સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણા લોહીમાં રહેલા અજાયબ લાલ કોષો

આપણા લોહીમાં રહેલા અજાયબ લાલ કોષો

આપણા લોહીમાં રહેલા અજાયબ લાલ કોષો

દક્ષિણ આફ્રિકાના સજાગ બનો!ના લેખક તરફથી

આપણું લોહી કેમ લાલ હોય છે એ જાણો છો? કારણ કે તેમાં લાલ કોષો બહુ વધારે હોય છે. આપણા લોહીના એક ટીપામાં એવા કરોડો લાલ કોષો હોય છે. એને માઈક્રોસ્કોપથી જ જોઈ શકાય. એનો આકાર ગોળ પતાસા જેવો હોય છે. ફેર એટલો જ છે કે જાણે તેનો વચલો ભાગ દાબી દેવામાં આવ્યો હોય. દરેક કોષમાં હીમોગ્લોબિનના કરોડો પરમાણુ હોય છે. આ હીમોગ્લોબિનના એકેએક પરમાણુની રચના પણ સુંદર ગોળ હોય છે. એ હાઈડ્રોજન, નાઈટ્રોજન, ઑક્સિજન તથા સલ્ફરના આશરે ૧૦,૦૦૦ અણુઓનો બનેલો હોય છે. એ ઉપરાંત એમાં લોહતત્ત્વના ચાર ભારે અણુઓ પણ હોય છે, જેના લીધે લોહી આખા શરીરને ઑક્સિજન પહોંચાડે છે. આ હીમોગ્લોબિનને લીધે આપણા લાલ રક્તકોષો કચરા તરીકે ઉત્પન્‍ન થતા કાર્બન ડાયૉક્સાઈડને ફેફસાં દ્વારા દૂર કરે છે.

આપણા લાલ કોષોનો બીજો એક મહત્ત્વનો ભાગ એનું બહારનું આવરણ છે. એટલે કે કોષની ચામડી. એ મેમ્બ્રન નામથી ઓળખાય છે. આ ચામડીને લીધે જ લાલ કોષ ખેંચાઈને પાતળા થઈ શકે છે. પાતળા થવાથી આપણા લાલ કોષો વાળથી પણ પાતળી રક્તવાહિનીઓ દ્વારા શરીરમાં આવ-જા કરી શકે છે. એ આખા શરીરમાં જુદા જુદા ભાગો સુધી પહોંચીને એને ટકાવી રાખે છે.

આ લાલ કોષો ક્યાં બને છે? હાડકાંની વચ્ચે આવેલા પોલા ભાગમાં. એ ભાગ મજ્જાનો બનેલો હોય છે. આ લાલ કોષો તૈયાર થઈ ગયા પછી, શરીરના લોહીના વહેણમાં દાખલ થાય છે. પછી એ તમારા હૃદયમાં થઈને શરીરના જુદા જુદા ભાગોમાં ૧,૦૦,૦૦૦થી વધારે વાર ફરે છે. પરંતુ બીજા કોષોમાં હોય છે તેમ, આ લાલ કોષોમાં ન્યૂક્લિયસ કે ગર્ભ હોતો નથી. એના લીધે આ કોષ વજનમાં હલકો અને વધારે માત્રામાં ઑક્સિજન લઈ જઈ શકે છે. વધુમાં એનાથી હૃદય પણ અબજો લાલ કોષોને આખા શરીરમાં આસાનીથી પહોંચાડી શકે છે. પરંતુ આ કોષોમાં ગર્ભ ન હોવાથી તે પોતાની અંદર નકામા થઈ ગયેલા ભાગોની જગ્યાએ નવા ભાગો બનાવી શકતા નથી. તેથી આપણા લાલ કોષની આવરદા આશરે ૧૨૦ દિવસ હોય છે. પછી એ ધીમે ધીમે નકામા બનતા જાય છે ને છેવટે મરી જાય છે. લોહીના ફાગાસાઈટ નામના મોટા મોટા સફેદ કોષો આ નકામા લાલ કોષોને આરોગી જાય છે અને એમાં રહેલા લોહતત્ત્વના અણુઓ છૂટા કરે છે. આ અતિ અલ્પ પ્રમાણમાં મળી આવતા લોહ અણુઓ બીજા વાહક અણુઓ સાથે જોડાયેલા હોય છે. એ વાહક અણુઓ લોહ અણુઓને હાડકાંના મજ્જામાં (બોન મેરોમાં) લઈ જાય છે. ત્યાં નવા લાલ કોષો બનાવવામાં એનો ઉપયોગ થાય છે. દર સેકન્ડે, આ મજ્જા આશરે વીસથી ત્રીસ લાખ લાલ કોષો બનાવીને લોહીમાં વહેતા મૂકે છે!

આપણા લોહીમાં રહેલા અબજો લાલ કોષો જો અચાનક કામ કરવાનું બંધ કરી દે તો, આપણે મિનિટોમાં જીવ ગુમાવી દઈએ. આપણે યહોવાહ પરમેશ્વરનો કેટલો ઉપકાર માનવો જોઈએ જેમણે આપણને અદ્‍ભુત રીતે રચ્યા છે! તેમની અજોડ કારીગરીને લીધે જ આપણે જીવી શકીએ છીએ અને જીવનનો ખરો આનંદ માણી શકીએ છીએ. બાઇબલના એક લેખકે જે કહ્યું એની સાથે તમે પણ જરૂર સહમત થશો: “હે યહોવાહ, તેં મારી પરીક્ષા કરી છે, અને તું મને ઓળખે છે. ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારીપેઠે જાણે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૧૪. (g 1/06)

[પાન ૩૦ પર ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

લાલ કોષ

મેમ્બ્રન

હીમોગ્લોબિન (ચિત્ર મોટું કર્યું છે)

ઑક્સિજન