સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પિલગ્રિમ અને પ્યુરિટન તેઓ કોણ હતા?

પિલગ્રિમ અને પ્યુરિટન તેઓ કોણ હતા?

પિલગ્રિમ અને પ્યુરિટન તેઓ કોણ હતા?

ઉત્તર અમેરિકાના મૅસચ્યૂસિટ્‌સ રાજ્યમાં પ્લીમથ નામનું એક નાનું શહેર છે. તેના દરિયાકાંઠે એક ખૂબ જ મોટો ગ્રૅનાઈટ પથ્થર છે, જેના પર ‘૧૬૨૦’ સંખ્યા કોતરેલી છે. તેનું નામ ‘પ્લીમથ પથ્થર’ છે. માનવામાં આવે છે કે આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં યુરોપથી લોકોનું એક ટોળું વહાણમાંથી અમેરિકાની એ ધરતી પર ઊતર્યું હતું. કેટલાક લોકો તેમને પિલગ્રિમ અથવા પિલગ્રિમ ફાધર્સના નામથી ઓળખે છે.

ઉત્તર અમેરિકાના કેટલાંય લોકોએ આ પિલગ્રિમ્સ વિષે વાતો સાંભળી છે. તેઓ ખેતરમાં કાપણીના સમયે પોતાના આદિવાસી મિત્રોને બોલાવતા અને તેમની ખૂબ પરોણાગત કરતા. આ પિલગ્રિમ્સ કોણ હતા? તેઓ ઉત્તર અમેરિકા કેમ આવ્યાં હતાં? જવાબ માટે ચાલો આપણે અંગ્રેજ રાજા હેન્રી આઠના સમયનો વિચાર કરીએ.

ઇંગ્લૅંડમાં ધાર્મિક ઊથલ-પાથલ

અમેરિકામાં પિલગ્રિમ લોકો ગયા એના સોએક વર્ષ પહેલાં, ઈંગ્લૅંડ રોમન કૅથલિક દેશ હતો. ઈંગ્લૅંડના રાજા હેન્રી આઠમાને પોપ તરફથી ‘વિશ્વાસનો હિમાયતી’ ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ એ પછી કૅથલિક ચર્ચ અને હેન્રી વચ્ચે બખેડો ઊભો થયો. કારણ? હેન્રી, અરાગૉનની કેથરીન સાથેનું લગ્‍ન તોડવા માંગતો હતો. પરંતુ પોપ ક્લેમેન્ટ છઠ્ઠાએ આ છૂટાછેડાને રજા આપી નહિ. કેથરીન, હેન્રીની છ પત્નીઓમાં પહેલી હતી.

એક બાજુ હેન્રી પોતાના કુટુંબની સમસ્યાઓથી ઘેરાયેલો હતો. બીજી બાજુ, પ્રોટેસ્ટંટ ધર્મ-સુધારણા આંદોલને યુરોપના મોટા ભાગના રોમન કૅથલિક ચર્ચમાં ઊથલ-પાથલ મચાવી દીધી હતી. હેન્રી ચર્ચ તરફથી મળેલા માન-પાન ગુમાવવા માંગતો ન હતો. એટલે તેણે ધર્મ-સુધારકોને ઈંગ્લૅંડથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પછીથી તેણે પોતાનું મન બદલી નાખ્યું. તેણે જોયું કે કૅથલિક ચર્ચ પોતે માંગેલા છૂટાછેડાને મંજૂર નહિ કરે. એટલે તેણે આ ચર્ચને જ વચ્ચેથી હટાવી દીધું. ૧૫૩૪માં તેણે ઇંગ્લૅંડના કૅથલિકો પરથી પોપની સત્તા હટાવીને પોતાને ચર્ચ ઑફ ઈંગ્લૅંડનો સર્વોચ્ચ આગેવાન જાહેર કર્યો. જલદી જ તેણે કૅથલિક મઠોને બંધ કરાવીને તેમની બધી જ મિલકત વેચી નાંખવા માંડી. ૧૫૪૭માં હેન્રીનું મરણ થયું, ત્યાં સુધીમાં તો ઈંગ્લૅંડ પ્રોટેસ્ટંટ દેશ બની ગયો હતો.

હેન્રીના પુત્ર એડવર્ડ છઠ્ઠાએ પણ દેશને પોપથી દૂર રાખ્યો. પરંતુ ૧૫૫૩માં એડવર્ડના મરણ પછી, હેન્રી અને કેથરીનની પુત્રી મેરી રાણી બની ગઈ. તે કૅથલિક હતી, એટલે તેણે સમગ્ર દેશને ફરીથી પોપની સત્તા હેઠળ લાવવાની કોશિશ કરી. તેણે કેટલાંય પ્રોટેસ્ટંટ લોકોને દેશમાંથી કાઢી મૂક્યા અને ૩૦૦થી વધારે લોકોને જીવતા જલાવી દીધા. એટલે તેનું નામ ‘બ્લડી મેરી’ (ખૂની મેરી) પડ્યું. પરંતુ મેરી ધર્મ-સુધારણાના એ મોટા ફેરફારને રોકી શકી નહીં. ૧૫૫૮માં મેરીનું મરણ થયું, પછી તેની સાવકી બહેન એલીઝાબેથ પ્રથમ, રાજ કરવા લાગી. તેણે નક્કી કર્યું કે હવેથી ઈંગ્લૅંડની ધાર્મિક બાબતોમાં પોપ કંઈ કહી શકશે નહીં.

પરંતુ થોડાંક પ્રોટેસ્ટંટ લોકોને લાગ્યું કે ફક્ત રોમના ચર્ચથી જુદા થઈ જવું જ પૂરતું નથી. તેઓ તેમના ધર્મમાંથી રોમન કૅથલિક ચર્ચની એકે એક છાપ ભૂંસી નાખવા માંગતા હતા. તેઓ ચર્ચની ઉપાસનાને શુદ્ધ કરવા ઇચ્છતા હતા, એટલા માટે તેઓ પ્યુરિટન્સ અથવા ધર્મચુસ્ત કહેવાયા. કેટલાંક પ્યુરિટન્સ લોકોનું માનવું હતું કે બિશપોની કોઈ જરૂર નથી. દરેક મંડળે ચર્ચથી અલગ થઈને પોતાનો વહીવટ જાતે જ સંભાળવો જોઈએ. તેઓ સેપરેટિસ્ટ તરીકે ઓળખાયા, એટલે કે જૂદા પડેલાં.

પ્યુરિટન લોકોનો આ મતભેદ રાણી એલીઝાબેથના રાજમાં સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો. કેટલાંક પાદરીઓ પોતાનાં પોશાક પ્રત્યે બેદરકાર હતા, તે રાણીને ગમતું ન હતું. એટલે ૧૫૬૪માં તેણે કેંટબરીના આર્ચબિશપને આજ્ઞા આપી કે તે બધાં જ પાદરીઓ માટે એક ખાસ પ્રકારના પોશાકનો નિયમ બનાવે. પરંતુ પ્યુરિટન્સને લાગ્યું કે જો કૅથલિક પાદરીઓની જેમ ખાસ પ્રકારનો પોશાક રાખવામાં આવે તો એ કૅથલિક ધર્મમાં પાછા ફર્યા બરાબર થશે. એટલે તેમણે આ હુકમનો વિરોધ કર્યો.

એ ઉપરાંત બિશપો અને આર્ચ બિશપોની વર્ષો જૂની પરંપરાને કાઢી નાખવાની બાબતમાં પણ મતભેદ ઊભા થયા. એટલે એલીઝાબેથે બિશપોને તેમના સ્થાન પર રહેવા દીધા. તેણે માંગણી કરી કે પોતાને ચર્ચની આગેવાન માનવાના તેઓ સોગંદ ખાય.

સેપરેટિસ્ટ બન્યા પિલગ્રિમ્સ

૧૬૦૩માં જેમ્સ પહેલાએ એલીઝાબેથની જગ્યાએ રાજગાદી સંભાળી. તે પોતાના હુકમો પળાવવા માટે સેપરેટિસ્ટ લોકો ઉપર બહુ જ દબાણ લાવ્યો. એટલે ૧૬૦૮માં સ્ક્રૂબી નામના શહેરનું એક સેપરેટિસ્ટ મંડળ, હૉલૅન્ડ નાસી ગયું. ત્યાં વધારે સ્વતંત્રતા હતી. પરંતુ થોડાંક સમય પછી તેઓએ જોયું કે હૉલૅન્ડ દેશ બધાં જ ધર્મોને અને અનૈતિકતાને ચલાવી લે છે. એટલે તેમને લાગ્યું કે અહીં રહેવું ઈંગ્લૅન્ડમાં રહેવા કરતાં પણ વધારે ખરાબ છે. એટલે તેઓએ નક્કી કર્યું કે તેઓ યુરોપ છોડીને ઉત્તર અમેરિકા જશે અને ત્યાં નવેસરથી જીવન શરૂ કરશે. પોતાની માન્યતાઓને લીધે ઘર-બાર છોડીને લાંબી મુસાફરી કરવાની, આ ત્યાગની ભાવનાને લીધે સેપરેટિસ્ટ લોકો પછીથી પિલગ્રિમ્સ (યાત્રાળુઓ) તરીકે ઓળખાયા.

આ પિલગ્રિમ્સ લોકોમાં ઘણા સેપરેટિસ્ટ હતા. તેઓએ વર્જિનિયાના બ્રિટિશરો મધ્યે વસવાટ કરવાની મંજૂરી મેળવી. સપ્ટેમ્બર, ૧૬૨૦માં તેઓએ મે ફ્લાવર નામના એક જહાજમાં મુસાફરી કરીને ઉત્તર અમેરિકા તરફ પ્રયાણ કર્યું. નાનાં મોટાં મળીને આશરે સોએક લોકોએ, બે મહિનાની લાંબી મુસાફરી કરી. ઉત્તર ઍટલૅંન્ટિક મહાસાગરના તોફાની લહેરોનો માર વેઠ્યો. છેવટે તેઓ કેપ કૉડ નામની જગ્યાએ આવીને ઊતર્યા. એ જગ્યા વર્જિનિયાની ઉત્તરે (લગભગ ૮૦૦ કિલોમીટર દૂર) આવેલી હતી. ત્યાં તેમણે ‘મે ફ્લાવર કોમ્પેક્ટ’ નામનું એક કરારનામું લખ્યું. એ દસ્તાવેજમાં તેમણે પોતાની એ ઇચ્છા જણાવી કે તેઓ પોતાની એક અલગ બિરાદરી બનાવશે અને તેના કાયદા-કાનૂન પાળશે. એ રીતે ડિસેમ્બર ૨૧, ૧૬૨૦માં પ્લીમથ નામની એક જગ્યા નજીક તેઓ રહેવા લાગ્યા.

નવેસરથી જીવન શરૂ કરવું

આ રૅફ્યુજીઓ ઉત્તર અમેરિકા પહોંચ્યા, ત્યારે ત્યાંની કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર ન હતા. થોડા જ મહિનાઓમાં અડધાથી વધારે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈને મરી ગયા. પરંતુ વસંતઋતુ આવી ત્યારે બધાને રાહત થઈ. બચી ગયેલા લોકોએ પોતાની જરૂરિયાત મુજબ ઘરો બનાવ્યા. ત્યાંના આદિવાસી અમેરિકનો પાસેથી ત્યાંનો પાક કેવી રીતે ઉગાડવો તે પણ શીખ્યા. ૧૬૨૧માં પાનખર આવતાં આવતાં, પિલગ્રિમ્સ એટલા બધા અમીર બની ગયાં હતાં કે તેમણે એ આશીર્વાદ માટે પરમેશ્વરનો આભાર માનવા સમય નક્કી કર્યો. એ વખતથી જ ‘થેન્ક્સગિવિંગ ડે’ (આભારી દિવસ) નામના તહેવારની શરૂઆત થઈ, જે આજે પણ અમેરિકા અને બીજી ઘણી બધી જગ્યાઓએ ઊજવવામાં આવે છે. ત્યાં પરદેશથી બીજા ઘણા લોકો આવીને વસવા લાગ્યા, એટલે પંદરથીયે ઓછા વર્ષોમાં પ્લીમથની વસ્તી ૨,૦૦૦ને વટાવી ગઈ.

તે દરમિયાન ઈંગ્લૅંડના બીજા થોડાંક પ્યુરિટન્સ લોકો, સેપરેટિસ્ટની જેમ એવા નિર્ણય પર પહોંચ્યા કે તેમનો “વચનનો દેશ” ઍટલૅંન્ટિકની પેલે પાર છે. એટલે ૧૬૩૦માં તેમનું એક ટોળું પ્લીમથની ઉત્તરે આવી પહોંચ્યું અને ત્યાં ‘મૅસચ્યૂસિટ્‌સ બે કૉલોની’ નામની વસ્તી વસાવી. ૧૬૪૦ સુધીમાં ઈંગ્લૅંડથી આવેલા લગભગ ૨૦,૦૦૦ લોકો આ નવી જગ્યાએ વસી ગયા હતા જે ન્યૂ ઈંગ્લૅન્ડ કહેવાયું. ૧૬૯૧માં ‘મૅસચ્યૂસિટ્‌સ બે કૉલોનીએ’ પ્લીમથને પોતાના કબજામાં કરી લીધું. ત્યાર પછીથી સેપરેટિસ્ટ અને પિલગ્રિમ્સ પહેલાની જેમ બીજાઓથી અલગ રહ્યાં નહીં. હવે ન્યૂ ઈંગ્લૅંડની ધાર્મિક બાબતોમાં મૅસચ્યૂસિટ્‌સના પ્યુરિટન્સ લોકોનું વધારે રાજ ચાલવા લાગ્યું. મૅસચ્યૂસિટ્‌સનું બૉસ્ટન એ સમગ્ર વિસ્તારનું ધાર્મિક કેન્દ્ર બની ગયું હતું. પ્યુરિટન લોકોએ પોતાની ઉપાસના કેવી રીતે ચાલુ રાખી?

પ્યુરિટન્સની ઉપાસના

ન્યૂ ઇંગ્લૅંડના પ્યુરિટન લોકોએ શરૂઆતમાં લાકડાંનું સભાસ્થાન બનાવ્યું હતું જ્યાં તેઓ રવિવાર સવારે ભેગાં મળતાં. વાતાવરણ હુંફાળું હોય ત્યારે અંદરની હાલત સારી રહેતી હતી, પરંતુ શિયાળામાં ચુસ્તમાં ચુસ્ત પ્યુરિટન્સ પણ બહુ સહન કરી શકતો ન હતો. એ સભાસ્થાનને ગરમ રાખવાની કોઈ વ્યવસ્થા ન હતી, એટલે ચર્ચમાં બેઠેલા લોકોની હાલત બહુ જ ખરાબ થઈ જતી. પ્રચારકો સામાન્ય રીતે હાથમાં મોજાં પહેરી રાખતા, જેથી હાવભાવ કરતી વખતે તેમના હાથ ઠંડી હવાથી રક્ષણ મેળવી શકે.

પ્યુરિટન લોકો ફ્રેન્ચ પ્રોટેસ્ટંટ સુધારક જૉન કૅલ્વિનના શિક્ષણ પ્રમાણે ચાલતાં હતાં. તેઓ માનતા હતા કે બધાનું નસીબ અગાઉથી લખાયેલું હોય છે. પરમેશ્વરે પહેલેથી નક્કી કરી રાખ્યું છે કે તેઓ કોનો ઉદ્ધાર કરશે અને કોને નર્કની આગમાં બાળશે. લોકો કોઈ પણ રીતે પરમેશ્વરે લખેલા લેખને બદલી શકતા નથી. કોઈ પણ માણસ નથી જાણતો કે તેના નસીબમાં શું લખેલું છે: મર્યા પછી સ્વર્ગનું સુખ મેળવવું કે આગમાં દીવેટની જેમ હંમેશા બળતા રહેવું.

થોડાં સમય પછી, પ્યુરિટન પ્રચારકો પસ્તાવો કરવા વિષે શીખવવા લાગ્યા. તેમણે ચેતવણી આપી કે ભલે પરમેશ્વર દયાળુ છે, પરંતુ જે તેમના નિયમોને તોડે છે, તેને તે સીધા જ નર્કમાં ધકેલી દે છે. લોકો પર હુકમ ચલાવવા માટે, આ પ્રચારકો તેઓને નર્કમાં બળ્યા કરવાની ધમકી આપતા હતા. અઢારમી સદીના એક પ્રચારક, જૉનાથાન ઍડવડ્‌સે એક વાર આ વિષય પર ભાષણ આપ્યું, “ક્રોધિત ઈશ્વરના હાથમાં પાપીઓ.” નર્ક વિષે તેણે બીક લાગે એવી વાતો કહી. એટલે તેનો ઉપદેશ સાંભળનારા એટલા તો ડરી ગયા કે બીજા પાદરીઓએ તેઓને હિંમત આપવી પડી.

પરંતુ અહીંયા બહારથી કોઈ આવીને પ્રચાર કરે તો તેના જીવને જોખમ હતું. ક્વેકર નામની ધાર્મિક સંસ્થામાંથી મૅરી ડાયર અહીં પ્રચાર કરવા આવી, તો તેને ત્રણ વાર ભગાડી દેવામાં આવી. તેમ છતાં, તે દરેક વખતે પાછી આવીને પોતાની માન્યતાઓ જણાવતી હતી. છેવટે, જૂન ૧, ૧૬૬૦માં તેને બૉસ્ટનમાં ફાંસીના માંચડે લટકાવી દીધી. ફિલિપ રૈટક્લિફ નામનો પ્રચારક કદાચ ભૂલી ગયો હતો કે પ્યુરિટન ધર્મગુરુઓ પોતાના દુશ્મનોના શું હાલ-હવાલ કરે છે. તેણે સરકાર અને સાલેમના ચર્ચ વિરુદ્ધ ભાષણ આપ્યું, એટલે તેને કોરડાનો માર અને દંડ ભરવો પડ્યો. પછી તેઓએ તેના કાન કાપીને ભગાડી મૂક્યો જેથી તે જીવનભર એ યાદ રાખે. પરંતુ લોકોએ જોયું કે પ્યુરિટન બીજા ધર્મોનો વિરોધ કરે છે ત્યારે, તેઓ મૅસચ્યૂસિટ્‌સ છોડીને જવા લાગ્યા. આમ બીજાઓની વસ્તી વધવા લાગી.

નફરતનું પરિણામ હિંસા

મોટા ભાગના પ્યુરિટન પોતાને પરમેશ્વરના “પસંદ કરેલા” માનતા હતા. એટલે ત્યાં રહેતા બીજા લોકોને તેઓ હલકા ગણતા અને તેઓને ત્યાં રહેવાનો કોઈ હક્ક નથી એવું માનતા. આ નફરતભર્યા વલણને લીધે ત્યાંના આદિવાસીઓ પ્યુરિટન્સ પર હુમલા કરવા લાગ્યા. એટલે પ્યુરિટન ધર્મગુરુઓએ સાબ્બાથના નિયમમાં થોડી ઢીલ મૂકીને તેઓ ઉપાસના કરવા જાય ત્યારે સાથે બંદૂક રાખવાની રજા આપી. પરંતુ ૧૬૭૫માં બાબતો વધારે વણસી.

જ્યારે આદિવાસી જાતિના રાજા ફિલિપે (જે મૈટાકૉમેટે નામથી પણ ઓળખાતો હતો) જોયું કે પ્યુરિટન્સ તેના લોકોની વાનપાનેઓગ નામની જગ્યા પડાવી લે છે ત્યારે, તેણે તેઓ પર હુમલો કર્યો. તેઓનાં ઘરો બાળી મૂક્યાં અને પ્યુરિટન લોકોના ટોળેટોળાંની કતલ કરી. પ્યુરિટન્સ પણ વેરનો બદલો લેવા માટે મહિનાઓ સુધી લડતાં રહ્યાં. ઑગસ્ટ, ૧૬૭૬માં પ્યુરિટન લોકોએ ફિલિપને રોડ આઈલૅન્ડ નામની જગ્યાએ પકડીને તેનું માથું ઉડાવી દીધું અને તેના શરીરના ચાર ટુકડા કરી નાખ્યા. આમ, રાજા ફિલિપની ન્યૂ ઈંગ્લૅન્ડના આદિવાસીઓને આઝાદી અપાવવાની લડાઈનો અંત આવ્યો.

૧૮મી સદીમાં પ્યુરિટન લોકોના જુસ્સાએ એક નવું રૂપ ધારણ કર્યું. મૅસચ્યૂસિટ્‌સના કેટલાંક પ્રચારકોએ અંગ્રેજ રાજનો વિરોધ કરીને તેમનાથી સ્વતંત્ર થવાની ઇચ્છા લોકોમાં જગાડી. તેમણે પોતાની સ્વતંત્રતાની વાતોમાં રાજકારણ અને ધર્મની પણ ભેળસેળ કરી.

મોટા ભાગના પ્યુરિટન્સ ખૂબ જ મહેનતુ, હિંમતવાન અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખનારા હતા. લોકો આજે પણ “પ્યુરિટન્સના ચારિત્ર્ય” અને પ્રમાણિકતા વિષે વાતો કરે છે. પરંતુ સારા દિલના હોવું કંઈ માણસને ખોટા શિક્ષણથી શુદ્ધ નથી કરતું. ધર્મને રાજકારણ સાથે ભેળવવાની બાબતથી ઈસુએ પોતાને દૂર રાખ્યાં. (યોહાન ૬:૧૫; યોહાન ૧૮:૩૬) કેમ કે મારામારી કે લડાઈ બાઇબલના મૂળ શિક્ષણની વિરુદ્ધ છે: “જે પ્રેમ કરતો નથી, તે દેવને ઓળખતો નથી; કેમ કે દેવ પ્રેમ છે.”—૧ યોહાન ૪:૮.

શું તમારો ધર્મ નર્ક, નસીબમાં માનવું અને એના જેવું બીજું શિક્ષણ શીખવે છે, જે બાઇબલમાં નથી? શું તમારા ધર્મગુરુઓ રાજનીતિમાં જોડાયેલા છે? એમાં ભાગ લે છે? જો તમે ખરા મનથી ઈશ્વરનું વચન, બાઇબલમાંથી શીખશો, તો તમે જાણી શકશો કે “શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા” શું છે, કેમ કે એ જ પરમેશ્વરને પસંદ છે.—યાકૂબ ૧:૨૭. (g 2/06)

[પાન ૨૯ પર બોક્સ/ચિત્ર]

પ્યુરિટન્સ અને નર્કની આગ

નર્ક વિષે પ્યુરિટન લોકોનું શિક્ષણ બાઇબલની વિરુદ્ધ હતું. બાઇબલ શીખવે છે કે મરેલા કંઈ જાણતા નથી. આનંદ કે દુઃખ અનુભવી શકતા નથી. (સભાશિક્ષક ૯:૫, ૧૦) સાચા પરમેશ્વર ‘ક્યારેય તેમના હૃદયમાં’ કોઈને રિબાવવાનું વિચારી પણ ન શકે. (યિર્મેયાહ ૧૯:૫; ૧ યોહાન ૪:૮) તે લોકોને વિનંતી કરે છે કે તેઓ પોતાના ખરાબ કામો છોડી દે. સાથે સાથે પોતાના પાપોનો પસ્તાવો નથી કરતા, તેમની સાથે પણ તે દયાથી વર્તે છે. (હઝકીએલ ૩૩:૧૧) પરંતુ પ્યુરિટન પ્રચારકોએ બાઇબલના આ શિક્ષણથી એકદમ વિરુદ્ધ, પરમેશ્વરને એ રીતે રજૂ કર્યા કે તે ક્રૂર છે, માણસ પર બદલો લે છે. તેઓએ જીવનની બાબતમાં કઠોર વ્યવહાર રાખવાનું શીખવ્યું, જેમાં દુશ્મનોને ચૂપ રાખવા માટે તાકાતનો ઉપયોગ કરવાનું જણાવ્યું.

[પાન ૨૬ પર ચિત્ર]

૧૬૨૦માં પિલગ્રિમ્સ ઉત્તર અમેરિકા પહોંચે છે

[ક્રેડીટ લાઈન]

Harper’s Encyclopædia of United States History

[પાન ૨૮ પર ચિત્ર]

૧૬૨૧માં પહેલો થેન્ક્સગિવિંગ તહેવાર મનાવે છે

[પાન ૨૮ પર ચિત્ર]

મૅસચ્યૂસિટ્‌સમાં પ્યુરિટન સભાસ્થાન

[પાન ૨૮ પર ચિત્ર]

જૉન કેલ્વિન

[પાન ૨૮ પર ચિત્ર]

જૉનાથાન એડવર્ડ્‌સ

[પાન ૨૯ પર ચિત્ર]

પ્યુરિટન પતિ-પત્ની હથિયાર લઈને ચર્ચમાં જતાં

[પાન ૨૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Library of Congress, Prints & Photographs Division

[પાન ૨૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

ઉપર ડાબે: Snark/Art Resource, NY; ઉપર જમણી: Harper’s Encyclopædia of United States History; John Calvin: Portrait in Paul Henry’s Life of Calvin, from the book The History of Protestantism (Vol. II); Jonathan Edwards: Dictionary of American Portraits/Dover

[પાન ૨૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ફોટો: North Wind Picture Archives