સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું સાચા ઈશ્વર એક જ છે?

શું સાચા ઈશ્વર એક જ છે?

બાઇબલ શું કહે છે

શું સાચા ઈશ્વર એક જ છે?

બાઇબલમાં ઘણા દેવી-દેવતાના નામ જોવા મળે છે, જેમ કે મોલેખ, બઆલ, આશ્તારોથ, દાગોન, બેલ, મેરોદાખ, ઝૂસ, હેર્મેસ, આર્તેમિસ વગેરે. (લેવીય ૧૮:૨૧; ન્યાયાધીશો ૨:૧૩; ૧૬:૨૩; યિર્મેયાહ ૫૦:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૨; ૧૯:૨૪) પરંતુ બાઇબલ એ પણ જણાવે છે કે ફક્ત યહોવાહ એકલા જ સર્વશક્તિમાન ઈશ્વર છે. મુસાએ એક વિજય ગીતમાં પોતાના લોકો સાથે મળીને ગાયું: “હે યહોવાહ, દેવો મધ્યે તારા જેવો કોણ છે?”—નિર્ગમન ૧૫:૧૧.

આનાથી બાઇબલ સો ટકા સાબિતી આપે છે કે યહોવાહ બીજા બધા દેવી-દેવતાઓથી મહાન છે. પણ સવાલ થાય છે કે આ દેવી-દેવતાઓ કઈ રીતે ઉપયોગી છે? ખરું છે કે બીજા બધા દેવી-દેવતાઓથી યહોવાહ સૌથી મહાન છે, છતા પણ સદીઓથી લોકો તેઓની પૂજા કરી રહ્યા છે. એના લીધે સવાલ થાય છે કે તેઓ ખરેખર છે કે નહિ?

દેવી-દેવતાઓ ફક્ત માણસની કલ્પના છે

બાઇબલ જણાવે છે કે ફક્ત યહોવાહ એકલા જ સાચા પરમેશ્વર છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; યોહાન ૧૭:૩) પ્રબોધક યશાયાહ ઈશ્વર વતી કહે છે: “મારા પહેલાં કોઈ દેવ થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી. હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી.”—યશાયાહ ૪૩:૧૦, ૧૧.

પરમેશ્વર યહોવાહની નજરમાં આ બીજા બધા દેવતાઓ તો કંઈ જ નથી. તેઓ અમુક કિસ્સામાં બસ મનુષ્યના મનની કલ્પના જ છે. બાઇબલ આવા દેવો વિષે જણાવે છે: “માણસના હાથનાં ઘડેલાં . . . એટલે દેખી ન શકે કે સાંભળી ન શકે કે ખાઈ ન શકે કે સૂંઘી ન શકે.” (પુનર્નિયમ ૪:૨૮) બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે યહોવાહ એકલા જ સાચા પરમેશ્વર છે.

એના લીધે બાઇબલ જણાવે છે કે યહોવાહ પરમેશ્વર સિવાય બીજા કોઈ પણ દેવી-દેવતાને ભજવું જ ન જોઈએ. જેમ કે, પ્રાચીન ઈસ્રાએલીઓ માટે મુસાને આપેલા દસ નિયમોમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તેમણે બીજા કોઈ પણ દેવોને ભજવા નહિ. (નિર્ગમન ૨૦:૩) શા માટે?

પહેલું તો, આપણે એ જાણવું જોઈએ કે જે દેવી-દેવતાઓ છે જ નહિ, તેઓને લોકો ભજે છે ત્યારે હકીકતમાં પરમેશ્વર યહોવાહનું અપમાન થાય છે. જેઓ આમ કરે છે તેઓ વિષે બાઇબલ કહે છે: ‘તેઓએ પરમેશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું, અને ઉત્પન્‍નકર્તાની ભક્તિ ન કરતાં ઉત્પન્‍ન કરેલાંની ભક્તિ તથા ઉપાસના કરી.’ (રૂમી ૧:૨૫) ઘણી વાર આ કાલ્પનિક દેવી-દેવતાઓની મૂર્તિ લાકડાં કે ધાતુમાંથી બનાવવામાં આવે છે. અથવા ઘણા દેવી-દેવતાઓને મેઘગર્જના, મહાસાગર, અને પવન કે બીજી કુદરતી બાબતો સાથે જોડી દેવાયા છે. ખરેખર, આ બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરીને સર્વશક્તિમાન પરમેશ્વરનો અનાદર કરવો એ તો તેમનું ઘોર અપમાન છે.

જૂઠા દેવી-દેવતાઓ અને તેઓની મૂર્તિઓને, ઉત્પન્‍નકર્તા પરમેશ્વર સખત ધિક્કારે છે. તેમણે ખાસ કરીને એવા જૂઠા દેવી-દેવતાઓને બનાવનારા લોકોને દંડ ફટકાર્યો છે. બાઇબલ બતાવે છે કે પરમેશ્વર તેઓને કેટલા ધિક્કારે છે: “વિદેશીઓની મૂર્તિઓ તો સોનારુપાની છે, તેઓ માણસોના હાથથી બનેલી છે. તેઓને મોં હોય છે, પણ તેઓ બોલતી નથી; આંખ હોય છે, પણ તેઓ જોતી નથી; કાન હોય છે, પણ તેઓ સાંભળતી નથી; અને તેઓનાં મુખમાં શ્વાસ નથી. તેઓના બનાવનારા, તેમ જ તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેમના જેવા થશે.”—ગીતશાસ્ત્ર ૧૩૫:૧૫-૧૮.

બાઇબલ બીજું કારણ જણાવે છે, કે શા માટે બીજા દેવોની ભક્તિ નહીં કરવી અને એકલા યહોવાહ પરમેશ્વરની જ ભક્તિ કરવી. કારણ કે એવી ભક્તિમાં વિતાવેલો સમય અને મહેનત સાવ પાણીમાં જાય છે. ઈશ્વરભક્ત યશાયાહે સ્પષ્ટ જણાવ્યું કે “કોણે દેવને બનાવ્યો, ને નકામી મૂર્તિને કોણે ઢાળી?” (યશાયાહ ૪૪:૧૦) બાઇબલ એ પણ કહે છે: “લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે.” (ગીતશાસ્ત્ર ૯૬:૫) પરમેશ્વરની નજરમાં બીજા દેવો તો છે જ નહિ. એ જાણ્યા પછી તેઓની ભક્તિ કરવાથી શું ફાયદો થશે? કંઈ જ નહિ.

ઈસુ, સ્વર્ગદૂતો અને શેતાન

બાઇબલમાં અમુક વાર કેટલીક વ્યક્તિઓનો દેવ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ એ કલમોને ધ્યાનથી જોઈએ તો, તેઓને એ અર્થમાં ‘દેવ’ નથી કહ્યા કે તેમની દેવતા માનીને પૂજા કરવી જોઈએ. બાઇબલમાં જેઓ ખૂબ શક્તિમાન કે પછી જેઓનો સ્વભાવ પરમેશ્વર જેવો છે અથવા સાચા પરમેશ્વર સાથે ગાઢ નાતો છે તેઓ માટે ‘દેવ’ ખિતાબ વાપરવામાં આવ્યો છે.

દાખલા તરીકે, અમુક કલમોમાં ઈસુ ખ્રિસ્તનો દેવ તરીકે ઉલ્લેખ થયો છે. (યશાયાહ ૯:૬, ૭; યોહાન ૧:૧, ૧૮) તો શું આનો અર્થ એ કે ઈસુની ભક્તિ કરવી? ઈસુએ પોતે જ કહ્યું: “એમ લખેલું છે, કે તારે તારા દેવ [યહોવાહ] પ્રભુનું ભજન કરવું, ને એકલા તેની જ સેવા કરવી.” (લુક ૪:૮) તેથી, ઈસુ ભલે શક્તિશાળી છે અને પરમેશ્વર જેવાં ગુણો ધરાવે છે, પણ બાઇબલ એવું નથી જણાવતું કે ઈસુની ભક્તિ કરવી જોઈએ.

બાઇબલમાં સ્વર્ગદૂતોને પણ ‘દેવ’ કહેવામાં આવ્યા છે. (ગીતશાસ્ત્ર ૮:૫; હેબ્રી ૨:૭) છતાં, બાઇબલની કોઈ પણ કલમ એવું ઉત્તેજન નથી આપતી કે સ્વર્ગદૂતોને પૂજવા જોઈએ. એક કિસ્સામાં, વૃદ્ધ ઈશ્વરભક્ત યોહાન આગળ એક સ્વર્ગદૂત પ્રગટ થયા. એની યોહાન પર એટલી અસર પડી કે સ્વર્ગદૂતને માન આપવા તે પગે પડ્યા. પરંતુ સ્વર્ગદૂતે તરત જ કહ્યું કે ‘જોજે, એવું ન કરતો. ઈશ્વરની આરાધના કર.’—પ્રકટીકરણ ૧૯:૧૦.

પ્રેરિત પાઊલે શેતાન વિષે કહ્યું કે તે “આ જગતનો દેવ” છે. (૨ કોરીંથી ૪:૪) “આ જગતનો અધિકારી” હોવાથી, શેતાને લાખો-કરોડો જૂઠાં દેવી-દેવતાઓ ઊભા કર્યા છે. તેની ઇચ્છા છે કે આપણે એ દેવી-દેવતાઓને ભજીએ. (યોહાન ૧૨:૩૧) શા માટે? જો આપણે માણસે બનાવેલા દેવી-દેવતાઓની ભક્તિ કરીએ તો એનો અર્થ થાય કે આપણે શેતાનની જ ભક્તિ કરીએ છીએ. ખરું કે શેતાન આ દુનિયાનો રાજા છે. પણ તે આ પદવી ખૂંચવી લઈને પોતે રાજા બની બેઠો છે. એટલે કે સાચા પરમેશ્વર યહોવાહે તેને રાજા તરીકે પસંદ કર્યો નથી. તેથી, આપણે કોઈ પણ રીતે શેતાનની ભક્તિ ન કરવી જોઈએ. થોડા જ સમયમાં, શેતાન અને તેની સર્વ જાતની જૂઠી ઉપાસનાને જડમૂળથી કાઢી નાખવામાં આવશે. એવું બનશે ત્યારે આખી માણસજાત, હા, સર્વ લોકો સદાકાળ માટે સાચા પરમેશ્વર યહોવાહને જ ભજશે.—યિર્મેયાહ ૧૦:૧૦. (g 2/06)

શું તમે કદી વિચાર્યું છે?

▪ મૂર્તિ-પૂજા વિષે બાઇબલ શું શીખવે છે?ગીતશાસ્ત્ર ૧૩૫:૧૫-૧૮.

▪ શું ઈસુ અને સ્વર્ગદૂતોને દેવ માનીને ભજવા જોઈએ?લુક ૪:૮.

▪ સાચા પરમેશ્વર કોણ છે?યોહાન ૧૭:૩.

[પાન ૧૪, ૧૫ પર ચિત્રો]

ડાબેથી જમણે મૂર્તિઓ: મરિયમ, ઇટલી; માયા જાતિનો મકઈ દેવતા, મેક્સિકો અને મધ્ય અમેરિકા; આશ્તારોથ, કનાન; અંધશ્રદ્ધા સાથે જોડાયેલી મૂર્તિ; સિએરા લેઓન; બુદ્ધ, જાપાન; ચીકોમેકોઆટ્‌લ, એઝટેક, મેક્સિકો; હોરસ બાજ, ઇજિપ્ત; જ્યૂસ, ગ્રીસ

[ક્રેડીટ લાઈન]

મકઈ દેવતા, હોરસ બાજ અને જ્યૂસ: Photograph taken by courtesy of the British Museum