સો કરોડ લોકોનું પેટ ભરવાની કોશિશ
સો કરોડ લોકોનું પેટ ભરવાની કોશિશ
આખી દુનિયામાં સો-એક કરોડ લોકોને એક ટંક પણ પેટ ભરીને ખાવા મળતું નથી. યુનાઇટેડ નેશન્સના કહેવા પ્રમાણે આ હાલતને બદલવાની જરૂર છે.
સપ્ટેમ્બર ૮, ૨૦૦૦માં દુનિયાના આગળ પડતા નેતાઓનું એક સંમેલન થયું (યુનાઇટેડ નેશન્સ મિલેનિયમ સમિત). એમાં ઘણા નેતાઓએ દુનિયાની ગરીબી વિષે ખુલ્લેઆમ ચર્ચા કરી. એમાં યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી કૉફી અન્નાને નેતાઓને જણાવ્યું: ‘તમે કહ્યું કે તમારી પહેલી જવાબદારી છે કે દુનિયાની ગરીબી હટાવશો.’ બ્રાઝિલના વાઈસ પ્રેસિડન્ટે કહ્યું: “ગરીબી માણસાઈના નામ પર એક કલંક છે.” ગ્રેટ બ્રિટનના વડાપ્રધાને તો વળી એટલે સુધી કહ્યું કે, “ધનવાન દેશોએ આફ્રિકામાંથી ગરીબી હટાવવાની ઘણી મહેનત કરી. પણ તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એ કારણે અમારા નામ પર પણ ધબ્બો લાગ્યો છે.”
આ બે વક્તાઓએ જે કહ્યું એનાથી દેખાઈ આવે છે કે ભૂખથી તડપતા લોકો માટે કંઈ કરવામાં રાષ્ટ્રો નિષ્ફળ ગયાં છે. આમ તેઓએ પોતાને બદનામ કર્યા. પછી એ સંમેલનમાં આવેલા નેતાઓએ દુનિયાના બધા લોકોનું જીવન સારું બનાવવા માટે આઠ મુદ્દાઓ પર કામ કરવાનો સંકલ્પ કર્યો. એમાંનો એક મુદ્દો આ હતો: ‘આજે એક કરોડથી વધારે લોકો ગરીબીમાં ફસાયેલા છે. આપણે તેઓને એમાંથી બહાર કાઢવા કોઈ કસર નહિ છોડીએ. આપણે સંકલ્પ કરીએ છીએ: આજે દુનિયાભરમાં જેટલા લોકો દરરોજ એક ડૉલરથી પણ ઓછું કમાતા હોય, ભૂખ્યા પેટે સૂતા હોય, તેઓને મદદ મળશે. પછી ૨૦૧૫ સુધીમાં તો એવા ગરીબ લોકોની હાલત એટલી સુધરી જશે કે એનાથી અડધા જ લોકો ગરીબ હશે.’
સપ્ટેમ્બર ૨૦૦૦થી આજ સુધી, આ મહાન ધ્યેયો પૂરા કરવામાં શું કોઈ પ્રગતિ થઈ છે?
મોટી મોટી વાતોને બદલે કંઈક કરવું
યુનાઇટેડ નેશન્સ મિલેનિયમ સમિતમાં નેતાઓએ ગરીબી હટાવવા માટે વચન આપ્યું હતુ. ૨૦૦૩માં એક સંગઠનના (ગ્લોબલ ગવર્નેન્સ ઈનિશિએટીવ ઑફ ધ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ) લોકોએ તપાસ શરૂ કરી કે નેતાઓએ એના વિષે શું કર્યું છે. જાન્યુઆરી ૧૫, ૨૦૦૪નો એ વિષેનો એક રિપોર્ટ કહે છે: ‘દુનિયાના નેતાઓએ મોટી મોટી વાતો તો કરી. પણ તેઓ આજ સુધી કંઈ કરી શક્યા નથી.’ ભૂખમરા વિષે એ જ રિપોર્ટ કહે છે: “દુનિયામાં ખોરાકની અછત નથી. ખોરાકનો એટલો ભંડાર છે કે લોકો પેટ ભરીને ખાઈ શકે. પણ મુશ્કેલી એ છે એ એ લોકો સુધી પહોંચતો નથી. શા માટે? કેમ કે એ ખરીદવાના લોકો પાસે પૈસા નથી.”
ગરીબોની ખાસ મુશ્કેલી વિષે એ જ રિપોર્ટ કહે છે: “પોતાનું વચન નહિ પાળવા પાછળ ધનવાન અને ગરીબ બંને દેશોની સરકાર જવાબદાર છે. અમીર દેશોએ આખા વિશ્વમાં પૈસાનું કામકાજ એવું કરી નાખ્યું છે કે ગરીબ દેશોને ક્યારેય સફળતા મળી ન શકે. અમીર દેશોના નેતા મોટી મોટી વાતો કરે છે, પણ એમાં કોઈ ફેરફાર લાવતા નથી. ગરીબી ઓછી કરવા કોઈ પગલાં ભરતા નથી.” નેતાઓની આવી નિંદા કરવામાં આવી તોપણ, તેઓ કોઈ પગલાં ભરતા નથી. એના બદલે સરકાર એક બીજા સાથે વાદ-વિવાદ કર્યા કરે છે. પોતાના ફાયદા માટે દરેક બાબતોમાં દખલગીરી કરતા હોય છે. ગરીબોએ હંમેશાંની જેમ ભૂખ્યા પેટે સૂઈ જવું પડે છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક પત્રનો વિષય છે, ‘નેતાઓએ વચન તો આપ્યું, પણ એના વિષે શું કર્યું?’ એ પત્ર ચેતવણી આપે છે કે “લોકોએ ત્યાં સુધી ભૂખે મરવું જ પડશે, જ્યાં સુધી દુનિયામાં સચ્ચાઈથી વેપાર-ધંધો નહિ થાય. જ્યાં સુધી ભૂખમરો કાઢી નાખવા કંઈક કરવામાં નહિ આવે. જ્યાં સુધી દરેક દેશ પોતાની હાલત સુધારવાની કોશિશ નહિ કરે.” તો પછી, જેઓએ આખી દુનિયામાંથી ગરીબી દૂર કરવાનું ૨૦૦૦માં વચન આપ્યું હતું, તેઓની જવાબદારી છે કે વધારે સારા નીતિ-નિયમો બનાવીને ‘પોતાની હાલત સુધારે.’
એક વાર વચન તોડવામાં આવે તો, આશાઓ પર પાણી ફરી વળે છે. પરંતુ, વારંવાર વચન તોડવામાં આવે તો, એ ભરોસાનું ખૂન કર્યા બરાબર છે. સરકારોએ ગરીબોને મદદ કરવાનું વારંવાર વચન આપ્યું છે, પણ એ પાળ્યું નથી. સરકાર પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. કૅરેબિયનના એક ગરીબ દેશમાં રહેતી એક સ્ત્રીની કલ્પના કરો. તેને પાંચ બાળકો છે. તે પોતાનાં બાળકોને દિવસમાં એક વાર ખવડાવે છે. તે કહે છે, “મને એ વાતની ચિંતા હોય છે કે શું ક્યારેય અમને બે ટંક ખાવાનું મળશે? કઈ સરકાર રાજ કરે છે એનાથી મને કોઈ ફરક પડતો નથી, કેમ કે સરકાર પાસેથી અમને કંઈ મળતું પણ નથી.”
બાઇબલના લેખક યિર્મેયાહે કહ્યું: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) ગરીબોની મુશ્કેલીઓનો માણસો પાસે કોઈ જવાબ નથી. એ જ બાઇબલના આ સત્યની સાબિતી આપે છે.
પણ એક રાજા પાસે માણસોની સર્વ મુશ્કેલીઓને દૂર કરવાની તાકાત છે. માણસોની મુશ્કેલીઓ દૂર કરવાની તેમની ઇચ્છા પણ છે. બાઇબલ એ રાજા વિષે જણાવે છે. એ રાજા પૃથ્વી પરથી ગરીબી દૂર કરશે ત્યારે, કોઈ પણ વ્યક્તિ ભૂખી સૂઈ જશે નહિ.
આશાનું કિરણ
“સર્વની દૃષ્ટિ તારી તરફ તલપી રહે છે; યોગ્ય સમયે તું તેઓને અન્ન આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૫) અન્ન માટે માણસો કોની તરફ તલપી રહ્યા છે? આપણા સર્જનહાર, યહોવાહ તરફ! માણસોએ હજારો વર્ષોથી દુકાળ અને બીજી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એનો અર્થ એ નથી કે યહોવાહને આપણી કંઈ પડી નથી. તે સારી રીતે જાણે છે કે માણસોની સરકાર નિષ્ફળ ગઈ છે. બાઇબલમાં વચન આપવામાં આવ્યું છે કે યહોવાહ આ સર્વ સરકારોનો નાશ કરીને પોતાની સરકાર લાવશે.
યહોવાહ કહે છે: “મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.” (ગીતશાસ્ત્ર ૨:૬) વિશ્વના સર્જનહારની આ જાહેરાત આપણને એક ઉજ્જવળ ભવિષ્યનું વચન આપે છે. માણસોની સરકાર પ્રજાને મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે. પણ પરમેશ્વરે નિયુક્ત કરેલા રાજા ઈસુ ખ્રિસ્ત ગરીબોને માટે એવાં કામ કરશે, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.
આ રાજા દ્વારા યહોવાહ સર્વ ભૂખ્યા લોકોનું પેટ ભરશે. ઈશ્વરભક્ત યશાયા કહે છે, ‘પ્રભુ પૃથ્વીની સર્વ પ્રજાઓ માટે ઉત્તમ ભોજનની તથા ઉત્તમ પીણાની મિજબાની તૈયાર કરશે.’ (યશાયા ૨૫:૬, IBSI) પરમેશ્વરના રાજ્યના રાજા, ઈસુ ખ્રિસ્તના રાજમાં દુનિયાના કોઈ પણ ખૂણાના લોકોને ખોરાકની અછત નહિ હોય. યહોવાહ વિષે બાઇબલ કહે છે: “તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬. (g05 7/22)
[પાન ૧૩ પર બ્લર્બ]
“ધનવાન દેશોએ આફ્રિકામાંથી ગરીબી હટાવવા ઘણી મહેનત કરી. પણ તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એ કારણે અમારા નામ પર પણ ધબ્બો લાગ્યો છે.”—બ્રિટનના વડાપ્રધાન ટૉની બ્લૅર
[પાન ૧૨ પર ચિત્ર]
ઇથિયોપિયા: આ દેશમાં કંઈક ૧ કરોડ અને ૩૦ લાખ જેટલા લોકો ખોરાકની સહાય પર જીવે છે. ઉપર બતાવેલું એક બાળક એમાંનું છે
[પાન ૧૨ પર ચિત્ર]
ભારત: આ બાળકોને સ્કૂલમાં ભોજન આપવામાં આવે છે
[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
ઉપર: © Sven Torfinn/Panos Pictures; bottom: © Sean Sprague/Panos Pictures