સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચેર્નોબિલની એક દિવસની મુલાકાત

ચેર્નોબિલની એક દિવસની મુલાકાત

ચેર્નોબિલની એક દિવસની મુલાકાત

યૂક્રેઇનના સજાગ બનો!ના લેખક તરફથી

આજથી વીસ વર્ષ પહેલાંની વાત છે. એપ્રિલ ૨૬, ૧૯૮૬ના રોજ, ચેર્નોબિલના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં સૌથી ભયંકર અકસ્માત થયો. એમાં ચાર રિઍક્ટર હતા. એમાંનું એક ઝડપથી ફાટીને ઓગળી ગયું. માણસની બેદરકારીને લીધે કે કુદરતી આફતો આવ્યા પછી મોટે ભાગે શહેરોમાં ઘણી સાફ-સફાઈ કરવી પડે છે. ફરીથી બાંધકામ પણ કરવું પડે છે. પછી ત્યાં રહી શકાય. પરંતુ આ અકસ્માત પછી ઝેરી કિરણોની અસરને લીધે ત્યાં રહેવું શક્ય ન હતું.

ચેર્નોબિલ અને આજુ-બાજુના ગામમાં પહેલાં જેઓ રહેતા હતા, તેઓમાંના ઘણા દર વર્ષે મે ૯ના રોજ પોતાનાં ખંડિયેર ઘરો જોવા જાય છે. બીજા સમયે તેઓ દફનવિધિ માટે ત્યાં જાય છે. વૈજ્ઞાનિકો અનેક વાર ત્યાં ઝેરી કિરણોની અસરનો અભ્યાસ કરવા ગયા છે. યૂક્રેઇનની ટૂરિસ્ટ કંપનીઓ અમુક વર્ષોથી એક દિવસની ટૂર યોજે છે. એમાં તેઓ એ વિસ્તારની અમુક જગ્યાઓ જોવા લઈ જાય છે.

જૂન ૨૦૦૫ના ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ છાપાના પહેલા પાન પર લેખ હતો: ‘લોકોને પ્રિપેટ શહેર જોવું હોય તો ત્યાંની ટૂર કંપનીઓ લોકોને ટૂર ગાઈડ આપે છે. ત્યાં જવામાં કોઈ ખતરો નથી.’ * આ શહેર ન્યુક્લિઅર પાવર પ્લાન્ટથી ત્રણેક કિલોમીટર દૂર વસેલું હતું. ૧૯૭૦ના દાયકામાં એ શહેર બાંધવામાં આવ્યું હતું. એમાં ૪૫,૦૦૦ જેટલા લોકો રહેતા હતા. પાવર પ્લાન્ટમાં અકસ્માત થયો ત્યારે, ચેર્નોબિલ અને એની આજુ-બાજુના શહેરોથી સાથે સાથે પ્રિપેટ શહેરને પણ ખાલી કરાવવામાં આવ્યું. રિઍક્ટરમાંથી ખતરનાક કિરણો વાતાવરણમાં ભળતા હોવાથી એ શહેરો અને એની આજુ-બાજુના ગામોમાં જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ન્યૂક્લિઅર પ્લાન્ટ ફાટ્યો ત્યારે આન્‍ના અને વિક્ટર રૂડનિક નામનું યુગલ પ્રિપેટમાં રહેતું હતું. *

રિઍક્ટરથી પંદરેક કિલોમીટર દૂર ચેર્નોબિલ ગામ આવેલું (ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનું નામ પણ ચેર્નોબિલ) છે. ત્યાંથી નાસી ગયેલા લોકોને અમુક સમયથી, વર્ષમાં એક વાર પોતાનું ગામ જોવાની રજા મળે છે. રૂડનિકનું કુટુંબ પહેલાં ચેર્નોબિલમાં રહેતું હતું. અકસ્માત પછી અમુક વર્ષોથી તેઓ પણ ચેર્નોબિલ શહેર જોવા જાય છે. થોડાં વર્ષો પહેલાં હું ને મારી પત્ની તેઓના કુટુંબ સાથે ચેર્નોબિલ જોવા ગયાં. ચાલો એના વિષે હું તમને થોડું જણાવું.

દુઃખભર્યો રજાનો દિવસ

કિયેફ યૂક્રેઇનનું પાટનગર છે. ત્યાંથી અમે કારમાં ઉત્તર તરફ મુસાફરી શરૂ કરી. એ રસ્તા પર બન્‍ને બાજુ વાહનો આવ-જા કરતાં હતાં. રસ્તામાં નાનાં નાનાં અમુક ગામો હતાં. ગામોમાં રસ્તાની બન્‍ને બાજુ ઘરો જોવા મળે. ઘરોનાં આંગણાંમાં સુંદર ફૂલો ખીલેલાં હતાં. લોકોએ પોતાના વાડામાં શાકભાજી વાવ્યું હતું. ત્યાં તેઓ કામ કરતા નજરે પડતા હતા. ગામોની વચ્ચે દૂર સુધી મકાઈ, ઘઉં અને સૂરજમુખીના ખેતરો દેખાતાં હતાં.

મુસાફરી કરતા કરતા એકાએક કંઈક ફરક દેખાયો. એવું લાગ્યું કે જાણે રસ્તામાં અદૃશ્ય રેખા ઓળંગીને અમે બીજી દુનિયામાં પહોંચી ગયા હોઈએ. જો કે રસ્તામાં એવી કોઈ નિશાનીઓ દેખાતી ન હતી. તોપણ થોડું અજુગતું લાગતું હતું. ગામના રસ્તાઓ એકદમ શાંત હતા. ખંડિયેર ઘરોની બારીઓના કાચ તૂટેલા હતા. દરવાજે તાળાં લટકતાં હતાં. ઘરની આગળ ને પાછળ વાડામાં કાંટા-ઝાંખરાં ને ઘાસ ઊગી નીકળ્યાં હતાં.

મના કરેલા વિસ્તારમાં અમે દાખલ થયા. આ જગ્યા જો કે રિઍક્ટરથી ત્રીસેક કિલોમીટર દૂર હતી. છતાં “આ વિસ્તારના ગામોમાં રેડિયેશન કે જોખમી કિરણોની બહુ જ અસર થઈ છે.” આન્‍નાએ અમને કહ્યું કે “એ વિસ્તારના આજુ-બાજુના ગામમાંથી ૧,૫૦,૦૦૦થી પણ વધારે લોકોને પોતાનાં ઘરો છોડીને અગાઉના સોવિયત યુનિયનમાં રહેવા જવું પડ્યું.”

ત્યાંથી થોડા આગળ ગયા તો બીજી હદ આવી. જોખમી વિસ્તાર અને બહારની દુનિયા વચ્ચે ઊંચી ઊંચી કાંટાની વાડ હતી. બે દેશો વચ્ચે ચૅક પૉઇન્ટ હોય તેમ કસ્ટમ ઑફિસરની જેમ ચોકીદારો લાકડાના મકાનમાંથી ટ્રાફિક કંટ્રોલ કરતા હતા. એક ચોકીદારે અમારો પાસપૉર્ટ ચેક કર્યો. કારના નંબર લખ્યા. પછી અમને જવા દીધા.

મના કરેલા વિસ્તારમાં અમે વચ્ચોવચ આવી ગયા હતા. મને તો હતું કે ત્યાં બધાં વૃક્ષો ને ઝાડી-ઝાંખરાં મૂરઝાઈ ગયા હશે. પણ ત્યાં તો વૃક્ષોને નવા પાન આવ્યાં હતાં. રસ્તાની બન્‍ને બાજુ લીલાંછમ ઝાડ હતાં. એની ડાળીઓથી રસ્તો ઘુમ્મટની જેમ ઢંકાઈ ગયો હતો. જંગલમાં ઝાડીથી જમીન ઢંકાઈ જાય એમ જમીન ઢંકાઈ ગઈ હતી. આવું તો અમે ધાર્યું પણ ન હતું. અમારી આગળ સફેદ ઇંટની દીવાલ દેખાઈ. એના પર ભૂરા અક્ષરથી ગામનું નામ ચેર્નોબિલ લખ્યું હતું.

ચેર્નોબિલની બૉર્ડર પર જ દવાની દુકાન હતી. એક સમયે વિક્ટરની મમ્મી એ દુકાનમાં કામ કરતી હતી. દુકાનના કાચ ગંદા હતા. એમાં બોર્ડ લટકતું દેખાયું. બોર્ડ પર દુકાન ખોલવાનો અને બંધ થવાનો સમય લખ્યો હતો. એના અક્ષરો ઝાંખા પડી ગયા હતા. ગામની વચ્ચે પાર્ક હતો. એની પાસે એક બિલ્ડિંગ હતું જેમાં લોકો અનેક નાટકો કે પ્રોગ્રામો રજૂ કરતા. બીજા લોકોની જેમ કામેથી છૂટ્યા પછી આન્‍ના પણ ત્યાં રીલેક્ષ થવા આવતી. ત્યાં તે અનેક કલાકારોનો અભિનય જોતી. ત્યાં ઉરેના નામનું સિનેમા કે થિયેટર પણ હતું. આન્‍નાને હજી યાદ છે કે ઉનાળાની ગરમીથી બચવા છોકરાંઓ એ ઠંડા હૉલમાં ફિલ્મો જોતા. હવે એ થિયેટરમાંથી વર્ષોથી બાળકોનો કિલકિલાટ સંભળાયો નથી. પછી આન્‍ના અને વિક્ટર અમને તેઓના ઘર તરફ લઈ ગયા. એ થોડુંક જ દૂર હતું. જરા ચાલીને પહોંચી જવાય. આગળના દરવાજા પાસે બધાં ઝાડ એટલાં મોટાં થઈ ગયાં હતાં કે અંદર જઈ જ ન શકાય. એટલે અમે એક-બીજાની પાછળ પાછળ ઝાડીમાંથી પાછળના દરવાજાએ ગયા. ત્યાં કાંટા-ઝાંખરાં ઊગી નીકળ્યા હતા. પાછળની બાજુએ દરવાજો બચ્યો ન હતો. એની જગ્યાએ દીવાલમાં મોટું બાકોરું પડી ગયું હતું.

ઘરમાં રહી ગયેલી ચીજ-વસ્તુઓ સડી રહી હતી. લોખંડનો પલંગ કટાઈ ગયો હતો. એના લીધે ગાદલું કાટવાળું થઈ ગયું હતું. વચ્ચેથી બેસી ગયું હતું. વૉલ પેપર તોરણની જેમ લટકતાં હતાં. રૂમના બીજા ખૂણામાં આન્‍નાની નજર પડી. કચરાના ઢગલા પર જૂનો ફોટો પડ્યો હતો. તેમણે એ ઉપાડી લીધો. પછી ઘોઘરા સાદે કહ્યું: “મને ક્યારનું પાછા આવવું હતું. મને હતું કે અમે જેવું ઘર મૂકીને ગયા તેવું ને તેવું પાછા જઈશું ત્યારે હશે. પણ એ ખંડિયેર થઈ ગયું. આજે ઘરમાં કાંઈ જ રહ્યું નથી. આટલા વર્ષોમાં બધું જ ચોરાઈ ગયું!”

અમે રૂડનિકના ઘરમાંથી નીકળીને રસ્તા પર ચાલવા લાગ્યા. ત્યાં એક ખૂણામાં લોકો ઊભા રહીને ગપ્પા મારતા હતા. અમે અડધોએક કિલોમીટર ચાલીને એક બગીચામાં ગયા, જ્યાં રસ્તો પૂરો થતો હતો. બગીચો એક ટેકરા પર હતો જેની નીચેથી નદી વહેતી હતી. ત્યાં સફેદ ફૂલોથી લચેલા ઝાડ પવનમાં આમ-તેમ લહેરાતાં હતાં. એ ટેકરા પરથી નદી કાંઠે જવા માટે પગથિયાં હતાં જેના પર પવન ફૂંકાતો હતો. ૧૯૮૬માં બધાએ ત્યાંથી નાસી જવું પડ્યું, ત્યારે ઘણા લોકો વહાણની રાહ જોતા આ પગથિયાં પર ઊભા હતા.

ગયા વર્ષે પહેલી વાર રૂડનિકનું કુટુંબ પ્રિપેટમાં તેઓનાં જૂના ઘરે ગયું હતું. એના ઓગણીસ વર્ષ પહેલાં રિઍક્ટર ફાટ્યું ત્યારે તેઓને શહેર છોડીને ભાગવું પડ્યું હતું.

જે બન્યું એનો વિચાર કરો

ચેર્નોબિલમાં રિઍક્ટર ફાટ્યું એને એપ્રિલ ૨૦૦૬માં વીસ વર્ષ થયાં. એની યાદમાં લોકોએ અનેક પ્રસંગો ગોઠવ્યા. આ પ્રસંગો યાદ કરાવે છે કે પૃથ્વીની સંભાળ રાખવા મનુષ્ય સાચા દિલથી ગમે તેટલો પ્રયત્ન કરે, તોપણ ઈશ્વરના માર્ગદર્શન વગર એ અશક્ય છે.—યિર્મેયાહ ૧૦:૨૩.

વૈજ્ઞાનિકોએ અકસ્માતની અસરનો ફરી એક વાર અભ્યાસ કરીને સપ્ટેમ્બર ૨૦૦૫માં રિપોર્ટ આપ્યો હતો. આ કામ તેઓને યુનાઈટેડ નેશન્સે સોંપ્યું હતું. આ રિપોર્ટે જણાવ્યું કે અકસ્માતમાં ૫૬ લોકો મરણ પામ્યા હતા અને જોખમી કિરણોની અસરથી ફક્ત ચારેક હજાર લોકો મરણ પામશે. એ પહેલાં મોટા પાયે કહેવામાં આવ્યું હતું કે ૧૫,૦૦૦થી ૩૦,૦૦૦ લોકો મરણ પામશે. સપ્ટેમ્બર ૮, ૨૦૦૫ના ન્યૂ યૉર્ક ટાઇમ્સ છાપા મુજબ, ‘પર્યાવરણ પર નજર રાખતા અનેક સંગઠનોએ યુનાઈટેડ નેશન્સના રિપોર્ટની નિંદા કરી છે. તેઓ કહે છે કે આ રિપોર્ટ જૂઠો છે અને એનાથી ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટના જોખમોને સંતાડવાનો પ્રયત્ન થયો છે.’

એ ઍક્સિડન્ટ પછી વિક્ટર સાચા ઈશ્વર યહોવાહ વિષે સત્ય શીખ્યા. તેમણે કહ્યું: “અમે હવે ડિપ્રેસ નથી. અમને ખબર છે કે પૃથ્વી પર ઈશ્વર યહોવાહનું રાજ આવશે ત્યારે આવાં ઍક્સિડન્ટ કદી થશે નહિ. ત્યારે અમારા ચેર્નોબિલ ગામની આજુબાજુનો વિસ્તાર આજના જેવો નહિ, પણ સ્વર્ગ જેવો સુંદર બની જશે. એની અમે કાગને ડોળે રાહ જોઈએ છીએ.”

ચેર્નોબિલના અકસ્માત પછી લાખો લોકો બાઇબલમાંથી ઈશ્વરના વરદાન વિષે શીખ્યા છે. એમાં ઈશ્વરે કહ્યું છે કે તે પૃથ્વીને ફરીથી સ્વર્ગ જેવી સુંદર બનાવી દેશે. એ વરદાનમાં તેઓને પૂરો ભરોસો છે. (ઉત્પત્તિ ૨:૮, ૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ગયા વીસ વર્ષમાં ફક્ત યૂક્રેઈનમાં જ એક લાખથી વધારે લોકો સાચા ઈશ્વર વિષે શીખીને તેમના ભક્તો બન્યા છે! ઈશ્વર યહોવાહે વરદાન આપ્યું છે કે આવતા દિવસોમાં સુખનો સૂરજ ઊગશે. તે પૃથ્વી પર જે આશીર્વાદો વરસાવશે એ વિષે તમે પણ શીખો. તેમના માર્ગમાં ચાલતા રહો. (g 4/06)

[ફુટનોટ્‌સ]

^ અમુક અધિકારીઓએ જાહેર કર્યું છે કે થોડી વાર માટે આ શહેરો ને ગામો જોવા જવામાં કોઈ ખતરો નથી. તોપણ સજાગ બનો! કોઈને એમ કરવાનું ઉત્તેજન કે સલાહ આપતું નથી.

^ મે ૮, ૧૯૯૭, સજાગ બનો! પાન ૧૮-૨૧ જુઓ.

[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]

સાફ-સફાઈ કરનારાઓની યાદમાં પૂતળું

ચેર્નોબિલના અક્સ્માત પછી સાફ-સફાઈ કરતા કામદારોની યાદમાં મોટું પૂતળું ઊભું કરવામાં આવ્યું છે. એ કામદારોએ ન્યૂક્લીયર પાવર પ્લાન્ટની આગ બુઝાવી. એને દફનાવી દીધું. ખતરનાક કચરો ત્યાંથી લઈ ગયા. આ કામમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. એવો અંદાજ કરવામાં આવ્યો હતો કે અકસ્માતને કારણે લગભગ ૪,૦૦૦ લોકો મરણ પામશે. એમાંના મોટા ભાગના સાફસૂફીમાં ભાગ લેનારા કામદારો હશે.

[પાન ૧૫ પર ચિત્રો]

ચેર્નોબિલ નામ લખ્યું છે એ નિશાની અને ત્યાંનું થિયેટર

[પાન ૧૫ પર ચિત્રો]

ચેર્નોબિલમાં રૂડનિક તેમના ઘરમાં

[પાન ૧૬ પર ચિત્રો]

ચેર્નોબિલનું પાવર સ્ટેશન, જ્યાં અકસ્માત થયો હતો; ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર પ્રિપેટ શહેરમાં રૂડનિકનું ઘર છે (અંદરનું ચિત્ર)