સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકોને

અમારા વાચકોને

અમારા વાચકોને

સજાગ બનો!ના આ અંકથી અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. મોટા ભાગની માહિતી પહેલા જેવી જ હશે, પણ અમુક લેખો હવેથી જુદા વિષય પર જોવા મળશે.

સજાગ બનો!નો મકસદ આજે પણ એ જ રહ્યો છે, જે વર્ષો પહેલાં હતો. જેમ ચોથા પાન પર જણાવ્યું છે તેમ, “સજાગ બનો! તમારા આખા કુટુંબને જ્ઞાન આપે છે.” હંમેશની જેમ સજાગ બનો! દુનિયામાં જે બની રહ્યું છે એના સમાચાર જણાવતું રહેશે. દેશ-વિદેશના લોકો વિષે બતાવશે. સૃષ્ટિમાં રહેલી અજાયબીઓ વિષે પણ જણાવશે. આપણા આરોગ્ય વિષે માહિતી આપશે. જેઓને વિજ્ઞાન વિષે બહુ ખબર નથી, તેઓને પણ એની સમજ આપશે. આ રીતે આ મૅગેઝિન તમને અખૂટ જાણકારી આપતું રહેશે. દુનિયામાં બની રહેલી ઘટનાઓ વિષે તમને જાણકાર બનાવશે.

ઑગસ્ટ ૨૨, ૧૯૪૬ના અંગ્રેજી સજાગ બનો!એ આ વચન આપ્યું હતું: “આ મૅગેઝિનનો મુખ્ય ધ્યેય એ જ હશે કે સચ્ચાઈને વળગી રહેવું.” ખરેખર, સજાગ બનો!એ હંમેશા એ ધ્યાનમાં રાખ્યું છે કે કોઈ પણ વિષય પર સાચી જાણકારી રજૂ કરે. આ ધ્યેયને ધ્યાનમાં રાખીને દરેક લેખ પર ઊંડી શોધખોળ કરવામાં આવે છે, એની ચોકસાઈથી તપાસ કરવામાં આવે છે, જેથી બધી માહિતી સાચી હોય. એ સિવાય પણ બીજી એક ખાસ રીતે આ મૅગેઝિન ‘સચ્ચાઈને વળગી રહ્યું છે.’

સજાગ બનો! મૅગેઝિને હંમેશા બાઇબલ તરફ ધ્યાન ખેંચ્યું છે. હવે આ અંકથી સજાગ બનો!માં બાઇબલ આધારિત લેખો પહેલા કરતા વધારે જોવા મળશે. (યોહાન ૧૭:૧૭) એટલું જ નહિ, સજાગ બનો!માં એવા લેખો પણ જોવા મળશે જે બતાવશે કે જીવનમાં સાચી ખુશી અને સફળતા પામવા માટે બાઇબલ કઈ રીતે આપણને મદદ કરી શકે. દાખલા તરીકે, “યુવાનો પૂછે છે . . .” અને “બાઇબલ શું કહે છે” જેવા લેખ આ મૅગેઝિનમાં આવતા રહેશે, જેમાં બાઇબલમાંથી ઘણાં સલાહ-સૂચનો મળે છે. એ ઉપરાંત, સજાગ બનો! બાઇબલમાં આપેલાં વચનો તરફ પણ ધ્યાન દોરતું રહેશે. જેમ કે, હવે થોડા જ સમયમાં આ દુષ્ટ દુનિયાનો નાશ કરવામાં આવશે અને તેની જગ્યાએ એક નવો યુગ આવશે જ્યાં બધા લોકો સુખ-શાંતિમાં રહેશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

મૅગેઝિનમાં બીજો કયો ફેરફાર થયો છે? સજાગ બનો! મૅગેઝિન ૮૨ ભાષાઓમાં છપાય છે. એમાંથી મોટા ભાગની ભાષાઓમાં આ મૅગેઝિન આજ સુધી અર્ધ-માસિક હતું. પરંતુ જાન્યુઆરી, ૨૦૦૬થી એ બધી ભાષાઓમાં માસિક મૅગેઝિન બહાર પડશે. * ૧૯૪૬થી બહાર પડતો “વિશ્વ પર નજર” લેખ હજુ મૅગેઝિનમાં આવતો રહેશે. ફરક એટલો જ હશે કે બે પાનની જગ્યાએ એક પાનનો લેખ હશે. અનેક ભાષામાં બહાર પડતા સજાગ બનો!માં અમે હવેથી નવો લેખ શરૂ કરી રહ્યા છીએ. એ બધાને ખૂબ ગમશે. લેખનો વિષય હશે, “તમે કેવો જવાબ આપશો?” આ લેખ શાના વિષે છે અને તમે એનો કઈ રીતે ઉપયોગ કરી શકો?

ત્રણ મહિને એક વાર છપાતા સજાગ બનો!ના અમુક અંકમાં “તમે કેવો જવાબ આપશો?” ભાગ હશે. એમાં આપેલા સવાલો બાળકોને ખૂબ ગમશે. જ્યારે કે બીજા સવાલોથી બાઇબલ વિષે જાણે છે તેઓનું જ્ઞાન પરખાશે. આ લેખનો એક ભાગ છે, “ઇતિહાસમાં ક્યારે થયું?” એ તમને ટાઈમલાઈન બનાવવા મદદ કરશે. એમાં તમે લખી શકશો કે બાઇબલની ફલાણી વ્યક્તિ કયા સમયે થઈ ગઈ અને બાઇબલમાં જણાવેલા ખાસ બનાવો ક્યારે બન્યા હતા. “આ અંકથી” વિષયની નીચે આપેલા સવાલોના જવાબ એ જ અંકમાંથી તમે મેળવી શકશો. પરંતુ બાકીના સવાલોના જવાબો બતાવેલા પાન પર ઊલટા લખેલા હશે. મૅગેઝિનમાં આપેલા જવાબો વાંચ્યા પહેલાં, કેમ નહિ કે તમે પોતે થોડી-ઘણી શોધખોળ કરો. પછી તમને જે કંઈ જાણવા મળ્યું હોય એ બીજાને પણ જણાવો. તમારા કુટુંબ કે મિત્રો સાથે પણ બાઇબલના વિષયો પર ચર્ચા કરવા માટે “તમે કેવો જવાબ આપશો?” ભાગનો ઉપયોગ કરી શકો છો.

આજથી ૬૦ વર્ષ પહેલાં સજાગ બનો! (અંગ્રેજી) મૅગેઝિને આ વચન આપ્યું હતું: ‘આ મૅગેઝિનમાં અમે એવા વિષયો પર માહિતી રજૂ કરીશું કે જેનાથી દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકોને ફાયદો થાય. આ રીતે બધા દેશોના લોકોને મૅગેઝિનમાં રસ પડશે. આ મૅગેઝિનમાં એવી માહિતી રજૂ કરવામાં આવશે, જેથી નાના-મોટા સર્વ વધુને વધુ લોકો વાંચવાનું પસંદ કરે. વળી, તેઓને લાભ થાય અને જ્ઞાન વધે એવી બાબતોની એમાં ચર્ચા કરવામાં આવશે.’ સજાગ બનો!ના દુનિયાભરના વાચકો સ્વીકારે છે કે આ મૅગેઝિને પોતાનું વચન નિભાવ્યું છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે આ મૅગેઝિન ભાવિમાં પણ એ વચન પાળશે. (g 1/06)

પ્રકાશકો

[ફુટનોટ]

^ અમુક ભાષાઓમાં સજાગ બનો! ત્રણ મહિનામાં એક વાર બહાર પાડવામાં આવે છે. આ લેખમાં બતાવેલા અમુક ફેરફારો કદાચ એ બધી ભાષાઓમાં લાગુ નહિ પડે.

[પાન ૩ પર ચિત્રો]

૧૯૧૯માં આ મૅગેઝિન “ધ ગોલ્ડન એજ” નામથી જાણીતું હતું. પછી ૧૯૩૭માં એનું નામ બદલીને “કન્સોલેશન” રાખવામાં આવ્યું. ૧૯૪૬થી આ મૅગેઝિનનું નામ “સજાગ બનો!” રાખવામાં આવ્યું છે

[પાન ૪ પર ચિત્ર]

વર્ષોથી “સજાગ બનો!” મૅગેઝિને વાચકોનું ધ્યાન બાઇબલ તરફ ખેંચ્યું છે

[ક્રેડીટ લાઈન્સ]

Guns: U.S. National Archives photo; starving child: WHO photo by W. Cutting