સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માસિક વિષે દીકરીને પહેલેથી સમજાવો

માસિક વિષે દીકરીને પહેલેથી સમજાવો

માસિક વિષે દીકરીને પહેલેથી સમજાવો

યુવાનીનાં કુમળાં વર્ષો. મોટા ફેરફારોનો સમય. છોકરીઓમાં એક ફેરફાર ચોક્કસ થાય છે. તેઓને પિરિયડ કે ‘માસિક આવવાનું શરૂ થાય છે.’

આ કુમળી ઉંમરે છોકરીઓને માસિક કે પિરિયડનો સમય મુશ્કેલ લાગી શકે. શું કરવું, શું ન કરવું કંઈ સમજાય નહિ. આ ઉંમરે શરીરમાં ઘણા ફેરફારો થતા હોવાથી, માસિકમાં મન મૂંઝાઈ જઈ શકે. પહેલા પહેલા પિરિયડમાં ઘણી છોકરીઓ ડરી જાય છે. ચિંતા કરે છે. કેમ એવું? મોટે ભાગે માસિક વિષે સાચી-ખોટી વાતો જાણવા મળી હોય છે. અરે, કોઈ વાર તો તેઓને કંઈ ખબર જ નથી હોતી.

પરંતુ, જે દીકરીઓને માસિક વિષે પહેલેથી, પ્રેમથી સમજણ આપવામાં આવી હોય છે, તેઓ તૈયાર હોય છે. પિરિયડ આવે ત્યારે ગભરાઈ જતી નથી કે ચિંતા કરતી નથી. અમુક રિપૉર્ટ પ્રમાણે, મોટા ભાગની છોકરીઓને પહેલેથી એની સમજણ આપવામાં આવતી નથી. ત્રેવીસ દેશોમાં એના પર સર્વે કરવામાં આવ્યો. એમાંથી લગભગ ત્રીજા ભાગની છોકરીઓએ જણાવ્યું કે તેઓને પહેલેથી તૈયાર કરવામાં આવી ન હતી. માસિક આવ્યું ત્યારે તેઓને ખબર ન હતી કે શું કરવું.

એક રિપૉર્ટ મુજબ માસિક શરૂ થવા પહેલાં જોઈતી મદદ મળી ન હતી એવી સ્ત્રીઓને બહુ કડવા અનુભવ થયા હતા. એ રિપૉર્ટમાં પોતાના અનુભવની વાત કરતી વખતે સ્ત્રીઓએ ‘ગભરાટ,’ ‘આઘાત,’ ‘શરમ’ અને ‘ડર’ જેવા શબ્દો વાપર્યા.

મોટે ભાગે લોકો લોહી જોઈને ડરી જાય છે. એવું વિચારવા લાગે કે લોહી નીકળે એટલે કંઈ વાગ્યું જ હશે. અથવા તો બહુ દુખશે. છોકરીઓને જો પહેલેથી પિરિયડ માટે તૈયાર કરવામાં ન આવે, પ્રેમથી સમજણ આપવામાં ન આવે, તો તેઓ ડરી જાય એમાં નવાઈ નથી. તેઓ લોકોની સાચી-ખોટી વાતો પણ માનવા લાગે કે માસિક કોઈ રોગ છે. અથવા પિરિયડની વાત ન કરાય. પોતાને કંઈ વાગી ગયું છે, એટલે લોહી નીકળ્યું છે.

તમારી લાડલી દીકરીને વહાલથી જણાવો કે દરેક છોકરીને માસિક આવે છે. એ તંદુરસ્તીની નિશાની છે. માબાપ તરીકે તમે તેને પ્રેમથી મદદ કરો, જેથી તે ગભરાય કે શરમાય નહિ. કોઈ ચિંતા ન કરે. કઈ રીતે તમે એમ કરી શકો?

માબાપ ઘણી મદદ કરી શકે

પિરિયડ વિષે ઘણી રીતે જાણી શકાય છે. જેમ કે, સ્કૂલના ટીચરો, ડૉક્ટરો, પુસ્તકો-મૅગેઝિનો. અરે માસિક વિષે શીખવતી ફિલ્મ પણ મળી શકે. ઘણાં માબાપનો અનુભવ છે કે એ માહિતીથી બહુ મદદ મળે છે. એનાથી સમજી શકાય છે કે માસિક શા માટે આવે છે, શરીરમાં કેવા ફેરફાર થાય છે, એ વખતે કેવી ચોખ્ખાઈ રાખવી જોઈએ. પણ કદાચ તમારી દીકરીને એવા સવાલ હોય, જેના જવાબ એમાંથી ન પણ મળે. એવું પણ બની શકે કે છોકરીઓ જાણતી હોય કે પિરિયડ આવે ત્યારે શું કરવું. તોપણ લાગણીઓમાં આવતા ઉતાર-ચઢાવ તેઓને બહુ મુશ્કેલ લાગી શકે.

દાદી-નાની, મોટી બહેનો અને ખાસ કરીને મા પોતાની દીકરીને માસિક વિષે સારી સમજણ આપી શકે. સાથ આપી શકે, પ્રેમ આપી શકે. મોટા ભાગે છોકરીઓ પિરિયડ વિષે પોતાની મમ્મી પાસેથી વધારે મદદ ચાહે છે.

પપ્પા વિષે શું? ઘણી છોકરીઓને પિરિયડ વિષે પપ્પાને વાત કરવાની શરમ આવે છે. અમુક માને છે કે એવા સમયે તેઓના પપ્પા બસ સમજી-વિચારીને વર્તે. અમુક ચાહે છે કે પપ્પાએ એમાં પડવાની જરૂર નથી.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણા દેશોમાં એવા કુટુંબો વધતા જાય છે, જેમાં એકલા પિતા ઘર સંભાળતા હોય. * એવો સમય આવશે કે ઘણા પિતાઓએ પોતાની દીકરીઓને માસિક વિષે સમજણ આપવી પડશે. એટલે તેઓએ પિરિયડ વિષે, શરીરમાં થતા ફેરફારો વિષે થોડું-ઘણું તો જાણવું જ પડશે. પછી જ પોતે દીકરીને સારી રીતે સમજી શકશે. એ માટે પિતા પોતાની મા અથવા બહેન પાસેથી વધારે મદદ માંગી શકે.

માસિકની વાત ક્યારે કરવી?

માસિકની શરૂઆત કયા વર્ષે થાય છે? કોઈને ૮ વર્ષની નાની વયે થાય, તો કોઈને ૧૬ કે ૧૭ વર્ષની ઉંમરે પણ શરૂ થાય. અમેરિકા, દક્ષિણ કોરિયા અને પશ્ચિમ યુરોપના અમુક દેશોમાં ૧૨-૧૩ વર્ષની ઉંમરે છોકરીઓને માસિક શરૂ થઈ જાય છે. આફ્રિકા અને એશિયાના અમુક દેશોમાં થોડી મોટી ઉંમરે. જેમ કે, નાઇજીરિયામાં લગભગ ૧૫ વર્ષે છોકરીઓને માસિક આવે છે. માસિક શરૂ થવાના સમય પર ઘણી બાબતોની અસર પડી શકે. જેમ કે, શરીરનો બાંધો, વારસો, પૈસે-ટકે સુખી કે દુઃખી, ખોરાક, કસરત. તેમ જ કેટલી ઊંચાઈએ ઘર છે એની અસર પડે છે.

તમારી દીકરીને પહેલી વાર માસિક આવે એ પહેલાં તેની સાથે વાત કરો તો સારું. એટલે કે છોકરીઓ લગભગ આઠેક વર્ષની થાય ત્યારથી જ, તેને શરીરમાં થતા અમુક ફેરફારો અને માસિક વિષે વાત કરવાનું શરૂ કરવું જોઈએ. કદાચ તમને લાગશે કે ‘હજુ તો દીકરી નાની છે.’ પણ જો એ ૮થી ૧૦ વર્ષની હોય, તો તેના હોર્મોનમાં ફેરફારો થવા લાગ્યા હશે. એના કારણે ધીરે ધીરે તેના શરીરમાં પણ ફેરફારો થતા જશે. તમે શરીર પરના ફેરફારો જોઈ શકશો. જેમ કે, છાતી વધવા લાગશે, શરીર પર વાળ ઊગવા. અમુક છોકરીઓને માસિક શરૂ થતાં પહેલાં જ, ઊંચાઈ અને વજન અચાનક વધી જાય છે.

આ વિષે કઈ રીતે વાત કરવી?

માસિક શરૂ થવાનું હોય એવી છોકરીઓને, એ જાણવાની બહુ ચટપટી હોય છે કે શું થાય છે અને શું નહિ. એ વિષે સ્કૂલમાં તો છોકરીઓ જાત-જાતની વાતો કરતી હોય છે. તેથી તેઓને સવાલો તો ઘણા હોય છે, પણ પૂછવા કઈ રીતે? તેઓને એ વિષે વાત કરતા શરમ પણ લાગતી હોઈ શકે.

માબાપની હાલત પણ એવી જ હોઈ શકે. ખાસ કરીને પિરિયડ વિષે મા પોતાની વહાલી દીકરીને સારી રીતે સમજાવી શકે. પણ મોટે ભાગે તેઓને અઘરું લાગે છે અથવા ખબર નથી કે શું કહેવું, કેવી રીતે કહેવું. કદાચ તમારી પણ એ જ હાલત હોય. એ વિષે તમે તમારી દીકરી સાથે કઈ રીતે વાત શરૂ કરી શકો?

આજકાલ તો તેર વર્ષથી નાની છોકરીઓ પણ માસિક વિષેની સાદી, સાચી માહિતી સમજી શકે છે. જેમ કે પિરિયડ કેટલી વાર આવે? કેટલા દિવસ આવે? શરીરમાંથી કેટલું લોહી વહી જાય? એટલે માસિક વિષે શરૂઆતમાં એવી વાતો કરી શકાય, જે દીકરીને તરત જ કામ આવી શકે. એ પણ કહી શકાય કે માસિક આવ્યું એમ કેવી રીતે ખબર પડશે, તેને કેવું લાગશે. બીજું શું થઈ શકે.

અમુક સમય પછી, માસિક શા માટે આવે છે, એની વાત કરી શકાય. મોટે ભાગે એ માહિતી તમને લાઇબ્રેરી કે બુક સ્ટૉલમાંથી કે પછી ડૉક્ટર પાસેથી મળી શકે છે. એનાથી તમે વધારે સારી રીતે સમજાવી શકશો. અમુક છોકરીઓ એ પોતે જ વાંચવાનું પસંદ કરે છે. જ્યારે કે અમુક છોકરીઓ મમ્મી સાથે એ વાંચવાનું પસંદ કરશે.

તમે મા-દીકરી એકલા હોવ ત્યારે આ વિષે વાત શરૂ કરી શકો. સાદી વાતચીતથી શરૂઆત કરો. જેમ કે, હવે તે ધીમે ધીમે ઉંમરે અને શરીરે યુવાન થતી જાય છે. પછી કદાચ આમ કહી શકો: ‘બધી જ છોકરીઓ મોટી થતી જાય તેમ તેના શરીરમાં અમુક ફેરફારો થાય છે. તને પણ થશે. તને ખબર છે કે શું થશે?’ અથવા મમ્મી પોતાના વિષે જણાવી શકે: ‘હું તારા જેટલી હતી ત્યારે મને થતું કે પિરિયડ આવે ત્યારે શું થતું હશે. અમે સ્કૂલમાં મારી બહેનપણીઓ સાથે એની વાતો કરતા. શું તારી બહેનપણીઓ પણ આ વિષે વાત કરે છે?’ પિરિયડ વિષે તેને શું ખબર છે એ જાણી લો. કોઈ ગેરસમજ હોય તો, એ સમજાવો. બની શકે કે પિરિયડ વિષે શરૂ શરૂમાં વાત કરો ત્યારે, તમારી દીકરી કંઈ જ ન કહે અને તમારે જ બોલ-બોલ કરવું પડે.

જ્યારે પહેલી વખત માસિક આવ્યું ત્યારે તમને કેવું લાગ્યું હતું? તમે પોતાના અનુભવ પરથી તમારી દીકરી સાથે વાત કરી શકો. દાખલા તરીકે, તમારે શું જાણવાની જરૂર હતી? તમારે શું જાણવું હતું? શાનાથી તમને મદદ મળી? માસિકના ફાયદા અને તકલીફો બંને વિષે સાચી અને સાદી માહિતી આપવાની કોશિશ કરો. સવાલના જવાબ આપવા તૈયાર રહો.

ધીરે-ધીરે સમજણ આપતા રહો

માસિક વિષે ધીરે ધીરે સમજણ આપવી જોઈએ. એક જ વખતે શરૂઆતથી અંત સુધીની બધી જ માહિતી દીકરી પર ઠાલવી ન દો. એક સાથે ઘણી બધી માહિતી આપવાથી એ ગૂંચવાઈ જશે. બાળકો કોઈ પણ વાત ધીરે ધીરે સમજે છે. પિરિયડ વિષે અલગ અલગ સમયે વાત કરવાની જરૂર પડી શકે. છોકરીઓ મોટી થાય તેમ, વધારે ને વધારે સમજી શકશે.

બીજું કે દીકરી મોટી થતી જાય તેમ માસિક વિષેના તેના વિચારો બદલાઈ શકે. તમારી દીકરી પિરિયડ વિષે વધારે સમજવા લાગે તેમ, તેને નવા સવાલો ઊભા થઈ શકે. તમારે ધીરે-ધીરે તેના સવાલોના જવાબ આપતા રહેવું પડશે. તમારી દીકરીની ઉંમર અને સમજ પ્રમાણે તેની સાથે વાતચીત કરીને મદદ આપો.

તમે વાતની શરૂઆત કરો

તમારી દીકરીને માસિક વિષે વાત કરવામાં કોઈ રસ ન હોય તો, શું કરશો? કદાચ તેને આ પોતાની ખાનગી વાત લાગે. અથવા આ વિષે કેવા સવાલ પૂછવા એ વિચારવાનો સમય જોઈતો હોય. તે એમ પણ કહે કે પોતે બધું જ જાણે છે.

અમેરિકામાં લગભગ ૧૧ વર્ષની છોકરીઓનો એક સર્વે કરવામાં આવ્યો. એ છોકરીઓ માનતી હતી કે તેઓ પિરિયડ વિષે બધું જાણતી હતી, પોતે તૈયાર હતી. પણ વધારે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓની સમજણ અધૂરી હતી. અમુક સાચી-ખોટી વાતો પણ તેઓએ માની લીધી હતી. એટલે તમારી દીકરી કહે કે તેને બધુંય ખબર છે તોપણ, તમારે તેની સાથે વાત કરવી જોઈએ.

મોટા ભાગે તમારે દીકરી સાથે વાત શરૂ કરવી પડશે. સમય જાય એમ ધીરે-ધીરે એ વાતનો દોર ચાલુ રાખવો પડશે. એ માબાપની જવાબદારી છે. ભલે તમારી દીકરી પોતાના વર્તનથી બતાવે કે તેને એની જરૂર નથી, તોપણ હકીકતમાં તમારી મદદની જરૂર છે. તમને કોઈ વાર ચીડ ચડશે, તમે બરાબર મદદ નથી કરતા એવું પણ લાગે. હિંમત ન હારો. ધીરજ રાખો. પિરિયડ વિષે તેને પહેલેથી સમજણ આપવા, તમે જે મહેનત કરી છે એની તે સમય જતા કદર કરશે. (g 5/06)

[ફુટનોટ]

^ જાપાનમાં એકલા પિતા સંભાળ રાખતા હોય, એવાં કુટુંબોની સંખ્યા ૨૦૦૩માં સૌથી વધારે હતી. અમેરિકામાં એકલા હાથે બાળકોની સંભાળ રાખનારા દર છ કુટુંબોમાંથી એક કુટુંબની સંભાળ ફક્ત પિતા કરે છે.

[પાન ૧૧ પર બ્લર્બ]

તમારી દીકરીને પહેલી વાર માસિક આવે એ પહેલાં વાત કરો

[પાન ૧૩ પર બોક્સ]

વહાલી દીકરી સાથે માસિક વિષે કઈ રીતે વાત કરશો?

એ વિષે તે શું જાણે છે એ પૂછો. સાચી-ખોટી વાતોની સાચી સમજણ આપો. ધ્યાન રાખો કે તમારી અને તેની પાસેની માહિતી સાચી હોય.

તમારો અનુભવ જણાવો. માસિકની શરૂઆતનો તમારો પોતાનો અનુભવ તમારી દીકરીને ઘણી મદદ કરશે. તમારી પાસેથી તેને પ્રેમ અને હૂંફ મળશે.

પિરિયડ આવે ત્યારે શું કરવું? ઘણા સવાલોમાંનો એક ખાસ સવાલ: “સ્કૂલમાં મને પિરિયડ આવે તો શું કરું?” “મારે કેવા પેડ વાપરવા?” “કેવી રીતે વાપરવા?”

સાદી ભાષામાં હકીકત સમજાવો. તમારી દીકરીની ઉંમર અને સમજ પ્રમાણે સમજાવો.

ધીરે-ધીરે સમજણ આપતા રહો. તમારી દીકરી પહેલી વાર પિરિયડમાં આવે એ પહેલાં વાત કરો. એ પછી જરૂર હોય તેમ, એ વિષે તેની સાથે વાત કરતા રહો.

[પાન ૧૨, ૧૩ પર ચિત્ર]

તેને સમજો. તમારી દીકરીને એ ખાનગી વાત લાગે, એટલે એની વાત ન પણ કરે