સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટેમ્સ નદી ઇંગ્લૅંડનો અજોડ વારસો

ટેમ્સ નદી ઇંગ્લૅંડનો અજોડ વારસો

ટેમ્સ નદી ઇંગ્લૅંડનો અજોડ વારસો

બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી

ટેમ્સ નદી. બ્રિટનના લોકો પ્રેમથી એને ‘ઑલ્ડ ફાધર ટેમ્સ’ પણ કહે છે. આ નદી, દક્ષિણ-મધ્ય ઇંગ્લૅંડના કૉટ્‌સ્વોલ્ડની સુંદર ટેકરીઓમાંથી નીકળતી ચાર ધારાઓના સંગમથી બને છે. તે ખળખળ વહેતી ૩૫૦ કિલોમીટર પૂર્વ બાજુ વહે છે, પછી આગળ જતા બીજી નદીઓ તેમાં ભળી જાય છે અને છેવટે તે ૨૯ કિલોમીટરના પહોળા મુખથી આગળ વધીને ઉત્તર સાગરમાં સમાઈ જાય છે. આ નાની અમથી નદીએ બ્રિટનનો ઇતિહાસ રચવામાં એક ખાસ ભૂમિકા ભજવી છે, તેની વાત રોમાંચક છે.

ઈસવીસન પૂર્વે ૫૫ની આસપાસ, જુલિયસ સીઝરની આગેવાની હેઠળ રોમન સૈન્યએ પહેલી વાર ઇંગ્લૅંડ પર ચઢાઈ કરી હતી. એ પછીના વર્ષે તે ફરી ઇંગ્લૅંડ ગયો ત્યારે, એક નદીના લીધે પાછો પડ્યો હતો. એ નદીનું નામ તેણે ટેમેસિસ રાખ્યું. આ એ જ ટેમ્સ નદી હતી. છેવટે ૯૦ વર્ષો પછી, રોમન સમ્રાટ ક્લોડિયસે આ દેશને પોતાના કબજામાં કરી લીધો.

તે જમાનામાં ટેમ્સ નદીના બંને કિનારા પર દૂર દૂર સુધી કાદવ-કીચડનો વિસ્તાર હતો. તેથી નદીના મુખથી લગભગ ૫૦ કિલોમીટર દૂર, જ્યાંથી દરિયાની લહેરો પાછી વળી જાય છે, ત્યાં રોમન સૈન્યએ લાકડાંનો એક પુલ બનાવ્યો. અહીં નદીના ઉત્તરીય તટ પર તેમણે એક બંદર પણ બનાવ્યું, જેનું નામ લોન્ડિન્યુમ રાખ્યું. *

પછીની ચાર સદીઓ સુધી રોમનો, યુરોપના બાકીના દેશોમાં પોતાનો વેપાર વધારતા રહ્યાં અને ભૂમધ્ય સાગરના વિસ્તારોમાંથી એશ-આરામની મોંઘી મોંઘી વસ્તુઓ લંડન મંગાવતા રહ્યાં. તેઓએ લેબેનનથી લાકડાં પણ મંગાવ્યાં. તેમ જ ટેમ્સને વાહન-વ્યવહારનો એક માર્ગ બનાવીને ઇંગ્લૅંડના અંદરના વિસ્તારોમાંથી પણ લંડન સુધી માલ પહોંચાડ્યો. આ રીતે જોત-જોતામાં લંડન શહેર વેપારનું એક અગત્યનું કેન્દ્ર બની ગયું, તેના મોટાં મોટાં રસ્તાઓ ચારે બાજુ સૂરજના કિરણોની જેમ ફેલાતા ગયા.

વિલિયમ ધ કૉન્કરરનો પ્રભાવ

રોમન સામ્રાજ્યના પતન પછી, ઈ.સ. ૪૧૦માં રોમન સૈન્ય બ્રિટન છોડીને જતું રહ્યું. તેથી લંડન જાણે નિરાધાર થઈ ગયું. ટેમ્સની આસપાસનો વેપાર પણ ઠંડો પડી ગયો. રોમનોના ગયા પછી, ઍન્ગ્લો-સેક્સન રાજાઓ રાજ કરવા લાગ્યા. તેઓને કિંગસ્ટન નામના વિસ્તારમાં રાજમુગટ પહેરાવવામાં આવ્યો હતો. કિંગસ્ટન, લંડનથી બાર કિલોમીટર દૂર પશ્ચિમ તરફ હતું, જ્યાંથી ટેમ્સ નદીને ચાલીને પાર કરી શકાય. પરંતુ ૧૧મી સદીમાં નોરમેન્ડીના વિલિયમ ધ કૉન્કરરે ઇંગ્લૅંડ પર ચઢાઈ કરીને અંગ્રેજોને હરાવી દીધા. ૧૦૬૬માં વેસ્ટમિન્સટરમાં તેને રાજા બનાવવામાં આવ્યો. પછી તેણે લંડનમાં રોમનોએ બનાવેલી જૂની દીવાલોની અંદર ‘ટાવર ઑફ લંડન’ નામનો પુલ બનાવ્યો જેથી ત્યાંથી તે વેપારીઓને પોતાના કબજામાં રાખી શકે અને વેપાર વધારી શકે. સાથે-સાથે ત્યાંના બંદર પર પણ પોતાનો કબજો જમાવી શકે. આ રીતે લંડનમાં ફરી એક વાર વેપાર વધવા લાગ્યો, અને ત્યાંની વસ્તી વધીને ૩૦,૦૦૦ સુધી પહોંચી ગઈ.

વિલિયમ ધ કૉન્કરરે લંડનથી પશ્ચિમે કંઈક ૩૫ કિલોમીટર દૂર, ચૂનાના પથ્થરની એક ઊભી શિલા પર એક કિલ્લો બનાવ્યો. આજે આ જગ્યા વિન્ડસર તરીકે ઓળખાય છે. એક જમાનામાં અહીં સેક્સન રાજાઓનાં મહેલો હતા, પરંતુ હવે અહીં નૉર્મન રાજનિવાસ બની ગયા છે. અહીંથી ટેમ્સ નદીની આસપાસના મનોહર દૃશ્યો જોવા મળે છે. આગળ જતા વિન્ડસર કિલ્લામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા, તે આજે પણ લટાર મારવાની એક પ્રખ્યાત જગ્યા છે.

૧૨૦૯માં ૩૦ વર્ષોથી ચાલી આવતી એક બાંધકામની યોજના આખરે પૂરી થઈ. એટલે કે ટેમ્સ નદી પર પથ્થરનો પુલ બનીને તૈયાર થયો. આના જેવો આખા યુરોપમાં સૌથી પહેલો પુલ હતો. આ ખાસ પુલ પર દુકાનો, ઘરો અને ચર્ચ પણ બનાવવામાં આવ્યા હતા. આ પુલ વચ્ચેથી બે ભાગમાં ઊભો ખેંચી લેવાય એવો હતો. રક્ષણ માટે પુલની દક્ષિણ બાજુ, એટલે કે સાઉથવાર્કમાં એક મિનારો બનાવવામાં આવ્યો હતો.

૧૧૬૭થી ૧૨૧૬ સુધી ઇંગ્લૅંડમાં જોનનું રાજ હતું. તેણે ૧૨૧૫માં વિન્ડસર પાસે, ટેમ્સના કિનારે વસેલા રનીમીડમાં ‘મૅગ્‍ના કાર્ટા’ (અધિકાર-પત્ર) પર પોતાની મહોર લગાવી હતી. ઇચ્છા ન હોવા છતાં, તેના પર સિક્કો મારીને રાજા જોનને અંગ્રેજોના નાગરિક અધિકારો અને લંડન શહેરના અધિકારોને મંજૂરી આપવી પડી. ત્યાંના બંદર પર વેપારીઓને કારભાર કરવાની પણ સ્વતંત્રતા આપવી પડી.

લંડનમાં ધન લાવનાર ટેમ્સ

ત્યાર પછીના સૈકાઓમાં ટેમ્સ નદી પર વેપાર વધતો ગયો. વેપાર વધવાને લીધે, બંદરની સગવડો પણ ઓછી થવા લાગી. બસ્સો વર્ષ પહેલાં ટેમ્સમાં ફક્ત ૬૦૦ વહાણો માટે લંગર નાખવાની જગ્યા હતી, પણ ક્યારેક તો ૧,૭૭૫ વહાણો બંદર પર પોતાનો માલ ઉતારવા માટે લાઈનમાં ઊભા રહેતા હતા. વહાણોની ભીડને લીધે નાની-મોટી ચોરીઓ શરૂ થઈ. ચોરો રાતે વહાણને બાંધેલી દોરીઓ કાપી નાંખતા હતા, અને બધો માલ ચોરી લેતા. પછી એ ચોરેલો માલ પોતાની નાની-નાની હોડીઓમાં લઈને વેચવા જતા. આ સમસ્યાને ઉકેલવા લંડને દુનિયાની સૌથી પહેલી નદી પોલીસ દળની સ્થાપના કરી. એ આજે પણ કામ કરે છે.

બંદરની સગવડો વધારવા માટે બીજાં પણ પગલાં ભરવાની જરૂર હતી. એટલે ૧૯મી સદીમાં, અંગ્રેજ સરકારે દુનિયાની સૌથી મોટી ગોદી બનાવવાની રજા આપી. આ ગોદી નદી કિનારાની નીચેની જમીન પર બનાવવામાં આવી હતી. સૌથી પહેલા બનેલી ગોદીઓમાં સર્રે કોમર્શિયલ ગોદી, લંડન ગોદી, વેસ્ટ અને ઈસ્ટ ઇન્ડિયા ગોદી હતી, જેને ૧૮૦૦ની શરૂઆતમાં બનાવવામાં આવી હતી. ત્યાર પછી ૧૮૫૫માં રૉયલ વિક્ટોરિયા ગોદી બંધાઈ અને ૧૮૮૦માં રૉયલ ઍલબર્ટ ગોદી બાંધવામાં આવી.

૧૮૪૦માં માર્ક આઈ અને તેના પુત્ર ઇજમબાર્ડ કે. બ્રૂનેલ નામના બે એન્જિનિયરોએ ટેમ્સની નીચે એક સુરંગ બનાવીને બન્‍ને કિનારાને જોડી દીધા. એ દુનિયાની નદી નીચેની પહેલી સુરંગ હતી. આ સુરંગ ૪૫૯ મીટર લાંબી છે અને તે આજે પણ ભૂગર્ભ રેલવેનો એક ભાગ છે. ૧૮૯૪માં ‘ટાવર બ્રિજ’ નામનો ઉઠાવી શકાય તેવો પુલ બનીને તૈયાર થયો, જેને જોવા આજેય પ્રવાસીઓ આકર્ષાય છે. આ ઉઠાવી શકાય તેવા પુલના બે ભાગ વચ્ચેનો ગાળો ૭૬ મીટર સુધી ખુલે છે, જેથી ત્યાંથી મોટાં મોટાં વહાણો આવ-જા કરી શકે. જો તમે ૩૦૦ પગથિયાં ચઢીને પુલની ઉપર જશો તો, તેની પાસેના એક સાંકડા રસ્તા પર પહોંચશો જ્યાંથી તમે નદીની આસપાસનું મનોહર દૃશ્ય જોઈ શકો છો.

વીસમી સદી સુધીમાં, લંડનનું બંદર મોટી મોટી માલ-વાહક સ્ટીમરોની વધતી સંખ્યાને સંભાળવા માટે સક્ષમ બની ગયું હતું. ૧૯૨૧માં જ્યારે અહીંની છેલ્લી ગોદી બનીને તૈયાર થઈ, ત્યાં સુધીમાં તો લંડન “દુનિયાનું સૌથી મોટું સમૃદ્ધ બંદર” બની ગયું હતું. આ છેલ્લી ગોદીનું નામ રાજા જ્યોર્જ પાંચના નામ પરથી પડ્યું.

અમીર-ઉમરાવોને નદી કિનારે વસી જવાનો મોહ

એક બાજુ લંડન શહેર વિકસતું ગયું, તો બીજી તરફ તેના રસ્તાઓની હાલત હંમેશની જેમ ખરાબ અને ખરબચડી જ રહી. ઠંડીમાં ત્યાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ હતું. એવા સમયે જવા-આવવા માટે સૌથી સારો રસ્તો ટેમ્સ નદી હતી, જે વર્ષોથી વ્યસ્ત જળમાર્ગ રહ્યો છે. મુસાફરોને પોતાની હોડીમાં લઈ જવા માટે, નાવિકો ટેમ્સના કિનારે દાદરના પગથિયાં પર ચઢીને “ઓર્સ! ઓર્સ!” બોલીને શોર-બકોર કરતા હતા. અથવા તો ફ્લીટ કે વેલબ્રુક નામના ઉછળતા પ્રવાહમાં હોડીઓ લઈ જઈને મુસાફરોને બોલાવતા હતા. જોકે આજે એ પ્રવાહો નથી જોવા મળતા, કારણ કે એ તો ક્યારનાય લંડનના રસ્તાઓ નીચે દબાઈ ગયા છે. હવે એ રસ્તાઓ તે પ્રવાહોના નામથી ઓળખાય છે.

એક સમય એવો આવ્યો જ્યારે લંડન દેખાવમાં એકદમ વેનિસ શહેર જેવું લાગતું હતું, કેમ કે અહીંના અગાશીઓવાળા મહેલોના દાદર નદી સુધી વિસ્તરેલા હતા. ટેમ્સના કિનારે વસવું રાજવીઓ માટે માન-મોભાની વાત બની ગઈ હતી. જેમ કે, ગ્રેનીચ, વાઈટ હૉલ અને વૅસ્ટ-મિનિસ્ટર જેવા મહેલો. એવી જ રીતે, હેમ્પ્ટન કોર્ટ પણ ઇંગ્લૅંડના રાજાઓ અને રાણીઓના ઘર બન્યા. નદીથી થોડે દૂર વસેલો વિન્સર કિલ્લો તો આજે પણ એક રાજવી રહેઠાણ છે.

૧૭૧૭માં રાજા જ્યોર્જ પહેલો અને બીજા રાજવીઓ ટેમ્સ નદીએ હોડીઓમાં પિકનિક મનાવવા આવ્યા ત્યારે રાજાને ખુશ કરવા માટે એક સંગીત વગાડવામાં આવ્યું, જેને સંગીતકાર જ્યોર્જ ફ્રિડરિક હેંડલે ખાસ આ સમય માટે રચ્યું હતું. તે સંગીતનું નામ “વૉટર મ્યુઝિક” હતું. તે સમયનું એક છાપું કહે છે: રાજાની હોડીની સાથે “એટલી બધી હોડીઓ તરતી હતી કે, જાણે નદીમાં હોડીઓનો મેળો ના ભરાયો હોય.” વૈભવી હોડીની બાજુવાળી હોડીમાં સવાર ૫૦ સંગીતકારો હેંડલનું સંગીત વગાડી રહ્યાં હતાં. તેમણે વેસ્ટ-મિનિસ્ટરથી લઈને ચેલ્સી સુધી આઠ કિલોમીટરની મુસાફરી કરતા કરતા આ સંગીત કુલ ત્રણ વાર વગાડ્યું.

મનોરંજન અને આરામ આપતી નદી

૧૭૪૦ના દાયકામાં વેસ્ટ-મિનિસ્ટર પુલ બન્યો ન હતો ત્યાં સુધી ટેમ્સને ચાલીને પાર કરવાનો એકમાત્ર રસ્તો લંડન બ્રિજ હતો. એને પછીથી રીપૅર કરવામાં આવ્યો અને છેવટે ૧૮૨૦ના દાયકામાં એકદમ અલગ રૂપ આપવામાં આવ્યું. પથ્થરના બનેલા જૂના લંડન બ્રિજના ૧૯ કમાનો જે થાંભલા પર ટેકવવામાં આવ્યા હતા, તેના લીધે નદીનું વહેણ સામાન્ય રીતે બહુ જ ઓછું થઈ જતું હતું. એટલે લંડન બ્રિજના ૬૦૦ વર્ષના ઇતિહાસમાં, આ નદી આઠ કરતાં વધારે વખત થીજીને બરફ બની ગઈ હતી. જ્યારે પણ એવું થાય, ત્યારે નદી ઉપર “બરફનો મેળો” ભરવામાં આવતો હતો, જ્યાં આનંદ-પ્રમોદ માટે મનોરંજનના કાર્યક્રમો રાખવામાં આવતા. ત્યાં બળદોનું માંસ ભૂંજવામાં આવતું અને રાજવીઓને એની મિજબાની માણતા જોઈ શકતા હતા. ગ્રાહકો એવાં પુસ્તકો અને રમકડાં પર તૂટી પડતા હતા જેના પર લખેલું હોય, “ટેમ્સ પર ખરીદેલું.” ત્યાં સુધી કે સમાચાર પત્રિકાઓ અને પ્રભુની પ્રાર્થનાની નકલો માટે થીજેલી નદી પર છાપકામના મશીનો લગાવવામાં આવતા હતા!

હાલના સમયમાં, દર વર્ષે વસંત ઋતુમાં અહીં હોડીઓની હરીફાઈ રાખવામાં આવે છે, જેમાં ઑક્ષફર્ડ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીની વચ્ચે જોરદાર હરીફાઈ થાય છે. પટનીથી લઈને મોર્ટલેક સુધી, ટેમ્સના કિનારા પર લોકોની ભારે ભીડ જમા થઈ જાય છે. જ્યારે દરેક હોડીમાં બેઠેલા આઠ નાવિકોની ટુકડી, ૨૦ મિનિટ કરતાં ઓછા સમયમાં ૭ કિલોમીટરનું અંતર પૂરું કરે છે, ત્યારે ભીડ ચિચિયારીઓ પાડીને તેમનો જુસ્સો વધારે છે. પહેલી હરીફાઈ ૧૮૨૯માં હેનલી નામના શહેરની નજીક રાખવામાં આવી હતી. પરંતુ થોડા સમય પછી, આ હરીફાઈ ત્યાંથી થોડેક દૂર રાખવામાં આવી. હેનલીમાં રૉયલ રેગાટા નામની બીજી એક હરીફાઈ રાખવામાં આવી, જે સમગ્ર યુરોપમાં સૌથી જૂની અને જાણીતી હોડીઓની હરીફાઈ બની ગઈ છે. લગભગ ૧,૬૦૦ મીટરની આ હરીફાઈમાં દુનિયાભરના જાણીતા નાવિકો (સ્ત્રી-પુરુષ બન્‍ને) ભાગ લેવા માટે આવે છે. ઉનાળાની આ જાણીતી રેગાટા હરીફાઈ હવે ફૅશનપ્રિય લોકો માટે એક ખાસ મેળો બની ગઈ છે.

બ્રિટનનું ગાઇડ નામનું પુસ્તક કહે છે કે “ઇંગ્લૅંડના સુંદર વિસ્તારોમાંથી ટેમ્સ પસાર થાય છે. ત્યાં નાની-નાની ટેકરીઓ, લીલાછમ વૃક્ષો, ખુલ્લાં મેદાનો, જૂનાં ઘરો, સુંદર ગામડાંઓ અને નાનાં શહેરોના મનને આનંદ આપતા મનોહર દૃશ્યો જોવા મળે છે. . . . નદી કિનારે કેટલીક જગ્યાઓએ ફક્ત પગપાળા જઈ શકાય એવો રસ્તો બનાવવામાં આવ્યો છે. એટલે ગાડીમાં બેસીને કોઈ ગામડાંની અંદરથી પસાર થઈને પણ નદીને જોઈ શકાય છે. પરંતુ શાંત વહેતી આ નદીની સુંદરતાનો ખરો આનંદ તો ત્યારે જ માણી શકાય જ્યારે કોઈ હોડીમાં બેસીને પ્રવાસ કરે અથવા કિનારે-કિનારે પગપાળા ફરે.”

શું તમે ઇંગ્લૅંડ જવાનું વિચારી રહ્યાં છો? તો તમે ટેમ્સ નદીની આસપાસ ફરવા અને તેનો ઇતિહાસ જાણવા માટે જરૂર સમય કાઢો. નદી જે વિસ્તારોમાંથી શરૂ થાય છે, ત્યાંથી લઈને તેના મુખપ્રદેશ સુધી થનારો ખળભળાટ જોઈને કંઈક કરવા, જોવા અને શીખવા મળે છે! “ઑલ્ડ ફાધર ટેમ્સ” જોઈને તમે ચોક્કસ નહિ કંટાળો. (g 2/06)

[ફુટનોટ]

^ લંડન નામ લૅટિન શબ્દ ‘લોન્ડિન્યુમʼમાંથી નીકળ્યું છે. પરંતુ એ બંને શબ્દો કદાચ સેલ્ટિક ભાષાના, લિન અને ડિનમાંથી લેવામાં આવ્યા હતા. તેમને ભેગા કરવાથી “તળાવના કિનારે વસેલું શહેર (અથવા કિલ્લો)” એવો અર્થ નીકળે છે.

[પાન ૨૫ પર બોક્સ]

ટેમ્સ વિષેનું સાહિત્ય

જેરોમ કે. જેરોમે એક હોડીમાં ત્રણ માણસો નામના અંગ્રેજી પુસ્તકમાં ટેમ્સની આજુ-બાજુનાં શાંત વાતાવરણનું બહુ જ સરસ રીતે વર્ણન કર્યું છે. આ વાર્તા, વૅકેશનમાં ત્રણ મિત્રો પોતાના કૂતરાંને લઈને કિંગસ્ટન અપોન ટેમ્સ ઑક્ષફર્ડ સુધી હોડીમાં પ્રવાસ કરે છે તેના વિષે જણાવે છે. તે ૧૮૮૯માં લખવામાં આવી હતી, અને તેનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. આજ સુધી આ પુસ્તક “હાસ્ય રચનાઓનું એક ઉત્તમ ઉદાહરણ” માનવામાં આવે છે.

ધ વિન્ડ ઇન ધ વિલઝ્સ એક જાણીતી વાર્તા છે, જેને નાના-મોટા બધાં જ પસંદ કરે છે. એને ૧૯૦૮માં કેનેથ ગ્રેહામે લખી હતી. તે ટેમ્સના કિનારે આવેલ પેન્ગબોર્ન નગરમાં રહેતો હતો. તેનું પુસ્તક નદીની આસપાસ રહેનારા જંગલી જાનવરો વિષેની કાલ્પનિક વાર્તા છે.

[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]

ટેમ્સ અને રાજા

જેમ્સ પહેલો, ૧૭મી સદીની શરૂઆતમાં ઇંગ્લૅંડનો રાજા હતો. એક વાર તેણે લંડનની નગરપાલિકા પાસે ૨૦,૦૦૦ પાઉન્ડ માગ્યા હતા. પરંતુ ત્યાંના મેયરે ના પાડી, તો રાજાએ ગુસ્સે થઈને ધમકી આપી: “હું તારો અને તારા શહેરનો હંમેશ માટે વિનાશ કરીશ. હું મારો દરબાર અને સંસદ અહીંથી હટાવીને વિન્ચેસ્ટર અથવા ઑક્ષફર્ડ લઈ જઈશ અને વેસ્ટ-મિનિસ્ટર ઉજ્જડ બનાવી દઈશ, પછી તારી શું વલે થશે!” મેયરે જવાબ આપ્યો: “મહારાજ ગમે તે કરે, પરંતુ લંડનના વેપારીઓ પાસે આશાનું એક કિરણ છે જે ક્યારે પણ હોલવી શકાય એમ નથી: મહારાજ ટેમ્સને ક્યારે પણ પોતાની પાસે લઈ જઈ શકે એમ નથી.”

[પાન ૨૫ પર ચિત્ર]

From the book Ridpath’s History of the World (Vol. VI)

[પાન ૨૨ પર નકશો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ઇંગ્લૅંડ

લંડન

ટેમ્સ નદી

[ક્રેડીટ લાઈન]

નકશા: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૨૨, ૨૩ પર ચિત્ર]

લંડનના વેસ્ટ-મિનિસ્ટરનો બિગ બેન અને ત્યાંનું સંસદ ભવન

[પાન ૨૩ પર ચિત્ર]

પથ્થરનો બનેલો લંડન બ્રિજ, ૧૭૫૬

[ક્રેડીટ લાઈન]

અંગ્રેજી પુસ્તક જૂનું અને નવું લંડનમાંથી: A Narrative of Its History, Its People, and Its Places (Vol. II)

[પાન ૨૪ પર ચિત્ર]

૧૮૦૩ના આ ચિત્રમાં ટેમ્સ નદી અને બંદર પર ઊભેલાં સેંકડો વહાણો જોવા મળે છે

[ક્રેડીટ લાઈન]

Corporation of London, London Metropolitan Archive

[પાન ૨૪, ૨૫ પર ચિત્ર]

૧૬૮૩ના બરફના મેળાનું એક દૃશ્ય

[ક્રેડીટ લાઈન]

અંગ્રેજી પુસ્તક જૂનું અને નવું લંડનમાંથી: A Narrative of Its History, Its People, and Its Places (Vol. III)