સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બાઇબલ સ્ત્રીઓ માટે ભેદભાવ રાખે છે?

શું બાઇબલ સ્ત્રીઓ માટે ભેદભાવ રાખે છે?

બાઇબલ શું કહે છે

શું બાઇબલ સ્ત્રીઓ માટે ભેદભાવ રાખે છે?

ત્રીજી સદીના ધર્મવિજ્ઞાની, ટર્ટુલિયને એક પુસ્તકમાં જણાવ્યું કે શેતાન સ્ત્રીઓ દ્વારા બીજાઓને છેતરે છે. ઘણા કહે છે કે બાઇબલમાં સ્ત્રીઓનું કંઈ મહત્ત્વ નથી. બાઇબલ સ્ત્રીઓને પુરુષથી ઊતરતી ગણે છે, ભેદભાવ રાખે છે.

અમેરિકામાં ૧૯મી સદીમાં એલિઝાબેથ કેડી સ્ટૈનટોન સ્ત્રીઓના હક્ક માટે લડનારી હતી. તેને લાગતું હતું કે “બાઇબલ અને ચર્ચ સ્ત્રીઓની આઝાદીને આડે આવે છે.” બાઇબલનાં પહેલાં પાંચ પુસ્તકો વિષે સ્ટૈનટોને કહ્યું: “ફક્ત આ પુસ્તકોનો જ દાખલો લઈએ, તો એમાં સ્ત્રીઓને આધીન રહેવાની સલાહ આપવામાં આવી છે. એ એમ પણ જણાવે છે કે પુરુષ સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખી શકે.”

આજે પણ અમુક લોકો સ્ટૈનટોન જેવું વિચારતા હોઈ શકે. ઘણા લોકો માને છે કે ભલે આખું બાઇબલ નહિ, પણ એના અમુક ભાગો શીખવે છે કે સ્ત્રીઓનું કંઈ મહત્ત્વ નથી. પરંતુ, શું બાઇબલ ખરેખર એમ શીખવે છે?

હેબ્રી શાસ્ત્રવચનો સ્ત્રીઓ વિષે શું કહે છે?

“તું તારા વરને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.” (ઉત્પત્તિ ૩:૧૬) બાઇબલની ટીકા કરનારા અમુક આ કલમને લીધે કહે છે કે પરમેશ્વરે હવાને આ સજા આપી હતી. પરમેશ્વર જાણે એવું ચાહે છે કે સ્ત્રીઓ પુરુષોની ગુલામ બનીને રહે. હકીકત એ છે કે આ કલમમાં પરમેશ્વરે પોતાની કોઈ ઇચ્છા જણાવી નથી. એ કલમ ફક્ત એ જ જણાવે છે કે પાપ કરવાના અને પરમેશ્વરનો સાથ છોડવાનાં કેવાં ખરાબ પરિણામ આવે છે. સ્ત્રીઓ પર થતો અત્યાચાર એ પરમેશ્વરની ઇચ્છા નથી, પણ માણસોનાં પાપનું ફળ છે. આજે અમુક સમાજમાં પત્નીને પગની જૂતી ગણવામાં આવે છે. તેઓ સાથે ખરાબ વર્તાવ કરવામાં આવે છે. પણ પરમેશ્વર આવું ચાહતા ન હતા.

આદમ અને હવાને પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા હતા. પરમેશ્વરે તેઓને આજ્ઞા આપી કે તેઓ સફળ થાય અને વધે. પૃથ્વીને ભરપૂર કરે ને તેને વશ કરે. તેઓએ સાથે મળીને કામ કરવાનું હતું. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) એ બતાવે છે કે એ વખતે આદમ અને હવામાંથી કોઈએ પણ એકબીજાને ગુલામ બનાવવાના ન હતા. ઉત્પત્તિ ૧:૩૧ કહે છે, ‘ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેમણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ હતું.’

શું બાઇબલમાં સ્ત્રીઓ વિષેના દરેક બનાવમાં સ્પષ્ટ બતાવ્યું છે કે એ વિષે પરમેશ્વરને કેવું લાગે છે? ના, અમુકમાં કંઈ જણાવવામાં આવ્યું નથી. દાખલા તરીકે, લોતનો વિચાર કરો. લોતે પોતાની દીકરીઓને સદોમના લોકો આગળ લાવીને કહ્યું કે તેઓને જે સારું લાગે એ દીકરીઓ સાથે કરે. બાઇબલ એ બતાવતું નથી કે યહોવાહની નજરમાં એ ખરું કહેવાય કે ખોટું. *ઉત્પત્તિ ૧૯:૬-૮.

હકીકતમાં પરમેશ્વર કોઈ પણ જાતના શોષણ અને અત્યાચારને ધિક્કારે છે. (નિર્ગમન ૨૨:૨૨; પુનર્નિયમ ૨૭:૧૯; યશાયાહ ૧૦:૧, ૨) મુસાના નિયમમાં બળાત્કાર અને વેશ્યા તરીકે કામ કરવાની સખત મનાઈ કરવામાં આવી હતી. (લેવીય ૧૯:૨૯; પુનર્નિયમ ૨૨:૨૩-૨૯) વ્યભિચારની પણ મનાઈ હતી અને એ બંનેની સજા હતી મોત! (લેવીય ૨૦:૧૦) મુસાના નિયમ પ્રમાણે સ્ત્રીઓને નીચી પાડવાને બદલે, તેઓને માન આપવામાં આવ્યું. એ સમયની બીજી જાતિઓની સ્ત્રીઓ કરતાં, ઈસ્રાએલી સ્ત્રીઓનું રક્ષણ થયું. યહુદીઓમાં સદ્‍ગુણી સ્ત્રીઓની ઇજ્જત કરવામાં આવતી અને તેઓને મૂલ્યવાન ગણવામાં આવતી. (નીતિવચનો ૩૧:૧૦, ૨૮-૩૦) ઈસ્રાએલીઓએ સ્ત્રીઓને માન આપવા વિષે પરમેશ્વરના નિયમો પાળ્યા નહિ. એ તેઓની ભૂલ હતી, પરમેશ્વરની ઇચ્છા નહિ. (પુનર્નિયમ ૩૨:૫) આખરે, યહોવાહે ઈસ્રાએલ જાતિનો ન્યાય કર્યો. તેમની આજ્ઞા નહિ પાળવાને લીધે તેઓને સજા ફટકારી.

સ્ત્રી પુરુષને આધીન રહે, એ ભેદભાવ કહેવાય?

કોઈ પણ સમાજ સારી રીતે ચાલે, એ માટે સરસ ગોઠવણો કરવી પડે. એ માટે કોઈ અધિકારી સારી રીતે ગોઠવણો કરે, એ જરૂરી છે. નહિ તો બધે અંધાધૂંધી ફેલાઈ જશે. યહોવાહ તો ‘અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.’—૧ કોરીંથી ૧૪:૩૩.

પ્રેષિત પાઊલે કુટુંબની ગોઠવણ વિષે કહ્યું: “દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર દેવ છે.” (૧ કોરીંથી ૧૧:૩) પરમેશ્વર સિવાય બાકી સર્વએ કોઈને તો આધીન રહેવાનું છે. ઉપરની કલમમાં જણાવ્યા પ્રમાણે, ઈસુ ખ્રિસ્તે પણ ઈશ્વરને આધીન રહેવાનું છે. તો શું એનો અર્થ એમ થાય કે ઈસુને પણ ઊતરતા ગણવામાં આવ્યા, તેમની સાથે ભેદભાવ રાખવામાં આવ્યો? બિલકુલ નહિ! તો બાઇબલ જણાવે છે કે મંડળમાં અને કુટુંબમાં આગેવાની લેવાની જવાબદારી પુરુષોની છે. એનો અર્થ એ નથી કે સ્ત્રીઓનું કોઈ મહત્ત્વ જ નથી. કુટુંબ અને મંડળ સારી રીતે ચાલે એ માટે જરૂરી છે કે સ્ત્રી અને પુરુષ, પ્રેમ અને માનથી પોતપોતાની જવાબદારી નિભાવે.—એફેસી ૫:૨૧-૨૫, ૨૮, ૨૯, ૩૩.

ઈસુ ખ્રિસ્તે હંમેશાં સ્ત્રીઓને માન આપ્યું હતું. તેમણે ફરોશીઓના નિયમો અને રિવાજો પાળ્યા નહિ, જેમાં સ્ત્રીઓનું અપમાન થતું હતું. તેમણે બીજી જાતિની સ્ત્રીઓ સાથે પણ વાત કરી હતી. (માત્થી ૧૫:૨૨-૨૮; યોહાન ૪:૭-૯) તે સ્ત્રીઓને શીખવતા પણ હતા. (લુક ૧૦:૩૮-૪૨) તેમણે સ્ત્રીઓના હક્કનું રક્ષણ કર્યું, જેથી તેઓને અન્યાય ન થાય. (માર્ક ૧૦:૧૧, ૧૨) ઈસુના શિષ્યોમાં સ્ત્રીઓ પણ હતી. ઈસુએ પોતાના જમાનાના રિવાજોની ચિંતા કરી નહિ. (લુક ૮:૧-૩) ઈસુમાં પરમેશ્વર જેવા જ ગુણો હોવાથી, તેમણે બતાવ્યું કે પરમેશ્વરની નજરે સ્ત્રી-પુરુષ એકસરખા છે. અરે, પહેલી સદીમાં સ્ત્રીઓ અને પુરુષો પર પરમેશ્વરનો પવિત્ર આત્મા આવ્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪, ૧૭, ૧૮) અભિષિક્ત ખ્રિસ્તીઓને રાજા અને યાજકો તરીકે ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરવાની આશા છે. તેઓ સજીવન થઈને સ્વર્ગમાં જશે ત્યારે, સ્ત્રી-પુરુષમાં કોઈ ફરક નહિ હોય. (ગલાતી ૩:૨૮) બાઇબલની રચના કરનાર, યહોવાહે ક્યારેય સ્ત્રીઓ માટે કોઈ ભેદભાવ રાખ્યો નથી. (g05 11/8)

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે ફેબ્રુઆરી ૧, ૨૦૦૫ના ચોકીબુરજમાં પાન ૨૫-૬ જુઓ.

[પાન ૧૮ પર ચિત્ર]

પોતાના જમાનાથી અલગ, ઈસુએ સ્ત્રીઓને માન આપ્યું