સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફૂગ દોસ્ત કે દુશ્મન?

ફૂગ દોસ્ત કે દુશ્મન?

ફૂગ દોસ્ત કે દુશ્મન?

સ્વીડનના સજાગ બનો!ના લેખક તરફથી

અમુક ફૂગ જીવ બચાવે; તો બીજી જીવ લઈ લે. અમુક ફૂગ ચીઝ અને વાઇનમાં સ્વાદ ઉમેરે; તો બીજી ખોરાકને ઝેરી બનાવી દે. અમુક લાકડાં પર ઊગે; તો બીજી બાથરૂમ અને પુસ્તકોમાં પોતાનો અડ્ડો જમાવે. આજે જ્યાં જુઓ ત્યાં તમને ફૂગ જોવા મળશે. અરે, તમે આ વાક્ય વાંચી રહ્યા છો, એની સાથે સાથે જ તમારા શ્વાસમાં કદાચ ફૂગની રજ જઈ રહી છે.

જોતમને હજી પણ શંકા હોય કે ફૂગ આપણી ફરતે કેવી રીતે હોઈ શકે, તો તમે બ્રેડનાં ટુકડાને ફ્રીજમાં કે બીજે ક્યાંક મૂકી દો. થોડાંક દિવસોમાં જ એ ટુકડા પર રુવાંટી આવી જશે. એ જ ફૂગ છે!

ફૂગ શું છે?

ફૂગ એ ફંગસની જ એક જાતિ છે. ફંગસની એક લાખથી પણ વધારે જાતિઓ છે. જેમ કે, બિલાડીનો ટોપ, ભેજવાળી જગ્યાએ, પુસ્તકો કે દીવાલો પર થતી ઉબ, વનસ્પતિ પર પડતા ફૂગના ડાઘ અને યીસ્ટ વગેરે. એમાંથી ફક્ત સોએક જાતની ફંગસ એવી છે જે માણસો અને પ્રાણીઓમાં બીમારી ફેલાવે છે. બીજી ઘણી ફંગસ જીવન-ચક્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ફૂગને લીધે મૃત પ્રાણી, વનસ્પતિ કે ખોરાક સડી જાય છે. પછી એનું ખાતર બને છે જેને વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. બીજી એવી ફંગસ પણ છે જેનાથી વનસ્પતિ અને ફંગસ બંનેને ફાયદો થાય છે. એમાં છોડને જમીનમાંથી પોષક તત્ત્વો લેવા ફંગસ મદદ કરે છે. જ્યારે કે બીજા ફંગસ પરોપજીવી છે.

ફૂગ કઈ રીતે થાય છે? આપણે નરી આંખે જોઈ ન શકીએ એવા બીજકણ દ્વારા. એ હવામાં રહેલા છે. જ્યારે આ કણ તેના માટે ખાવાલાયક કોઈ વસ્તુ પર પડે છે ત્યારે ત્યાં વિકસવાનું શરૂ કરી દે છે. પણ એ માટે તાપમાન અને ભેજનું યોગ્ય પ્રમાણ હોવું જરૂરી છે. એ બરાબર હોય ત્યારે, આ બીજકણ ત્યાં જ વિકસવાનું શરૂ કરીને તાંતણાં જેવા કોશ બનાવે છે. એને ‘હાઈફા’ કહેવાય છે. આ કોશ ખૂબ વધી જઈને ગૂંચવાયેલી રુવાંટીઓ જેવા બની જાય છે ત્યારે એને ‘મઈસેલીયમ’ કહેવાય છે. તેને આપણે જોઈ શકીએ છીએ. બાથરૂમની ટાઇલ્સ વચ્ચેના સાંધા જેવી અમુક ભેજવાળી જગ્યાએ એ ડાઘ કે ધબ્બા જેવી દેખાય છે.

ફૂગ ઝડપથી વધી શકે છે. બ્રેડ પરની ફૂગને રાઇઝોપસ સ્ટોલોનીફર કહેવાય છે. બ્રેડ ઉપરનાં નાનાં કાળાં ટપકાં અસંખ્ય બીજકણોને બતાવે છે. ખાલી એક જ કાળું ટપકું ૫૦,૦૦૦થી પણ વધારે બીજકણ ધરાવે છે. એમાંનો એક કણ થોડાં જ દિવસોમાં બીજા કરોડો કણ પેદા કરી શકે છે! ફૂગ જેવી રીતે જંગલનાં લાકડાં પર ફૂટી નીકળે છે, એવી જ રીતે અનુકૂળ સંજોગો હોય તો એ ગમે ત્યાં ફૂટી નીકળશે. જેમ કે, પુસ્તકો, બૂટ કે દીવાલ પરનાં વૉલપેપર પર વગેરે.

ફૂગ કઈ રીતે “ખોરાક લે” છે? પ્રાણીઓ કે માણસો ખાઈને પછી પચાવે છે, પણ ફૂગ એનાથી ઊલટું કરે છે. જ્યારે ખોરાક એટલે કે જૈવિક પરમાણુ ખાવા મોટા કે મુશ્કેલ હોય ત્યારે, ફૂગ પાચન ક્રિયાના એન્ઝાયમથી એ ખોરાકના નાના ભાગો કરીને ખાય છે. ફૂગ પોતાના ખોરાક માટે બીજે જઈ શકતી નથી, તેથી એ પોતાના ખોરાકમાં જ રહે છે.

ફૂગ એવા ઝેરી પદાર્થો બનાવી શકે જેને ‘માયકોટોક્સીન’ કહેવાય છે. એ માણસો અને પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકારક છે. એને અડવાથી, શ્વાસ લેવાથી કે ખોરાક દ્વારા આ ફૂગ આપણા શરીરમાં જઈ શકે. ખરું કે અમુક ફૂગ આપણને નુકસાન કરે છે. પણ મોટા ભાગની ફૂગ આપણા શરીર માટે સારી છે.

ફૂગનાં ફાયદા

૧૯૨૮માં વૈજ્ઞાનિક એલેક્ઝાંડર ફ્લેમિંગે આકસ્મિક રીતે જોયું કે લીલી ફૂગ જીવાણુઓને નષ્ટ કરી શકે છે. પછીથી એને પેનિસિલિયમ નોટેટમ નામ આપવામાં આવ્યું. માણસો અને પ્રાણીઓ માટે જીવલેણ હોય એવા સૂક્ષ્મ જીવાણુઓનો આ ફૂગ ખાતમો બોલાવી દે છે. આ શોધને લીધે પેનિસિલિન નામની દવા વિકસી, જે “આજની દુનિયામાં સૌથી વધારે જીવ બચાવનારી” દવા તરીકે ઓળખાય છે. ફ્લેમિંગ અને તેનાં સાથી સંશોધકો, હાવર્ડ ફ્લોરે અને અર્નેસ્ટ ચેઇનને આ દવાના સંશોધન માટે ૧૯૪૫માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. આ શોધ પછી, ફૂગનો ઘણી બધી દવાઓમાં ઉપયોગ કરવામાં આવ્યો. જેમ કે ગંઠાઈ ગયેલા લોહીને છૂટું પાડવું, આધાશીશી (માઇગ્રેન) અને પાર્કિન્સન્સ નામના લકવાના રોગના ઇલાજ માટે.

ફૂગનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ મિષ્ટાન્‍ન બનાવવામાં આવે છે. દાખલા તરીકે ચીઝ. બ્રી, કૅમેમ્બર, ડૅનિશ બ્‌લ્યુ, ગોર્ગોન્ઝોલા, રૉકફર્ટ અને સ્ટિલટન જેવી ચીઝમાં જુદા જુદા ટેસ્ટ લાવવા, પેનિસિલિયમ ફૂગનો ઉપયોગ થાય છે. એવી જ રીતે, સલામી, સોયાસોસ અને બિયરનો સ્વાદ પણ અમુક પ્રકારની ફૂગથી આવે છે.

વાઇન માટે પણ એવું જ છે. ખાસ પ્રકારની દ્રાક્ષને અમુક ચોક્કસ સમયે જ્યારે એના પર ચોક્કસ પ્રમાણમાં ફૂગ ઊગી હોય ત્યારે કાપણી કરવામાં આવે છે. પછી એનો વાઇન બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી હોય છે. બૉટ્રાઇટિસ સિનેરીઆ નામની ફૂગ, દ્રાક્ષમાં રહેલી મીઠાશ સાથે ભળીને વાઇનનો સ્વાદ વધારે છે. વાઇન બનીને તૈયાર થતાં પહેલાં જો એના ભંડારોમાં ક્લૅડોસ્પોરિયમ સૈલાર નામની ફૂગ ઉમેરવામાં આવે તો લાજવાબ વાઇન તૈયાર થાય છે. હંગેરીનાં વાઇન બનાવનારાઓમાં એક કહેવત ખૂબ જ જાણીતી છે, જેને આપણા શબ્દોમાં કહીએ તો: ‘ઉત્તમ વાઇનની પાછળ એક ઉત્તમ ફૂગનો હાથ હોય છે.’

ફૂગ જીવલેણ પણ છે

ઇતિહાસ બતાવે છે કે અમુક ફૂગ મનુષ્યો માટે જીવલેણ નીવડી છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં, આશ્શૂરના લોકો દુશ્મનોનાં કૂવાઓમાં ક્લેવિસેપ્સ પરપૂરિયા નામની ફૂગ નાખીને પાણીને ઝેરી બનાવતા હતા. આ તે સમયની જૈવિક યુદ્ધનીતિ હતી. આ ફૂગ ઘણી વાર રેઈ નામના છોડ પર વિકસે છે. મધ્યયુગમાં આ ફૂગને લીધે ઘણાં લોકોને વાઈ થતી. દુખાવો અને બળતરા થતી, તો ઘણાને શરીરના અંગો સડી જવા લાગ્યા અથવા વિચિત્ર સપનાં આવવા લાગ્યા. આજે આ ફૂગમાંથી થતી બીમારીને અર્ગોટિઝ્મ કહેવાય છે. પણ પહેલા તેને સેંટ એન્થનીની આગ કહેવામાં આવતી હતી. કારણ કે આ બીમારીમાંથી સાજા થવા માટે લોકો ફ્રાંસમાં આવેલી સેંટ એન્થનીની પવિત્ર કબરની યાત્રા કરવા જતા.

એફ્લાટૉક્સીન ફૂગમાંથી નીકળતો એક ઝેરી પદાર્થ છે. એ કૅન્સર થવા માટે સૌથી વધારે જવાબદાર છે. એક એશિયાઈ દેશમાં, એફ્લાટૉક્સીન દર વર્ષે ૨૦,૦૦૦ લોકોનો ભોગ લે છે. આ જીવલેણ તત્ત્વનો આધુનિક જૈવિક શસ્ત્રોમાં ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ રોજબરોજના જીવનમાં, સામાન્ય રીતે ફૂગથી આરોગ્યને કંઈ નુકસાન થતું નથી. ખરું કે લોકોને એની ચીડ વધારે હોય છે. યુ.સી. બર્કલે વૈલનેસ લેટર કહે છે: “ઘણી ફૂગને સૂંઘવાથી કશું નુકસાન નથી થતું.” મોટા ભાગે કોના પર ફૂગની ખરાબ અસર થાય છે? જેઓને ફેફસાંનો રોગ છે, જેમ કે અસ્થમા. જેઓને એલર્જી છે કે પછી જેઓને કૅમિકલથી તકલીફ થાય છે; કે પછી જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. કે પછી ખેતરમાં કામ કરતા મજૂરો કે જેઓ સામાન્ય રીતે ફૂગનાં સંપર્કમાં વધારે આવતાં હોય છે. અથવા નાનાં બાળકો અને ઘરડાઓને ફૂગની અસર ઝડપથી થઈ શકે છે.

અમેરિકાના કેલિફોર્નિયા સ્વાસ્થ્ય સેવા વિભાગ અનુસાર, ફૂગને લીધે આ લક્ષણો જોવા મળે છે: ‘શ્વાસોશ્વાસની તકલીફ, જેમ કે શ્વાસ લેતા કે મૂકતા ઘુરઘુર અવાજ કરવો, શ્વાસ રોકાઈ જવો, શ્વાસ ફૂલી જવો; નાકની નળીઓ અને સાઇનસમાં જમાવ થવો. ઉપરાંત આંખોમાં તકલીફ (બળતરા, પાણી આવવું કે પછી આંખો લાલ થવી); સૂકી ખાંસી; નાકમાં કે ગળામાં ખારાશ; ચામડી પર થતા નાજુક લાલ ચકામાં કે ખંજવાળ વગેરે.’

ફૂગ અને ઇમારતો

અમુક દેશોમાં ઘણી વાર ઇમારતોમાં જામેલી ફૂગ દૂર કરવા, અને એનો ફેલાવો થતો અટકાવવા ઘરો, સ્કૂલો કે ઑફિસો અમુક દિવસ બંધ રાખવામાં આવે છે. ૨૦૦૨ની શરૂઆતમાં, સ્વીડનનાં સ્ટૉકહોમ શહેરમાં નવા આધુનિક કલાનાં મ્યુઝિયમનું ઉદ્‍ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ ફૂગ થવાને લીધે એ બંધ કરી દેવામાં આવ્યું. આ મ્યુઝિયમમાંથી ફૂગનો નાશ કરવા માટે આશરે ૫૦ લાખ અમેરિકન ડૉલરનો ખર્ચો થયો. શા માટે આ સમસ્યા આટલી બધી સામાન્ય બનતી જાય છે?

એના મુખ્ય બે કારણો છે: બાંધકામની સામગ્રી અને એની રચના. હાલના દસકામાં બાંધકામ માટે એવી વસ્તુઓ વાપરવામાં આવે છે જેમાં ફૂગ સહેલાઈથી વધી શકે છે. આનું ઉદાહરણ, ડ્રાયવોલ કે જિપ્સમ છે. જિપ્સમનાં પ્લાસ્ટરની બન્‍ને બાજુએ પૂઠાંની જાડી શીટ ચોંટાડીને દીવાલ બનાવવામાં આવે છે. એ ઇમારતની અંદર દીવાલ તરીકે વપરાય છે. આ પ્લાસ્ટર ભેજને પકડી રાખી શકે છે. એટલે જો એમાં લાંબો સમય સુધી ભેજ રહે તો, ફૂગનાં બીજકણ વધવા લાગે છે. પછી એ ખોરાક તરીકે પૂંઠાનો ઉપયોગ કરે છે.

આજકાલ ઇમારતોની રચના પણ બદલવામાં આવી છે, જે વધારે ફૂગ થવા માટે જવાબદાર છે. ૧૯૭૦ના દાયકાઓ પહેલાં, અમેરિકા અને ઘણા બધા દેશોમાં આજના જેવી ઇમારતો બહુ ઓછી હતી. આજની ઇમારતો હવાચુસ્ત હોય છે અને બહારના તાપમાનને અંદરનાં તાપમાનથી અલગ રાખે છે. ઇમારતોની રચનામાં આ બદલાવ એટલા માટે લાવવામાં આવ્યો જેથી ઇમારતને ઓછા ખર્ચે ગરમ કે ઠંડી રાખી શકાય. પરંતુ એના લીધે હવે દીવાલની અંદર પાણી આવી જાય છે અને ઘણા સમય સુધી ભેજ બની રહે છે. એમાં પછી ઝડપથી ફૂગ વધે છે. શું આનો કોઈ ઉપાય છે?

ફૂગની સમસ્યાથી છુટકારો મેળવવા કે પછી એને અટકાવવાની સૌથી સારી રીત એ છે કે ઘર કે ઇમારતની અંદર બધી વસ્તુઓને સાફ અને કોરી રાખો. વધારે ભેજ ન થાય એનું ધ્યાન રાખો. જો કોઈ જગ્યા ભીની થઈ હોય તો, તરત એને સૂકવી દો. જ્યાં પાણી ટપકે કે પાણીનો જમાવ થવા માંડે ત્યાં જરૂરી રિપૅરિંગ કરી લો. ફરીથી ત્યાં પાણી ભેગું ન થાય એની કાળજી રાખવી. ઉદાહરણ તરીકે, મકાનની છત કે પછી પાણી વહી જવા બનાવેલી નીક હંમેશા સાફ રાખો. સારી હાલતમાં રાખો, જેથી ક્યાંય પાણી જમા ન રહે. ખાસ કરીને એ ધ્યાનમાં રાખો કે મકાનની આજુ-બાજુની જમીનમાં ખાડા-ટેકરા ના હોય, જેથી પાણી ભરાઈને ઇમારતના પાયામાં ન જાય. જો ઘર કે ઑફિસમાં ઍરકંડિશન હોય તો, એમાં પાણી પડવા માટેની પ્લેટને સાફ રાખો અને પાણી જવા માટેની ટ્યુબને ચોખ્ખી રાખો, જેથી પાણીની આવ-જા ખુલ્લી રીતે થતી રહે.

એક અધિકારી કહે છે: “ભેજનું નિયંત્રણ એ જ ફૂગનાં નિયંત્રણની ચાવી છે.” આવાં સાદા ને સરળ પગલાં લેવાથી તમે અને તમારું કુટુંબ ફૂગની તકલીફથી બચી શકશો. અમુક રીતે ફૂગ આગ જેવી છે. એ તમને નુકસાન કરી શકે છે, પરંતુ સાથે સાથે તમારા માટે ખૂબ ઉપયોગી પણ છે. ચાવી એ છે કે આપણે ફૂગને કઈ રીતે વાપરીએ અને કંટ્રોલમાં રાખીએ. ફૂગ વિષે બીજું તો ઘણું જાણવા જેવું છે. પરમેશ્વરના આ અદ્‍ભુત સર્જનનું જ્ઞાન લેવાથી આપણને જ ફાયદો થશે. (g1/06)

[પાન ૧૨ પર બોક્સ/ચિત્ર]

શું બાઇબલમાં ફૂગ વિષે જણાવ્યું છે?

બાઇબલ, ‘કોઈ ઘરમાં કોઢના રોગ’ વિષે જણાવે છે. એ ઇમારતમાં થયેલી ફૂગ વિષે જણાવે છે. (લેવીય ૧૪:૩૪-૪૮) બાઇબલમાં એને “કોહવાડતો કોઢ” એટલે જીવલેણ કોઢ પણ કહેવાય છે. ઘણા લોકોનું માનવું છે કે આ એક જાતની ફૂગ હતી. પણ એને ચોક્કસપણે કહેવું અઘરું છે. ભલે ગમે તે હોય, પરમેશ્વરના નિયમમાં ઘરનાં માલિકને એ આજ્ઞા આપવામાં આવી હતી કે, ઘરનાં એવા બધા પથ્થરોને કાઢી નાખે કે જેના પર એવા ડાઘા હોય. અને આખા ઘરની અંદરના પ્લાસ્ટરને કાઢી નાખવું. જે વસ્તુઓ પર ડાઘા હોય એને નગરની બહાર “ગંદકીની જગાએ” નાખી દેવી. જો કોઢ ફરીથી એ ઘરમાં આવે તો એ ઘરને અશુદ્ધ જાહેર કરવામાં આવતું. એને તોડી પાડવામાં આવતું અને એના કાટમાળને દૂર ફેંકી દેવામાં આવતો. યહોવાહ આ રીતે વિગતવાર શિક્ષણ આપતા કે શું કરવું. એ બતાવે છે કે પરમેશ્વરને પોતાના લોકો પર કેટલો પ્રેમ છે અને તેઓની તંદુરસ્તીનો કેટલો ખ્યાલ રાખે છે.

[પાન ૧૧ પર ચિત્ર]

ફૂગમાંથી બનતી દવાએ ઘણાના જીવ બચાવ્યા છે

[પાન ૧૩ પર ચિત્ર]

જિપ્સમમાંથી બનતી દીવાલ અને વાઈનલ વૉલપેપર ભેજને સંઘરી રાખે છે, અને એનાથી ફૂગ ઊગી નીકળે છે