતા શીખો.” (g05 10/22)