હું સ્કૂલમાં સેક્સથી કઈ રીતે દૂર રહું?
યુવાનો પૂછે છે . . .
હું સ્કૂલમાં સેક્સથી કઈ રીતે દૂર રહું?
“છોકરાઓ રોજ સેક્સ વિષે જ વાતો કરે છે. છોકરીઓ તો છોકરાઓને પટાવવા જાતે તેઓની પાસે જાય છે અને સ્કૂલમાં જ તેઓ સાથે સેક્સ માણે છે.”—૧૬ વર્ષની આઈલીન.
“મારી સ્કૂલમાં સજાતીય સંબંધ રાખતા છોકરાઓ જાહેરમાં બીજા છોકરાઓ સામે અનૈતિક કામો કરે છે. તેઓને એમાં કશું ખોટું લાગતું નથી.”—૧૫ વર્ષનો માઈકલ. *
શું તમારા ક્લાસના છોકરાઓ હંમેશા સેક્સની જ વાતો કરે છે? શું એમાંથી થોડાક સેક્સ પણ માણે છે? જો એવું હોય તો, કદાચ તમને પણ એક તરૂણ છોકરી જેવું લાગશે, જેણે કહ્યું કે સ્કૂલમાં હોવું એટલે “અશ્લીલ ફિલ્મના સેટ પર કામ કરવા” બરાબર છે. હકીકત તો એ છે કે, સ્કૂલોમાં ઘણાં બાળકો પર સેક્સના એક પછી એક ફાંદા આવતા જ જાય છે. જેમ કે, ઘણા બાળકો સેક્સની જ વાતો કરતા હોય છે. તક મળતા એને માણી લે છે.
કદાચ તમે ક્લાસમાં બીજાઓને “હુકીંગ અપ” વિષે વાતો કરતા સાંભળ્યા હશે. એનો અર્થ થાય, ‘પહેલી જ વાર મળ્યા હોય એવી વ્યક્તિ સાથે સેક્સ કરવું.’ પછી એકબીજાને ભૂલી જાય. ફરી મળવાનો ઇરાદો પણ રાખતા નથી. અમુક કિસ્સાઓમાં છોકરાઓ એવા લોકો સાથે ‘હુકીંગ અપ’ (સેક્સ) કરે છે જેઓને બહુ થોડું જાણતા હોય. બીજા કિસ્સાઓમાં તેઓ એવા અજાણ્યા લોકોને સેક્સ માટે મળે છે, જેઓ સાથે તેઓએ ફક્ત ઇન્ટરનેટ પર વાત કરી હોય છે. ભલે ગમે તેની સાથે ‘હુકીંગ અપ’ કરે, એનો મકસદ એક જ હોય છે: સેક્સની મજા માણો. પણ પ્યાર-મહોબ્બતથી દૂર રહો. ૧૯ વર્ષની ડાન્યલ કહે છે: ‘હુકીંગ અપ એટલે બસ બે વ્યક્તિ પોતાની શરીરની ભૂખને સંતોષે. એ સિવાય બીજું કંઈ નહિ.’
એમાં કોઈ નવાઈ નથી, કે આજે ઘણી સ્કૂલોમાં ‘હુકીંગ અપ’ એક નવો ‘હોટ ટોપીક’ બની ગયો છે. સત્તર વર્ષની એક છોકરીએ પોતાની સ્કૂલના છાપામાં લખ્યું: “શનિ-રવિની રજાઓ પછી, સ્કૂલના હૉલમાં બસ બધા એ જ વાતો કરે છે કે કોણે કોની સાથે હુક અપ કર્યું. પછી તેઓ એક બીજાને બધી જ ગંદી ગંદી વિગતો જણાવશે.”
જો તમે બાઇબલના ધોરણો પ્રમાણે જીવવા માગતા હો તો, આવા લોકોની વચ્ચે રહેવું તમારા માટે બહુ મુશ્કેલ બની શકે. તમે કદાચ એકલા પડી જાવ. તમે એ લોકોની વાતચીતમાં સામેલ ન થાઓ તો બની શકે કે તેઓ તમારી મજાક ઉડાવે, મશ્કરી કરે. અમુક હદે આપણે માની શકીએ કે એવું થશે. કેમ કે બાઇબલ કહે છે કે લોકો જ્યાં સુધી સમજશે નહિ કે તમારા વાણી-વર્તન કેમ બીજાઓથી અલગ છે, ત્યાં સુધી તેઓ કદાચ ‘તમારી નિંદા’ કરશે. (૧ પીતર ૪:૩, ૪) તેમ છતાં, બીજાઓ આપણી મજાક ઉડાવે, એ આપણને ગમતું નથી. તો પછી, તમે કઈ રીતે સ્કૂલમાં સેક્સ માટે ના પાડશો? ના પાડીને પણ તમે કઈ રીતે તમારું માથું ગર્વથી ઊંચું કરીને ચાલી શકશો? પહેલા તો, એ જાણવું ખૂબ જરૂરી છે કે શા માટે યુવાનો સેક્સની લાલચ તરફ ખેંચાય છે.
પોતાને જાણો
યુવાનો, તરુણ વયમાં, તમારામાં ખૂબ જ ઝડપથી ફેરફારો થાય છે. જેમ કે, તમારો દેખાવ સાવ બદલાઈ જાય છે અને તમારી લાગણીઓમાં પણ ઘણા ચઢાવ-ઉતાર આવે છે. આ સમયે તમારામાં જાતીય ઉત્તેજના ખૂબ વધી જાય છે. એમાં કંઈ ખોટું નથી. એટલે જો તમને સ્કૂલમાં કોઈ વ્યક્તિ ખૂબ ગમવા લાગે તો, તમારે એવું માની લેવું ન જોઈએ કે ‘હું ખરાબ છું, મારામાં બસ ખોટી ઇચ્છાઓ જ જાગે છે. કે પછી હું શુદ્ધ નહિ રહી શકું.’ તમે ચાહો તો ચોક્કસ શુદ્ધ રહી શકો છો!
તરુણ વયમાંથી ગુજરતા હો ત્યારે, તમારે પોતાની લાગણીઓ સામે લડવું પડે છે. એ સાથે તમારે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે. એ શું છે? આપણે બધા અપૂર્ણ હોવાથી, બૂરાઈ તરફ ખેંચાઈએ છીએ. ખરાબ કામ કરવા તરફ ઢળેલા છીએ. ઈશ્વરભક્ત પાઊલે પણ કહ્યું કે “હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમ બંધનમાં મને લાવે છે.” પાઊલે આગળ જણાવ્યું કે અપૂર્ણતાને લીધે હું ‘દુઃખી’ થાઉં છું. (રોમન ૭:૨૩, ૨૪) પરંતુ પાઊલ આવી હાલતમાં પણ સફળ થયા હતા. તમે પણ થઈ શકો!
તમારા મિત્રોને સમજો
આપણે આગળ જોઈ ગયા તેમ, તમારા મિત્રો કદાચ હંમેશા સેક્સની જ વાત કરતા હશે. કે પછી પોતે કોઈની સાથે સેક્સની મજા માણી હોય એની બડાઈ મારતા હશે. તમારે આવી ખોટી સોબતથી સાવધ રહેવું જોઈએ. (૧ કોરીંથી ૧૫:૩૩) પરંતુ તમારે તમારા મિત્રોને દુશ્મન સમજવાની જરૂર નથી, કેમ નહીં?
તમારા મિત્રોને પણ એવી જ ઇચ્છાઓ છે, જેવી તમને છે. તેઓ પણ ખરાબ કામો કરવા તરફ ઢળેલા છે. ફર્ક એટલો જ છે કે તેઓમાંથી અમુક ‘ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા’ છે. અથવા તેઓ એવા કુટુંબમાંથી આવતા હશે જેઓમાં એકબીજા માટે ‘પ્રેમ’ નથી. (૨ તીમોથી ૩:૧-૪) એવું પણ બની શકે કે તેમના માતા-પિતાએ તેઓને પ્રેમથી શિસ્ત નહિ આપી હોય. કે પછી સારા સંસ્કાર નહિ સિંચ્યા હોય.—એફેસી ૬:૪.
તમારા મિત્રો પાસે ઈશ્વરનું વચન, બાઇબલનું શ્રેષ્ઠ જ્ઞાન નથી, જે તમારી પાસે છે. એટલે તેઓને ખબર નથી કે ગંદા કામોમાં ભાગ લેવાથી કેવા ખરાબ પરિણામ આવે છે. (રૂમી ૧:૨૬, ૨૭) એ એના જેવું છે, જાણે કે પિતાએ દીકરાને કોઈ બાઇક લઈ આપી અને એવા હાઈવે પર મોકલી દીધો જ્યાં વાહનોની ખૂબ આવ-જા છે. પણ તેમણે દીકરાને શીખવ્યું નથી કે બાઇક કેવી રીતે ચલાવવી. શરૂ શરૂમાં તો દીકરાને બાઇક ચલાવવામાં મજા આવશે. પણ છેવટે ઍક્સિડન્ટ તો થશે જ. તો પછી, જો તમારા કોઈ મિત્ર સેક્સ વિષે વાત કરે કે પછી કોઈકની સાથે તમને પણ સેક્સ કરવા દબાણ કરે, તો તમે શું કરશો?
અનૈતિક વાતચીતથી દૂર રહો
જો તમારા મિત્ર સેક્સ વિષે ગંદી વાત કરવા લાગે, તો કદાચ તમને એ સાંભળવા કે તેમની સાથે જોડાવાનું મન થઈ શકે, જેથી બીજાઓથી અલગ ન પડો, કે પછી કોઈની નજરે ન આવો. જરા વિચારો, જો તમે એમ કરશો તો તેઓની નજરમાં તમારી કેવી શાખ બંધાશે? જો તમે તેઓની વાતોમાં રસ લેશો તો, શું તેઓ એ જાણી શકશે કે તમે હકીકતમાં કેવી વ્યક્તિ છો કે પછી તમે કેવા બનવા માગો છો?
તેથી જ્યારે તમને માલૂમ પડે કે મિત્રોની વાતચીત અનૈતિક સેક્સના પાટે ચઢી રહી છે ત્યારે તમારે શું કરવું જોઈએ? શું તમે ત્યાંથી ઊભા થઈને જતા રહેશો? હા, જરૂર! (એફેસી ૫:૩, ૪) બાઇબલ કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.” (નીતિવચનો ૨૨:૩) તેથી જો તમે એવી વાતચીત છોડીને જતા રહેશો તો તમે ડરપોક નથી પણ તમારા ડહાપણનો પુરાવો આપો છો. તમે હોશિયાર છો એમ બતાવો છો.
આવી ગંદી વાતચીત છોડીને ચાલ્યા જવા માટે તમને શરમ ન આવવી જોઈએ. એવા બીજા ઘણા વિષયો હશે જેના પર તમારા મિત્રો વાત કરતા હોય ત્યારે તમે જરાય શરમાયા વગર ત્યાંથી ચાલી નીકળ્યા હોય. જેમ કે તમને જરાય રસ ન હોય એવા વિષય પર તેઓ વાત કરતા હોય, કે પછી તમને અમુક વાતચીતમાં જોડાવું ન હોય. દાખલા તરીકે, જો તમારા અમુક મિત્રો હથિયાર લઈને કોઈ લૂંટ કરવાનો
પ્લાન બનાવતા હોય તો, શું તમે ચૂપચાપ ઊભા રહીને એ સાંભળશો? જો તમે એવું કરો તો તમને પણ ગુનેગાર ગણવામાં આવશે. એટલે સમજી વિચારીને તમે ત્યાંથી ચાલ્યા જવાનો નિર્ણય લેશો, ખરું ને? તો પછી, જ્યારે મિત્રોની વાતચીત અશ્લીલ વિષય તરફ વળે ત્યારે પણ ત્યાંથી ચાલ્યા જાઓ. તમે બીજાનું ધ્યાન ન ખેંચાય એ રીતે ચૂપચાપ ત્યાંથી નીકળી જઈ શકો. આમ કરવાથી તમે તેઓના હસી-મજાકનું કારણ પણ નહિ બનો.ખરું કે હંમેશા આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું શક્ય નથી. દાખલા તરીકે, તમારા ક્લાસમાં બાજુમાં બેઠેલો છોકરો સેક્સ વિષે થઈ રહેલી વાતચીતમાં તમને પણ જોડાવાનો પ્રયાસ કરશે. એવા કિસ્સામાં તમે તેને ચોખ્ખી પણ સારી રીતે કહી શકો કે ‘આવી વાતોમાં તે તમારું ધ્યાન ન ખેંચે.’ જો એ પણ કામ ન કરે તો, તમે બ્રેંડા જેવું કરી શકો જે કહે છે: “મેં સમજી- વિચારીને ટીચરને અરજ કરી કે તે મારી બેસવાની જગ્યા બદલી આપે.”
સમજી-વિચારીને કામ લો
આજે નહિ તો કાલે, તમારા ક્લાસના અમુક વિદ્યાર્થીઓ જરૂર એ જાણવા ચાહશે કે તમે કેમ તેઓની ગંદી વાતચીતમાં ભાગ લેતા નથી. જો તેઓ તમને પૂછે કે તમે શા માટે તેઓની વાતચીતમાં જોડાતા નથી તો, સમજી વિચારીને જવાબ આપો. અમુક કદાચ તમારી મજાક ઉડાવવાના ઇરાદાથી એમ પૂછશે. પરંતુ જો કોઈને ખરેખર જાણવું હોય તો, તમે ખુલ્લા મને પોતાની માન્યતાઓ વિષે તેમને જણાવો. ઘણા યુવાનોએ પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તક વાપરીને મિત્રોને એ સમજવા મદદ કરી છે કે બાઇબલના સિદ્ધાંતો મુજબ ચાલવાથી કેવા ફાયદા થાય છે. *
પાકો સંકલ્પ કરી લો
જો કોઈ વિદ્યાર્થી બેશરમ બનીને તમને અયોગ્ય જગ્યાએ અડકે કે પછી તમને કિસ કરવા માગે તો તમે શું કરશો? જો તમે તેને નહિ રોકો તો, તેની (છોકરા કે છોકરીની) હિંમત વધી જશે અને તે પછી વારંવાર એમ કરવા લાગશે. બાઇબલ એક યુવાન માણસ વિષે જણાવે છે જે એક બદનામ સ્ત્રીને પોતાને પકડીને ચુંબન કરવા દે છે. એટલું જ નહિ, એ સ્ત્રી જાતીય ઇચ્છા ભડકાવે એવી વાતો કરવા લાગી ત્યારે તેને રોકી પણ નહિ. એનું શું પરિણામ આવ્યું? ‘જેમ બળદ કસાઈવાડે જાય છે, તેમ તે તરત તેની પાછળ ગયો.’—નીતિવચનો ૭:૧૩-૨૩.
જ્યારે બીજી બાજુ યુસફનો વિચાર કરો. તેણે કેવી રીતે આવી પરિસ્થિતિને હાથ ધરી? તેના માલિકની પત્નીએ યુસફને પોતાના વશમાં કરવા ઘણો પ્રયાસ કર્યો. પણ યુસફે દૃઢ બનીને તેની લાલચનો નકાર કર્યો. છેવટે એ સ્ત્રીએ યુસફને બાથમાં લઈને બળજબરી કરી ત્યારે, યુસફે તરત જ નિર્ણય લીધો અને ત્યાંથી ભાગી ગયો.—ઉત્પત્તિ ૩૯:૭-૧૨.
યુસફની જેમ, તમારે પણ એવો ચોક્કસ નિર્ણય લેવો પડી શકે. જ્યારે સાથે ભણનાર કે પછી કોઈ ઓળખીતી વ્યક્તિ તમને ખોટા ઇરાદાથી ટચ કરે ત્યારે તમે પણ યુસફની જેમ કરો. આઈલીન કહે છે, “જો કોઈ છોકરો મને ટચ કરવાની કોશિશ કરે તો હું તરત જ તેને હાથ હટાવી લેવા કહું છું. જો તે ન માને તો, હું બરાડા પાડીને ગુસ્સેથી તેને કહું છું કે મારાથી તેનો હાથ દૂર રાખે.” પોતાની સ્કૂલના છોકરાઓ વિષે આઈલીન આગળ કહે છે: ‘તમારો સ્વભાવ સારો નહિ હોય ત્યાં સુધી તેઓ તમને માન નહિ આપે.’
જો તમે સ્કૂલમાં ગંદી વાતચીત સાંભળવાથી દૂર રહેશો, તો તેઓ તમને માન આપશે. મોકો મળતા તેઓને તમારી માન્યતા વિષે તેમ જ ઊંચા સંસ્કાર વિષે માનથી જણાવો. જો તેઓ તમને કોઈ અનૈતિક કામમાં જોડાવા કહે, ત્યારે સાફ ના પાડજો. એનાથી પણ તેઓ તમને માન આપશે. એક વધારાનો ફાયદો એ છે કે તમને પોતાના વિષે પણ સારું લાગશે. સૌથી મહત્ત્વનું તો, યહોવાહ ઈશ્વર તમારા પર ખુશ થશે.—નીતિવચનો ૨૭:૧૧. (g 3/06)
આના વિષે વિચાર કરો
▪ ગંદી કે અનૈતિક વાતો થતી હોય ત્યાંથી ઊઠીને ચાલ્યા જવા માટે તમે શું કહી શકો?
▪ જો તમારી સાથે ભણનારા તમને અનૈતિક કામ કરવા લલચાવે તો તમે તેને શું કહેશો? અને શું કરશો?
[ફુટનોટ્સ]
^ અમુક નામો બદલવામાં આવ્યા છે.
^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૧૭ પર ચિત્ર]
જો મિત્રો વાતચીત દરમ્યાન ગંદા સેક્સની વાતો પર ચઢી જાય તો, તરત ત્યાંથી ઊઠીને ચાલ્યા જાવ
[પાન ૧૮ પર ચિત્ર]
અનૈતિક કામ કરવા કોઈ લલચાવે તો, મક્કમ બનીને સાફ ના પાડી દો