સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ધૂમધામથી લગ્‍ન કરવા જોઈએ?

શું ધૂમધામથી લગ્‍ન કરવા જોઈએ?

યુવાનો પૂછે છે . . .

શું ધૂમધામથી લગ્‍ન કરવા જોઈએ?

“મારી મંગેતર સિંડીએ મને કહ્યું કે ‘આપણે ધૂમ-ધામથી લગ્‍ન નહિ કરીએ. આપણાં સગાં-વહાલાં, મિત્રોને પણ જણાવવાની જરૂર નથી.’ એ વિષે ચર્ચા કર્યા પછી અમે નિર્ણય લીધો કે એમ કરવાથી આપણો સમય અને શક્તિ બચશે. ચિંતાઓ પણ ઓછી થશે.”—એલન. *

માનો કે તમે લગ્‍ન કરવા ઉંમરલાયક છો. કોઈના પ્રેમમાં પડ્યા છો. તમને પણ કદાચ એવું થાય કે ધૂમ-ધામથી લગ્‍ન નથી કરવા. અમુક છોકરા-છોકરીઓ તો ભાગીને લગ્‍ન કરી લે છે. આવા કિસ્સાઓમાં યોગ્ય નિર્ણય લેવા તમને કયા સિદ્ધાંતો મદદ કરી શકે?

શું રીત-રિવાજો પાળવા જોઈએ?

મોટા ભાગના સમાજમાં લોકો પરણતા હોય છે. પણ તેઓના રીત-રિવાજો પ્રમાણે લગ્‍નની વિધિઓ જુદી જુદી હોય છે. યહોવાહના સાક્ષીઓ માટે સમાજના રીત-રિવાજો પ્રમાણે લગ્‍ન કરવા મહત્ત્વનું નથી. (રૂમી ૧૨:૨) સાક્ષીઓ ફક્ત એટલું જ ચાહે છે કે લગ્‍ન પહેલાં સાથે ગાળેલો સમય અને લગ્‍ન પછીનું જીવન હંમેશાં યહોવાહને માન આપે.—૧ કોરીંથી ૧૦:૩૧.

લગ્‍ન કરવામાં કંઈ ખોટું નથી, એટલે મોટા ભાગે છોકરો-છોકરી બીજા લોકો સાથે મળીને ખુશીથી એ ઊજવે છે. ઘણા દેશોમાં યહોવાહના સાક્ષીઓ તેઓના કિંગ્ડમ હૉલમાં પરણે છે. * તેઓ પરણ્યા પછી નાનું રિસેપ્શન રાખે છે, જ્યાં સગાં-વહાલાંઓ સાથે જમીને અને થોડી રમત રમીને આનંદ માણે છે. એવું જરૂરી નથી કે ધૂમ-ધામથી લગ્‍ન કરવા જ જોઈએ. એ ખરું છે કે લગ્‍ન અને રિસેપ્શનની તૈયારી કરવામાં બહુ ટેન્શન રહે છે. એનો ઘણો ખર્ચો પણ થાય છે. દાખલા તરીકે, અમેરિકામાં રિસેપ્શન રાખવામાં હજારો ડૉલરનો ખર્ચ થાય છે.

લગ્‍નની ગોઠવણના ટેન્શનથી અને ખર્ચથી બચવા અમુક સાદી રીત અપનાવે છે. સિંડી કહે છે, “અમે અમારા મમ્મી-પપ્પાને જણાવ્યું કે અમે રીતિ-રિવાજો પ્રમાણે નહિ, પણ સાદી રીતે લગ્‍ન કરવાના છીએ. જેથી ઓછો ખર્ચો થાય. મારા મમ્મી-પપ્પાએ કહ્યું કે ‘અમે તમારી લાગણી અને સંજોગો સમજીએ છીએ.’ તેઓએ અમને પૂરો સાથ આપ્યો.” જ્યારે કે સિંડીના મંગેતર એલને પોતાનાં મમ્મી-પપ્પા સાથે વાત કરી, ત્યારે તેઓને એ વાત ગળે ઉતારવી અઘરી લાગી. એલન કહે છે, “અમે આવો નિર્ણય લીધો, એ માટે તેઓ પોતાનો જ વાંક કાઢવા લાગ્યા. પણ એવું કંઈ જ ન હતું.”

તમે સાદી રીતે લગ્‍ન કરવાનો નિર્ણય લેશો તો, તમારાં માબાપને ખોટું લાગી શકે. તેઓ ચાહતા હોય કે આ ખુશીના પ્રસંગમાં સગાં-વહાલાં આવે. પણ ધારો કે તમારાં માબાપ તમારી મનપસંદ વ્યક્તિ સાથે લગ્‍ન કરવાની મંજૂરી ન આપે તો શું? એ કારણથી તમને કદાચ ભાગી જઈને લગ્‍ન કરવાનું મન થાય તો શું?

તમારા કુટુંબની ભાવનાનો વિચાર કરો

એવું હોઈ શકે કે તમારાં માબાપની નજરમાં તમે હજી બાળક છો. તેઓને લાગશે કે આવા મહત્ત્વના નિર્ણય તમે લઈ શકો એમ નથી. તેઓને લાગી શકે કે સમય જતાં તમારી પસંદ-નાપસંદ બદલાઈ જશે. એક દિવસ તમે જે જીવન-સાથીની પસંદગી કરી છે, એ વિષે પસ્તાવો થશે. એમ પણ બને કે લગ્‍ન કરવા તમે ઉંમરલાયક છો. પણ તમે જેને ચાહો છો તેની છાપ સારી ન હોય. તમારો ધર્મ અને તમારા પ્રેમીનો ધર્મ અલગ હોવાથી માબાપ તમને ના પાડે.

તમારાં માબાપ યહોવાહના સેવક હોય તો, તેઓ બાઇબલ સિદ્ધાંતોના લીધે એવી ચિંતા કરતા હોય શકે. તેઓ ચિંતા કરે એ સમજી શકાય. જો નહિ કરે તો યહોવાહ તેઓને જવાબદાર ગણશે. તેથી માબાપનું સાંભળવાથી તમારું જ ભલું થશે.—નીતિવચનો ૧૩:૧, ૨૪.

દાખલા તરીકે, તમે કપડાં લેતાં પહેલાં બીજાને પૂછશો કે એની ક્વૉલિટિ કેવી છે. તમને શોભે છે કે નહિ. તમે હંમેશાં તેઓની વાત માની લેશો નહિ. તોપણ તમારો મિત્ર તમને જણાવશે કે ફલાણું કાપડ સારું આવે છે કે ફલાણી સ્ટાઈલ તમને શોભે છે કે નહિ. તેઓનું સાંભળવાથી તમારા પૈસા બચી શકે છે. તમે કપડાં જેવી બાબતમાં મિત્રનું સાંભળો છો. તો પછી, લગ્‍નસાથીની પસંદગી કરતી વખતે, શું તમારા કુટુંબનું ન સાંભળવું જોઈએ? કપડાં તો મન ફાવે ત્યારે તમે બદલી શકો છો. પણ યહોવાહ ચાહે છે કે તમે તમારા જીવનસાથીને જીવનભરના સાથી બનાવો. (માત્થી ૧૯:૫, ૬) ધારો કે તમે ખોટી સાઇઝનાં કપડાં લાવ્યા છો. એ પહેરતા તમને મુશ્કેલી પડી શકે. એ જ રીતે તમે જેની સાથે લગ્‍ન કરવાના છો, તેના વિચારો તમારી સાથે મેળ ન ખાય તો શું? તે પરમેશ્વરની સેવામાં ઠંડા પડી ગયા હોય તો શું તમને મુશ્કેલી નહિ પડે? (ઉત્પત્તિ ૨:૧૮; નીતિવચનો ૨૧:૯) માબાપનું નહિ સાંભળો તો તમે તમારા પગ પર કુહાડી મારીને સાચું સુખ ગુમાવશો.—નીતિવચનો ૫:૧૮; ૧૮:૨૨.

ખરું કે અમુક માબાપ પોતાના સ્વાર્થને લીધે બાળકોની પસંદને ના પાડે છે. જેમ કે, તેઓ બાળકોને પોતાના હાથમાં રાખવા માંગતા હોય. પણ માબાપ સ્વાર્થને લીધે ‘ના’ પાડે છે, એમ વિચારીને ચોરીછૂપીથી લગ્‍ન ન કરશો. એના બદલે એ જાણવાની કોશિશ કરો કે તેઓને કઈ બાબત ખૂંચે છે.

સાવચેત રહેવાનાં કારણો

એ હકીકત છે કે તમે મોટા થશો તેમ, તમારી પસંદ બદલાતી જશે. પ્રેરિત પાઊલે લખ્યું: “જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો; પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.” (૧ કોરીંથી ૧૩:૧૧) કદાચ યુવાનીમાં પગ મૂકતા જ, તમે કોઈની અદાઓ પર ફિદા થઈ જાવ. પણ તમારી ઉંમર થાય તેમ, તમને તમારી પસંદમાંથી રસ ઊડી જઈ શકે. બાઇબલ સલાહ આપે છે કે “વાસનાઓ પ્રબળ” હોય ત્યારે, જીવન સાથીની પસંદગી કરવાનું ઉતાવળિયું પગલું ન ભરો. એના બદલે રાહ જુઓ.—૧ કોરીંથી ૭:૩૬, પ્રેમસંદેશ.

ધારો કે તમારાં મમ્મી-પપ્પાને તમારા સાથીમાં કોઈ ખામી દેખાય તો? તમારાં મમ્મી-પપ્પાને જીવનનો અનુભવ હોવાથી, તમારા કરતાં વધારે સારી પારખી શકે છે કે ખરું-ખોટું શું છે. (હેબ્રી ૫:૧૪) તેથી તમારી પસંદની વ્યક્તિના સ્વભાવમાં તેઓને જે ખામી દેખાય, એ તમને ન પણ દેખાય. સુલેમાન રાજા બુદ્ધિમાન હતા. તેમણે આ સિદ્ધાંત આપ્યો: “અદાલતમાં પહેલો બોલે તે સાચો લાગે છે, પણ બીજા આવીને તેની ઊલટતપાસ કરે છે.” (સુભાષિતો [નીતિવચનો] ૧૮:૧૭, સંપૂર્ણ) કદાચ તમારા પ્રેમી કે તમારી પ્રેમિકાએ તમારા મનમાં ઠસાવી દીધું હોય કે તમે જીવનભર એકબીજા સાથે રહેવા બનેલા છો. પણ તમારાં માબાપ તમારી આગળ તેની ‘ઊલટ તપાસ’ કરે પછી, વિચાર કરીને પાક્કો નિર્ણય લો.

દાખલા તરીકે, માબાપ તમને યાદ કરાવે કે યહોવાહના સેવકોએ “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવું જોઈએ. (૧ કોરીંથી ૭:૩૯) કદાચ તમને એમાં વાંધો પડે, કેમ કે તમે એવી વ્યક્તિને જાણો છો જેણે યહોવાહના સેવક સાથે લગ્‍ન નથી કર્યા. તોપણ તેઓ બંને જણ આજે ખુશીથી યહોવાહની સેવા કરે છે. આવું બહુ ઓછા કિસ્સામાં થાય છે. મોટા ભાગના કિસ્સામાં આવાં લગ્‍નો કરનારા સુખી થતા નથી. જો તમે બીજો ધર્મ પાળતી વ્યક્તિ સાથે લગ્‍ન કરશો, તો તમે યહોવાહનો નિયમ તોડો છો. તમે જાતે જ યહોવાહનો સાથ છોડો છો.—૨ કોરીંથી ૬:૧૪. *

લગ્‍ન કરવાનાં ખોટાં કારણો

અમુક યુવાનો ભાગી જઈને લગ્‍ન કરે છે, કેમ કે તેઓએ લગ્‍ન પહેલાં શરીર સંબંધ બાંધ્યો હોય છે. તેઓ માને છે આ રીતે લગ્‍ન કરી લેવાથી, તેઓનું દિલ ડંખશે નહિ. તેઓ પોતાનું પાપ છુપાવવા માંગતા હોય, કેમ કે છોકરી મા બનવાની હોય શકે.

તમે પોતાનું પાપ છુપાવવા પરણો છો તો, એ બીજી મોટી ભૂલ કરી રહ્યા છો. રાજા સુલેમાને ચેતવણી આપી: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિવચનો ૨૮:૧૩) સુલેમાનનાં માબાપ દાઊદ અને બાથશેબાએ વ્યભિચાર કરીને, પોતાનાં પાપને છુપાવવાની કોશિશ કરી. પણ તેઓ કડવી રીતે શીખ્યા કે એ કેટલી મૂર્ખતા હતી. (૨ શમૂએલ ૧૧:૨–૧૨:૨૫) તમારાં પાપ સંતાડવાને બદલે તમારાં માબાપ અને મંડળના વડીલો સાથે વાત કરો. એ માટે હિંમત જોઈશે. પણ ભૂલશો નહિ કે તમે પસ્તાવો કરશો તો, યહોવાહ તમને જરૂર માફ કરશે. (યશાયાહ ૧:૧૮) એમ કર્યા પછી તમારું દિલ શુદ્ધ થશે. પછી તમે લગ્‍નનો ખરો નિર્ણય લઈ શકશો.

પસ્તાવાનો વારો આવે, એવું ન કરો

પોતાના લગ્‍નનો દિવસ યાદ કરતા એલન કહે છે: “અમે સાદી રીતે લગ્‍ન કર્યા, એટલે અમને બહુ ટેન્શન ન હતું. હું મારા કુટુંબને અમારો નિર્ણય સારી રીતે સમજાવી ન શક્યો, એનો જ મને પસ્તાવો થાય છે.”

કોઈ ધામધૂમથી લગ્‍ન કરે કે સાદાઈથી, એ તેઓની મરજી. પણ પરણવામાં ખોટી ઉતાવળ કરશો નહિ. તમારા કુટુંબની સલાહ લો. સમજી “વિચારીને” પગલાં લો. જેથી, પાછળથી પસ્તાવાનો વારો નહિ આવે.—નીતિવચનો ૧૪:૧૫, IBSI. (g05 11/22)

[ફુટનોટ્‌સ]

^ નામ બદલવામાં આવ્યાં છે.

^ કિંગ્ડમ હૉલમાં યહોવાહની ભક્તિ થાય છે. એમાં લગ્‍ન કરવા સારું છે. લગ્‍નની વિધિ સાદી હોય છે. એમાં બાઇબલ પરથી ટૂંકું પ્રવચન આપવામાં આવે છે. લગ્‍ન જીવન સુખી બનાવવા માટે સારી સલાહ આપવામાં આવે છે. લગ્‍ન માટે કિંગ્ડમ હૉલ વાપરવાનું ભાડું લેવામાં આવતું નથી.

^ આના વિષે વધારે માહિતી માટે ચોકીબુરજ, જુલાઈ ૧, ૨૦૦૪ પાન ૩૦-૧ અને જૂન ૧, ૧૯૯૦, પાન ૧૨-૧૬ જુઓ.

[પાન ૨૭ પર ચિત્ર]

લગ્‍નનો કોઈ નિર્ણય લેતા પહેલાં, કુટુંબની સલાહ લો