સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સિલ્ક ‘રેસાની રાણી’

સિલ્ક ‘રેસાની રાણી’

સિલ્ક ‘રેસાની રાણી’

જાપાનના સજાગ બનો!ના લેખક તરફથી

જાપાની કિમોનો, ભારતની અમુક સાડી અને કોરિયન હાનબૉક જેવાં દુનિયાના સૌથી સુંદર કપડાં શાંમાથી બને છે? સિલ્કમાંથી. દુનિયાનું સૌથી સારું કાપડ. સિલ્કનાં કાપડ પર પડતો પ્રકાશ એક સરખો ચળકે છે, એટલે જ સિલ્ક કાપડની રાણી છે. એક જમાનામાં ફક્ત રાજા-મહારાજા જેવા અમીર લોકો જ એનાં વસ્ત્રો પહેરી શકતા. આજે બધા જ પહેરી શકે છે. એની સુંદરતાથી લોકો મુગ્ધ બની જાય છે. જોકે પહેલાંના સમયમાં આજની જેમ સહેલાઈથી સિલ્ક મળતું ન હતું.

વર્ષો પહેલાં ફક્ત ચીનના લોકોને જ સિલ્ક કે રેશમ બનાવતા આવડતું હતું. ચીનમાં સિલ્ક કેવી રીતે બનાવવામાં આવે છે એ વિષે જો કોઈ બહારના લોકોને જણાવી દે તો, તે દેશનો દુશ્મન ગણાતો. તેને મોતની સજા થઈ શકતી. એ કારણથી સિલ્ક ફક્ત ચીનમાં જ બનતું. એટલે એ બહુ જ મોંઘું વેચાતું. દાખલા તરીકે, રોમન રાજ્યમાં સિલ્ક સોનાની કિંમતે વેચાતું.

સમય જતાં ઈરાની લોકો સિલ્કના દલાલ બન્યા. તોપણ એની કિંમત આસમાને હતી. એટલે લોકો કોઈ દલાલ વગર સીધું જ સિલ્ક ખરીદવાનો પ્રયત્ન કરતા. જો કે તેઓ એમાં ફાવ્યા નહિ. બાયઝન્ટાઈન સમ્રાટ જસ્ટિનિયને એક ચાલાકી રચી. તેણે ઈસવીસન ૫૫૦ની આસપાસ મઠના બે સાધુઓને ચીનમાં મોકલ્યા. બહારથી એવું લાગ્યું કે તેઓ ધર્મનો પ્રચાર કરે છે. પણ હકીકતમાં તેઓ જાસૂસી કરતા હતા. ચીનમાં બે વર્ષ રહીને તેઓ પોતાના દેશમાં પાછા ચાલ્યા ગયા. પણ ખાલી હાથે નહિ. તેઓએ વાંસની લાકડીના પોલાણમાં કીમતી માલ ભર્યો હતો. માલમાં શું હતું? રેશમનાં કીડાનાં ઈંડાં. એનાથી સિલ્ક બનાવવાની ચીનની મૉનોપૉલી પડી ભાંગી.

સિલ્ક કેવી રીતે બને છે?

સિલ્ક શેમાંથી બને છે? રેશમના કીડા કે ફૂદાં મોંમાંથી જે લાળ કાઢે છે એમાંથી. રેશમના કીડા હજારો જાતના હોય છે. એ બધામાં સૌથી સારું રેશમ બનાવતો કીડો, ફૂદાની ઇયળ છે. એનું વૈજ્ઞાનિક નામ બોબૅક્સ મૉરી. રેશમી કાપડ બનાવવા માટે એના ઘણા કીડા જોઈએ. એ કારણથી લોકો રેશમના કીડા ઉછેરવા લાગ્યા. આજે જાપાનમાં લગભગ ૨,૦૦૦ જેટલાં કુટુંબો રેશમના કીડા ઉછેરે છે. એમાં એક શ્રીમાન શૉઇચિ કાવાહારાડાનું કુટુંબ છે. તેઓ ગુન્મા વિસ્તારમાં રહે છે. રેશમ બનાવવું રમત વાત નથી. એ માટે તેઓએ સખત મહેનત કરવી પડે છે. રેશમના કીડા ઉછેરવા તેઓએ એક ટેકરીની બાજુમાં બે માળનું ઘર બાંધ્યું છે. ઘરની પાસે જ શેતૂરનાં (મલબેરી) વૃક્ષો છે ().

માદા ફૂદું લગભગ ૫૦૦ જેટલાં ઈંડાં મૂકે છે. એ ઈંડાં બહુ જ નાનાં હોય છે. લગભગ રાઈ કે ટાંકણીના માથા જેટલાં (). માદા ઈંડાં મૂકે એના વીસેક દિવસ પછી તેમાંથી નાની નાની ઇયળો નીકળે છે. તેઓ શેતૂરનાં પાન પર જીવે છે. રાત-દિવસ તેઓ શેતૂરનાં પાન ખાયા કરે (૩, ૪). ઇયળ ઈંડાંમાંથી બહાર નીકળે ત્યારે સાવ ટચૂકડી હોય છે. પણ અઢાર દિવસ સુધી શેતૂરનાં પાન ખાધા પછી તે સિત્તેર ઘણી મોટી થઈ જાય છે. એ સમયમાં તે ચાર વાર સાપની જેમ પોતાની કાંચળી ઉતારે છે.

શ્રીમાન શૉઇચિ કાવાહારાડ પાસે આશરે ૧,૨૦,૦૦૦ જેટલી રેશમની ઇયળો છે. તેઓ શેતૂરનાં પાન ખાતી હોય ત્યારે એવો અવાજ સંભળાય છે કે જાણે પાંદડાં પર ભારે વરસાદ પડતો હોય. ઈંડાંમાંથી નીકળેલી નાની ઇયળો સાવ ટચૂકડી હોય છે. પણ પુખ્ત થાય છે ત્યારે તેનું વજન ૧૦,૦૦૦ ઘણું વધી જાય છે! હવે તે કોશેટો બનાવવા તૈયાર છે.

રેશમ બનાવે છે

રેશમની ઇયળ પુખ્ત બની જાય ત્યારે એ સોનેરી-પીળા રંગની દેખાવા લાગે છે. તેઓ કોશેટો બનાવવા આમ તેમ દોડાદોડ કરે છે. એનાથી સમજી જવું કે તે હવે કોશેટો બનાવવા તૈયાર છે. તેઓ મોંમાંથી લાળ કાઢવાની જગ્યા શોધવા માટે દોડાદોડ કરે છે. ત્યારે તેઓને નાનાં નાનાં ખાનાંવાળા બૉક્સમાં મૂકવામાં આવે છે. એમાં તેઓ મોંમાંથી સફેદ અને એકદમ પાતળી લાળ કાઢે છે (), એ સ્લિકમાં તેઓ ઢંકાયેલી હોય છે.

શ્રીમાન શૉઇચિ કાવાહારાડ માટે આ સૌથી બીઝી સમય છે. કેમ કે ૧,૨૦,૦૦૦ ઇયળો લગભગ એક જ સમયે મોંમાંથી લાળ કાઢવા લાગે છે. તેઓ નાનાં નાનાં બૉક્સમાં લાળ કાઢે છે. એ બધા બૉક્સને બીજા માળે પવન લહેરાતા ઠંડા રૂમમાં લટકાવવામાં આવે છે. એ બધાને લટકાવવા અનેક લાઇનો કરવી પડે છે ().

એ સમયે રેશમની ઇયળના પેટમાં અદ્‍ભુત ફેરફાર થવા લાગે છે. શેતૂરનાં પાન હજમ થાય ત્યારે એમાંથી એક પ્રકારનું પ્રોટીન બને છે. એ પ્રોટીનને ઇયળ પોતાની બે લાળગ્રંથિ કે ગ્લૅન્ડમાં રાખે છે. એ ગ્રંથિઓ ઇયળ જેટલી જ લાંબી હોય છે. ઇયળ લાળગ્રંથિમાંથી પ્રોટીન બહાર કાઢે છે ત્યારે, એ તાર બનીને બહાર નીકળે છે. એ ગુંદર જેવા રસથી ઢંકાયેલા હોય છે. આ રસને સેરશિન કહેવાય. ઇયળના મોંમાંથી જે બે તાર બહાર નીકળે છે એ સેરશિનથી ચોંટેલા હોય છે. એ બહાર આવતા તરત જ સુકાઈને રેશમના પાતળા તારમાં બદલાઈ જાય છે.

ઇયળ એક વાર રેશમ બનાવવા લાગે, પછી એનામાં રહેલો રસ પૂરો ન થાય ત્યાં સુધી રેશમ બહાર નીકળ્યા જ કરે છે. આ ઇયળો એક મિનિટની અંદર ૩૦-૪૦ સેન્ટિમિટર લાંબો રેશમનો એક સળંગ તાર કાઢે છે. એ બહાર નીકળે તેમ ઇયળો પોતાનું માથું ગોળ-ગોળ ફેરવ્યા કરે છે. એના વિષેનો એક લેખ કહે છે, કે કોશેટો બની જાય ત્યાં સુધીમાં ઇયળે પોતાનું માથું લગભગ ૧,૫૦,૦૦૦ વાર ગોળ-ગોળ ફેરવ્યું હોય છે. ઇયળ આ રીતે પોતાનું માથું બે દિવસ અને બે રાત ફેરવતી રહે છે. એમ તે ૧,૫૦૦ મીટર લાંબો રેશમનો એક જ તાંતણો બનાવે છે!

એક અઠવાડિયામાં શૉઇચિ કાવાહારાડ ૧,૨૦,૦૦૦ કોશેટો ભેગાં કરીને કાપડની મિલમાં મોકલે છે. ત્યાં એનું કાપડ બને. જાપાની કિમોનો બનાવવા લગભગ નવ હજાર જેટલાં કોશેટો જોઈએ. ટાઈ બનાવવા એકસો ચાળીસ અને રેશમનો દુપટ્ટો (સ્કાર્ફ) બનાવવા સોએક જેટલા કોશેટા જોઈએ!

સિલ્કનું કાપડ કેવી રીતે બને છે?

રેશમના તારને કોશેટોમાંથી રીલ પર વીંટી લેવામાં આવે છે. રેશમને આ રીતે રીલ પર વીંટવાની શરૂઆત કોણે કરી? એના વિષે અનેક વાર્તાઓ છે. એમાંની એક આ પ્રમાણે છે: ચીની રાણી ઝીલિંગ્શી એક વાર ચા પીતી હતી ત્યારે, તેના કપમાં શેતૂરનાં ઝાડ પરથી કોશેટો પડ્યો. તેણે એ કપમાંથી બહાર કાઢ્યો ત્યારે સુંવાળા રેશમના રેસા જોવા મળ્યા. આ રીતે રેશમને રીલ પર ઉતારવાની પ્રથા શરૂ થઈ. જો કે આજે તો એ બધું મશીનથી થાય છે.

કોશેટાને વેચતા પહેલાં એની અંદરની ઇયળને મારી નાખવામાં આવે છે, જેથી એ બહાર નીકળી ન શકે. એમ કરવા એને ઊકળતાં પાણી કે ગરમ વરાળમાં રાખવામાં આવે છે. એમાંથી સારા-સારા કોશેટો રાખીને ખરાબ કોશેટો ફેંકી દેવામાં આવે છે. પછી કોશેટાને ગરમ પાણી કે સ્ટીમની ટાંકીમાં રાખવામાં આવે છે, જેથી કોશેટા પરનો ગુંદર જેવો રસ છૂટો પડી જાય. એમાંથી રેશમના તાર ગોળ-ગોળ ફરતા બ્રશ પર વીંટી લેવામાં આવે છે (). રેશમમાંથી તમને જોઈએ એવો દોરો બનાવી શકાય. તમને જાડો દોરો જોઈતો હોય તો બે, ત્રણ કે ચાર કોશેટાના તાર ભેગા કરીને એને કાંતવામાં આવે છે. રેશમના દોરા કાંત્યા પછી એને સૂકવવામાં આવે છે. પછી એ કાચો માલ મોટા બૉબીન કે રીલ પર જોઈતી લંબાઈ અને વજન પ્રમાણે વીંટવામાં આવે છે (૮, ૯).

તમે કદાચ રેશમનું કે હીરનું બનેલું કાપડ જોયું હશે. એ કેટલું લીસું, સુંવાળું અને રેશમી હોય છે, ખરું ને? એ લઈને તમને મોં પર ફેરવવાનું મન થયા કરશે. એ એટલું રેશમી અને સુંવાળું કેવી રીતે બને છે? એ તો ઇયળના મોંમાંથી નીકળતા તાર પરનો રસ કે સેરશિન કેવી રીતે છૂટું પાડવામાં આવ્યું છે, એના પર આધારિત છે. જો રેશમ પરથી એ રસ ઉતારવામાં ન આવ્યો હોય તો એનું કાપડ સુંવાળું નહિ, પણ બરછટ બનશે. એ રંગવું પણ એટલું જ અઘરું છે. સિફૉન કે જોર્જેટનું કાપડ બરછટ હોય છે. કેમ કે રેશમના તાર પરથી બધું જ સેરશિન કાઢી લેવામાં આવ્યું હોતું નથી.

બીજું કે રેશમના તારને કેટલો વળ ચડાવવામાં આવ્યો છે એના આધારે કાપડ સુંવાળું, લીસું અથવા બરછટ બનશે. જાપાનનું હાબૂટાઇ રેશમી કાપડ બહુ જ સુંવાળું હોય છે. એના તારમાં થોડોક જ વળ ચડાવવામાં આવે છે. એની સરખામણીમાં ક્રેપ કાપડ બનાવવા માટે રેશમમાં વધારે વળ ચડાવીને વણવામાં આવે છે. પછી એમાંથી સેરશિન ઓગાળીને કાઢી લેવામાં આવે છે. એટલે એનું કાપડ બરછટ હોય છે.

રેશમને કઈ રીતે રંગવામાં આવ્યું છે, એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. રેશમ રંગવું બહુ જ સહેલું છે. રેશમના તાર સહેલાઈથી રંગને શોષી લે છે. એટલે એક વાર રંગાયા પછી એમાંથી રંગ નીકળતો નથી. જ્યારે કે બનાવટી કાપડમાંથી રંગ નીકળે છે. રેશમ એવું કાપડ છે કે તમે ગમે તેવો રંગ વાપરો તોપણ એના સારાં પરિણામો આવે છે. એ કારણથી રેશમના તાર કાંત્યા પહેલાં કે પછી (૧૦) અથવા કાપડ વણ્યા પછી પણ સહેલાઈથી રંગી શકાય છે. મોટા ભાગના જાપાની ડ્રેસ કિમોનો વણાઈ ગયા પછી એના પર ચિત્ર દોરવામાં આવે છે. પછી એમાં હાથથી રંગ પૂરવામાં આવે છે. જાપાની ભાષામાં એને યૂજીન કહેવામાં આવે છે.

જો કે આજે મોટા ભાગના રેશમનું ઉત્પાદન ચીન અને ભારતમાં થાય છે. તોપણ ફ્રાંસ અને ઇટાલીના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર સિલ્કનાં કપડાં બનાવવામાં અને ડિઝાઇન કરવામાં નંબર લઈ જાય છે. આજે બજારમાં બનાવટી રેશમમાંથી બનેલાં અનેક વસ્ત્રો મળે છે, જે સસ્તાં હોય છે. જેમ કે રૅયન અને નાયલૉન. પણ એ સિલ્કની બરાબરી કરી શકે નહિ. જાપાનના યૉકૉહામા શહેરમાં આવેલ સિલ્ક મ્યુઝિયમના અધિકારી કહે છે, ‘આજની આધુનિક વૈજ્ઞાનિક શોધખોળથી પણ કોઈ બનાવટી રેશમ બનાવી શકે એમ નથી. અમે રેશમ વિષે બધું જ જાણીએ છીએ. એના કોષ કેવી રીતે બને છે એ પણ જાણીએ છીએ. તોપણ એની નકલ કરી શકતા નથી. તેથી રેશમ કેવી રીતે બને છે એ એક રહસ્ય છે.’ (g 6/06)

[પાન ૨૬ પર બોક્સ/ચિત્ર]

સિલ્ક કેવું છે

મજબૂતાઈ: સરખામણીમાં રેશમના રેસા, સ્ટીલના પાતળા તાર જેટલા મજબૂત હોય છે.

ચળકાટ: સિલ્કમાં મોતી જેટલો ચળકાટ હોય છે. કેમ કે રેશમ અનેક થરથી બનેલું હોય છે. એટલે એના પર પડતો પ્રકાશ કાપડ પર એક સરખો પ્રસરી જાય છે.

એનાથી ચામડીની એલર્જી થતી નથી: રેશમ અમુક પ્રકારના એમિનો ઍસિડથી બને છે. એનાથી ચામડીને ખરાબ અસર થતી નથી. કહેવામાં આવે છે કે સિલ્કના કપડાં પહેરવાથી મીઠી ખંજવાળ પણ આવતી નથી. મેકઅપ માટે વપરાતાં અમુક ક્રીમ અને પાવડરમાં પણ રેશમનો પાવડર વાપરવામાં આવે છે.

પસીનો ચૂસી લેનાર: એમિનો ઍસિડ અને જીણાં જીણાં કાણાં હોવાથી રેશમના તાર પસીનો શોષી લે છે. એટલે ગરમીમાં પણ પસીનાથી એનાં વસ્ત્ર ભીંજાતાં ન હોવાથી ઠંડા રહે છે.

જલદી આગ પકડતું નથી: સિલ્ક સહેલાઈથી આગ પકડતું નથી. તેમ જ બળતી વખતે એમાંથી ઝેરી ગૅસ નીકળતો નથી.

રક્ષણ આપે છે: સિલ્ક નુકસાનકારક કિરણો શોષી લે છે, તેથી ચામડીનું રક્ષણ થાય છે.

તણખા પેદા થતા ન હોવાથી કપડાં ચોંટતાં નથી: સિલ્કમાં પોઝિટિવ અને નૅગેટિવ બંનેવ કોષો છે. એ પસીનો ચૂસી લે છે. એટલે બીજા અમુક કપડાંની જેમ તેમાં ઘસાવાથી ઘર્ષણ કે વીજળી પેદા થતા નથી.

સિલ્કનાં કપડાંની સંભાળ

ધોવાની રીત: સિલ્કનાં કપડાં ડ્રાય ક્લીન કરાવવા જોઈએ. ઘરે હાથથી ધોવાના હો તો, હુંફાળા પાણીમાં (આશરે ૩૦ ડિગ્રી સેલ્સિયસ/૮૫ ડિગ્રી ફૅરનહાઇટ) થોડો જ પાવડર નાખવો જોઈએ. સાવ જ પોચા હાથે ધોવા. લોટની જેમ ગૂંદવા નહિ, કે નિચોવવાં નહિ. એને ડ્રાયરમાં નહિ, પણ ખુલ્લી જગ્યાએ સૂકવો.

ઇસ્ત્રી: રેશમના કપડાં પર બીજું કપડું મૂકીને ઇસ્ત્રી કરવી. કાપડમાં ઊભા અને આડા રેસા હોય છે, તેથી રેસાની રચના હોય એ જ દિશામાં ઇસ્ત્રી કરવી. ઇસ્ત્રીનું ટેમ્પરેચર આશરે ૧૩૦ ડિગ્રી સેલ્સિયસ કે ૨૬૦ ફૅરનહાઇટ રાખો. સ્ટીમ વાપરવાની જરૂર પડે તો બહુ ઓછી વાપરવી.

ડાઘ કાઢવા: તાત્કાલિક ડાઘ કાઢવા માટે કપડાંને ઊંધું કરીને સફેદ અને કોરા કાપડ પર પાથરવું. એના પર જરાક પાણીવાળો રૂમાલ રાખીને થબ-થબાવવું. પણ ઘસવું નહિ. પછી એને ડ્રાયક્લીન કરાવો.

કેવી રીતે સાચવશો? ભેજવાળી જગ્યાએ ન રાખો. કીડા-પતંગિયા પહોંચે નહિ એવી જગ્યાએ રાખો. ગાદીવાળા હેંગર પર લટકાવો, અથવા સપાટ જગ્યાએ રાખો. બહુ ગડીઓ વાળશો નહિ.

[પાન ૨૫ પર ચિત્ર]

રેશમનો કોશેટો

[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

Photos 7-9: Matsuida Machi, Annaka City, Gunma Prefecture, Japan; 10 and close-up pattern: Kiryu City, Gunma Prefecture, Japan