વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
▪ ૨૦૦૦માં દુનિયાભરમાં ટીબીના આશરે ૮૩ લાખ નવા કેસો આવ્યા હતા. અને આશરે ૨૦ લાખ ટીબીના દર્દીઓ મરણ પામ્યા હતા. એમાંથી મોટા ભાગના લોકો ગરીબ દેશોમાંથી હતા.—મૅડિકલ જર્નલ ઑફ ઑસ્ટ્રેલિયા. (g 1/06)
▪ જીવન વીમા માટે આયુષ્યનો દર નક્કી કરતી એક સંસ્થા કહે છે કે “ત્રીસેક વર્ષની ઉંમરે ધૂમ્રપાન કરવાથી પુરુષનું આયુષ્ય સાડા પાંચ વર્ષ ઓછું થઈ જાય છે. અને સ્ત્રીનું આયુષ્ય સાડા છથી વધારે વર્ષ ઓછું થઈ જાય છે.” પરંતુ જો ત્રીસ વર્ષની ઉંમરમાં આ વ્યસન છોડી દેવામાં આવે તો, તમાકુથી થતી બીમારીઓથી મરવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.—ધ ટાઈમ્સ, ઇંગ્લૅંડ. (g 2/06)
▪ ૨૦૦૪માં દુનિયાભરમાં તેલનો દૈનિક વપરાશ ૩.૪ ટકા વધી ગયો હતો. એટલે કે ૮ કરોડ ૨૪ લાખ બૅરલનો (એક બૅરલ ૧૫૯ લિટર બરાબર છે) વધારો. અડધાથી વધારે વધારા માટે અમેરિકા અને ચીન જવાબદાર હતા. અમેરિકામાં આજે એક દિવસમાં ૨ કરોડ પાંચ લાખ બૅરલનો વપરાશ થાય છે. જ્યારે ચીનમાં ૬૬ લાખ બૅરલ.—વાઈટલ સાયન્સ ૨૦૦૫, વર્લ્ડવૉચ ઇન્સ્ટિટટ. (g 2/06)
“તમારી માતાની કદર કરો”
જો એક માતાને સ્કૂલે જતાં બે બાળકોની સંભાળ રાખવા માટે પગાર ચૂકવવાનો હોય તો, એ કેટલો હોઈ શકે? પગાર ધોરણનો અભ્યાસ કરનારાનાં એક રિપોર્ટ પ્રમાણે, તેને ઑવરટાઇમ સાથે ૧,૬૩,૮૫૨ કૅનેડીયન ડૉલર (૫૮ લાખ રૂપિયા) પગાર આપવો પડે. આ રકમ હાલના પગાર ધોરણ મુજબ નક્કી કરવામાં આવી છે. ધ વેનકુંવર સન છાપા મુજબ, એમાં “એક દિવસના ૧૦ કલાક અને બીજા ૬ દિવસોના ૧૫-૧૫ કલાકો લેખે, અઠવાડિયાના કુલ ૧૦૦ કલાકો મુજબ પગાર ગણવામાં આવ્યો છે.” માતાને રોજ કેટલી જવાબદારી નિભાવવી પડે છે એનો વિચાર કરો: તેણે ટીચર, ડ્રાઈવર અને નર્સ બનવું પડે છે. સાથે સાથે ઘરની સાર-સંભાળ અને રસોઈ પણ કરવી પડે છે. એ છાપું સલાહ આપે છે: “તમારી માતાની કદર કરોઃ કદાચ એને ઓછો પગાર ચૂકવવામાં આવે છે.” (g 2/06)
અંધશ્રદ્ધા વધતી જાય છે
આલન્સબાખ નામના એક જર્મન ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ પ્રમાણે, “આજના સાયન્સ અને ટૅકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાનો પ્રભાવ લોકો પર એવો જ રહ્યો છે.” વર્ષો સુધી ચાલેલો એક અભ્યાસ બતાવે છે કે “શુકન-અપશુકનની ખોટી માન્યતાઓમાં આજે પણ લોકો માને છે. હકીકત એ છે કે ૨૫ વર્ષ પહેલાની સરખામણીમાં આજે વધુને વધુ લોકો એમાં માનવા લાગ્યા છે.” દાખલા તરીકે, ૧૯૭૦ના દાયકામાં ૨૨ ટકા લોકો માનતા હતા કે ખરતો તારો જોવાથી તેઓના જીવનને અસર થશે. હાલમાં ૪૦ ટકા લોકો એમ માને છે. આજે ત્રણમાંથી ફક્ત એક જ વ્યક્તિ એવી અંધશ્રદ્ધામાં માનતી નથી. બીજા એક અભ્યાસ પ્રમાણે, જર્મન યુનિવર્સિટીનાં ૧,૦૦૦ વિદ્યાર્થીઓ પર થયેલા સર્વેએ બતાવ્યું કે ત્રણમાંથી એક વિદ્યાર્થી તાવીજમાં કે મંત્રેલા માદળિયાંમાં માને છે, અને એને પોતાની સાથે કારમાં કે પછી ચાવીઓ સાથે રાખે છે. (g 1/06)
નવા જમાનાની ગુલામી
સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠનનો (ILO) એક અભ્યાસ બતાવે છે કે “આખી દુનિયામાં ઓછામાં ઓછા ૧ કરોડ ૨૩ લાખ લોકોએ બળજબરીથી મજૂરી કરવી પડે છે.” એવું લાગે છે કે આશરે ૨૪ લાખથી પણ વધારે લોકોને ગેરકાનૂની ધંધામાં મજૂરી કરવા વેચવા-ખરીદવામાં આવે છે. આ ફરજિયાત મજૂરીનો અર્થ એ થાય કે કોઈની ધમકીને લીધે બળજબરીથી કામ કરવું. જેમ કે, વેશ્યાગીરી, લશ્કરમાં ભરતી થવું. કે પછી પોતાનું દેવું ચૂકવવા માટે મજૂરી કરવી, જેમાં નજીવું કે કંઈ પણ વેતન મળતું નથી. ILOના ડાયરેક્ટર જનરલ હવાન સોમાવિયાના જણાવ્યા પ્રમાણે, આવી મજૂરી “લોકો પાસેથી તેઓનો મૂળભૂત હક્ક અને સ્વમાન છીનવી લે છે.” (g 3/06)
પાર્ક કરેલી કારની અંદરનું તાપમાન
પૈડિએટ્રીક્સ મેગૅઝિનનો એક લેખ બતાવે છે કે ૨૦૦૪માં અમેરિકામાં પાર્ક કરેલી ગાડીની અંદર તાપમાન વધી જવાને કારણે ૩૫ બાળકો મરણ પામ્યા હતા. અભ્યાસ બતાવે છે કે બહારનું તાપમાન ૩૦ ડિગ્રી સૅલ્સિયસથી વધી જાય ત્યારે કારની અંદરનું તાપમાન થોડા જ સમયમાં વધીને ૫૭ થી ૬૮ ડિગ્રી સૅલ્સિયસ પહોંચી જાય છે. જો બહારનું તાપમાન ૨૨ ડિગ્રી સૅલ્સિયસ હોય તો કારની અંદરનું તાપમાન એનાથી બમણું થઈ શકે છે. તાપમાનમાં આ વધારો ખાસ કરીને ગાડી ઊભી રાખ્યા પછી ૧૫થી ૩૦ મિનિટની અંદર જોવા મળે છે. ક્યાંક જતા પહેલાં કારની બારીને ચારેક સેન્ટિમીટર ખુલ્લી રાખવાથી અથવા તો ગાડી બંધ કરતા પહેલાં થોડી વાર ઍરકન્ડિશન ચાલુ રાખવાથી કંઈ ખાસ ફરક પડતો નથી. એ લેખના લેખકોનું માનવું છે કે લોકોને જો આ જોખમ વિષે ચેતવવામાં આવે તો ઘણાનો જીવ બચાવી શકાય છે. (g 3/06)