સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મગજની નબળાઈવાળાં બાળકોને મોટાં કરવાં

મગજની નબળાઈવાળાં બાળકોને મોટાં કરવાં

મગજની નબળાઈવાળાં બાળકોને મોટાં કરવાં

ફિનલૅન્ડના સજાગ બનો!ના લેખક તરફથી

મારકુસ વીસ વર્ષનો (ડાબી બાજુ) છે. તે જાતે ખાઈ-પી શકતો નથી. સ્નાન કરી શકતો નથી. તે બરાબર ઊંઘી શકતો નથી. રાત્રે ઘણી વાર જાગી જાય છે. તેનું બરાબર ધ્યાન રાખવું પડે છે. તેને કંઈને કંઈ વાગ્યા જ કરે છે. એટલે મલમ-પટ્ટી તૈયાર રાખવા પડે છે. તોયે મારકુસ તેના મમ્મી-પપ્પાનો ખૂબ લાડકો છે. મારકુસ જે રીતે તેઓને વહાલ કરે છે એ તેઓને ખૂબ જ ગમે છે. ભલેને તેનામાં અમુક નબળાઈ છે, પણ તેઓ તેનાથી ખુશ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ, પૃથ્વીની વસ્તીમાંથી આશરે ૩ ટકા લોકોના મગજમાં અમુક નબળાઈ હોય છે. એની પાછળ અનેક કારણો છે. જેમ કે વારસામાં મગજની નબળાઈ આવી હોય. જન્મ વખતે મગજને અસર પહોંચી હોય. બાળપણમાં બીમારીને લીધે મગજને અસર થઈ હોય શકે. વિટામિનની ખામી. માબાપના ડ્રગ્સ કે દારૂના વ્યસનના લીધે હોઈ શકે. અથવા, તેઓએ કોઈ કૅમિકલ સાથે કામ કર્યું હોવાથી બાળકના મગજ પર એની અસર થઈ હોય. જો કે આપણે મોટા ભાગે એનું ખરું કારણ જાણતા નથી. જો તમારા બાળકમાં માનસિક નબળાઈ હોય તો, તમને કેવું લાગશે? તમે તેઓની કઈ રીતે સંભાળ રાખશો? એવાં બાળકોને મોટાં કરતા માબાપને કઈ રીતે ઉત્તેજન આપી શકાય?

દુઃખનો ડુંગર તૂટી પડે ત્યારે

માબાપને ખબર પડે કે તેમનાં બાળકના મગજમાં અમુક નબળાઈ છે, ત્યારે તેઓના જીવનમાં પહાડ તૂટી પડે છે. સિર્કકા યાદ કરતા કહે છે: ‘મને ને મારા પતિને ખબર પડી કે અમારી દીકરીને ડાઉન્સ સિન્ડ્રૉમ એટલે કે મગજમાં અમુક નબળાઈ છે. એ સાંભળીને અમારું કાળજું વીંધાઈ ગયું.’ મારકુસની મમ્મી, ઍની કહે છે: ‘મને કહેવામાં આવ્યું કે મારકુસના મગજમાં થોડી નબળાઈ છે. એ વખતે હું વિચારવા લાગી કે સમાજ તેની સાથે કેવી રીતે વર્તશે? પછી તરત જ મેં એવું બધું વિચારવાનું છોડી દીધું. મેં એના પર ધ્યાન આપ્યું કે શું કરવાથી હું તેને મદદરૂપ બની શકું.’ ઇમગાર્ડે પણ એવું જ કર્યું. તે કહે છે: ‘ડૉક્ટરે અમને કહ્યું કે અમારી દીકરી યુનિકેના મગજમાં ખામી છે. ત્યારે મારા મનમાં એ જ વિચારો આવ્યા કરે કે મારી દીકરીને કેવી રીતે મદદ કરું.’ ડૉક્ટર પાસેથી એવો રિપોર્ટ સાંભળ્યા પછી સિર્કકા, ઍની અને ઇમગાર્ડ જેવા માબાપ શું કરી શકે?

શારીરિક અને માનસિક રીતે નબળાં બાળકો માટે અમેરિકામાં નેશનલ ડિસેમિનેશન સેન્ટર છે. તેઓનું કહેવું છે: ‘સૌ પ્રથમ તમે બાળકની બીમારી કે નબળાઈ વિષે માહિતી ભેગી કરો. જેમ કે, આવાં બાળકોને મદદ કરવા સમાજમાં કેવી વ્યવસ્થા છે? તમારું બાળક જાતે હાથ-પગ અને મગજથી બને એટલું કામ લઈ શકે એ માટે તેઓને ટ્રેનિંગ આપવા તમે શું કરી શકો?’ પછી એ મુજબ કામ કરવાથી તમે બાળકની સારી રીતે સંભાળ લઈ શકશો.

નિરાશામાં આશાનું કિરણ

નાના બાળકને મગજની બીમારી હોય ત્યારે નિરાશ થઈ જવાય છે. તોપણ નિરાશામાં આશાનું કિરણ છે! કઈ રીતે? ચાલો ચાર કારણો જોઈએ.

એક તો, માબાપે એ જાણીને ખુશ થવું જોઈએ કે મોટા ભાગનાં આવાં બાળકોને બહુ દુઃખ સહેવું પડતું નથી. ડૉક્ટર રોબર્ટ આઈઝક્સને ‘મંદ બુદ્ધિનું બાળક’ નામના પોતાના અંગ્રેજી પુસ્તકમાં લખ્યું: ‘મોટા ભાગનાં આવાં બાળકો ખુશ હોય છે. તેઓને લોકો સાથે રહેવાનું ગમે છે. તેઓને સંગીત, અમુક રમતો, ચટપટી વાનગીઓ ખાવાનું અને મિત્રો સાથે હરવું-ફરવું પણ ગમે છે.’ જો કે તેઓમાં અમુક મર્યાદા હોવાથી તેઓ સામાન્ય બાળકની જેમ જીવનનો આનંદ માણી નહિ શકે. તોપણ તેઓ પોતાની નાની દુનિયામાં બીજાં બાળકો કરતાં ઘણાં ખુશ હોય છે.

બીજું, બાળક ખૂબ મહેનત કરીને નાનું નાનું કંઈક કામ કરે છે ત્યારે, એ જોઈને માબાપની છાતી ગજગજ ફૂલે છે. બાળક માટે કોઈ પણ નવું કામ શીખવું ઊંચા પહાડ પર ચઢવા જેવું હોય છે. અને જ્યારે તે એમાં સફળ થાય છે ત્યારે માબાપ અને બાળક બંન્‍નેની ખુશીનો પાર રહેતો નથી. દાખલા તરીકે, બ્રાયનને મગજમાં ગાંઠ કે ટયુબરસ સક્લેરોસિસ નામની બીમારી છે. તેને ખેંચ કે ફિટ આવે છે. તે બસ પોતાનામાં જ મસ્ત રહે છે. તે હોશિયાર છે છતાંય બોલી શકતો નથી. તેના હાથ કંટ્રોલમાં રહેતા નથી. આમ-તેમ ઊછળતા રહે છે. તોપણ તેણે ધીરે ધીરે પહેલાં અડધો કપ ભરેલું પાણી અને પછી આખો કપ ભરેલું પાણી પીવાની કોશિશ કરી. ઘણી મહેનત પછી બ્રાયન હવે તન-મનથી કામ લઈને પોતાનું મનપસંદ દૂધ જાતે જ પી શકે છે.

બ્રાયને તેના મમ્મી-પપ્પાની નજરે પોતાની નબળાઈ પર અમુક હદે જીત મેળવી છે. તેની મમ્મી લાઉરી કહે છે: ‘જંગલમાં ઊગતા ટીક કે સાગની સાથે અમે અમારા દીકરાને સરખાવીએ છીએ. ખરું કે સાગનું ઝાડ બીજાં ઝાડની જેમ ઝડપથી નહિ પણ ધીરે-ધીરે વધે છે. તોપણ તેમાંથી સૌથી સારું લાકડું મળે છે. એવી જ રીતે માનસિક રીતે અપંગ બાળકોના મગજ પણ ધીમે-ધીમે વિકસે છે. તોપણ તેઓના મમ્મી-પપ્પાને મન તેઓ સાગ અને ઑક જેવા ખૂબ જ કીમતી છે.’

ત્રીજું, બાળક પોતાના મમ્મી-પપ્પાને જે રીતે વહાલ કરે છે એનાથી તેઓના દિલમાં બાળક માટે અનેરો પ્રેમ જાગે છે. ઇમગાર્ડ કહે છે: ‘યુનિકેને વહેલા સૂઈ જવાની આદત છે. તે સૂવા જાય એ પહેલાં કુટુંબમાં બધાને પપ્પી કરીને જ જાય છે. અમે કોઈ વાર બહાર ગયા હોવાથી ઘરે મોડા આવીએ ત્યારે તે અચૂક આવી નાની ચિઠ્ઠી લખે છે: “તમારા આવતા સુધી હું જાગી ન શકી. માટે માફી માગું છું. હું તમને ખૂબ ખૂબ ચાહું છું. સવારે મળીશું.”’

મારકુસ બોલી શકતો નથી. છતાંય તે ખૂબ મહેનત કરીને સાઈન-લેંગ્વેજમાં એટલે ઇશારાની ભાષામાં તેના મમ્મી-પપ્પાને કહેતા શીખ્યો છે કે ‘હું તમને ખૂબ ચાહું છું.’ હવે તાયાનો વિચાર કરો. તેના મમ્મી-પપ્પા કહે છે: ‘તેના મગજનો બરાબર વિકાસ થયો નથી. તોપણ તે અમને ખૂબ ચાહે છે. અમને ખૂબ લાડ-પ્યાર કરે છે. તેણે અમારું જીવન ખુશીઓથી ભરી દીધું છે.’ આનાથી દેખાઈ આવે છે કે આવાં બાળકોને તેઓના મમ્મી-પપ્પાનો પ્રેમ, વહાલ, મમતાની જ ભૂખ હોય છે. માબાપે પોતાના વાણી-વર્તનમાં તેઓને વહાલ બતાવવાની ખૂબ જ જરૂર છે.

ચોથું, બાળક પરમેશ્વરમાં માનવા લાગે છે ત્યારે તેના મમ્મી-પપ્પાના દિલને ખૂબ ટાઢક વળે છે. જુહાનો દાખલો લો. તેના પપ્પા ગુજરી ગયા ત્યારે દફનવિધિ વખતે તેણે નાની પ્રાર્થના કરવા રજા માગી. એનાથી બધાને નવાઈ લાગી. તેણે ટૂંકી પ્રાર્થનામાં પૂરી શ્રદ્ધાથી કહ્યું કે ‘પરમેશ્વર તેના પપ્પાને સજીવન કરવાનું ભૂલશે નહિ. તે થોડા જ સમયમાં જીવતા થશે.’ પછી તેણે પ્રાર્થનામાં પોતાનાં કુટુંબના દરેકનું નામ લઈને પરમેશ્વરને કહ્યું કે તેઓને કોઈ પણ હાલતમાં મદદ કરે.

પરમેશ્વરમાં યુનિકેની શ્રદ્ધા જોઈને તેના મમ્મી-પપ્પા બહુ જ ખુશ થયા. યુનિકે જે શીખે છે એ બધું બરાબર સમજી શકતી નથી. તે બાઇબલ જમાનાની ઘણી વ્યક્તિઓ વિષે જાણે છે. પણ બાઇબલની બીજી જાણકારી સાથે તે વ્યક્તિ કઈ રીતે જોડાયેલી છે એ તે જાણતી નથી. તે જાણે છે કે એક દિવસ પરમેશ્વર આખી દુનિયામાંથી દુઃખોનો અંત લાવશે. પરમેશ્વરે વચન આપ્યું છે એ નવી દુનિયામાં તે જીવવા ચાહે છે. તે એ દિવસની રાહ જુએ છે જ્યારે તેના મગજની નબળાઈ ગઈ ગુજરી વાત બની જશે.

બાળકને જાતે કામ કરતા શીખવો

મગજની નબળાઈવાળાં બાળકો, હંમેશાં બાળકો રહેતા નથી. તેઓ મોટાં થાય છે. પણ તેઓમાં મગજની નબળાઈ તો રહે જ છે. તેથી એવાં બાળકોનાં માબાપે તેમને અમુક કામ જાતે કરતા શીખવવું જોઈએ. મારકુસની મમ્મી ઍની કહે છે: ‘મારકુસનું કામ અમે જાતે કરી લઈએ એ અમારા માટે ઘણું સહેલું હતું. તોપણ તે પોતાનું કામ જાતે કરી શકે એ રીતે અમે તેને મદદ કરતા.’ યુનિકેની મમ્મી કહે છે: ‘યુનિકેમાં ઘણા સારા ગુણો છે. પણ તે ઘણી વાર જીદ્દી બની જાય છે. તેને જે કામ ન કરવું હોય એ કરાવવા અમને ઘણી વાર તેને ઘણા કાલાવાલા કરવા પડે છે. તે અમને રાજી રાખવા કોઈ કામ કરવા તૈયાર થશે. તોપણ એ કામ પૂરું ન થાય ત્યાં સુધી તેને ઉત્તેજન આપવું પડે છે.’

બ્રાયન પોતાની જાતે જીવતા શીખે એ માટે તેની મા લૉરી કાયમ નવી નવી રીતો અજમાવતી હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી લૉરી અને તેના પતિ, બ્રાયનને કૉમ્પ્યુટર પર ટાઇપિંગ શીખવી રહ્યા છે. હવે તે ખુશી ખુશી પોતાનાં મિત્રો અને સગાં-વહાલાંને ઈ-મેલ કરી શકે છે. પહેલાં ટાઇપિંગ કરતી વખતે તેના મમ્મી-પપ્પા તેના કાંડાને ટેકો આપતા. હવે ધીરે ધીરે તેને કાંડાને બદલે કોણીએ ટેકો આપે છે. તેઓ જાણે છે કે એક દિવસ તે ધીરે ધીરે પોતાની જાતે ટાઇપ કરી શકશે.

તોપણ માબાપે હંમેશા યાદ રાખવું જોઈએ કે પોતાનાં બાળક પાસેથી ગજા ઉપરાંત કામ ન કરાવે. દરેક બાળકમાં એક સરખી ક્ષમતા હોતી નથી. ‘ખાસ બાળક’ નામનું અંગ્રેજી પુસ્તક કહે છે: “બાળક પોતાનું કામ જાતે કરતું હોય ત્યારે તેને જરૂર હોય એટલી જ મદદ આપવી. વધારે પડતી નહિ. નહિતર તે કંટાળી જશે.”

સૌથી સારી મદદ

માબાપે યાદ રાખવું જોઈએ કે મગજની નબળાઈવાળા કે અપંગ બાળક સાથે પ્રેમ અને ધીરજથી કામ લેવું જોઈએ. જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવે ત્યારે ઘણા માબાપ હિંમત હારી જાય છે. એની તેઓના જીવન પર અવળી અસર પડે છે. તેઓનું હૈયું વીંધાઈ જાય છે. આંખોમાંથી આંસુ સરી પડે છે. તેઓ લાચાર બની જાય છે. આવા સંજોગોમાં તેઓને ક્યાંથી મદદ મળી શકે?

તેઓ પરમેશ્વરને પ્રાર્થના કરી શકે. તે જરૂર ‘પ્રાર્થના સાંભળશે.’ (ગીતશાસ્ત્ર ૬૫:૨) મુશ્કેલીઓનો સામનો કરવા તે હિંમત અને શિક્ત આપશે. તેમ જ, નવી દુનિયા વિષે યહોવાહનાં વચનોમાં ભરોસો મૂકવા મદદ કરશે. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૨; ગીતશાસ્ત્ર ૨૭:૧૪) તે આપણું દુઃખ હળવું કરવા દિલાસો આપશે. તે ચાહે છે કે તેમણે બાઇબલમાં આપેલી ‘આશામાં’ આપણે ‘આનંદ’ માણીએ. (રૂમી ૧૨:૧૨; ૧૫:૪, ૫; ૨ કોરીંથી ૧:૩, ૪) પરમેશ્વરમાં ભરોસો રાખતા માબાપે ભૂલવું ન જોઈએ કે બહુ જલદી એવો સમય આવશે જ્યારે, ‘આંધળાઓ દેખતા થશે. બહેરાઓ સાંભળતા થશે. લંગડાઓ ચાલી શકશે. મૂંગાઓ ગાઈ શકશે.’ તમારી આંખના તારા જેવાં બાળકો યુવાનીનો ખરો આનંદ માણી શકશે. ત્યારે કોઈ બીમારી કે અપંગતાનું નામનિશાન નહિ હોય.—યશાયાહ ૩૫:૫, ૬; ગીતશાસ્ત્ર ૧૦૩:૨, ૩. (g 4/06)

મા-બાપ કઈ રીતે મદદ કરી શકે?

તમારા બાળકની બીમારી વિષે જાણો.

નિરાશ ન થાઓ. સારું વિચારતા રહો.

બાળકને પોતાનું કામ જાતે કરતા શીખવો.

પરમેશ્વર પર શ્રદ્ધા રાખો. તેમની પાસેથી હિંમત અને શક્તિ માંગો.

બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?

બાળકની જેમ કાલું-કાલું નહિ પણ તેની ઉંમર પ્રમાણે તેની સાથે દિલથી વાત કરો.

માબાપ સાથે તેઓનાં બાળક વિષે વાત કરો. તેઓ બાળકની જે રીતે કાળજી રાખે છે એ માટે તેઓના વખાણ કરો.

બાળકના માબાપની લાગણી સમજો.

મગજની નબળાઈવાળાં બાળકોનાં માબાપ અને તેઓનાં કુટુંબ સાથે રમત-ગમત કે હરવા-ફરવા માટે સમય કાઢો.

[પાન ૧૮ પર બોક્સ/ચિત્ર]

બીજાઓ કઈ રીતે મદદ કરી શકે

લાંબા અંતરની કે મૅરેથોન દોડમાં ખેલાડીઓ ધીરજથી દોડે છે. એવી જ રીતે મગજની નબળાઈવાળાં બાળકને તેમનાં માબાપ દિન-રાત ધીરજ રાખીને પ્રેમથી મોટાં કરે છે. તેઓના આપણે સાચે જ વખાણ કરવા જોઈએ. મૅરેથોન જોવા જતા લોકો રેસમાં દોડતા લોકોને રસ્તામાં પાણીની બૉટલ આપતા હોય છે, જેથી તેઓ દોડતા રહી શકે. એ જ રીતે મગજની નબળાઈવાળાં બાળકને મોટું કરવામાં જીવન ઘસી નાખનારા માબાપને શું તમે ઉત્તેજન અને મદદ આપી શકો?

મદદ આપવાની એક આસાન રીત છે, તેઓના દીકરા કે દીકરી સાથે વાત કરો. શરૂઆતમાં તમને એ થોડું અજુગતું લાગશે. કેમ કે બાળક કદાચ તમારી સાથે વાત ન કરે. અથવા તે જે કહે એ તમને ન સમજાય. તોપણ યાદ રાખો કે એવા ઘણાં બાળકોને બીજાની વાતો સાંભળવાનું ગમે છે. તમે જે કહેશો એના પર તેઓ કદાચ ઊંડો વિચાર પણ કરે. અમુક કિસ્સાઓમાં તેઓનાં ચહેરાં પરથી આપણને ખબર પણ નહિ પડે કે તેઓ શું વિચારે છે. *

એવાં બાળકો સાથે કેવી રીતે વાતચીત કરવી એના વિષે બાળકોના ડૉક્ટર ઍન્‍નીકી કૉઇસ્ટીન સલાહ આપે છે: ‘શરૂઆતમાં તમે તેઓના કુટુંબ વિષે કે ટાઇમ-પાસ કરવા તે શું કરે છે એ પૂછી શકો. તેઓની ઉંમર પ્રમાણે વાત કરો. નાનાં બાળક સાથે વાત કરતા હોય એમ વાત ન કરો. એક સમયે એક જ વિષય પર વાત કરો. એ પણ નાનાં-નાનાં વાક્યોમાં. તમે શું કહો છો એ વિચારવા તેઓને સમય આપો.’

બાળકોના માબાપ પણ ચાહે છે કે તેઓ સાથે કોઈ વાત કરનાર હોય. તમે તેઓ સાથે વાત કરશો, તેઓની લાગણીઓ સમજશો તો, તેમનું દર્દ સારી રીતે સમજી શકશો. દાખલા તરીકે, મારકુસની મમ્મી ઍની ચાહે છે કે તે પોતાના ચાંદના ટુકડાને સારી રીતે સમજી શકે. તે બોલી શકતો ન હોવાથી તેની મમ્મીને જણાવી શકતો નથી કે પોતે શું વિચારી રહ્યો છે. તેથી ઍની ઘણી વાર નારાજ થઈ જાય છે. ઍનીને ચિંતા કોરી ખાય છે કે ‘હું મરી જઈશ તો મારકુસનું શું થશે.’

માબાપ આવાં બાળકોની ખૂબ કાળજી રાખે છે. તોપણ તેઓને એવું જ થયા કરે કે બાળકોની હજુ વધારે સંભાળ રાખવી જોઈએ. બ્રાયનની સંભાળ રાખવામાં જો જરાક પણ ભૂલ થઈ જાય તો, લૉરી પોતાને જ દોષ આપતી. બીજાં બાળકો પ્રત્યે વધારે ધ્યાન આપી ન શકવાને લીધે તેનું દિલ ડંખતું. આવા માબાપ સાથે વાત કરો. તેઓની લાગણી સમજો અને તેમના વખાણ કરો. એનાથી તમે તેમને આદર આપશો. એમ કરવાથી તેઓને અને તેઓનાં બાળકોને પણ ઉત્તેજન મળશે કે કોઈક અમારી સાથે છે. એના વિષે ઈમગાર્ડ કહે છે: ‘મારી દીકરી વિષે કોઈ વાત કરે તો મને ગમે છે. યુનિકે અને મારા સુખ-દુઃખમાં સાથ આપે છે તેઓ માટે મને બહુ માન છે.’

તમે બીજી ઘણી રીતોએ તેઓને મદદ કરી શકો છો. તમે એવા માબાપને અને તેમનાં બાળકોને તમારા ઘરે બોલાવી શકો. તેઓને તમારા કુટુંબ સાથે રમત-ગમતમાં ભાગ લેવા કે હરવા-ફરવા લઈ જઈ શકો. અથવા બાળક સાથે અમુક કલાક ગાળી શકો, જેથી તેઓનાં માબાપને થોડો આરામ મળે.

[ફુટનોટ]

^ મે ૮, ૨૦૦૦ (અંગ્રેજી) સજાગ બનો!માં આ લેખ જુઓ: ‘ખામોશીની દુનિયામાંથી લૉઈડા બહાર આવી.’

[પાન ૧૮ પર ચિત્ર]

માબાપ અને બાળકને ખરો પ્રેમ બતાવવાથી તેઓનું માન વધશે

[પાન ૧૯ પર ચિત્ર]

યુનિકેની જેમ, મગજની નબળાઈવાળાં બાળકો મોટાં થાય તેમ તેઓને પ્રેમની જરૂર છે

[પાન ૨૦ પર ચિત્ર]

લાઉરીએ પોતાના દીકરા બ્રાયનને ટાઇપ કરવા અને પોતાનું કામ જાતે કરવા મદદ કરી