સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હું મરતા પહેલાં ઈશ્વરને ભજવા માંગું છું’

‘હું મરતા પહેલાં ઈશ્વરને ભજવા માંગું છું’

‘હું મરતા પહેલાં ઈશ્વરને ભજવા માંગું છું’

મામી ફ્રીના જણાવ્યા પ્રમાણે

વર્ષ ૧૯૯૦માં લાઇબીરિયા દેશમાં અંદરો-અંદર લડાઈ ફાટી નીકળી. દિવસે દિવસે એ ભડકતી જતી હતી. લાઇબીરિયાની રાજધાની, મનરોવિયામાં ૧૨ વર્ષની છોકરી તેની મા સાથે રહેતી હતી. તેઓ ક્રાહ્‍ન જાતિનાં છે. છોકરીનું નામ મામી છે. મામી કહે છે: “અમારા પડોશીના ઘરમાં અચાનક બોમ્બ ફૂટ્યો. મોટો ધડાકો સંભળાયો. એ ઘરમાં આગ લાગી. જોત-જોતામાં અમારું ઘર પણ આગની લપેટમાં આવી ગયું.” બહાર જોરદાર લડાઈ ચાલી રહી હતી. તેઓ ઘરમાં ફસાઈ ગયાં હતાં. તોપણ મામી, તેની મા અને માના નાના ભાઈને જીવ લઈને ઘરમાંથી નાસી જવું પડ્યું.

“અચાનક મને કંઈક વાગ્યું,” મામી યાદ કરતા કહે છે.

“શું થયું બેટા?” મા તરત બોલી ઊઠી.

“મને કંઈક વાગ્યું છે! મને ગોળી વાગી હોય એવું લાગે છે,” મેં કહ્યું.

મામીને ભારે પીડા થવા લીગી. તે જમીન પર પડી ગઈ. પ્રાર્થના કરવા લાગી: “હે ઈશ્વર, મને સાંભળ. મારા પર દયા કર. કદાચ મારું મોત આવી ગયું છે, પણ મરતાં પહેલાં હું તને ભજવા માંગું છું.” પછી તે બેભાન થઈ ગઈ.

પડોશીઓને લાગ્યું કે મામી મરી ગઈ. તેઓ તેને નજીકના દરિયાકાંઠે દાટી દેવા માંગતા હતાં. પણ તેની મા માની નહીં. અને વિનંતી કરવા લાગી કે મામીને ત્યાંની હૉસ્પિટલમાં લઈ જવામાં આવે. પણ અફસોસની વાત છે કે હૉસ્પિટલમાં તેઓ પાસે પૂરતી સગવડ ન હતી. ત્યાં ઘાયલ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો આમ-તેમ પડ્યા હતા. મામીના મામા ગંભીર રીતે ઘવાયા હતા. એ જ રાતે તે ગુજરી ગયા. મામી મોતના મોંમાંથી બચી તો ગઈ, પણ કમરથી નીચે તેને લકવા થઈ ગયો.

મામીના શરીરની અંદર ને અંદર લોહી વહેતું હતું. દર્દથી જાણે તેનો જીવ નીકળી રહ્યો હતો. છેવટે, ચાર મહિના પછી ડૉક્ટરોએ તેનો એક્ષ-રે લીધો. એનાથી તેઓએ શોધી કાઢ્યું કે ગોળી ક્યાં છે. ગોળી તેના હૃદય અને ફેફસાંની વચ્ચે ફસાયેલી હતી. ઑપરેશન કરવું જોખમી હતું. એટલે મામીની મા તેને જડી-બુટ્ટીથી ઇલાજ કરતા વૈદ પાસે લઈ ગઈ. મામી યાદ કરતા કહે છે: “તેણે એક અસ્તરા વડે ગોળી વાગી હતી ત્યાં કાપ મૂક્યો. પછી ઘા પર પોતાનું મોં લગાવીને ગોળી ચૂસીને કાઢવાની કોશિશ કરી. પછી તે મોંમાંથી ગોળી કાઢીને બોલ્યો, ‘આ રહી ગોળી.’ અમે રાજી થયા. તેને પૈસા આપીને ત્યાંથી નીકળી ગયાં.”

પણ તે વૈદ જૂઠું બોલ્યો હતો. દુખાવો તો હતો જ. અમે બીજો એક્ષ-રે પડાવ્યો. ત્યારે ખબર પડી કે ગોળી ત્યાંની ત્યાં જ ફસાયેલી હતી! મામીની મા તેને ફરીથી એ જ વૈદ પાસે લઈ ગઈ. તેણે કહ્યું કે નવ મહિના પછી જ એક્ષ-રેમાં દેખાશે કે ગોળી હવે નથી. એમ કહીને અમને બંનેને મનાવી લીધા. અમને થયું કે તે સાચું કહે છે. એ સાંભળીને અમે ઘરે ગયા. તે દરમિયાન દર્દ ઓછું કરવા મામી જાત-જાતની દવાઓ લેવા લાગી. નવ મહિના વીતી ગયા. દુખાવો મટ્યો નહિ. પછી બીજો એક્ષ-રે પડાવ્યો. ગોળી ત્યાંની ત્યાં જ હતી! ત્યાં સુધીમાં તો એ જડી-બુટ્ટીવાળો વૈદ ત્યાંથી નાસી ગયો હતો.

મામીના શરીરમાં હવે ૧૮ મહિનાથી ગોળી હતી. એક સંબંધી મામીને ભૂવા પાસે લઈ ગયો. મામીની સારવાર કરવાને બદલે તે કહેવા લાગ્યો કે અમુક દિવસ પછી મામી અથવા તેની મા મરી જશે. એ સમયે મામી ૧૩ વર્ષની થઈ હતી. તે કહે છે, “હું રડી રડીને અધમૂઈ થઈ ગઈ. ભૂવાએ કહ્યા પ્રમાણે એ તારીખ આવી પણ કોઈ મર્યું નહીં.”

પછી મામીના એક કાકા તેને પાદરી પાસે લઈ ગયા. પાદરીએ કહ્યું કે તેને એક દર્શનથી જાણવા મળ્યું હતું કે મામીને ગોળીને લીધે લકવા થયો ન હતો. પણ કોઈએ કરેલા મંતરથી થયો હતો. તેણે કહ્યું કે જો મામી તેના કહ્યાં પ્રમાણે અમુક વિધિ કરે તો તે એક અઠવાડિયામાં ફરીથી હરી-ફરી શકશે. મામી કહે છે: “મેં તેના કહેવા પ્રમાણે દરિયાના પાણીમાં ઘણી વાર સ્નાન કર્યું. ઉપવાસ કર્યા. અરે, રોજ અડધી રાતે કલાકો સુધી જમીન પર આળોટતી રહી. પરંતુ એ બધી જ મહેનત પાણીમાં ગઈ અને મારી હાલતમાં કોઈ સુધારો થયો નહીં.”

આશરે બેએક વર્ષ પછી હૉસ્પિટલમાં વધારે સુવિદ્યા મળવા લાગી. ત્યારે છેવટે મામી ત્યાં જઈને ગોળી કઢાવી શકી. ત્યાં સુધી તે દર્દને સહેતી રહી. તે જણાવે છે, “ઑપરેશન પછી, મારી પીડા ધીમે ધીમે ઓછી થઈ. છેવટે દુખાવો સાવ મટી ગયો. હું હવે આરામથી શ્વાસ લઈ શકું છું. જોકે, મને લકવા તો છે જ, પણ ઘોડીની મદદથી હું ઊભી થવા લાગી.”

મામીને યહોવાહના સાક્ષીઓ મળ્યા

મામીનું ઑપરેશન થયું એના થોડાંક અઠવાડિયા પછી, યહોવાહના બે સાક્ષીઓ પ્રચાર કરતા કરતા તેની માને મળ્યા. તેની મા જાણતી હતી કે મામીને બાઇબલ વાંચવું ખૂબ ગમે છે. એટલે તેણે સાક્ષીઓને ઘરમાં બોલાવ્યા. મામી તરત જ બાઇબલમાંથી શીખવા તૈયાર થઈ ગઈ. પરંતુ અમુક મહિના પછી મામીને ફરીથી હૉસ્પિટલમાં જવું પડ્યું અને સાક્ષીઓ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો.

તોપણ બાઇબલમાંથી શીખવાની મામીની તરસ છીપાઈ ન હતી. એક ચર્ચના પાદરી તેને મદદ કરવા તૈયાર થયા એટલે તે રાજી થઈ ગઈ. દર રવિવારે મામી ચર્ચની સ્કૂલમાં જવા લાગી. એક દિવસે સ્કૂલમાં મામી સાથે ભણતા એક વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું, “શું ઈસુ અને પરમેશ્વર, બન્‍ને સરખા છે?”

શિક્ષકે કહ્યું, “હા, બન્‍ને એક સરખા તો છે. તોપણ ઈસુ બધી જ રીતે પરમેશ્વરની બરાબર તો નથી.”

મામીના મનમાં એ શબ્દો ઊછળવા લાગ્યા: “બન્‍ને એક સરખા તો છે. તોપણ ઈસુ બધી જ રીતે પરમેશ્વરની બરાબર નથી?” ‘એ કેવી રીતે બની શકે? જરૂર કંઈક ગરબડ છે.’ મામી તે ચર્ચથી ખુશ ન હતી. કેમ કે તેને ત્યાં બાઇબલમાંથી સત્ય શીખવવામાં આવતું ન હતું. એટલે તેણે ચર્ચમાં જવાનું બંધ કર્યું.

૧૯૯૬માં મનરોવિયામાં ફરીથી લડાઈ ફાટી નીકળી. આ વખતે લડાઈને કારણે મામીના કુટુંબના બે સભ્યો મરણ પામ્યા. તેમનું ઘર ફરી વાર આગની લપેટમાં આવી ગયું. થોડાંક મહિનાઓ પછી, યહોવાહના બે સાક્ષીઓ ઘર-ઘરનો પ્રચાર કરતા મામીને મળ્યા. મામીએ ફરીથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તે પહેલી વાર સાક્ષીઓની ધાર્મિક સભામાં ગઈ. તેને જોવા મળ્યું કે નાના-મોટા અને મંડળના વડીલો પણ તેઓની સભા ભરાતી એ કિંગ્ડમ હૉલમાં સાફ-સફાઈ કહી રહ્યા હતા. એ જોઈને તેને નવાઈ લાગી! એ જ વર્ષે સાક્ષીઓના “દૈવી શાંતિના સંદેશવાહકો,” મોટા સંમેલનમાં તે ગઈ ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. એ પહેલાં તેણે સાક્ષીઓને આટલી મોટી સંખ્યામાં કદી જોયા ન હતા. આ તેનો પહેલો અનુભવ હતો.

મામી કહે છે, “હું બહુ જ પ્રભાવિત થઈ ગઈ. સાક્ષીઓ ભલે જુદી-જુદી જાતિના હતા, તોય તેઓમાં એકબીજા માટે સાચો પ્રેમ હતો. બધી જ બાબતોની સારી ગોઠવણ કરવામાં આવી હતી.”

પરમેશ્વરને ભજવાની ઇચ્છા પૂરી થઈ

૧૯૯૮માં ફરીથી લાઇબીરિયામાં લડાઈ ફાટી નીકળી. મામી અને તેની માને લાઇબીરિયા પાસેના કૉટ દિવાર દેશમાં નાસી જવું પડ્યું. કૉટ દિવારમાં પીસ ટાઉન નામનો રૅફ્યુજી કૅમ્પ હતો. ત્યાં આશરે છએક હજાર લાઇબીરિયાના લોકો રહેતા હતા. મામીએ સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવાનું ફરી શરૂ કર્યું. તે ઝડપથી બાઇબલમાંથી શીખતી ગઈ. થોડા સમય પછી તે યહોવાહ વિષે બીજાઓને બાઇબલમાંથી જણાવવા ઇચ્છતી હતી. મંડળના ભાઈ-બહેનો તેને પૈડાંવાળી ખુરશીમાં બેસાડીને પ્રચારમાં લઈ જવા લાગ્યા, જેથી તે લોકો સાથે વાત કરી શકે. આ રીતે મામી, એ રૅફ્યુજી કૅમ્પમાં ઘણાં લોકોને યહોવાહ વિષે જણાવી શકી.

મામી જ્યાં રહેતી હતી, ત્યાંથી કિંગ્ડમ હૉલ છ કિલોમીટર દૂર હતો. તે ચાલી શકતી ન હતી. તોપણ તે બધી જ સભાઓમાં જતી. મે ૧૪, ૨૦૦૦માં એક સંમેલન હતું. મામીના ઘરથી એ આશરે ૧૯૦ કિલોમીટર દૂર હતું. તોય તેણે બાપ્તિસ્મા લેવા એટલી મુસાફરી કરી. જેથી તે ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કરી શકે. (માત્થી ૨૮:૧૯,૨૦) તેને ઊંચકીને એક નાની નદીમાં બાપ્તિસ્મા આપવા ડૂબકી મરાવી. એ જોઈને ભાઈ-બહેનોની આંખોમાં આંસુ આવી ગયા. પાણીમાંથી બહાર આવી ત્યારે મામીનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો.

મામી હવે ઘાના દેશમાં આવેલા રૅફ્યુજી કૅમ્પમાં રહે છે. તે રેગ્યુલર પાયોનિયર બનવા ચાહે છે, જેથી તે પૂરો સમય લોકોને યહોવાહ વિષે શીખવી શકે. તેની મા પણ સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી. હવે તે પણ બીજાઓને બાઇબલમાંથી યહોવાહ વિષે જણાવે છે. યહોવાહે બાઇબલમાં વચન આપ્યું છે કે એવો સમય આવશે જ્યારે “લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.” એની મા-બેટી બંને હવે કાગને ડોળે રાહ જોઈ રહ્યાં છે!—યશાયાહ ૩૫:૫-૭. (g 3/06)

[પાન ૨૦ પર ચિત્ર]

મામીના શરીરમાંથી બહાર કાઢેલી બંદૂકની ગોળી

[પાન ૨૧ પર ચિત્ર]

મામીને ઊંચકીને નાની નદીમાં બાપ્તિસ્મા આપ્યું

[પાન ૨૧ પર ચિત્ર]

મામી તેની મા એમ્માને બાઇબલમાંથી શીખવે છે